• Home
 • Dvb Original
 • Democratic candidate Joe Biden's policy paper criticizes Modi government over Kashmir and CAA, now Trump benefits from Indian vote

અમેરિકા ચૂંટણી / ડેમોક્રેટિક ઉમેદવાર બાઈડનના પોલિસી પેપરમાં કાશ્મીર-CAA અંગે મોદી સરકારની ટીકા, હવે ભારતીયોના મત માટે ટ્રમ્પને ફાયદો

X

 • એજન્ડા ફોર મુસ્લિમ અમેરિકન કમ્યુનિટી નામે પોલિસી અંતર્ગત બાઈડને મત વ્યક્ત કર્યો, મોદી સરકારે કાશ્મીરીઓના અધિકારનું રક્ષણ કરવું જોઈએ NRC-CAA અંગે કહ્યુંઃ મોદી સરકારનું વલણ ભારતની બિનસાંપ્રદાયિક પરંપરા જોતાં વિરોધાભાસી અને નિરાશાજનક
 • અમેરિકામાં વસતાં 34 લાખ મુસ્લિમોને રિઝવવા માટે બાઈડને ભારતવિરોધી વલણ અપનાવ્યું હોવાની લાગણીથી હિન્દુઓમાં રોષ

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 08:42 PM IST

નેશનલ ડેસ્ક. વર્ષાંતે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે અને હાલમાં તેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડન વર્તમાન પ્રમુખ અને રિપબ્લિક ઉમેદવાર ડોનાલ્ટ ટ્રમ્પ પર સરસાઈ ભોગવી રહેલા જણાય છે. જો બાઈડને હાલમાં જારી કરેલ પોલિસી પેપરમાં ભારતની મોદી સરકારના કાશ્મીર અંગેના વલણને ચિંતાજનક ગણાવ્યું છે તેમજ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ને પણ ભારતની બિનસાંપ્રદાયિક પરંપરા સાથે અસંગત ગણાવીને પોતે સત્તા પર આવશે તો આ અંગે ભારત સાથે કડક વલણ અખત્યાર કરશે એવું જણાવ્યું છે. બાઈડનના આ વલણને લીધે NRI મતદારોનું સમર્થન મેળવવાનું ટ્રમ્પ માટે આસાન બની શકે છે.

શું છે પોલિસી પેપર?
અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના બંને પ્રતિસ્પર્ધી ઉમેદવારો વિવિધ વિષયો પર પોતાની નીતિ કેવી હશે તેનો અછડતો પરિચય પોલિસી પેપરના માધ્યમથી જાહેર કરતાં હોય છે. ક્યારેક મહત્વના મુદ્દે બંને ઉમેદવારો વચ્ચે જાહેર ડિબેટ પણ યોજાતી હોય છે. વૈશ્વિક પથારો ધરાવતા અમેરિકા માટે પ્રમુખપદનો ઉમેદવાર વૈશ્વિક રાજનીતિ અને કૂટનીતિમાં કેવો દૃષ્ટિકોણ ધરાવે છે તેના પર સમગ્ર વિશ્વની નજર હોય છે. કારણ કે આ પોલિસી પેપરના આધારે જે-તે પ્રમુખની નીતિનો અંદાજ મળી શકે છે.

જો બાઈડનની પોલિસી

 • ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડનના કેમ્પેનની સત્તાવાર વેબસાઈટ www.joebiden.com પર હાલમાં મૂકાયેલ પોલિસી પેપરમાં એજન્ડા ફોર મુસ્લિમ અમેરિકન કમ્યુનિટી શીર્ષકથી મૂકાયેલ નીતિગત હાઈલાઈટ્સ www.joebiden.com/muslimamerica/ અંતર્ગત પ્રસિદ્ધ થયેલી છે. એ મુજબ, ચીનના ઉઈગર, મ્યાનમારના રોહિંગ્યા અને ભારતમાં કાશ્મીરના મુસ્લિમો સંબંધિત અભિપ્રાય આ પ્રમાણે રજૂ કરવામાં આવ્યો છે.
 • મુસ્લિમ બહુમતી ધરાવતા અથવા તો મુસ્લિમોની ભારે ઊંચી સંખ્યા ધરાવતા દેશોમાં મુસ્લિમો સાથે જે કંઈ થતું હોય તેની અમેરિકન મુસ્લિમોમાં ઊંડી અસર પડતી હોય છે. હું એમની લાગણી સમજી શકું છું.
 • ચીનમાં ઉઈગર મુસ્લિમોને કોન્સન્ટ્રેશન કેમ્પમાં રાખવામાં આવે છે એ બહુ જ શરમજનક છે. જો હું પ્રમુખપદે ચૂંટાઈશ તો આ અન્યાય સામે અવાજ ઊઠાવીને વિશ્વમત ઊભો કરીશ.
 • કાશ્મીરમાં સ્થાનિકોના અધિકારોનું પુનઃ સ્થાપન થાય એ માટે ભારત સરકારે જે કંઈ આવશ્યક હોય એ કરવું જોઈએ એવું હું માનું છું. વિરોધનો અવાજ દબાવી દેવો, મોરચાઓને પ્રતિબંધિત કરવા, ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવી વ. પગલાઓ બિનલોકતાંત્રિક છે.
 • NRC અને CAA મુદ્દે ભારત સરકારે દાખવેલ વલણ હતાશાજનક છે. સદીઓની બિનસાંપ્રદાયિક અને બહુરંગી પરંપરા ધરાવતા ભારતમાં આવી નીતિ વિરોધાભાસી છે.

સ્થાનિક હિન્દુઓનો ભારે વિરોધ
જો બાઈડેનના આ પોલિસી પેપરની જાહેરાત પછી તરત સ્થાનિક હિન્દુઓમાં ભારે રોષ ઊભો થયો હતો અને અમેરિકી સમાચાર માધ્યમોના અહેવાલ પ્રમાણે, હિન્દુઓનો એક મોટા સમૂહે બાઈડનની પ્રચાર ટીમ સાથે બેઠક યોજીને હિન્દુ અમેરિકન કમ્યુનિટી માટે પોલિસી પેપરની માગણી કરી હતી. અલબત્ત, બાઈડનની ટીમ તરફથી તેમને એવી કોઈ ખાતરી આપવામાં આવી નથી.

અત્યાર સુધી બાઈડનની ભારતમિત્ર તરીકેની છબી
બરાક ઓબામાના શાસન દરમિયાન 8 વર્ષ સુધી ઉપપ્રમુખ રહેલા જો બાઈડન ભારત પ્રત્યે મૈત્રીસભર વ્યવહાર માટે જાણીતા હતા. સેનેટર તરીકે પોતાની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન તેમણે અનેક પ્રસંગે ભારતતરફી વલણ દાખવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે પોતાના સત્તાવાર નિવાસસ્થાને તેમણે અનેકવાર દિવાળીની ઉજવણી પણ યોજી હતી. આથી પ્રમુખપદની ચૂંટણીમાં તેમના બદલાયેલા વલણથી સ્થાનિક ભારતીયોને આઘાત લાગ્યો છે.

અમેરિકામાં હિન્દુ કેટલાં, મુસ્લિમ કેટલાં?
બિનરાજકીય અમેરિકન સંસ્થા પ્યુ રિસર્ચ સેન્ટરના અંદાજ મુજબ, અમેરિકામાં મુસ્લિમોની વસ્તી આશરે 34 લાખ જેટલી છે, જેમાં દક્ષિણ એશિયન અને આરબ મુસ્લિમોનું પ્રમાણ સૌથી વધુ છે. જ્યારે હિન્દુઓની વસ્તી આશરે 22 લાખ જેટલી છે. અમેરિકાની કુલ વસ્તીના હિસાબે હિન્દુઓ અમેરિકામાં ચોથા નંબરના ધાર્મિક સમુદાયનો દરજ્જો ધરાવે છે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી