ભાસ્કર એક્સક્લૂસિવડિસેમ્બરની એર ટિકિટના ભાડામાં જબરદસ્ત ઉછાળો:પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા NRI ભક્તોનું ધડાધડ એડવાન્સ બુકિંગ, આસમાને પહોંચી શકે છે ભાવ

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી, એટલે કે એક મહિના સુધી ભવ્યાતિભવ્ય ઉજવણી થવાની છે. એના માટે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ( બી.એ.પી.એસ. ) દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહોત્સવનો સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં, બલકે સમગ્ર હિન્દુ સમાજમાં તેનો ઉત્સાહ અનેરો છે. પરિણામે, જ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે દેશવાસીઓ તો ખરા જ, પરંતુ વિદેશથી આવનારા લોકો પણ એટલા જ ઉત્સાહી છે. એની અસર ટૂરિઝમક્ષેત્રમાં દેખાઈ રહી છે, જેને કારણે જ હાલમાં ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનાની વિદેશ આવવા-જવાની એર ટિકિટના દરમાં 30થી 35 ટકાનો વધારો થયો હોવાનું જણાયું છે. એમાં પણ હજુ વધારો થઈ શકે છે. એના માટે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉપરાંત ડિસેમ્બર મહિનો લગ્ન તેમ જ એન.આર.આઇ.ઓ માટે સ્વદેશ આવવાની સીઝન હોવાનું કારણ પણ હોવાનું ટૂરિઝમક્ષેત્ર સાથે સંકળાયેલા ટ્રાવેલ એજન્ટો માની રહ્યા છે.

ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાના દરમાં 30થી 35 ટકા જેટલો વધારો
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે ઊજવવાનો હોવાથી અમદાવાદની આસપાસના વિસ્તારોમાં હોટલ તેમ જ ટૂરિઝમક્ષેત્રમાં ઇન્ક્વાયરીઓ વધતી જાય એ સ્વાભાવિક છે, પરંતુ આ મહોત્સવમાં સેવા અર્થે તેમ જ સમગ્ર મહોત્સવમાં દર્શનનો લહાવો લેવા માટે વિદેશીઓ પણ એટલા જ ઇચ્છુક છે, જેને કારણે જ અત્યારે જ એર ફલાઇટની ટિકિટોના બુકિંગમાં ઉત્તરોત્તર ધસારો વધતો જઇ રહ્યો છે. હાલમાં જ એર ટિકિટના દરોની ચકાસણી કરીએ તો સપ્ટેમ્બરના દરની સરખામણીએ ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાના દરમાં 30થી 35 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. એના માટે ટૂરિઝમક્ષેત્ર સાથે સંકળાયેલા ટ્રાવેલ એજન્ટો ડિસેમ્બરમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉપરાંત લગ્નની સાથોસાથ એન.આર.આઇ.ઓ સ્વદેશ આવવાની સીઝન ઉપરાંત સરકારી ઉત્સવો હોવાનું જણાવી રહ્યા છે.

સફર ઇન્ટરનેશનલ ટ્રાવેલ એજન્સીના નિખિલભાઇ ગુપ્તા.
સફર ઇન્ટરનેશનલ ટ્રાવેલ એજન્સીના નિખિલભાઇ ગુપ્તા.

અમને લાગે છે કે કદાચ ફલાઇટમાં વધારો થઈ શકે છે: નિખિલ ગુપ્તા- સફર ઇન્ટરનેશનલ ટ્રાવેલ એજન્સી
અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સફર ઇન્ટરનેશનલ ટ્રાવેલ એજન્સીના નિખિલભાઇ ગુપ્તાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનાના ઇન્ટરનેશનલ સેક્ટરમાં એર ફેર વધ્યા છે, કેમ કે સ્ટુડન્ટનો રસ બહુ છે. આગામી દિવસોમાં એક્ઝિબિશન અને પ્રમુખસ્વામીનો મહોત્સવ છે. અમારા હિસાબે એમાં 1 લાખથી વધુ લોકો વિદેશથી આવશે, જેથી ભાવ વધવાની આશંકા છે. અમેરિકાથી આવવાની ટિકિટ અત્યારે જોઇએ તો 1 લાખમાં મળે છે. આ જ ટિકિટ ડિસેમ્બરમાં જોઇએ તો એનઆરઆઇ, લગ્નની સિઝન તથા સ્વામીજીનો મહોત્સવ હોવાના કારણે બે લાખ થઇ જઇ શકે છે. આફ્રિકાની ટિકિટના હાલ 50 હજાર છે, ત્યારે 70થી 80 હજાર અને ઓસ્ટ્રેલિયાની ટિકિટના 1 લાખ છે એ સમયે દોઢ લાખમાં વેચાશે. આ જોતાં સરકાર પાસે ઇચ્છીએ છીએ કે ફલાઇટમાં વધારો કરવામાં આવે. કોવિડ પહેલાં ફલાઇટ ઉડાન ભરતી હતી તેની સામે આજે પૂરી ફલાઇટો ઓપરેટ થતી નથી. ફલાઇટ વધુ ઓપરેટ થાય તો ટિકિટના દર ઓછા થવાની સાથે ઇન્ડિયાના ટૂરિઝમ સેક્ટરનો ગ્રોથ વધી જશે.

તેમણે કહ્યું હતું કે વિદેશની એર ટિકિટ મળવામાં કોઇ પ્રશ્ન નથી, પણ વાયા વાયા થઇને આવવું પડે. સીધા અમેરિકાના ન્યૂયોર્કથી અમદાવાદ વાયા દિલ્હીવાળી ફલાઇટની ટિકિટ સૌથી મોંઘી બેથી ત્રણ લાખ થાય. યુરોપ અથવા અન્ય ઇન્ટર્નલ દેશોમાં થઈને આવીએ તો ટિકિટના દર ઘટી જશે. પણ બે લાખ તો થશે જ. બિઝનેસ ક્લાસ અને ઇકોનોમી ક્લાસની ટિકિટના દરમાં 30થી 40 ટકા ફરક છે. પણ હાલ ઇકોનોમી ક્લાસની ટિકિટ ખરીદીએ તો પણ બિઝનેસ ક્લાસની ટિકિટ જેટલાં નાણાં ચૂકવવા પડે તેમ છે.

અત્યારે બે પ્રોબ્લેમ હોવાનું કહીને નિખિલભાઇ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ડિયાથી પહેલાં ઓપરેટ થતી હતી એટલી ફલાઇટને હાલ પરવાનગી નથી, એટલે કે ફલાઇટ ઓછી છે. તેની સામે સ્ટુડન્ટનો વિદેશ આવવા-જવાનો રસ વધારે છે. કોવિડનાં બે વર્ષ પછી ઇન્ડિયા ઓપન થયું છે. ઉપરથી એનઆરઆઇ લગ્નમાં બહુ આવે છે. ઉપરાંત સરકારી પ્રદર્શનો તેમ જ સ્વામીજીનો મહોત્સવ પણ છે.

એર ફેર 3થી 4 લાખ પર પહોંચી શકે છે
અમેરિકા તથા લંડનથી વધુ લોકો ઇન્ડિયા આવે છે. હાલ ન્યૂયોર્ક, ન્યૂજર્સી તથા લંડનથી ઇન્ક્વાયરીઓ વધુ આવે છે. અત્યારે જ 400થી 500 ટિકિટ એક મહિના દરમિયાનની બુક કરી ચૂક્યા છીએ. આખા અમદાવાદ, ઇન્ડિયાની વાત કરું તો હજારો લોકો આવશે. મને ખબર નથી કે આટલા લોકો કેવી રીતે આવશે. સરકાર સ્પેશિયલ ચાર્ટર ફલાઇટ અથવા બીજું કંઇ કરશે. એરફેર 3થી 4 લાખ પર પહોંચી શકે છે. અમારે ત્યાં ડિસેમ્બર મહિના માટેની ઇન્ક્વાયરી છે પણ અમે તેમને રાહ જોવાનું કહીએ છીએ. કદાચ તે સમયે નવી ફલાઇટ ઉમેરવામાં આવી શકે છે. હજુ સપ્ટેમ્બર મહિનો ચાલે છે. ત્રણ મહિનામાં કદાચ નવી ફલાઇટ ઉમેરાઈ જાય અથવા સરકાર કાંઇ કરે તો એરફેર ઘટી શકે છે. એટલે અમે પણ હાલ રાહ જોઇ રહ્યા છીએ.

અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ના ડાયરેક્ટર સુહાગ મોદી.
અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ના ડાયરેક્ટર સુહાગ મોદી.

એરફેરમાં 30થી 35 ટકાનો વધારો થયો છે: સુહાગ મોદી- ડાયરેકટર- અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.
અમદાવાદ શહેરના સી.જી. રોડ પર આવેલ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ના ડાયરેક્ટર સુહાગ મોદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં આ વખતે ધસારો વધારે જોવા મળી રહ્યો છે. દર વર્ષે એન.આર.આઇ. આવતા હતા, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી કોરોનાને કારણે આવી શક્યા નહોતા. એને કારણે આ વખતે એનઆરઆઇનો ધસારો ઘણો વધી રહ્યો છે. 35થી 40 ટકાનો વધારો થયો છે, એટલે કે કોરોના પહેલાં જે ધસારો હતો એટલો થઇ ગયો છે. જે ટિકિટ 70થી 80 હજારની આસપાસ રિટર્ન મળતી હતી તેના આજે દોઢ લાખ થઇ ગયા છે, આ બધી એમાઉન્ટ આશરે હોય છે.

તેમણે કહ્યું હતું કે નવેમ્બર-ડિસેમ્બર, જાન્યુઆરીમાં અનેક તહેવારો ઊજવાતા હોય છે. વળી, પાછું ત્યારે વિદેશમાં ખૂબ ઠંડી પણ હોય છે. એને કારણે તેમને અહીં આવવાનું વધુ અનુકૂળ હોય છે. આ ઉપરાંત ઘણાં લગ્નના સમારંભો હોય છે, જેથી તેઓ પોતાનો સ્વદેશ પ્રવાસ કરે છે. એને કારણે ભારતની ઇકોનોમીમાં તેમનો ફાળો આવી રહ્યો છે. એને લીધે ઇન્ડિયન ટૂરિઝમ ગ્રોથ કરી રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવને લઇને ધસારો થવાની શક્યતા બાબતે સુહાગ મોદીએ કહ્યું હતું કે ધાર્મિક પ્રસંગો હોય ત્યારે દરેક હરિભક્તોને પોતાના સ્વદેશ, સંસ્કૃતિ માટે લગાવ હોય છે, એટલે સ્વાભાવિક છે કે ધસારો વધવાનો છે. ઓનલાઇન બુકિંગ પણ થઈ શકતાં હોય છે. આ અંગે બી.એસ.પી.એસ. સંસ્થા વધુ કહી શકે છે.

રૂટિન બધી ફલાઇટો ચાલુ છે અને બધી પેક જાય છે
તેમણે કહ્યું હતું કે અત્યારે ટિકિટ મળે જ છે. અમેરિકન એરલાઇન્સે પોતાના શેડ્યૂલ વધાર્યા છે. અમીરાત, કુવૈત વગેરેની ફલાઇટો છે. અમદાવાદમાં ઘણીબધી એરલાઇન્સ આવી છે. બહારની વાત કરીએ તો મુંબઇ, દિલ્હીમાં પણ ઘણી એરલાઇન્સો આવે છે. 1.50 લાખની આસપાસ ટિકિટ મળી રહે છે. હાલમાં ધસારાને કારણે એરફેરમાં 30થી 35 ટકાનો વધારો થયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોના પહેલાં જે ફલાઇટના શેડ્યૂલ હતા એ અમદાવાદ અને ગુજરાત આવતી ફલાઇટો ચાલુ થઇ ગઇ છે. બધી ફલાઇટો ચાલુ છે. એકપણ ફલાઇટ બંધ નથી. રૂટિન બધી ફલાઇટો ચાલુ છે. બધી પેક જાય છે.

પ્રમુખસ્વામી મહારાજા...
વડોદરાના ચાણસદ ગામમાં 7 ડિસેમ્બર-1921ના રોજ શાંતિલાલનો જન્મ થયો હતો. તેમનાં માતા દિવાળીબેન તથા પિતા મોતીભાઈ પ્રભુદાસ પટેલ હતાં. તેઓ ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર વ્યક્તિત્વથી આકર્ષાયા હતા. અને 18 વર્ષની વયે જ શાસ્ત્રીજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું હતું. 1940માં દીક્ષા લઇને તેઓ નારાયણ સ્વરૂપદાસ સ્વામી બન્યા હતા. જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની નિઃસ્વાર્થ ભાવનાથી સેવા કરવાને કારણે નારાયણસ્વરૂપ સ્વામી સૌના પ્રિય બન્યા હતા. સન 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે તેઓ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ( બી.એ.પી.એસ.)ના પ્રમુખ બન્યા હતા. ત્યારથી તેઓ પ્રમુખ સ્વામી મહારાજના પ્રિય નામથી લોકલાડીલા બન્યા હતા. પ્રમુખસ્વામીએ અનેક કુદરતી આપત્તિઓમાં દેશવાસીઓની વહારે પહોંચી જઇને સેવાનો ધોધ સતત વહેતો રાખ્યો હોવાથી તેઓ માત્ર સ્વામિનારાયણના સત્સંગીઓમાં જ નહીં બલકે સમગ્ર દેશવાસીઓના દિલમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું હતું, જેને કારણે જ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માટે સૌ કોઇમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિણામસ્વરૂપે જ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં માનવ મહેરામણ ઊમટી પડશે. એમાં કેટલા લોકો આવશે તેનો અંદાજ કોઇ લગાવી શકતું નથી.

અન્ય સમાચારો પણ છે...