2020માં કોરોનાએ કહેર વરતાવ્યો. આપણે ઘરોમાં કેદ રહીને એક વર્ષ પસાર કર્યું. જ્યારે 2021 આવ્યું ત્યારે એવું લાગતું હતું કે વસ્તુઓ વધુ સારી થશે, પરંતુ વધુ ખરાબ થતી રહી. 2022થી ઘણી અપેક્ષાઓ હતી, પણ ત્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. એની અસર આખી દુનિયા પર થઈ.
2023 આવી ગયું છે. માહોલ સુધરવાની અપેક્ષા છે, પરંતુ 2023 આ સદીનું સૌથી ખરાબ વર્ષ બની શકે છે. શા માટે? એનાં માટે 5 કારણ છે. વાંચો, આજની મંડે મેગા સ્ટોરી...
1. 2023માં હૃદયરોગને કારણે મોતનો આંકડો વધી શકે છે
ગયા વર્ષે બેઠાં બેઠાં, ડાન્સ કરતાં, કસરત કરતી વખતે અચાનક મૃત્યુના સેંકડો વીડિયો સામે આવ્યા. આવું માત્ર ભારતમાં જ થતું નથી. 2022માં સમગ્ર વિશ્વમાં આવાં લાખો મૃત્યુ થયાં છે.
2020-21માં કોરોનાકાળ દરમિયાન મોટી સંખ્યામાં વૃદ્ધો અને બીમાર લોકોનાં મોત થયાં હતાં. એમ છતાં 2022માં એક્સેસિવ ડેથ આશ્ચર્યજનક છે. એક્સપર્ટનું માનવું છે કે મોટા ભાગનાં આકસ્મિક મૃત્યુ હૃદયરોગ સાથે સંકળાયેલાં છે.
લંડનની ક્વીન્સ મેરી યુનિવર્સિટીના સ્ટડી અનુસાર, ઈંગ્લેન્ડમાં કોવિડના દર્દીઓમાં બ્લડ ક્લોટિંગના કેસ 27 ગણા, હાર્ટ ફેલ્યરના કેસ 21 ગણા અને સ્ટ્રોકના કેસ 17 ગણા વધ્યા છે. ઈંગ્લેન્ડમાં કોરોના પહેલાં કોઈ દર્દીને હૃદયની સારવાર માટે 1 વર્ષથી વધુ રાહ જોવી પડી ન હતી. ઓગસ્ટ 2022માં આવા દર્દીઓની સંખ્યા વધીને લગભગ 7 હજાર થઈ ગઈ છે.
અમેરિકામાં કોવિડ પહેલાં દર વર્ષે લગભગ 1.43 લાખ હાર્ટ-એટેક નોંધાયા હતા, પરંતુ કોવિડની પ્રથમ લહેર પછી આ આંકડો 14% વધ્યો છે. બીજી લહેર પછી 25-44 વર્ષની વયના લોકોમાં હૃદયરોગના હુમલાનાં મૃત્યુમાં 30% વધારો થયો છે.
ઓક્સફર્ડના એક સ્ટડી અનુસાર, ગંભીર કોવિડમાંથી બહાર આવતા 10માંથી 5 લોકોને હાર્ટ-એટેક આવવાની શક્યતા વધારે હોય છે. એક્સપર્ટ માને છે કે કોવિડ મહામારીની પરોક્ષ અસર કોવિડ કરતાં પણ મોટી હોઈ શકે છે. આ કહેવા પાછળ અગાઉની મહામારીઓમાંથી કેટલીક શીખ છે.
1918ના સ્પેનિશ ફ્લૂ પછી બ્રેન ફોગ અને સતત થાકના કેસો આવ્યા હતા. બ્રેન ફોગ એટલે વિચારવામાં, યાદ રાખવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી.
સ્પેનિશ ફ્લૂ પછી વારંવાર હાર્ટ-એટેકના કેસો પણ જોવા મળ્યા હતા. 1940 અને 1959ની વચ્ચે હાર્ટ-એટેકની લહેર હતી. હાર્ટ-એટેકના આટલા કેસો સામે આવવાની ઘટના વિચિત્ર અને એને સમજવી મુશ્કેલ હતી, પરંતુ આજે આપણે જાણીએ છીએ કે સ્પેનિશ ફ્લૂ મહામારી જવાબદાર હતી. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના રિસર્ચ મુજબ, કોવિડની ખરાબ અસરોની લેગસી સ્પેનિશ ફ્લૂ કરતાં પણ ખરાબ હોઈ શકે છે.
2. ન્યૂક્લિયર વોરમાં ફેરવાઈ શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ
24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યુક્રેન પર સ્પેશિયલ લશ્કરી ઓપરેશન શરૂ કર્યું. મોટા ભાગના વોર-એક્સપર્ટનું માનવું હતું કે યુક્રેન 48 કલાકની અંદર શરણાગતિ સ્વીકારશે, પરંતુ એવું થયું નહીં. છેલ્લા 10 મહિનાથી આ જંગ ચાલી રહ્યો છે.
અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ યુક્રેનને અબજો ડોલરના હથિયાર મોકલ્યાં છે અને 2023માં મદદ કરવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું છે. આ એક ન્યૂક્લિયર વોરનું કારણ બની શકે છે, જે લાખો લોકોનો જીવ લેશે અને વિશ્વને હંમેશાં માટે બદલી નાખશે.
આપણામાંથી કેટલાક લોકો વિચારતા હશે કે આવું કંઈ થવાનું નથી, પરંતુ વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરતા એક્સપર્ટ આ અંગે સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે.
જો આવું થશે તો બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે. છેલ્લી વખત અમેરિકાએ જાપાનના નાગાસાકી અને હિરોશિમા શહેરો પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. આમાં લગભગ 2 લાખ લોકો માર્યા ગયા હતા. જે બચી ગયા તેઓ અપંગ બની ગયા. શહેરોનો નાશ થયો. એની અસર ઘણી પેઢીઓ સુધી રહી.
3. 2023માં મંદીની આશંકા, નોકરીઓ છીનવાશે
વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ 2023નું આ નિવેદન વાંચો... '2022માં ભલે ગ્લોબલ ઈકોનોમી 100 ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કરી ગયો હોય, પરંતુ 2023માં જો ફુગાવા સામે લડવા વ્યાજદરો વધતા રહેશે, તો 2023માં મંદી આવશે.'
સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR) અનુસાર, મોંઘવારીને કંટ્રોલ કરવા માટે વ્યાજદર વધારવાની ફોર્મ્યુલા ઘણા દેશો 2023માં પણ ચાલુ રાખશે.
આ વાંચીને તમે પણ વિચારી રહ્યા હશો કે વ્યાજદર વધવાથી મોંઘવારી અને મંદી વચ્ચે શું સંબંધ?
એવું માનવામાં આવે છે કે જ્યારે બેંકો વ્યાજમાં વધારો કરે છે ત્યારે લોકો ઉધાર ઘટાડીને બચત કરવાનું શરૂ કરે છે. આનાથી બજારમાં પ્રોડક્ટની માગમાં ઘટાડો થાય છે. ડિમાન્ડ ઓછી તો મોંઘવારી ઓછી.
મોંઘવારી ઘટાડવા માટે જો બેંકો લાંબા સમય સુધી ઊંચા વ્યાજની ફોર્મ્યુલા પર ચાલશે તો લોન લેવી વેપારીઓ અને ગ્રાહકો બંને માટે મોંઘી બની જશે, જેને કારણે ઉદ્યોગપતિથી લઈને સામાન્ય લોકો ખર્ચ કરવાનું ટાળશે. આ તમામ બાબતોની અસર દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDP પર પડે છે. જો સતત બે ત્રિમાસિક ગાળામાં દેશના GDPમાં વૃદ્ધિ ન થાય તો તેને મંદીની સ્થિતિ કહેવામાં આવે છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, વૈશ્વિક ફુગાવાનો દર જે 2022માં 8.8% હતો, એ આ વર્ષે ઘટીને 6.5% અને 2024 સુધીમાં 4.1% પર આવી જશે. આ બધાની વચ્ચે દુનિયાભરના દેશોના GDP ગ્રોથમાં ઘટાડો થશે, જે આર્થિક મંદીને દર્શાવે છે.
ગ્લોબલ ગ્રોથ રેટ જે 2021માં 6% હતો, એ 2022માં ઘટીને 3.2% આવી ગયો અને 2023માં ઘટીને 2.7% પર આવી જશે. 2001 પછી આ સૌથી નબળી ડેવલપમેન્ટ પ્રોફાઇલ છે. 2023માં 25% સંભાવના છે કે આ વર્ષે ગ્લોબલ GDP ગ્રોથ 2% કરતાં ઓછો રહેશે, જે વૈશ્વિક મંદીને દર્શાવે છે.
મંદીને સરસ શબ્દોમાં કહીએ તો સામાન્ય માણસના ખિસ્સામાં પૈસાની અછત. જ્યારે ખિસ્સામાં પૈસા નથી ત્યારે ખરીદી ઓછી થશે, એટલે કે બજારમાંથી ડિમાન્ડનો ભાર ઘટશે, ડિમાન્ડમાં ઘટાડો એટલે ઉત્પાદનદરમાં ઘટાડો. જ્યારે કંપનીઓ ઉત્પાદન ઘટાડશે તો મેન પાવર પણ ઓછો થશે. આવી સ્થિતિમાં લોકોની નોકરીઓ જોખમમાં આવી જશે અને બેરોજગારી વધશે.
આ ઉપરાંત લોકોની ખરીદશક્તિ ઓછી હોવાને કારણે રોકાણ પણ અટકી જાય છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલના ભાવ વધશે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આખરે મોંઘવારી વધશે.
4. કોવિડ પછી 2023માં મોટું જોખમ બની શકે છે સુપરબગ
મેડિકલ સાયન્સ માટે સુપર બગ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક મોટા પડકાર તરીકે સામે આવ્યો છે. કોરોના વાઈરસને કારણે ઊભી થયેલી સ્થિતિએ એને વધુ ખતરનાક બનાવી દીધી છે. મેડિકલ જર્નલ લાન્સેટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો સુપરબગ દર વર્ષે 1 કરોડ લોકોનો જીવ લઈ શકે છે. નોંધપાત્ર છે કે 31 ડિસેમ્બર 2022 સુધી કોરોનાથી લગભગ 60 લાખ લોકોનાં મોત થયામ છે.
તમારા મનમાં સવાલ ભઠી રહ્યો હશે કે આ સુપરબગની સમસ્યા આખરે છે શું?
હકીકતમાં, સુપરબગ એ કોઈપણ બેક્ટેરિયા, વાઈરસ અને પેરાસાઈટનો સ્ટ્રેન છે. માનો કે તમે કોવિડ-19થી બચવા માટે વેક્સિન લીધી. વેક્સિનનો નોર્મલ બિહેવિયર છે કે કોવિડ સામે લડવાની ક્ષમતા પેદા કરે, પરંતુ જ્યારે કોરોના વાઈરસનો કોઈ એવો સ્ટ્રેન આવી જાય, જેના પર વેક્સિન અસર કરતી નથી,. એટલે કે વેક્સિન સામે વાઈરસ એન્ટિબોડી ડેવલપ કરે છે, તો કોરોના વાઈરસના આ સ્ટ્રેનને તેનું સુપરબગ વર્ઝન કહેવાય છે.
મેડિકલ સાથે જોડાયેલા લોકો આ સ્થિતિને પ્રોફેશનલ ભાષામાં એન્ટી-માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ કહે છે, એટલે કે દર્દીના શરીરમાં રહેલા બેક્ટેરિયા, વાઇરસ અને પેરાસાઇટની સામે દવા બિનઅસરકારક બની જાય.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિસર્ચ મુજબ, ભારતમાં ન્યુમોનિયા અને સેપ્ટિસેમિયા (બ્લડ ઈન્ફેક્શન)ની સારવાર માટે વપરાતી દવાઓ, કાર્બેપનેમ મેડિસિન હવે બેક્ટેરિયા પર બિનઅસરકારક બની ગઈ છે. આ પછી આ દવાઓના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
સ્કોલર એકેડેમિક જર્નલ ઓફ ફાર્મસીના રિપોર્ટ અનુસાર છેલ્લાં 15 વર્ષમાં એન્ટીબાયોટિક્સના વપરાશમાં 65%નો વધારો થયો છે. સામાન્ય શરદી અને ઉધરસ માટે પણ લોકો એન્ટીબાયોટિકનો ઉપયોગ કરી રહ્યા છે. સુપરબગને કારણે અમેરિકાને 5 અબજ ડોરલનું નુકસાન થઈ રહ્યું છે, જે ભારતના કુલ સ્વાસ્થ્ય બજેટનો અડધો ભાગ છે.
અમેરિકાની એમોરી યુનિવર્સિટીના વિજ્ઞાની ડોક્ટર ડેવિડ વાઈસના મતે જો એન્ટીબાયોટિક્સનો ઉપયોગ આમ જ વધતો રહેશે તો મેડિકલ સાયન્સની તમામ પ્રગતિ ઝીરો થઈ જશે. આપણે એ સમયમાં પહોંચી જઈશું, જ્યાં નાની ઈજા પણ જીવલેણ સાબિત થતી હતી.
PEWની રિસર્ચ અનુસાર, ડોકટરો દ્વારા દર્દીઓને સૂચવવામાં આવેલી દર 3 એન્ટીબાયોટિક્સમાંથી 1 વેડફાઈ જાય છે. દર વર્ષે આવા 40 કરોડથી વધુ પ્રિસ્ક્રિપ્શન લખવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન છેલ્લાં બે વર્ષમાં એન્ટીબાયોટિકનો આડેધડ ઉપયોગ કરવામાં આવ્યો. બેક્ટેરિયાએ છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણી એન્ટીબાયોટિક્સ સામે પ્રતિકાર પાવર મેળવી છે.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા કરવામાં આવેલું રિસર્ચ કહે છે કે કોવિડને કારણે સુપરબગનું જોખમ વધી ગયું છે. એની અસર વર્ષ 2023માં મોટી વસતિ પર જોવા મળશે. આ વર્ષે સુપરબગ સંખ્યાત્મક રીતે કેટલા લોકોનો જીવ લઈ શકે છે, એક્સપર્ટ હાલ આ વિશે કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. હાલમાં સુપરબગને કારણે ભારતમાં દર વર્ષે લગભગ 60,000 નવજાત બાળકો મૃત્યુ પામે છે, જ્યારે અમેરિકામાં, સુપરબગના કારણે દર 10 મિનિટે એક દર્દીનું મૃત્યુ થાય છે.
સુપરબગનું જોખમ અને એને કારણે થનારા વિનાશનો ડર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અગાઉ માર્ચ 2022માં જ વ્યક્ત કરી ચૂક્યા છે. બાઈડન સરકારે સુપરબગ સામે લડવા માટે 2023માં વિશેષ ભંડોળ બહાર પાડવાની વાત કહી છે. આ ભંડોળ દવાઓ બનાવતી મેડિકલ કંપનીઓને આપવામાં આવશે, જેથી તેઓ સુપરબગ સામે લડવા માટે નવી દવાઓ તૈયાર કરી શકે.
5. ક્યાંક અતિશય ગરમી પડશે, ક્યાંક ભારે વરસાદ, 2023માં જોવા મળશે એક્સ્ટ્રીમ વેધર કંડિશન
હવે યાદ કરીએ 2022નું એ દૃશ્ય, જ્યારે પાકિસ્તાનનો એક તૃતીયાંશ ભાગ પૂરથી પ્રભાવિત થયો હતો. આ પૂરમાં 1 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગરમીનો મહિનો, જ્યારે ચીનના લોકો તેમના ઈતિહાસના સૌથી ગરમ હીટવેવનો સામનો કરી રહ્યા હતા અથવા અમેરિકા અને કેનેડામાં તાજેતરના બોમ્બ ચક્રવાત, જેણે બંને દેશોના મોટા ભાગના વિસ્તારને બરફની ચાદરથી ઢાંકી દીધો. આમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને 25 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા. સ્થિતિ હજુ પણ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી.
આ તમામ એક્સ્ટ્રીમ વેધર કંડિશન છે, જેની પાછળ ક્લાઈમેટ ચેન્જ એક મુખ્ય કારણ છે.
ક્લાઈમેટ અર્થ થાય છે કેટલાંક વર્ષોથી એક સ્થળે સરેરાશ હવામાનનો ઉલ્લેખ અને જ્યારે આપણે ક્લાઈમેટ ચેન્જ વિશે વાત કરીએ છીએ તો એનો અર્થ એ છે કે એ સ્થળના સરેરાશ હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે.
ઔદ્યોગિક ક્રાંતિ પછી મોટા સ્તરે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે, કારણ કે આ પછી તેલ, કોલસો અને ગેસનો ઉપયોગ વધ્યો છે. આ ત્રણનો ઉપયોગ પર્યાવરણમાં ગ્રીન હાઉસ ગેસ છોડે છે, જેમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ હોય છે. આ ગેસ પૃથ્વી પર જ સૂર્યમાંથી નીકળતી ગરમીને રોકે છે, જેને કારણે અહીં તાપમાન વધવા લાગે છે. પૃથ્વીના સતત વધતા તાપમાનને આપણે ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરને ક્લાઈમેટ ચેન્જ કહીએ છીએ.
તાપમાનમાં વધારાને કારણે હવામાનમાં વિચિત્ર સંભાવના બની રહે છે. તાજેતરના બોમ્બ ચક્રવાતનું ઉદાહરણ લઈએ. આ વાવાઝોડાની ઉત્પત્તિ આર્ટિકના ઠંડા પવનો અને સબ-ટ્રોપિકલ પ્રદેશ એટલે કે પૃથ્વીના સૌથી ગરમ ભાગમાંથી આવતા પવનો સાથે ભળી જવાથી પેદા થયું. અમેરિકી મેટ્રોલોજિકલ એજન્સી NOAA અનુસાર, ગ્લોબલ વોર્મિંગના કારણે ભવિષ્યમાં આવાં અનેક ચક્રવાતી તોફાનોનો સામનો કરવો પડી શકે છે.
હવે સમજો ગ્લોબલ વોર્મિંગનું તોફાન સાથે શું કનેક્શન છે
આર્કટિકના ઠંડા પવનોને રોકવા માટે પૃથ્વી પર પવનના બેન્ડની એક કુદરતી સિસ્ટમ છે, જેને આર્ક્ટિક પોલર વોર્ટેક્સ કહેવામાં આવે છે. આર્કટિકમાંથી આવતી ઠંડી હવા આ વમળમાં ફસાઈ જાય છે, જેનાથી સંતુલન જળવાય છે. શિયાળા દરમિયાન આ વમળ કંઈક અંશે વિસ્તરે છે અને પછી તે આર્કટિક પવનોને જેટ પ્રવાહની સાથે દક્ષિણ તરફ મોકલે છે. જેટ સ્ટ્રીમ એટલે પવનની ગતિને નિયંત્રિત કરે છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે જેટ સ્ટ્રીમની વર્કિંગ સિસ્ટમમાં ડિસ્ટર્બસ સર્જાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય હવામાનમાં નીચી ગતિના પવનો ગંભીર ચક્રવાત અથવા તોફાનનું સ્વરૂપ લઈ રહ્યા છે.
ગ્લોબલ વોર્મિંગ આર્કટિક પોલર વોર્ટેક્સને પણ અસર કરી રહ્યું છે, જેને કારણે આ સિસ્ટમ ઉનાળાની ઋતુ દરમિયાન આર્કટિક પવનોને રોકવામાં સક્ષમ નથી, જેથી ઉનાળાની શરૂઆતમાં બરફના તોફાન અથવા ઠંડા પવનો ચાલે છે, જેને આપણે ક્લાઈમેટ ચેન્જ કહીએ છે.
પર્યાવરણ પર કામ કરતી સંસ્થા ઈન્ટરનેશનલ રેસ્ક્યૂ કમિટીના રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં ક્લાઈમેટ ચેન્જને કારણે વિશ્વભરમાં સંકટ વધશે. સંસ્થાએ પાકિસ્તાનના પૂર અને ચીનના હીટ વેવથી પણ વધુ ખરાબ સ્થિતિ થવાની આશંકા વ્યક્ત કરી છે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અનુસાર, કોરોનાને કારણે વિશ્વનું ધ્યાન ગ્રીન ટેક્નોલોજીમાં રોકાણ પરથી હટી ગયું છે, જેને કારણે આ વર્ષે રેકોર્ડ સ્તરે ગ્રીનહાઉસ ગેસ રિલીઝ શઈ શકે છે.
ગ્રાફિક્સઃ પુનિત શ્રીવાસ્તવ
References and Further Reading
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.