મૃત્યુ પછી પણ બધા યાદ રાખે એવું સૌ કોઈ ઇચ્છતા હોય છે અને અંગદાન એ એવી વસ્તુ બની રહી છે, જેમાં ઓર્ગનનું ડોનેશન કરનાર અને અંગો મેળવનાર બંને પરિવારો મૃતકને જીવનભર યાદ કરતા રહે છે. એટલું જ નહીં, પણ પરિવારો વચ્ચે માત્ર અંગદાન નહીં, પણ લાગણીઓ અને સંબંધોની પણ આપ-લે થાય છે. ઓર્ગન ડોનેરનાં પરિવારજનો આજે ભલે પોતાનું સ્વજન ગુમાવ્યા, પરંતુ તેમના ઓર્ગન અન્યને આપી તેમને રૂટિન લાઇફ જીવતા જોઇ ગર્વ અનુભવી રહ્યા છે અને મળે છે ત્યારે ગદગદિત થઇ જાય છે. જાણો આ અંગ વિસ્તૃત અહેવાલ દિવ્ય ભાસ્કરના ખાસ અહેવાલમાં.
જીવતા સમયે દીકરીની ઇચ્છા પૂર્ણ ન થઈ, જતા સમયે બહેન આપતા ગયા
સુરતના રમેશભાઇ વટનાલાનું નિધન 2014માં અકસ્માતમાં બ્રેન ડેડ થવાથી થયું હતું. તેમના પરિવારે બે કિડની અને એક લિવરનું ડોનેશન કર્યું હતું. રમેશભાઇના પૂત્ર ભૂપેન્દ્ર વટનાલાનું કહેવું છે કે તેમને એક દીકરી હોય તેવી ઇચ્છા હતી, જે ઇચ્છા જીવતા પૂરી ન થઇ, પરંતુ 42 વર્ષની ઉંમરે પિતાજી જતા-જતા એક બહેનનો સંબંધ બાંધતા ગયા. રમેશભાઇના લિવરને મહેસાણાની 14 વર્ષની દીકરીને આપવામાં આવ્યું હતું, જ્યારે કિડની બે વ્યક્તિને આપવામાં આવી હતી, જે પૈકી એક કિડની મેળવનાર સુરતના મનીષ ગાંધી એક પિતા તરીકેનો સંબંધ બંધાયો છે અને પરિવારનાં સુખ-દુઃખના સમયમાં એકબીજાની પડખે રહે છે.
લિવરની સાથે સાથે સંબંધમાં બે ભાઈઓ પણ મળ્યા
લિવર મેળવનાર કામિની પટેલે જણાવ્યું હતું કે રમેશભાઇના બે દીકરાને ભાઇ માન્યા છે અને છેલ્લાં 8 વર્ષથી રક્ષાબંધન પર રાખડી પણ બાંધે છે. બન્ને પરિવારના એકબીજા સાથે ગાંઢ સંબંધો વિકસ્યા છે. માત્ર એટલું જ નહિ, પરંતુ ઓર્ગન ડોનર રમેશભાઇની પત્નીને પણ તેઓ માતા તરીકે ગણે છે. કામિની બહેનનું કહેવું છે કે લિવર મળવાથી નવું જીવન મળ્યું અને હાલમાં જ તેમના મેરેજ પણ થયા અને સફળ જીવન જીવી રહ્યાં છે. તેમના લગ્નપ્રસંગમાં રમેશભાઇનો પરિવાર પણ આવ્યો હતો, જ્યારે રમેશભાઇના દીકરાના લગ્નમાં કામિની બહેનનો પરિવાર પણ જોડાયો હતો.
સોહેલ જ્યારે હાર્ટ ડોનર અમિતના ઘરે પહોંચ્યો, ગામ આખું ભેગું થયું
આણંદના સોહેલ વોરાને 2017માં નવસારીના ખાપરિયા ગામના અમિત હળપતિનું હાર્ટ મળ્યું હતું. સોહેલ વોરાને 2002થી હાર્ટની સમસ્યા હતી. સોહેલનું કહેવું છે કે 13 જુલાઇ 2017ના રોજ હાર્ટ મળવાથી આ દિવસને પોતાનો નવો જન્મદિવસ માને છે. અમિત હળપતિના ઘરે તેની માતા અને ભાભી જ રહે છે, જેઓ ખેતમજૂરી કરે છે. જોકે અમિતના પરિવાર સાથે ઘર જેવા સંબંધ થઇ ગયા હોવાથી અમિતની માતાને પણ સોહેલ પોતાની માતા માને છે. સોહેલ અમિતનાં પરિવારજનોને મળવા પણ જાય છે. હાર્ટ મળ્યા પછી પહેલીવાર ખાપરિયા ગામ ગયા ત્યારે આખું ગામ ભેગું થઇ ગયું હતું અને જાણે અમિત ફરી ઘરે આવ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો, આ સમય તેના માટે સૌથી ભાવુક ક્ષણ હતી.
પુત્રનું નિધન અન્ય દીકરાઓ માટે નવો જન્મ સાબિત થયો
સુરતના સંજીવ ઓઝાના અઢી વર્ષના પુત્ર જશનું ગયા વર્ષે બ્રેન ડેડ થયું હતું. વ્યવસાયે પત્રકાર હોવાથી, સુરતની ડોનેટ લાઇફના નિલેશભાઇ સાથે સંપર્કમાં હતા, જેથી નિલેશભાઇએ જશનાં તમામ અંગો દાન કરવા માટે પરિવારને પ્રેરણા આપી. સંજીવભાઇનું કહેવું છે કે જશનું જવું તેમના માટે ભારે દુઃખદાયક હતું, પરંતુ તેનાં અંગોથી 7 બાળકોને નવો જન્મ આપી ગયો. જશનું હાર્ટ અને લંગ વિદેશનાં બાળકોને આપવામાં આવ્યાં, જ્યારે લિવર, કિડની ગુજરાતનાં બાળકોને આપવામાં આવ્યાં હતાં. જ્યારે પણ આ બાળકોનો સંપર્ક થાય છે, ત્યારે જશ હજુ હયાત છે એવી લાગણી થાય છે અને ગર્વ પણ અનુભવાય છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂકેલા દર્દીઓ વ્હોટ્સએપ મારફત સંપર્કમાં
દિનેશ મકવાણાને 2019માં જામનગરના 21 વર્ષીય નીરજ ફાડિયા નામના યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. દિનેશભાઇનું કહેવું છે કે 2017માં હાર્ટ-અટેક આવ્યા બાદ હાર્ટમાં સમસ્યા સર્જાઇ. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને લઇ કેટલીક મૂંઝવણો હતી, જોકે એ એકમાત્ર વિકલ્પ હતો, જેથી હિંમત રાખી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ તેમને નવું જીવન મળ્યું અને રૂટિન લાઇફ જીવી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયેલા દર્દીઓનું 'દિલ સે દિલ તક' નામે વ્હોટ્સએપ ગ્રુપ ચાલે છે અને તેના થકી એકબીજાના સંપર્કમાં રહે છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.