'Gill saved Sikhs and Punjab for India. He comes out as a hero in my assessment.'
કૃષિ આંદોલન બાદ પંજાબમાં ફરી ગરમા-ગરમી છે. ખાલિસ્તાનવાદીઓ માથું ઊંચકી રહ્યા છે. અમૃતપાલ બીજા ‘ભિંડરાનવાલે’ તરીકે ઊભરી રહ્યો છે, ત્યારે યાદ આવે છે જાણીતા લેખક-પત્રકાર ખુશવંતસિંહનું આ સ્ટેટમેન્ટ. યાદ આવે છે એ છ ફૂટ ચાર ઇંચના ભડવીર સુપર કોપની. સરસવનાં ખેતરોથી હર્યાભર્યા પંજાબને ખાલિસ્તાનીઓની ચુંગાલમાંથી છોડાવનાર એ ‘રિઅલ સિંઘમ’ની.
કાશ! આજે પંજાબ પાસે કેપીએસ હોત! માત્ર પંજાબના જ નહીં, પરંતુ દેશના ટોચના સુપરકોપની યાદીમાં કેપીએસનું નામ બે વેંત ઊંચા આસને બિરાજમાન છે. જો ગિલ ન હોત તો પંજાબની હાલત શું હોત એ બિહામણી કલ્પનાનો વિષય છે.
કેપીએસ ગિલ. પંજાબના બાહોશ DGP. ‘ધ પેરેમાઉન્ટ કોપ’. આ જ નામે પુસ્તક છે IIMના સ્ટુડન્ટ રહી ચૂકેલા રાહુલ ચંદને લખેલું. ગિલની ગાથા કિસ્સાગોઇ શૈલીમાં પુસ્તકમાં આલેખાઇ છે. બહુ રસપ્રદ વાતો અને વિગતો છે. પંજાબના સાંપ્રત માહોલમાં આ પુસ્તક પર નજર નાખીને ગિલની શેરદિલ જિંદગીમાં ડોકિયું કરવા જેવું છે..
જો ગિલ સાહેબે મેચ્યોર બેબી તરીકે જન્મ લીધો હોત તો શું થાત..?
કેપીએસ ગિલનો જન્મ 29 ડિસેમ્બર,1934ના રોજ લાહોરમાં. પ્રિમેચ્યોર બેબી હતા ગિલ. સાથી પોલીસ અધિકારીઓ મજાકમાં કહેતા કે સાહેબે પ્રિમેચ્યોર બેબી તરીકે જન્મ લીધો અને આટલી બધી કામગીરી કરી નાખી હોય, તો વિચારો કે જો ગિલ સાહેબે મેચ્યોર બેબી તરીકે જન્મ લીધો હોત તો શું થાત!
કેપીએસનું પૂરું નામ કંવરપાલ સિંહ. કંવરપાલ સિંહના પરદાદા એટલે સરદાર ધરમસિંહ ગિલ. લુધિયાણા ગામના જમીનદાર હતા. ધરમસિંહની આજુબાજુનાં ગામડાંઓમાં શાખ હતી. ગરીબ ગુરબાઓ માટે એમના ઘરનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રહેતાં. એમના ઘરેથી કોઇ ભૂખ્યો પાછો ન જતો. કેપીએસના દાદા નિઘયા સિંઘ બ્રિટિશ રેલવે ખાતામાં ગેઝેટેડ એન્જિનિયર. રેલવે ખાતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ બ્રિટિશરોએ એમને ‘સરદાર સાહિબ’નું બિરુદ પણ આપેલું.
કેપીએસના પિતા સરદાર રશપાલ સિંહ ગિલનો જન્મ 3 જૂન, 1909ના રોજ ગિલ ગામમાં. મુંબઇની સેન્ટ મેરી સ્કૂલમાંથી શિક્ષણ લીધું. પિતા પણ સિંચાઇ ખાતામાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા હતા. પિતાની ટ્રાન્સફરેબલ જોબ હતી. કંવરપાલમાં સંસ્કારોનું સિંચન કરવામાં, નૈતિક મૂલ્યો ખીલવવામાં માતાની બહુ અહમ્ ભૂમિકા રહી.
કેપીએસ ત્રણ-ચાર વર્ષના હતા ત્યારે મોડી રાતે ઊઠી જતા. બાથરૂમ જવા માટે. એકલા તો ડર લાગે એટલે મોટી બહેનને જગાડતા. નાનકડા કંવરપાલની એવી દૃઢ માન્યતા કે બહાર ધ્યાન રાખીને ઊભેલી મોટી બહેન ભૂત-બૂત આવે તો એની સાથે લડી લેશે!
શાંત સ્વભાવના કંવરપાલને બાળપણથી જ સ્પોર્ટ એક્ટિવિટીમાં ખૂબ રસ. સેન્સ ઓફ હ્યુમર ખૂબ સારી. ખુદ ભૂતથી ડરતા પણ નાની બહેન નીનાને જાડા માણસો ડરાવે કે આ માણસ તને ખાઈ જશે. નાની બહેન બિચારી ડરી જાય...આવા તો બહુ બધા રસપ્રદ પ્રસંગો છે ગિલના બાળપણના.
એ દિવસે પોલીસ ઓફિસર બનવાનું ભૂત સવાર થયું...
એક દિવસ કંવરપાલ અને એમનો કઝીન એક કબડ્ડી મેચ જોવા ગયા. ખાલસા સ્કૂલ (રૂરલ) અને ઇસ્લામિક સ્કૂલ (અર્બન). ખાલસા સ્કૂલના છોકરાઓ એકદમ યંગ હતા. ઇસ્લામિક સ્કૂલના છોકરાઓ કદાવર બાંધાના હતા. મેચ દરમિયાન ઇસ્લામિક સ્કૂલ અને ખાલસા સ્કૂલના છોકરાઓ વચ્ચે કોઇ મુદ્દે રકઝક થઇ. ગિલના કઝીને સલાહ આપી કે ચાલ ભાઇ, અહીં રહેવામાં શાણપણ નથી. ગિલે જવાબ આપ્યો: ખાલસા ક્યારેય રણમેદાનથી ભાગતા નથી.
એટલામાં એક શીખ છોકરાએ કિરપાણ કાઢીને ઇસ્લામિક છોકરાઓ તરફ તાડૂકયો. પેલા બધા ડરના માર્યા ચૂપ થઇ ગયા. ગિલ પ્રભાવિત થઇ ગયા. એટલામાં એક પંજાબ પોલીસનો કોન્સ્ટેબલ કક્ષાનો અધિકારી આવ્યો. લાઉડ ટોનમાં પૂછ્યું, કોણ અહીં વિખવાદ ઊભો કરી રહ્યું છે?
પેલો હાથમાં કિરપાણ લઇને ઊભેલો છોકરો, ઇસ્લામિક સ્કૂલના છોકરાઓ મિયાંની મિંદડી બની ગયા અને ચૂપચાપ પોતાના સ્થાન પર આવી ગયા. ગિલ કહે છે, ‘એ દિવસે મને પોલીસની સાચી તાકાતનો અહેસાસ થયો. આ દિવસ પછી મારા મનમાં પોલીસ ઓફિસર બનવાનું ભૂત સવાર થયું.’
અધિકારી પછી બનાતું હોય છે, પણ એનાં લક્ષણો પહેલાં આવી જતાં હોય છે!
ગિલ યુવાવસ્થાના ઉંબરે આવીને ઊભા રહી ગયા હતા. મિત્રો સાથે એક મેળામાં ફરવા ગયા. ત્યાં એક સિત્તેર વર્ષનો વૃદ્ધ માણસ જલેબી વેચી રહ્યો હતો. અને એના મિત્રોએ જલેબીનો ઓર્ડર આપ્યો. એવામાં એક યુવાન આવ્યો. પેલો વૃદ્ધ માણસ ગિલ અને તેના મિત્રોને જલેબીની ડિશ સર્વ કરી રહ્યો હતો ત્યારે પેલા યુવાને આદેશાત્મક ભાષામાં કહ્યું, પહેલાં મને આપો, મારે ઉતાવળ છે.
જલેબી વેચનારે વહેલાં તે પહેલાંની દલીલ કરી તો પેલા યુવાન એ વૃદ્ધ માણસ સાથે મારામારી પર ઊતરી આવ્યો. બિચારાના ચશ્માં તૂટી ગયાં. એ વૃ્દ્ધની આંખોમાંથી આંસુની ધાર થઇ. ગિલ શાના શાંત રહે. છ ફૂટ બે ઇંચના ગિલે પેલાને બોચીમાંથી પકડીને વેંત એક ઊંચો કરીને જમીન પર ફેંકી દીધો. ગિલનો પરચો જોઇ પેલા યુવાન હોશકોશ ઊડી ગયા. માંડમાંડ કારણ પૂછી શક્યો: તું શું પોલીસ અધિકારી છે કે બીજાની સુરક્ષા કરતો ફરે છે?
ગિલે દૃઢતાથી જવાબ આપ્યો: ‘હા, હું પોલીસ અધિકારી છું!’
એક દિવસ ડ્રાઇવર દોડતો આવ્યો અને સમાચાર આપ્યા કે...
અંગ્રેજી વિષયમાં એમ.એ. કર્યા બાદ ગિલ સિવિલ સર્વિસની તૈયારીમાં લાગી ગયા. હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી-સિમલામાં એમ.એ. પોલિટિકલ સાયન્સ માટે પણ એડમિશન લીધું. આ દરમિયાન યુનિવર્સિટીમાં અંગ્રેજી શિક્ષકની વેકેન્સી ઊભી થઇ. ગિલે અંગ્રેજીમાં માસ્ટર કરેલું એટલે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (અંગ્રેજી)એ ગિલને અંગ્રેજી શિક્ષકની પોસ્ટ ઓફર કરી દીધી. ગિલ સહમત થયા. એક બાજુ સિવિલ સર્વિસની તૈયારી અને બીજી બાજુ શિક્ષકની નોકરી.
આ પછી ગિલે એમ.એ. પોલિટિકલ સાયન્સ છોડી દીધું અને દિલ્હી યુનિવર્સિટીમાં લૉના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. ગિલને જ્યુબિલી હોસ્ટેલમાં રૂમ ફાળવવામાં આવ્યો. હોસ્ટેલના બીજા તોફાની- આવારા વિદ્યાર્થીઓની સરખામણીએ ગિલ અભ્યાસ પ્રત્યે ખૂબ ગંભીર હતા. નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડવાને બદલે આખો દિવસ લાઇબ્રેરીમાં વાંચન કરતા.
ગિલે UPSCની લેખિત પરીક્ષા પાસ કરી અને ઇન્ટરવ્યૂ આપ્યો. ગિલને તો એમ કે આમાં કાંઇ આપણી દાળ ગળશે નહીં. આટલા બધા તેજસ્વી વિદ્યાર્થીઓ વચ્ચે આપણો નંબર તો શેનો લાગે? ગિલ તો ઇન્ટરવ્યૂ ભૂલી પણ ગયા.
હોશિયારપુરની ગવર્નમેન્ટ કોલેજમાં અંગ્રેજીના શિક્ષક તરીકે ભણાવવા માંડ્યા. એક સવારે ગિલના પિતાનો ડ્રાઇવર દોડતો આવ્યો અને ગિલને કહ્યું કે, મને ઈનામ આપો. અચંબિત થયેલા ગિલે પૂછ્યું, શેનું ઇનામ વળી?
ડ્રાઇવરે UPSC તરફથી આવેલો લેટર કાઢ્યો. ગિલે લેટરને જોયો તો સાનંદાશ્ચર્યની રેખાઓ એમના ચહેરા પર ઊપસી આવી. ગિલ IPS (ઇન્ડિયન પોલીસ સર્વિસ) માટે સિલેક્ટ થઇ ગયા હતા!
પંજાબ પહેલાં આસામમાં પરચોઃ પોલીસ અધિકારીને ડરવાનો કોઇ અધિકાર નથી!
માઉન્ટ આબુમાં એક વર્ષની તાલીમ બાદ ગિલનું પહેલું પોસ્ટિંગ થયું આસામમાં. વર્ષ 1958. અજાણ્યા આસામની દેરાગાંવ સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ શોધતાં જ પહેલાં તો ગિલને નાકે દમ આવી ગયો. હિન્દી ભાષી ગિલની ભાષા કોઇ સ્થાનિકો સમજે નહીં. માંડમાંડ ટ્રેનિંગ કોલેજ પહોંચ્યા.
પ્રોબેશનરી IPS તરીકે ગિલનું પોસ્ટિંગ હતું તીનસુકિયા ડિસ્ટ્રિક્ટમાં. એક મજાનો પ્રસંગ છે. ગિલને માહિતી મળી કે સ્થાનિક થિયેટર હૉલમાં કેટલાંક આવારાં તત્ત્વો લોકોને રંજાડી રહ્યાં છે. પરેશાન કરી રહ્યાં છે. ગિલે કોન્સ્ટેબલને સાથે આવવા આદેશ કર્યો, પણ આળસુ કોન્સ્ટેબલોએ ધ્યાન ન આપ્યું. આખરે ગિલ પોતે એકલા સ્થળ પર પહોંચી ગયા. ચારમાંથી બેની ગરદન પાછળથી પકડી. એક જણે છટકવા માટે ગિલના પગ પર કિક મારી, પણ ત્યાં ગિલ સાહેબનો મજબૂત પંજો પેલાના ગાલ પર છપાઇ ગયો હતો. બીજો પણ ડરી ગયો. લોકો તો ફિલ્મ પડતી મૂકીને આ આંખ સામે ભજવાતી રિઅલ ફિલ્મ જોવામાં મશગૂલ બની ગયા! ગિલે આવારા તત્ત્વોને પકડીને પોલીસ સ્ટેશનના સળિયા પાછળ ધકેલી દીધા. સ્થાનિક લોકોએ ગિલના પરાક્રમને તાળીઓથી વધાવી લીધું!
બીજો એક પ્રસંગ કે જેમાં મોહરમ દરમિયાન એક મુસ્લિમ ગામમાં હુમલો થયો. સ્થાનિક પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ મુસ્લિમ સબ ઇન્સ્પેક્ટરને કડક કાર્યવાહી કરવા ન બદલ ગિલે ઠપકો આપ્યો તો મુસ્લિમ પોલીસ ઓફિસરે સંકોચાતાં પોતે ડરી ગયો હોવાનું કારણ રજૂ કર્યું. ગિલ બોલી ઊઠ્યા: ‘પોલીસમેન હેઝ નો રાઇટ ટુ બી અફ્રેઇડ.’ (પોલીસ અધિકારીને ડરી જવાનો કોઇ અધિકાર નથી.)
ગિલ જ્યારે શિવસાગરમાં સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારની વાત છે. શિવસાગરથી થોડે દૂર આવેલા નાઝીરા રેલવે સ્ટેશને તોફાની વિદ્યાર્થીએ કોઇ મુદ્દાને લઇને સ્ટેશન પર ધમાલ મચાવેલી. ટ્રેન અટકાવી દીધી. ગિલ જાતે જીપ ડ્રાઇવ કરીને સ્ટેશન પર પહોંચી ગયા અને સતત બાર કલાક સુધી સ્થળ પર હાજર રહીને પરિસ્થિતિને થાળે પાડી. ગિલે સબ ઇન્સ્પેક્ટર કુબાદ અલીને થોડીવાર માટે ચાર્જ સોંપીને એક રૂમમાં થોડીવાર માટે આરામ કર્યો. બાર કલાક ખડે પગે ઊભા રહીને ડ્યૂટી કરનાર ગિલ ઘસઘસાટ નીંદર માણીને બહાર આવ્યા તો પ્લેટફોર્મ પર નીરવ શાંતિ પથરાયેલી હતી.
આ દરમિયાન કોઇએ ગિલનાં પત્નીને એવા સમાચાર આપી દીધેલા કે ગિલની હત્યા કરવામાં આવી છે. ગિલનાં પત્ની તો સમાચાર સાંભળીને સુન્ન થઇ ગયાં. જબરદસ્ત આઘાત લાગ્યો હતો એમને. આખરે ગિલ પરત આવ્યા ત્યારે એમનાં પત્નીનો જીવ હેઠો બેઠો!
શિવસાગરમાં પોસ્ટિંગ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન નહેરુએ એક જાહેર મિટિંગ યોજી હતી. નહેરુને હેલિપેડથી સર્કિટ હાઉસ સુધી લાવવાની જવાબદારી ગિલે સુપેરે નિભાવી. ગિલની કાયદો-વ્યવસ્થા જાળવવાની કાબેલિયત જોઇને નહેરુએ લખ્યું હતું: શિવસાગરમાં હું એક યંગ અને ઊંચા મજબૂત બાંધાના, હિંમતવાન પોલીસ અધિકારીને મળ્યો કે જેનામાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકવાની સક્ષમતા હતી. ડ્યૂટી કરવાની એક્સલન્ટ સેન્સ હતી.’
‘થેન્ક યુ મિસ્ટર ગિલ’: જ્યારે ઇન્દિરાએ પણ ગિલની પ્રશંસા કરી...
નહેરુનાં પુત્રી ઇન્દિરા પણ ગિલથી પ્રભાવિત થયાં વગર ન રહી શક્યાં. ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન હતાં ત્યારનો એક પ્રસંગ છે. 1970 આસપાસની વાત છે. ત્યારે આસામના કામરૂપ ડિસ્ટ્રિક્ટના એસપી તરીકેનો ચાર્જ ગિલને સોંપાયો હતો. ઇન્દિરાની એક ઝલક જોવા માટે ભીડ ઊમટી પડી હતી. ગિલે કુનેહથી ક્રાઉડ કંટ્રોલ કર્યું. ગિલે બુલેટપ્રુફ કારમાં ઇન્દિરાજીને એરપોર્ટ પર ડ્રોપ કર્યાં. પ્લેનની સીડી ચડતાં ઇન્દિરાને કંઇક યાદ આવ્યું હોય એમ બે પગથિયાં પાછાં ફરીને સીડી પાસે ઊભેલા ગિલને ઇન્દિરાએ કહ્યું, ‘થેન્ક યુ મિ. ગિલ. મારું આટલું સરસ રીતે ધ્યાન રાખવા બદલ.’
‘ભાગો, ભાગો ગિલ આ ગયા!’
આસામના નાગોન જિલ્લામાં ગિલ એસપી હતા. કોમ્યુનલી સેન્સિટિવ ડિસ્ટ્રિક્ટ. છાશવારે બે કોમ વચ્ચે કોમ્યુનલ હિંસા ફાટી નીકળે. ગિલે તોફાની તત્ત્વોને ડામવા માટે કડક હાથે કામ લીધું. ગિલ પોતાની ખાસ પ્રકારની ખુલ્લી જીપમાં બેસીને સેન્સિટિવ એરિયામાં પહોંચી જતા. છ ફૂટ અને ચાર ઇંચના ગિલ દૂરથી જ દેખાઇ જતા અને ટોળું 'ભાગો, ગિલ આ ગયા'ની બૂમો પાડતું રફે-દફે થઇ જતું!
પંજાબમાં ખાલિસ્તાની મૂવમેન્ટ ચરમસીમા પર: ગોલ્ડન ટેમ્પલમાં DIGની લાશ ફરતે ઉગ્રવાદીઓએ ભાંગડા કર્યા!
80ના દાયકામાં પંજાબ આતંકવાદની આગમાં સળગી રહ્યું હતું. અલગ ખાલિસ્તાનની માગમાં પંજાબની ગલીઓ લોહિયાળ બની હતી. શીખ ઉગ્રવાદી નેતા જરનૈલસિંહ ભિંડરાનવાલેનું નામ પંજાબ સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યું હતું. પોલીસ અને ઉગ્રવાદીઓ વચ્ચેની મૂઠભેડ સામાન્ય વાત બની ગઇ હતી. પંજાબનો આમ નાગરિક ઉચ્ચક જીવે જીવતો હતો. અરે, સામાન્ય નાગરિક તો ઠીક, પણ ખુદ પોલીસ પણ સુરક્ષિત નહોતી.
પંજાબની ભયાવહ સ્થિતિને સમજવા માટે ત્રણેક ઘટનાઓ જ પૂરતી છે. ફેબ્રુઆરી, 1984નું વર્ષ. છ પોલીસ અધિકારીઓનું ભિડરાનવાલેના માણસોએ અપહરણ કર્યું. પોલીસ વિભાગે પોતાના માણસોને છોડી મૂકવા ભિંડરાનવાલે પાસે કાયદેસર કરગરવું પડ્યું. ભિંડરાનવાલે પાંચ પોલીસ અધિકારીઓને છોડી મૂકવા માટે રાજી થયો. જેમાંથી એકની તો ઓલરેડી હત્યા કરી નાખી હતી. બાકીના અપહ્યત અધિકારીઓની મશીનગનો અને હથિયારો ઝૂંટવીને ઉગ્રવાદીઓએ એમને માંડમાંડ છોડ્યા.
બીજો એક બનાવ: એપ્રિલ 1983માં પંજાબના જાલંધર રેન્જના DIG એ. એસ. અટવાલ ગોલ્ડન ટેમ્પલના દર્શનાર્થે આવ્યા. પ્રસાદ લઇને પગથિયાં ઊતરી રહ્યા હતા ત્યારે એમના પર ગોળીઓનો વરસાદ થયો. સાથેના પોલીસ અધિકારીઓ-પોલીસ ગાર્ડ્સ મૂકપ્રેક્ષક બનીને રહી ગયા. અટવાલનું શરીર ગોળીઓથી વીંધાઇને ચાળણી બની ગયું. લોહીના ખાબોચિયામાં પડેલી અટવાલજીની લાશ પાસે જવાની પણ કોઇની હિંમત ન થઇ. આતંકીઓએ અટવાલની લાશ પાસે ભાંગડા કર્યા. બે કલાક સુધી અટવાલની લાશ ત્યાં પડી રહી. આખરે પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓએ વિનવણી કરી ત્યારે અટવાલની બોડી સોંપવામાં આવી.
1984માં ‘ઓપરેશન બ્લુસ્ટાર’ લોન્ચ થયું. ટેન્ક સાથેનું સૈન્ય શીખોના સૌથી પવિત્ર સ્થાન સુવર્ણમંદિર-હરમંદિર સાહિબમાં ઘૂસ્યું. ભારે જાનહાનિ અને માલહાનિ થઇ. ઇન્દિરા ગાંધીએ આ ઓપરેશનની કિંમત પોતાના જીવના ભોગે ચૂકવવી પડી. ગિલના મતે આ ઓપરેશન ઇન્દિરા ગાંધીએ લીધેલું ઉતાવળિયું પગલું હતું. યોગ્ય આયોજન અને રણનીતિનો આ ઑપરેશનમાં અભાવ હતો.
તારીખ 3 ઓક્ટોબર, 1986ના રોજ જાલંધરના પંજાબ આર્મ્ડ પોલીસના હેડક્વાર્ટર પર હુમલો થયો. હુમલો કરનાર હતા પોલીસના સ્વાંગમાં આવેલા શીખ ઉગ્રવાદીઓ. ટાર્ગેટ હતા: તત્કાલીન પંજાબ DGP જુલિયો રિબેરો. (મુંબઇમાં ગુનાખોરીનો ગ્રાફ નીચે લાવનાર રિબેરોનું પુસ્તક ‘બુલેટ ફોર બુલેટ’ વાંચવા જેવું છે.) સદભાગ્યે રિબેરોને તો ખાસ ઇજા ન પહોંચી, પણ હુમલામાં એમનો ગાર્ડ માર્યો ગયો. રિબેરોનાં પત્ની અને ચાર પોલીસ અધિકારીઓ, પેરા મિલિટરી ઓફિસર્સ ગંભીર રીતે ઘાયલ થયાં. હુમલાખોરો આ ઘટનાને અંજામ આપ્યા બાદ એક ટ્રકમાં નાસી છૂટ્યા. રિબેરો પરના આ જીવલેણ હુમલાની જવાબદારી ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના લાભસિંહે લીધી. એમ કહેવાય છે કે આ ઘટનાએ રિબેરો જેવા બાહોશ પોલીસ અધિકારીને પણ અંદરથી હચમચાવી દીધા. એમની કાર્યક્ષમતા અને હિંમત પર આ ઘટનાએ બહુ અસર કરી.
અને પંજાબ DGP તરીકે ગિલે ચાર્જ સંભાળ્યો...
સરકારી ચોપડે જોઇએ તો પંજાબમાં ઓક્ટોબર 1985થી એપ્રિલ 1988 દરમિયાન કુલ 2866 લોકોનાં મૃત્યુ થયાં. જેમાં 2207 સિવિલિયન્સ હતા, 177 પોલીસમેન હતા અને 482 ટેરરિસ્ટ હતા. રિબેરોની કામગીરીથી સરકાર સંતુષ્ટ નહોતી. દિલ્હી વાત ગઇ. રિબેરોને હોમ અફેર્સ વિષયમાં ગવર્નરના સલાહકાર તરીકે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા અને એપ્રિલ, 1988માં પંજાબ પોલીસનું સુકાન સોંપાયું ગિલને. IGPમાંથી પ્રમોશન આપીને ગિલની પંજાબ DGP તરીકે નિમણૂક કરવામાં આવી.
પંજાબની સ્થિતિને ડામવા માટે વડાપ્રધાન રાજીવ ગાંધીએ એક બેઠક યોજી. DGP ગિલ, પંજાબ ગવર્નરના સલાહકાર જુલિયો રિબેરો, ગવર્નર એસ. એસ. રાય, ડિરેક્ટર ઓફ ઇન્ટેલિજન્સ બ્યુરો- નારાયણન, યુનિયન હોમ સેક્રેટરી, યુનિયન કેબિનેટ સેક્રેટરી સહિતના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત હતા. ગોલ્ડન ટેમ્પલમાં છુપાયેલા આતંકીઓને નાથવા માટેના ઓપરેશનની રણનીતિ વિશે રાજીવ ગાંધીએ સૌને પૂછ્યું. સૌ મૌન હતા. ઓપરેશન બ્લુ સ્ટારની યાદો તાજી હતી. જો ઓપરેશન નિષ્ફળ જાય તો દોષનો ટોપલો પોતાના માથે ઢોળાવાનો સૌને ભય હતો. સિવાય એક. યસ, એ હતા ગિલ. ગિલે વિસ્તારપૂર્વક ઑપરેશન વિશે રાજીવ ગાંધીને સમજાવ્યું. ઓપરેશનમાં મીડિયાને પણ ઇન્વોલ્વ કરવાની ગિલે વાત કરી. ગિલનો પ્લાન સાંભળીને પી.એમ. પ્રભાવિત થયા. રાજીવ ગાંધીએ પોતે ટર્મ પ્રયોજ્યો: 'ધ ગિલ પ્લાન'. આ જ પ્લાન પછી ‘ઑપરેશન બ્લેક થંડર’ તરીકે ઓળખાયો!
ઑપરેશન બ્લેક થંડર ઉર્ફ ધ ગિલ પ્લાન: જેમાં એક પણ કમાન્ડોએ પોતાનો જીવ ન ગુમાવ્યો!
1986માં ઑપરેશન બ્લેક થંડર-1 અને 1988માં ઑપરેશન બ્લેક થંડર-2 લોન્ચ કર્યું. ઑપરેશન બ્લેક થંડર-2 9મી મે 1988ના રોજ શરૂ થયું અને 18મી મે 1988 સુધી ચાલ્યું. જેમાં 41 આતંકવાદીઓ માર્યા ગયા અને બસ્સો જેટલા આતંકીઓએ આત્મસમર્પણ કર્યું. સૌથી મહત્ત્વની વાત એ છે આ ઑપરેશનમાં એક પણ કમાન્ડોએ કે ન તો કોઈ નાગરિકે જીવ ગુમાવ્યો. આ ઑપરેશન એ રીતે પણ અનોખું હતું કે પ્રેસને તેને કવર કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી એટલે સાચી-ખોટી અફવાઓને પણ વેગ મળવાને પણ કોઇ અવકાશ નહોતો.
આતંકીઓએ સુવર્ણ મંદિરમાં આશ્રય લીધો હતો. ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના સ્વયંભૂ લેફ્ટનન્ટ જનરલ મલકિયત સિંહે ધમકી આપી કે, ‘સુવર્ણ મંદિરમાં પ્રવેશતાં પહેલાં હજારો સૈનિકોને શેકવામાં આવશે. તમારા લોકોના મૃતદેહો ઉપાડવા માટે એક ટ્રક લાવી રાખજો કારણ કે તમારે હજારો મૃતદેહો ઉપાડવા પડશે.’ પણ ઓપરેશન પૂરું થયા પછીનું દૃશ્ય 180 ડિગ્રી જૂદું હતું!
આ ઑપરેશનની સફળતા માટે કમાન્ડોને માનેસર સ્થિત NSG હેડક્વાર્ટરમાં વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ઑપરેશનનો પ્રારંભ થયો. સ્નાઇપર્સે ગુરુ રામદાસ સરાયની પાછળ બનેલી 300 ફીટ ઊંચી ટાંકી પર પોઝિશન લીધી. પંથક સમિતિના પ્રવક્તા જાગીરસિંહ પાણી પીવા માટે રૂમની બહાર આવ્યો ત્યારે જવાનોએ તેને ઉડાવી દીધો. બીજો આતંકી જાગીરસિંહને અંદર ખેંચી જવા માટે બહાર આવ્યો તો એ પણ જાગીરસિંહના માર્ગે!
આ પ્રારંભિક હુમલાએ જ આતંકીઓની અડધી હિંમત ભાંગી નાખી. બીજા આતંકવાદીઓ બહાર નીકળવા માટે પગ નહોતા ઊપડતા. સ્નાઇપર્સે ત્રણ દિવસમાં વીસ આતંકીઓને શૂટ કર્યા. કેટલાક આતંકવાદીઓ મિનારા પર બેઠા હતા. NSGએ અલગ રણનીતિ અપનાવી. હેવી મશીનગનથી મિનારાઓ પર હજારો ગોળીઓ છોડવામાં આવી. મિનારા પર પડેલાં મોટાં છિદ્રો વાટે અંદર ટીયર ગેસના શેલ ફેંકવામાં આવ્યા હતા. ધુમાડો બહાર નીકળવાને કારણે આંતકીઓ બહાર આવશે એવી અપેક્ષા રાખીને કમાન્ડો ટાંપીને બેઠા હતા. પરંતુ આવું બન્યું નહીં, કારણ કે આતંકીઓ પહેલેથી જ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ફોર્સ યોજનાબદ્ધ રીતે પોતાના ઑપરેશનમાં આગળ વધી રહી હતી. આતંકીઓ પાસે બે જ રસ્તા હતા: સમર્પણ અથવા તો મૃત્યુ. પરિણામ સાફ હતું: 15 મેની સાંજે દોઢસો આતંકીઓ હાથ ઊંચા કરીને સમર્પણ માટે બહાર આવ્યા. પરંતુ આ સફળતા અધૂરી રહી. આત્મસમર્પણ કરનારાઓમાં સુરજીત સિંહ જેવો આતંકવાદી પણ હતો, જેણે સાઈનાઈડ ખાઈ લીધું.
બીજા આતંકીઓ હજુ ગોલ્ડન ટેમ્પલની અંદર છુપાયેલા હતા. પ્રખ્યાત શીખ સંત બાબા ઉત્તમ સિંહને લાવવામાં આવ્યા, જેમણે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી. આખરે 18 મેની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, તે પૂરી થાય એ પહેલાં તો બાકીના આતંકવાદીઓ બહાર આવી ગયા. નવ દિવસ સુધી ચાલેલા આ ઑપરેશનને સુરક્ષા દળોના ઈતિહાસમાં એવાં કેટલાંક ઑપરેશનો પૈકી એક તરીકે નોંધવામાં આવે છે જે સંપૂર્ણ સક્સેસફુલ રહ્યાં હતાં. અફકોર્સ ક્રેડિટ ગોઝ ટુ: કેપીએસ ગિલ!
DGP ગિલ પણ લાઇટ મશીનગનથી ફાયરિંગ કરી રહ્યા હતાઃ શું હતી કેપીએસની રણનીતિ?
કેપીએસ ગિલ આંધળુકિયાંના નહીં પણ રણનીતિના માણસ હતા. ગિલે ખાલિસ્તાનીઓનો સફાયો કરવા માટે DGP તરીકે જોડાયાને સૌથી પહેલું કામ પંજાબમાં ઇન્ટેલિજન્સને મજબૂત કરવાનું કર્યું. પંજાબના અંતરિયાળ અને સંવેદનશીલ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું. આશરે પચ્ચીસ હજાર જેટલા જવાનોની ભરતી કરીને પોલીસફોર્સની સ્ટ્રેન્થ વધારી. આનો એક ફાયદો એ થયો કે પોલીસ સ્ટ્રેન્થ તો વધી જ, આ સાથે આતંકવાદ તરફ વળતા યુવાધન માટે પોલીસ ફોર્સમાં રોજગારીની તકો ઊભી થઇ. પોલીસ ડિપાર્ટમેન્ટને આધુનિક હથિયારો, વાહનોથી સજ્જ કરવા ગિલે કમર કસી.
બીજું મહત્ત્વનું કામ ગિલે એ કર્યું કે લોકલ પ્રોડક્શનનો સહકાર લઇને બુલેટપ્રૂફ ટ્રેક્ટર અને બુલેટપ્રૂફ જેકેટનું ઉત્પાદન વધાર્યું. શેરડીનાં ખેતરોમાં છુપાતા આતંકીઓ સાથેની મૂઠભેડ દરમિયાન બુલેટપ્રૂફ ટ્રેક્ટર ખૂબ ઉપયોગી પુરવાર થયાં. પાકિસ્તાનથી મોટાપાયે આવતાં હથિયારોનો ફ્લો અટકાવવા માટે ગિલના આગ્રહથી સરકારે પંજાબ બોર્ડર પર ફેન્સિંગ કર્યું.
ગિલની કાર્યપદ્ધતિની સૌથી મોટી ખાસિયત એ હતી કે ઓફિસમાં બેસીને ઑર્ડરનો મારો ચલાવીને પોતાની જાતને સેફ રાખવાને બદલે ગિલ સ્પોટ પર ખુદ હાજર થઇ જતા અને આંતકીઓનો મુકાબલો કરતા.
એકવાર પંજાબના એક ગામમાં આંતકીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ. સતત ત્રણ દિવસ સુધી આતંકીઓ અને પોલીસ વચ્ચે સામસામે ફાયરિંગ થયાં. રાતના સમય દરમિયાન પોલીસ ટ્રેક્ટર અને પોલીસ ગાડીઓની હેડલાઇટ ચાલુ રાખતી હતી કે જેના કારણે કોઇ આતંકી નાસી ન છૂટે. આ ઑપરેશનમાં પંજાબ પોલીસના કોન્સ્ટેબલ સાથે કેપીએસ ગિલ પણ લાઇટ મશીનગનથી ફાયરિંગ કરી રહ્યા હતા. ગિલે પ્રેસ-મીડિયાને પોલીસ ઑપરેશનમાં સામેલ કર્યું. આ કારણે પોલીસ બ્રુટાલિટીની અને ઑપરેશનની કહી-સૂની વાતોને બદલે સાચી વિગતો લોકો સમક્ષ આવી શકી.
ગિલની આંખમાં આંસુ, ચિંતા હળવી કરવા કવિતાઓ વાંચતા
એકવાર શહીદ થયેલા પોલીસમેનના મૃત્યુ બાદ તેના પરિવારના જ ત્રણ જણાએ ખાલી પડેલી નોકરી મેળવવાનો દાવો કર્યો. પોલીસમેનના પિતા ઇચ્છતા હતા કે પોતાના બીજા દીકરાને નોકરી મળે. પત્ની ઇચ્છતી હતી કે એના ભાઇને નોકરી મળે. દીકરો ઇચ્છતો હતો કે પોતાને આ નોકરી મળે. ગિલે ઑથોરિટી સમક્ષ ત્રણેય માણસોને ભરતી કરવાની પરવાનગી માગી. લીલીઝંડી મળી. ત્રણેય જણને પોલીસફોર્સમાં લેવામાં આવ્યા. ગિલની આંખમાં ત્યારે આંસુ હતાં!
એકવાર ‘ધ પાયોનિયર’ ન્યૂઝ પેપરના એમડી અને રાજ્યસભા સાંસદ ચંદન મિત્રા ગિલને મળવા આવી પહોંચ્યા. અટેન્ડન્ટ એમને લૉન તરફ દોરી ગયો, જ્યાં ગિલ ખુરશીમાં બેસીને વિલિયમ વર્ડ્સવર્થની કવિતાઓ વાંચી રહ્યા હતા. મિત્રાને થોડી નવાઇ લાગી કે પંજાબ પોલીસનો એક બાહોશ અને કડક અધિકારી પંજાબ જ્યારે ભડકે બળી રહ્યું છે ત્યારે વર્ડ્સવર્થની કવિતાઓ વાંચે છે? ગિલે જવાબ આપ્યો. 'આતંકવાદ-હિંસાના આ દોરમાં હું મારા માઇન્ડને ફ્રેશ રાખવા માટે કવિતાઓ વાંચું છું. કવિતાઓ વાંચવાથી ચિંતા હળવી થાય છે અને ફ્રેશ માઇન્ડ આ આતંકી હિંસાને ડામી દેવાના નવા રસ્તાઓ ચીંધે છે.’
જો ગિલ હોત, તો કાશ્મીરનું ચિત્ર જૂદું હોત!
1981થી 1993 સુધીમાં પંજાબમાં આઠેક હજાર આતંકી સહિત કુલ 21,469 લોકોના મૃત્યુ થયા. 1993 સુધીમાં પંજાબમાં આતંકવાદ ઓલમોસ્ટ ખતમ થઇ ચૂક્યો હતો. ગિલ આની ક્રેડિટ તત્કાલીન પીએમ નરસિંહ રાવ અને સીએમ બિયંતસિંહને આપે છે. ગિલ કહે છે, ખાલિસ્તાની મૂવમેન્ટને ડામવા માટે પીએમ નરસિંહરાવે અમને છુટ્ટો દોર આપ્યો હતો. સીએમ બિયંતસિંહ પણ એકદમ ડાઉન-ટુ-અર્થ માણસ હતા.
ગિલ 1988થી 1990 અને 1990થી 1995 એમ બે વાર પંજાબના DGP બન્યા. વર્ષ 1993માં રાજ્યમંત્રી (ઇન્ટર્નલ સિક્યોરિટી) રાજેશ પાઇલટ ગિલને દિલ્હીમાં મળ્યા. રાજેશ પાઇલટે મણિપુરના ગવર્નર બનવાની ગિલ સમક્ષ ઑફર મૂકી. જોકે ગિલે ઇચ્છા ન દાખવી. પણ ગિલે ત્યારની સ્થિતિ જોતાં જમ્મુ-કાશ્મીરના DGP તરીકે પોતાની નિમણૂક કરવાની પ્રપોઝલ મૂકી. જોકે કેન્દ્રીય ગૃહમંત્રી શંકરરાવ ચવાણના રાજેશ પાઇલટ સાથેના વાંધા-વચકાને કારણે ગિલની આ પ્રપોઝલ ન સ્વીકારાઇ. ગિલને શંકરરાવ ચવાણ પ્રત્યે આજીવન આ બાબતે ફરિયાદ રહી. જો ગિલ જમ્મુ-કાશ્મીરના DGP તરીકે મુકાયા હોત તો કાશ્મીરનું ચિત્ર શું હોત? એ અભ્યાસનો રસપ્રદ વિષય છે.
વર્ષ 2002માં ગુજરાતનાં રમખાણોને કાબૂમાં લેવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સિક્યોરિટી એડવાઇઝર તરીકે ગિલને ખાસ પંજાબથી બોલાવાયા હતા એ જાણીતી વાત છે. અલબત્ત, પદ્મશ્રી પુરસ્કૃત ગિલની કરિયરમાં રૂપન બજાજની છેડતીના આક્ષેપનો બહુચર્ચિત કેસ પણ નોંધાયો. આ કેસ ગિલની સુવર્ણ કરિયરમાં કાળી મેખ સમાન સાબિત થયો છે!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.