‘મેં એક આખા કાળખંડને જોયો છે. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નેહરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના કાળખંડની હું સાક્ષી રહી છું, આ સમગ્ર કાળખંડ દરમિયાન હું એવી અનેક ગૌરવપૂર્ણ ક્ષણોની સાક્ષી બની છું, જેમાં મારી છાતી ગદગદ ફૂલી હોય, તો કેટલીય એવી ઘટનાઓ પણ જોઈ છે કે જ્યારે મારી આંખો શરમથી ઝૂકી ગઈ હોય. હું અનેકવાર ખુલ્લા મને હસી પણ છું તો ઘણીવાર અકથ્ય વેદના અનુભવી સ્તબ્ધ પણ બની છું.. હા, હું સંસદીય પ્રણાલીનો આત્મા છું. લોકશાહીની મજબૂત ધરોહર છું. હા, હું ભારતીય સંસદભવનની ઐતિહાસિક ઇમારત છું, જે હવે કાયમને માટે ઇતિહાસનાં પાનાંમાં ધરબાઈ જવાની છે.’
28 મે, 2023 ને રવિવારના દિવસે ભારતના સંસદીય ઇતિહાસમાં એક નવા પ્રકરણનો ઉઘાડ થવા જઈ રહ્યો છે. એ દિવસે લોકશાહીના 'પ્રાણ' સમાન નવા સંસદભવનની ઇમારત ભારતની પ્રજાને અર્પણ થવાની છે. દિલ્હીમાં આકાર લેનારી આ ઐતિહાસિક ઘડી દેશના ઇતિહાસમાં અમીટ અક્ષરે નોંધાઈ જશે. હવે જ્યારે સરકારના દમદાર દાવાઓ અને વિપક્ષોની પ્રબળ નારાજગી વચ્ચે નવા સંસદભવનનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે પોતાનામાં અનેક યાદો ધરબીને બેઠેલું આપણું જૂનું સંસદભવન તેના ઐતિહાસિક કાંગરેથી અનેક રસપ્રદ કિસ્સાઓ સંભળાવી રહ્યું છે. શું કહે છે સંસદભવન? આવો... સાંભળીએ..
ચેપ્ટર-1: ગાય અને ગોળી
આતંકી હુમલો:
તારીખ 13 ડિસેમ્બર, 2001ના રોજ જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીએ સંસદ પર હુમલો કર્યો. સંસદ પરિસરમાં તહેનાત સુરક્ષાકર્મીઓએ આતંકીઓનો બહાદુરીથી સામનો કર્યો અને પાંચ આંતકીને ઠાર કર્યા. લોકતંત્ર પર થયેલા આ સૌથી મોટા હુમલામાં દિલ્હી પોલીસના પાંચ જવાન, CRPFની એક મહિલા કોન્સ્ટેબલ, બે ગાર્ડ, એક માળી અને એક પત્રકાર આ હુમલામાં શહીદ થયાં. હુમલાના મુખ્ય આરોપી અફઝલ ગુરુની દિલ્હી પોલીસે ધરપકડ કરી. અફઝલને પછી ફાંસી આપવામાં આવી.
જ્યારે હજારો સાધુ-સંતો પર ગોળીઓનો વરસાદ થયો
વર્ષ 1966. તારીખ 7 નવેમ્બર.
એ દિવસના ઘટનાક્રમનાં દૃશ્યોને આબેહૂબ રીતે પોતાના શબ્દોમાં વર્ણવતી સંસદભવન ઇમારત કહે છે..
‘એ દિવસે સંસદની બહાર હજારોની સંખ્યામાં સાધુ-સંતોની ભીડ એકઠી થયેલી હતી, સાથે ગાયો-વાછરડાં પણ હતાં. હિંદુ પંચાંગ અનુસાર, એ દિવસે વિક્રમ સંવતની કારતક સુદ આઠમ હતી, જેને હિંદુઓ ગોપાષ્ટમી તરીકે ઊજવે છે. પૂર્વભૂમિકા એવી છે કે પચાસના દાયકામાં પ્રસિદ્ધ સંત સ્વામી કરપાત્રીજી મહારાજ ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા માટે કાયદાની માગ કરી રહ્યા હતા. ઇન્દિરાએ ચૂંટણી જીત્યા પછી કતલખાનાં બંધ કરવાનો વાયદો તો કર્યો હતો, પણ પછી કેન્દ્ર સરકાર આ મામલે ઉદાસીન વલણ દાખવી રહી હતી. સાધુ-સંતોનો આક્રોશ વધી રહ્યો હતો.
કરપાત્રીજીના આહવાન પર જ આ ભીડ જમા થઈ હતી
ગોરક્ષા મહાભિયાન સમિતિના સંચાલક અને સનાતની કરપાત્રીજી મહારાજે ચાંદનીચોક સ્થિત આર્ય સમાજના મંદિરેથી પોતાના સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. કરપાત્રીજીના નેતૃત્વમાં જગન્નાથપુરી, દ્વારકાપીઠના શંકરાચાર્ય, વલ્લભસંપ્રદાયની સાત પીઠના પીઠાધિપતિ, રામાનુજ સંપ્રદાય, માધવ સંપ્રદાય, રામનંદાચાર્ય, આર્ય સમાજ, નાથ સંપ્રદાય, જૈન, બૌદ્ધ અને શીખ સમાજના અગ્રણીઓ, શીખ સમાજના નિહંગ અને હજારોની સંખ્યામાં નાગા સાધુઓને પંડિત લક્ષ્મીનારાયણજી ચંદન તિલક લગાવીને વિદાય કરી રહ્યા હતા.
હજારોની સંખ્યામાં હિન્દુઓ-ગૌભક્તો સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા. બપોરના સમયગાળમાં આ સરઘસ દિલ્હીની બજારો વીંધતું સંસદભવન પહોંચ્યું. સંસદની બહાર સાધુઓએ ધરણાં શરૂ કર્યાં.આ ધરણાંના મુખ્ય સંતો હતા: શંકરાચાર્ય નિરંજન દેવતીર્થ, સ્વામી કરપાત્રીજી મહારાજ અને રામચંદ્ર વીર. ત્રણેક કલાકે આર્ય સમાજના સ્વામી રામેશ્વરાનંદ ભાષણ દેવા માટે ઊભા થયા. કહ્યું: 'આ સરકાર બહેરી છે. હું અહીં ઉપસ્થિત તમામ લોકોને આહવાન કરું છું કે સંસદની અંદર ઘૂસી જાઓ અને બધા સાંસદોને ખેંચીને બહાર કાઢો.’
જ્યારે ઇન્દિરા ગાંધીને આ વાતની સૂચના મળી એટલે તેમણે નિ:શસ્ત્ર કરપાત્રી મહારાજ અને સંતો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો. પોલીસકર્મી પહેલેથી લાઠી-બંદૂક સાથે તહેનાત હતા. પોલીસે લાઠીચાર્જ કર્યો. ટિયરગેસના શેલ છોડ્યા. ભીડ વધુ આક્રમક બની. પોલીસે ફાયરિંગ શરૂ કર્યું. સંસદની બહાર સાધુ-સંતોના લોહીની ધારા વહી.
સરકારી આંકડા પ્રમાણે, આ ગોળીબારમાં આઠ સાધુનાં મોત થયાં હતાં, પણ આ આંકડાની સચ્ચાઈ અંગે શંકા છે. માર્યા ગયેલા સાધુઓનાં મોત અંગે આજે પણ વિવાદ છે. કેટલાય સાધુઓ આ ગોળીબારીમાં ઘાયલ થયા. તત્કાલીન ગૃહમંત્રી ગુલઝારીલાલ નંદાને આ ઘટનાને કારણે રાજીનામું આપવું પડ્યું હતું. સંસદને કમનસીબે નિર્દોષોના લોહીથી લખાયેલા એક રક્તરંજિત પ્રકરણનું સાક્ષી બનવું પડ્યું!
ચેપ્ટર-2: લોકતંત્ર શર્મસાર
જ્યારે વેંકૈયા નાયડુ આખી રાત સૂઈ ન શક્યા..
2021ની આ વાત છે, નાણામંત્રી નિર્મલા સીતારમણે 'જનરલ ઇન્શ્યોરન્સ અમેન્ડમેન્ટ બિલ' રાજયસભામાં મૂક્યું. વિપક્ષી સભ્યોએ જોરદાર વિરોધ કર્યો. કેટલાક સદસ્યોએ મેજ પર ચડીને નારાબાજી શરૂ કરી. કોંગ્રેસનેતા પ્રતાપસિંહ બાજવાએ મેજ પર ચડીને કાળો કાયદો પરત ખેંચવાની માગ કરી. રૂલ બુક ફેંકી. માર્શલ બોલાવવાની નોબત આવી ગઇ. સંસદ સ્થગિત કરવી પડી. અધ્યક્ષ વેંકૈયા નાયડુએ કહ્યું, 'મોન્સૂન સત્રમાં વિપક્ષનું જે વર્તન રહ્યું એને કારણે પોતે આખી રાત સૂઇ નથી શક્યા! આટલું બોલતાં નાયડુ ભાવુક થઇ ગયા. NCP નેતા શરદ પવારે કહ્યું, 'મેં મારી 55 વર્ષની રાજકીય કારકિર્દીમાં આવું દૃશ્ય ક્યારેય નથી જોયું! વિપક્ષી નેતાઓએ સરકાર પર લોકતંત્રની હત્યાનો આરોપ લગાવ્યો. મહિલા સાંસદો સાથે મારપીટનો આરોપ મૂક્યો. સંસદમાં થયેલા આ હંગામાને લઇને સરકારના આઠ મંત્રીએ એક પ્રેસ-કોન્ફરન્સનું આયોજન કરીને વિપક્ષ પાસે માફીની માગ કરી. આરોપ-પ્રત્યારોપના એ શોરબકોરમાં દેશની સંસદ મૌન હતી!
સંસદમાં નોટો ઊડી, જનતા અવાક્ થઈ ગઈ!
તારીખ 22 જુલાઇ, 2008નો એ દિવસ હતો. એ દિવસે લોકશાહીના પવિત્ર મંદિરમાં એક શર્મનાક ઘટના બની. ભાજપાના ત્રણ સાંસદે લોકસભામાં એક કરોડ રૂપિયા ઉડાડ્યા. આરોપ લગાડ્યો કે આ રૂપિયા વિશ્વાસ મતના પક્ષમાં મતદાન કરવા માટે આપવામાં આવ્યા છે. વાત એમ હતી કે ડૉ. મનમોહન સિંહના નેતૃત્વવાળી UPA સરકારે સંસદમાં વિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો. વર્ષ 2008માં અમેરિકા સાથે પરમાણુ સમજૂતીના મુદ્દે UPA સરકારને આપેલો ટેકો ડાબેરી દળોએ પાછો ખેંચી લીધો હતો.
મનમોહન સિંહ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાયો હતો. મનમોહન સિંહે વિશ્વાસ મત તો જીતી લીધો, પણ આ દરમિયાન ભારતીય સંસદના ઇતિહાસની એક શરમજનક ઘટના ઘટી. વિશ્વાસ મત પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો હતો, ત્યાં જ બીજેપીના ત્રણ સાંસદ અશોક અર્ગલ, ફગ્ગનસિંહ કુલસ્તે, મહાવીર ભગોરા (રાજસ્થાન) લાખો રૂપિયાની નોટોની થપ્પીઓ લઇને સ્પીકરની સીટ આગળ ધસી ગયા. સંસદમાં કાર્યવાહી પાંચ કલાક સુધી અટકાવી દેવામાં આવી. આ ઘટનાથી સમગ્ર દેશની જનતા સ્તબ્ધ થઈ ગઈ હતી. તત્કાલીન લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીએ આ ઘટનાને 'સંસદીય ઇતિહાસની સૌથી દુર્ભાગ્યપૂર્ણ ઘટના' ગણાવી હતી.
સ્પીકર સાથે ધક્કામુક્કી, બિલની નકલો ફાડી નખાઈ
વર્ષ 2010.
જૂનું સંસદભવન કહે છે કે તેણે એ દિવસે રાજ્યસભાની ઇજ્જત ધૂળ-ધાણી થતી પણ જોઈ છે. એ 2010નું વર્ષ હતું. જ્યારે મહિલા આરક્ષણ બિલના વિરોધીઓએ સભાપતિ હામિદ અન્સારી સાથે ધક્કામુક્કી કરી હતી અને બિલની પ્રતો ફાડી નાખી હતી! સંસદના ઇતિહાસનો આ એક કાળો અધ્યાય હતો.
વાત એમ હતી કે તારીખ 8 માર્ચ 2010ના એ મહિલા દિવસે કોંગ્રેસનેતા અને કાયદામંત્રી વીરપ્પા મોઇલીએ મહિલા આરક્ષણ બિલને સદનના પટલ પર મૂક્યું એટલે RJD અને સપા સાંસદ સભાપતિ હામિદ અંસારીના આસન સુધી ધસી ગયા. RJDના સુભાષ યાદવ, રાજનીતિ પ્રસાદ અને સપા સાંસદ કમાલ અખ્તરે હામિદ અંસારી સાથે ધક્કામુક્કી કરીને બિલ આંચકી લીધું અને સદનમાં ફાડી નાખ્યું.
લોકપાલ બિલ અટકી ગયું..
વર્ષ 2011નું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું, એ સત્ર દરમિયાન દેશને એક મજબૂત લોકપાલ બિલ મળવાની આશા હતી, પણ આ સત્રના અંતિમ દિવસોમાં જે કંઇ થયું એણે સંસદની ગરિમા પર કલંક લગાવી દીધું. રાતના 12 વાગ્યે સરકારે લોકપાલ બિલ પર વોટિંગ કરવાનો ઇનકાર કર્યો. સરકારની દલીલ હતી સત્ર ત્રણ દિવસ માટે હતું એટલે રાતે 12 પછી બિલ પાસ ન થઇ શકે. આ પહેલાં પણ રાજનીતિ પ્રસાદે લોકપાલ બિલની પ્રતો ફાડીને ઉછાળી હતી. આ પછી રાજ્યસભા સ્થગિત થઇ. એ પછી લોકપાલ બિલ છેક બે વર્ષે પાસ થઇ શક્યું!
એકે મરચાંનો સ્પ્રે છાંટ્યો, બીજાએ ચાકુ કાઢ્યું!
13 ફેબ્રુઆરી, 2014ના રોજ લોકસભાની કાર્યવાહી શરૂ થયાને હજુ માંડ થોડો સમય પસાર થયો હતો. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ લોકસભામાં અલગ તેલંગાણા રાજ્યનું બિલ પેશ કર્યું, એટલે આંધ્રપ્રદેશના તમામ સાંસદો ગુસ્સામાં લાલઘૂમ. કોંગ્રેસના સાંસદ એલ. રાજગોપાલે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું કાળા મરચાંનો સ્પ્રે છાંટીને. સ્પ્રેને કારણે ઘણા સાંસદોની આંખો બળવા માંડી, આંખમાંથી પાણી નીકળવા માંડયું. તબિયત બગડી. આ બધાને રામમનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેલુગુ દેશમ પાર્ટીના નેતા વેણુગોપાલે ચાકુ કાઢ્યું. સંસદમાં તોડફોડ શરૂ થઇ.
સંસદ પરિસર એમ્બ્યુલન્સની સાયરનોથી ગુંજી ઊઠ્યો. આ દરમિયાન એક સદસ્યએ સ્પીકર મીરા કુમારીના આસન પર રાખેલા કાગળો આંચકી લેવાનો પ્રયાસ કર્યો. ચારેતરફ અફરાતફરીનો માહોલ હતો. સંસદ ખાલી કરવામાં આવી. થોડા કલાકો માટે એને સ્થગિત કરવામાં આવી. આંધ્રપ્રદેશના 17 સદસ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એ દિવસે માત્ર કાળાં મરીના સ્પ્રેનો ભોગ બનેલાની આંખ જ નહીં, પરંતુ આખા હિન્દુસ્તાનનું લોકતંત્ર પણ બળતરા અનુભવી રહ્યું હતું!
કૃષિ બિલની કડાકૂટ: માર્શલ બોલાવવા પડ્યા, આઠ સાંસદ સસ્પેન્ડ
કૃષિક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણ બિલને લઇને મોદી સરકારને ઘણી ટીકાઓ સહન કરવી પડી. લોકસભામાં સરકારે આસાનીથી બિલ પાસ કરી લીધું, પણ રાજ્યસભામાં જ્યારે કૃષિ બિલ રજૂ થયું તો વિપક્ષે વિરોધ કર્યો. વિપક્ષી સદસ્ય ઉપસભાપતિ હરિવંશસિંહના આસન સામે આવી ગયા. સંસદમાં માર્શલ બોલાવવા પડ્યા. રાજ્યસભાના સ્પીકર વેંકૈયા નાયડુએ વિપક્ષના આઠ રાજ્યસભા સાંસદોને શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.
જોકે રાજ્યસભાના આ આઠ સાંસદ ડેરેક ઓ'બ્રાયન, સંજય સિંહ, રાજૂ સાતવ, કે. કે. રાગેશ, રિપુન બોરાડોલા સેન, સૈય્યદ નાસિર હુસૈન અને ઇલામારમ કરીમ સસ્પેન્ડ થયા હોવા છતા સંસદની બહાર લૉનમાં ચાદર નાખીને બેઠા હતા અને કૃષિ બિલનો વિરોધ કર્યો હતો. આ સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે સરકારે બિલને પાસ કરાવવા માટે લોકતંત્રને શર્મસાર કર્યું. માર્શલનો સહારો લીધો. બે દિવસો સુધી રાજ્યસભા સાંસદો ધરણાં પર બેઠા રહ્યા હતા.
ચેપ્ટર-3: વ્યક્તિવિરોધ નહીં વિચારવિરોધ
‘આઇ વિલ ક્રશ ધિઝ ક્રશિંગ મેન્ટાલિટી’
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આઝાદી પછી બનેલી કેબિનેટનો હિસ્સો હતા. તેઓ દેશના પહેલા ઉદ્યોગમંત્રી પણ હતા. લિયાકત-નેહરુ પેક્ટ (સમજૂતી કરાર)થી નારાજ શ્યામાપ્રસાદ મુખર્જીએ નેહરુ સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. શ્યામાપ્રસાદને લાગતું હતું કે નેહરુ સરકારે પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ)ના હિન્દુઓના અધિકારોની ઘોર ઉપેક્ષા કરી છે, આથી તેમણે નેહરુ સરકાર સાથે છેડો ફાડ્યો અને પછી તેમણે ભારતીય જનસંઘનો પાયો નાખ્યો.
નેહરુએ એકવાર સંસદમાં કહ્યું: ‘આઇ વિલ ક્રશ જનસંઘ’
શ્યામાપ્રસાદ મુખર્જીએ જવાબ આપ્યો: ‘આઇ વિલ ક્રશ ધિસ ક્રશિંગ મેન્ટાલિટી!’
અલબત્ત, એ સમય જુદો હતો. ત્યારે વિચારવિરોધ વિચાર પૂરતો જ સીમિત રહેતો હતો, વ્યક્તિવિરોધ સુધી લંબાતો નહોતો. દિલ્હી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને જનસંઘ બરોબરના ટકરાયાં હતાં. શ્યામાપ્રસાદે કોંગ્રેસ પાર્ટી પર આરોપ મૂકતાં કહ્યું, ‘કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે વાઇન અને મનીનો ઉપયોગ કરે છે.’
હવે થયું એવું કે નેહરુને એવું લાગ્યું કે મુખર્જીએ ‘વાઇન અને વિમેન’ કહ્યું છે. ગુસ્સાથી લાલચોળ થયેલા નેહરુએ શ્યામાપ્રસાદના વિધાનનો જોરદાર વિરોધ કર્યો. મુખર્જી સાહેબે સ્પષ્ટતા કરી એ પછી નેહરુનો રોષ ઠંડો પડ્યો. બંને પક્ષની ઉદારતા જુઓ, નેહરુએ ભરી સંસદ વચ્ચે શ્યામાપ્રસાદ મુખર્જીની માફી માગી. શ્યામાપ્રસાદ મુખર્જીએ પણ મોટું મન રાખીને નેહરુને માફ કર્યા.
‘रे रोक युधिष्ठर को न यहां, जाने दे उनको स्वर्ग धीर...’
જેની રચનાઓ મડદામાં પણ પ્રાણ ફૂંકે, નમાલાના રક્તમાં પણ શૂરાતન લાવી દે એવા રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકર એક કવિ-સર્જક હોવાની સાથે રાજ્યસભાના સાંસદ પણ રહ્યા છે. નેહરુએ જ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. અલબત્ત, નેહરુના પ્રશંસક દિનકર નેહરુની અમુક નીતિઓના કડક ટીકાકાર પણ રહ્યા.
વર્ષ 1962ની વાત છે. ભારત ચીન સામે યુદ્ધમાં હારી ગયું. યુદ્ધ બાદ દિનકરે નેહરુની નિષ્ફળતા તરફ આંગળી ચીંધતાં ભરી સંસદમાં એક કવિતાનું પઠન કર્યું "रे रोक युधिष्ठर को न यहां, जाने दे उनको स्वर्ग धीर पर फिरा हमें गांडीव गदा, लौटा दे अर्जुन भीम वीर."
એમ કહેવાય છે કે આ પંક્તિઓ સાંભળીને નેહરુનું માથું શરમથી ઝૂકી ગયું હતું. એકવાર દિનકરે સંસદમાં હિન્દી ભાષાની ટીકા- અવગણનાને લઈને પણ નેહરુની કડક આલોચના કરી હતી.
‘આ યુવક એકવાર દેશનો પ્રધાનમંત્રી બનશે!’
એ વખતે નેતાઓમાં સ્વીકારભાવનો સ્તર કેટલો ઊંચો હતો એની ગોઠડી માંડતું સંસદભવન કહે છે, 'ઇન્દિરા સામે લાખ વાંધાવચકા હોવા છતાં તેમને 'દુર્ગા'નું બિરુદ આપનારા વાજપેયી નેહરુની વિદેશનીતિના પ્રશંસક હતા અને કોંગ્રેસની આંતરિક રાજનીતિના કટ્ટર આલોચક હતા. એકવાર નેહરુ પર તીખો કટાક્ષ કરતાં વાજપેયીએ કહ્યું, ‘તમે ચર્ચિલ પણ છો અને ચેમ્બરલેન પણ છો.’ એ સમયની રાજનીતિની તાસીર જ જુદી હતી. એકવાર વિદેશથી કોઈ મહેમાન આવ્યા. વાજપેયીનો પરિચય કરાવતાં નેહરુએ કહ્યું, ‘આ યુવક એકવાર દેશનો પ્રધાનમંત્રી બનશે.’ નેહરુની આ ભવિષ્યવાણીને વાજપેયીએ સાચી પાડી.'
ચેપ્ટર-4: સત્તા કા ખેલ
માત્ર તેર જ દિવસમાં સરકાર પડી ભાંગી
તારીખ 16 મે, 1996.
અટલ બિહારી વાજપેયી પહેલીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા. ગઠબંધનનો પાયો હાલકડોલક થવા માંડ્યો. વિપક્ષે સરકાર પર અલ્પમતનો આરોપ મૂક્યો. વાજપેયીને બહુમત સાબિત કરવા રાષ્ટ્રપતિએ સમય આપ્યો. એ દિવસે સંસદ રાત સુધી ચાલુ રહી. વાજપેયીને લોકસભામાં બહુમતે યારી ન આપી, તારીખ 31 મે, 1996ના રોજ વાજપેયીને રાજીનામું આપવું પડ્યું. માત્ર તેર જ દિવસમાં ખીચડી સરકાર પડી ભાંગી.
'ક્યા હાર મેં, ક્યા જીત મેં, કિંચીત નહીં ભયભીત મૈં...' આ પંક્તિઓથી વાજપેયીએ તમામ સાંસદોને પોતાના મિજાજનાં દર્શન કરાવ્યા. સરકાર પડી ભાંગ્યા બાદ વાજપેયી સંસદમાં પોતાની સિગ્નેચર સ્ટાઇલમાં ગરજ્યા:
‘सत्ता का खेल तो चलता रहेगा
पार्टियां आएंगी जाएंगी
सरकारे बनेंगी बिगड़ेंगी
मगर ये देश रहना चाहिए’
બોફોર્સની તોપે જ્યારે વિપક્ષને એકજૂટ કર્યો
બોફોર્સ ડીલ, જેમાં રાજીવ ગાંધી સરકાર અને સ્વીડનની કંપની એબી બોફોર્સ વચ્ચે 155 મિમીની 400 હોવિત્ઝર તોપોની ડીલ થઈ. સ્વીડિશ રેડિયોએ આ ડીલમાં તેના નેતા અને રક્ષા વિભાગના અધિકારીઓએ 60 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના સમાચાર આપીને ભારતીય રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો.
એ સમયે ભાજપ, જનતા પાર્ટી, વામપંથી, તેલુગુ દેશમ, AIADMKના મળીને માત્ર 110 સાંસદ. વિપક્ષે રાજીવ ગાંધીના રાજીનામાની માગ કરી. રાજીવે ઇનકાર કર્યો, જેના વિરોધમાં 110 પૈકી 106 સાંસદોએ રાજીનામું ધરી દીધું હતું. 1989ની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ. નેશનલ ફ્રંટની જીત થઇ અને વી. પી. સિંહ વડાપ્રધાન બન્યા.
જ્યારે એકસાથે 63 સાંસદ સસ્પેન્ડ થયા
15 માર્ચ, 1989ના રોજ સંસદમાં સૌથી મોટી નિલંબન કાર્યવાહી થઇ હતી. રાજીવ ગાંધી સરકાર દરમિયાન સાંસદો પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યાને લઇને રજૂ થયેલા ઠક્કર કમિશનના રિપોર્ટને લઇને હંગામો કરી રહ્યા હતા. આને પગલે વિપક્ષના 63 સાંસદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ચેપ્ટર-5: અજીબોગરીબ
વિપક્ષહીન થઈ સંસદ, ટપકી પડ્યા સ્વામી, છુપાઈ ગયા મંત્રી
જેપીનું સર્વોદય આંદોલન ચરમસીમા પર હતું.
સુબ્રહ્મણ્યમ સ્વામીનું રાજનીતિમાં પદાર્પણ થયું. ઇમર્જન્સી કાળમાં સંસદ વિપક્ષહીન હતી. સંસદની કાર્યવાહીમાં સરકાર ઉપરાંત ગણ્યાગાંઠયા સાંસદો મોજૂદ રહેતા. આંદોલનકારી નેતાઓના નામે અરેસ્ટ વૉરંટ નીકળેલું હતું. આ નેતાઓમાં એક નામ સુબ્રહ્મણ્યમ સ્વામીનું પણ હતું. એક દિવસ રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન અચાનક સુબ્રહ્મણ્યમ સ્વામી ટપકી પડ્યા!
તત્કાલીન ગૃહમંત્રીને લાગ્યું કે સ્વામી હાથમાં પિસ્તોલ લઇને પોતાની તરફ આવી રહ્યા છે. મંત્રી ગભરાઈને મેજ નીચે છુપાઇ ગયા. સ્વામી આખા સત્ર દરમિયાન રાજ્યસભામાં ઉપસ્થિત રહ્યા. આ પછી બધાની નજરોથી ઓઝલ થઇ ગયા.
જેપીને જીવતેજીવ શ્રદ્ધાંજલિ આપી દીધી!
લોકનાયક જયપ્રકાશ નારાયણના જીવનનો સૌથી દુર્ભાગ્યપૂર્ણ પ્રસંગ તેમના નિધનના સો દિવસ પહેલાં 23 માર્ચ, 1979ના રોજ ઘટ્યો. જ્યારે દેશની સંસદે જેપીને જીવતેજીવ શ્રદ્ધાંજલિ આપી દીધી. દુનિયાના એકમાત્ર નેતા જેપી બન્યા કે જેના જીવતેજીવ સાંસદે શ્રદ્ધાંજલિ આપી દીધી હોય.
વાત એમ હતી કે મુંબઇની જસલોક હોસ્પિટલમાં જેપી મૃત્યુ સામે સંઘર્ષ કરી રહ્યા હતા. સરકાર સંચાલિત આકાશવાણીએ એક બપોરે એકાદ વાગ્યે તેમના નિધનની ખબર પ્રસારિત કરી દીધી!
એ વખતે મોરારજી દેસાઇની જનતા સરકાર હતી. સરકારે આકાશવાણી સમાચારની ખરાઈ કર્યા વગર તત્કાલીન લોકસભા અધ્યક્ષ કે.એસ. હેગડેએ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇના હવાલાથી લોકસભામાં પણ નિધનના સમાચાર જાહેર કરી દીધા. શ્રદ્ધાંજલિ અને સામૂહિક મૌન બાદ સદનને સ્થગિત કરવામાં આવ્યું.
સાંસદો તો પોતાના પ્રિય નેતાનાં અંતિમ દર્શન માટે જસલોક હોસ્પિટલ પહોંચી ગયા. જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર હોસ્પિટલમાં જ હતા. બહાર આવીને તેમણે બધાની ક્ષમાયાચના કરી અને હકીકત જણાવી કે લોકનાયક હજુ જીવિત જ છે.
ચેપ્ટર-6: હાસ્યની છોળો
કોંગ્રેસવાળા તો બીજાની પત્નીને ભગાડી જાય છે!
આચાર્ય કૃપલાણી સંસદમાં કોંગ્રેસની આલોચના કરી રહ્યા હતા. વળી, તેમનાં પત્ની પાછાં કોંગ્રેસનાં નેતા. એક સદસ્યએ ઊભા થઈને કહ્યું, કૃપલાણીજી, તમે એક એવી પાર્ટીની આલોચના કરી રહ્યા છો કે જે તમારી પત્નીને પ્રિય છે.
કૃપલાણી ટપાક કરતાં બોલ્યા, ‘અત્યારસુધી હું એવું માનતો હતો કે કોંગ્રેસના લોકો બેવકૂફ છે, પણ આજે મને ખબર પડી કે કોંગ્રેસવાળા માત્ર મૂર્ખ જ નહીં, પણ ગુંડાઓ પણ છે કે જે બીજાની પત્નીને ભગાડીને લઇ જાય છે!’
‘હું તો ગોળ છું!’
સ્વતંત્ર પાર્ટીના સંસ્થાપક સદસ્યો પૈકી એક પિલુ મોદીનું શરીર ભારે વજનદાર. સ્થૂળ કાયા ધરાવે. એકવાર સંસદમાં સ્પીકર તરફ પીઠ રાખીને બોલી રહ્યા હતા. એક સદસ્યે ટોક્યા કે સ્પીકરની ગરિમાનું માન રાખીને પિલુ મોદીએ આગળ તરફ જોઇને બોલવું જોઇએ.
પિલુ મોદીએ કહ્યું, ‘હું આગળ જોઇને બોલું કે પછી પીઠ ફેરવીને બોલું, શું ફરક પડે. હું તો વર્તુળાકાર છું!’
‘મારું માથું ચીનાઓને આપી દેશો?’
ભારત-ચીન યુદ્ધ બાદ નેહરુએ ચીન મુદ્દે સંસદમાં કહ્યું, ‘નોટ અ બ્લેડ ઓફ અ ગ્રાસ ગ્રોઝ ધેર, એટલે કે ત્યાં તો ઘાસની એક પત્તી પણ ઊગતી નથી.’
નેહરુની આ દલીલ સાંભળીને મહાવીર ત્યાગી તરત બોલ્યા, કહ્યું, ‘મારા માથા પર પણ એકેય વાળ નથી, તો શું તમે મારું માથું કાપીને ચીનાઓને આપી દેશો?’
‘તમે એવો મોકો જ ક્યારે આપ્યો છે?’
એકવાર ડૉક્ટર રામમનોહર લોહિયા સંસદમાં સ્ટાલિનની દીકરી સ્વેતલાનાને ભારતમાં શરણ આપવાની માગ કરી રહ્યા હતા. કોંગ્રેસ સાંસદ તારકેશ્વરી સિંહાએ કહ્યું, ‘લોહિયાજી, તમે તો બેચલર છો. તમે લગ્ન કર્યાં નથી તો તમે સ્ત્રી વિશે શું જાણો?’
લોહિયાજીએ સામો જવાબ વાળ્યો: ‘તારકેશ્વરી, તમે એવો મોકો જ ક્યારે આપ્યો છે?’
'હું પરિવાર નિયોજનમાં યોગદાન આપવા માગું છું'
તારીખ 16 માર્ચ, 1965ના રોજ વાજપેયીએ રાજ્યસભાગૃહમાં અવિવાહિતો માટેનો મુદ્દો ઉઠાવ્યો. સરકાર પર ટિપ્પણી કરતાં કહ્યું, સરકાર એક તરફ પરિવાર નિયોજનને પ્રોત્સાહન આપી રહી છે અને બીજી તરફ અવિવાહિતો પર ટેક્સ વધારી રહી છે. કોંગ્રેસના મહાવીરપ્રસાદ ભાર્ગવે કહ્યું, અવિવાહિતનો ખર્ચો ઓછો હોય છે. વાજપેયીએ દલીલ કરી: ‘અરે, પરણેલા ન હોય તેનો ખર્ચો તો સૌથી વધારે હોય છે, કારણ કે કોઈ મહિલા ઘરમાં નથી હોતી.’ ભાર્ગવે તંજ કસતાં કહ્યું, ‘જો તમને એવું લાગતું હોય તો પછી તમે ઘરમાં કોઇને લઇને કેમ નથી આવતા?’ ભાર્ગવનો ઈશારો રાજકુમારી કૌલ તરફ હતો. ભાર્ગવને વળતો જવાબ આપતાં વાજપેયીએ કહ્યું, ‘કારણ કે હું પરિવાર નિયોજનમાં યોગદાન આપવા માગું છું.’
ચેપ્ટર-7: ઇમોશન ઇન પોલિટિક્સ
આજે ભારતમાતાએ પોતાનો લાડલો રાજકુમાર ખોયો..
વાજપેયી નેહરુને યાદ કરતાં ભાવવિભોર બની જતા. કહેતા, હું એ જગ્યાએ બેઠો છું, જ્યાં એકવાર નેહરુ બેસતા હતા.
નેહરુને શ્રદ્ધાંજલિ આપતા વાજપેયીના શબ્દો હતા:
‘एक सपना था जो अधूरा रह गया। एक गीत था जो गूँगा हो गया। एक लौ थी जो अनन्त में विलीन हो गई। सपना था, एक ऐसे संसार का, जो भय और भूख से रहित होगा। गीत था, एक ऐसे महाकाव्य का, जिसमें गीता की गूँज और गुलाब की गंध थी। जब संगी-साथी सोए पड़े थे, जब पहरेदार बेखबर थे, तब हमारे जीवन की एक अमूल्य निधि लुट गई। भारत माता, आज शोकमग्न है। उसका सबसे लाड़ला राजकुमार खो गया।’
નરેન્દ્ર મોદી, ગુલામનબી આઝાદ અને લોકતંત્રનું એક આંખ ઠારે એવું દૃશ્ય!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદમાં ઘણીવાર ભાવુક જોવા મળ્યા. કોંગ્રેસ સાંસદ ગુલામનબી આઝાદ સહિત ચાર સદસ્યની વિદાય સમયે પીએમ મોદીએ ગુલામનબી આઝાદ સાથે જોડાયેલો એક કિસ્સો વાગોળ્યો અને ગળગળા થઇ ગયા.
મોદીએ કહ્યું, 'અમારી નિકટતા ગાઢ છે. એકવાર ગુજરાતના આઠ યાત્રી જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં માર્યા ગયા. એ સમયે મને સૌથી પહેલો ફોન ગુલામનબી આઝાદનો આવ્યો હતો. ગુલામનબી આઝાદ ફોન પર રડી પડ્યા હતા.
ગુલામનબી આઝાદે પરિવારના સદસ્યની જેમ ચિંતા કરી...'
આટલું બોલતાં મોદી ગળગળા થઇ ગયા.
આગળ કહ્યું, 'મારા માટે એ ભાવુક પળ હતી. બીજા દિવસે ગુલામનબી આઝાદનો ફોન આવ્યો: મોદીજી બધા પહોંચી ગયા છે. એક મિત્રના રૂપમાં મારા અંગત અનુભવને આધારે ગુલામનબી આઝાદનો આદર કરું છું.
ચેપ્ટર-8: આવો શબ્દ પહેલીવાર સાંભળ્યો!
"हम लोग कुछ शब्दों से बड़े परिचित हैं, श्रमजीवी, बुद्धिजीवी- ये सारे शब्दों से परिचित हैं. लेकिन, मैं देख रहा हूँ कि पिछले कुछ समय से इस देश में एक नई जमात पैदा हुई है, एक नई बिरादरी सामने आई है और वो है आंदोलनजीवी."
આંદોલનને લઇને કોઇને કરવામાં આવેલો નરેન્દ્ર મોદી પ્રાયોજિત 'આંદોલનજીવી' શબ્દ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને ભારતીય સંસદમાં એનો ભારે વિરોધ પણ થયો હતો.
ચેપ્ટર-9: શેરો-શાયરીથી વળતો પ્રહાર
આપણે અગાઉ જોયું એમ સંસદમાં શાયરી અને કવિતાનો રિવાજ બહુ જૂનો છે. બશીર બદ્ર, નિદા ફાઝલી, રામધારી સિંહ ‘દિનકર’ની રચનાઓ સંસદમાં ખૂબ લોકપ્રિય રહી છે. ઓછા સમયમાં ઓછા શબ્દોમાં અસરકારક શાબ્દિક પ્રહાર કરવા માટે શાયરીથી શ્રેષ્ઠ હથિયાર બીજું કયું હોઈ શકે?
‘तुम्हारे पांव के नीचे कोई ज़मीन नहीं है’
સંસદના બજેટસત્ર દરમિયાન ખૂબ વાંચનપ્રિય એવા પ્રધાનમંત્રી મોદીજીએ વિપક્ષ પર તંજ કસતાં કવિતાઓ અને શાયરીનો સહારો લીધો. મશહૂર શાયર જિગર મુરાદાબાદીનો શેર ‘ये कह कह के हम दिल को बहला रहे हैं. वो अब चल चुके हैं, वो अब आ रहे हैं' દ્વારા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.
રાજ્યસભામાં કોંગ્રેસની સાંપ્રત સ્થિતિ પર તીખો પ્રહાર કરતા દુષ્યંત કુમારનો શેર ટાંક્યો: 'तुम्हारे पाँव के नीचे कोई ज़मीन नहीं, कमाल ये है कि फिर भी तुम्हें यक़ीन नहीं'
આ શેર બોલીને સરકારથી છેડો ફાડ્યો!
સંસદસત્ર દરમિયાન રાજીવ સરકારે શાહબાનો કેસ બાદ મુસ્લિમ ધર્મગુરુઓના દબાણમાં આવીને 'મુસ્લિમ પર્સનલ લૉ' બિલ પેશ કર્યું. વિપક્ષ તો વિરોધમાં હતો જ, પણ ત્યાં જ બિલના વિરોધમાં કદાવર મંત્રી આરિફ મોહમ્મદ ઊભા થયા.
મશહૂર શાયર શહાબ જાફરીનો શેર 'मुझे रहजनों से गिला नहीं तिरी रहबरी का सवाल है' બોલીને સરકારમાંથી રાજીનામાની જાહેરાત કરી. સંસદ સુન્ન થઇ ગઇ. રાજીવ ગાંધીએ ખુદ મનામણાં કરવા પડ્યા! આરિફ ખાન કોંગ્રસ છોડીને પછી વી. પી. સિંહ સાથે જોડાયા હતા!
तुम तीर मारो सीने पर बेशक, मगर....
1982. જ્ઞાની ઝૈલસિંહ ગૃહમંત્રી હતા ત્યારે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો. સરકાર વિરુદ્ધ વિપક્ષે જોરદાર નિવેદનોનો મારો ચલાવ્યો. ઇન્દિરા ગાંધી ધૂંધવાઈ ઊઠ્યાં હતાં. માહોલ ગરમાયો હતો. એવામાં ઝૈલસિંહ ઊભા થયા અને કહ્યું, ‘तुम तीर मारो सीने पर बेशक, मगर इतना ख्याल रखना कि सीने में दिल है और दिल में तुम्हारा मकाम है.'
‘ये बता कि क़ाफ़िला क्यूँ लुटा’
વર્ષ 2011.
લોકસભામાં 'બિઝનેસ રૂલ' પર ચર્ચા થઇ રહી હતી. વિપક્ષ મનમોહન સિંહ પર શાબ્દિક પ્રહારો કરી રહ્યો હતો. આ દરમિયાન મનમોહન ઊઠ્યા અને અલ્લામાં ઇકબાલનો એક શેર બોલ્યા: ‘माना कि तेरे दीद के काबिल नहीं हूं मैं, तू मेरा शौक देख, मेरा इंतजार देख.'
મનમોહન સિંહને સુષમા સ્વરાજે શહાબ જાફરીના શેર સાથે વળતો જવાબ આપ્યો: 'इधर-उधर की तू ना बात कर, ये बता कि क़ाफ़िला क्यूँ लुटा'
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.