• Gujarati News
  • Dvb original
  • Covid's Second Wave Punctured Passenger Car Sales; Sales Of Maruti, Hyundai, Kia, Tata Motors Fell By 64 72%

ઓટોમોબાઇલ:કોવિડની બીજી લહેરે પેસેન્જર કારના વેચાણમાં પંચર પાડ્યું; મારુતિ, હ્યુન્ડાઇ, કિયા, ટાટા મોટર્સનું વેચાણ 64-72% જેટલું ઘટ્યું

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • જાન્યુઆરીમાં 1.55 લાખ ગાડીઓનું વેચાણ હતું, એ મેમાં 42,000 પર પહોંચી ગયું
  • રાજ્યોમાં લોકડાઉન અને નિયંત્રણોને કારણે ઓટો સેક્ટરમાં વેચાણને મોટી અસર

પેસેન્જર કારના વેચાણ પર કોરોનાની બીજી લહેરે ભારે નેગેટિવ અસર બતાવી છે. ગત વર્ષે પહેલી વેવ આવ્યા બાદ જે રિકવરી આવી હતી એ આ વર્ષે મે મહિનો આવતા સુધીમાં ધોવાઈ ગઈ હતી. ભારતભરમાં કોરોનાની બીજી લહેરની શરૂઆત માર્ચથી થઈ હતી અને સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા મુજબ, એ સમયે પેસેન્જર કારનું વેચાણ 1.57 લાખ ગાડીઓનું હતું. એની સરખામણીએ મે મહિનામાં 41,536 કારનું વેચાણ થયું છે, એટલે કે ત્રણ મહિનામાં 73.54%નો ઘટાડો થયો છે.

પહેલી વેવ બાદ આવેલી રિકવરી ધોવાઈ
દિવ્ય ભાસ્કરે SIAM પાસેથી મે 2020થી મે 2021 સુધીના પેસેન્જર કારના વેચાણના આંકડા મેળવ્યા અને એનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું હતું કે કોવિડની પહેલી વેવ બાદ જે રિકવરી આવી હતી એ આ ત્રણ મહિનામાં ધોવાઈ ગઈ હતી. SIAMના આંકડા મુજબ, નિયંત્રિત માહોલ વચ્ચે મે 2020માં 14,460 ગાડી વેચાઈ હતી. બાદમાં અનલોક થયું અને માર્કેટ ખૂલતાં ઓકટોબર 2020માં કાર સેલ્સ 1.83 લાખ પાર પહોંચી ગયું હતું. જોકે બાદમાં તહેવારો પૂરા થતાં અને ગાડીઓના ભાવમાં વધારો થવાથી માર્ચ 2021 સુધીમાં વેચાણ દર મહિને 1.50-1.55 લાખ આસપાસ રહેતું હતું.

તમામ મોટી કંપનીઓનાં વેચાણ તળિયે આવી ગયાં
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન્સ (ફાડા)ના ડેટા મુજબ, માર્ચ, એપ્રિલ અને મે દરમિયાન મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને કિયા મોટર્સ જેવી ટોચની કંપનીઓનાં વેચાણને ભારે ફટકો પડ્યો છે. માર્કેટ લીડર ગણાતી મારુતિ સુઝુકીની કારનું વેચાણ આ સમય દરમિયાન 72% જેવુ ઘટ્યું છે તો ટાટા મોટર્સનું વેચાણ 62% જેટલું ઘટ્યું છે. ન્યૂ જનરેશન કાર ગણાતી કિયાનું સેલ્સ 66% નીચું આવી ગયું છે અને હ્યુન્ડાઇનું વેચાણ 65% જેવું ઓછું થયું છે. મહિન્દ્રાનું વેચાણ 64% નીચું આવી ગયું છે.

બીજી લહેરમાં ડિમાન્ડને મોટી અસર થઈ છે
SIAMના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે ભારતમાં સેકન્ડ વેવ શરૂ થઈ ત્યાર બાદ ઘણાં રાજ્યોએ લોકડાઉન લાગુ કર્યું હતું. આ ઉપરાંત ઘણાં રાજ્યોમાં અલગ અલગ પ્રકારનાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં હતાં, જેને કારણે કારનાં ઉત્પાદન અને વેચાણ બંનેને અસર થઈ છે. લોકડાઉન હોવાથી ઘણી ડીલરશિપ પણ બંધ હતી અને સાથે જ લોકો તરફથી ડિમાન્ડ પણ એકદમ ઘટી ગઈ હતી એને કારણે માર્ચથી એપ્રિલ વચ્ચે વેચાણ 10% અને એપ્રિલથી મે દરમિયાન 70.58% ડાઉન થયું છે.

કંપનીઓએ મર્યાદિત કામગીરી ફરીથી શરૂ કરી છે
રાજેશ મેનને જણાવ્યું હતું કે તબક્કાવાર રીતે લોકડાઉન ખૂલી રહ્યું છે અને ધીરે ધીરે રાજ્યોમાં બજારો ખૂલી રહ્યાં છે. ઝડપી રસીકરણ ડ્રાઇવ ભારતમાં કોરોનાના પ્રભાવને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ વ્યાવસાયિક પ્રવૃત્તિને સ્થિર રીતે સંચાલિત કરવામાં સક્ષમ બનાવશે અને વેચાણમાં પણ ધીમે ધીમે સુધારો થવાની અપેક્ષા છે. હવે ઘણી કંપનીઓએ મર્યાદિત કામગીરી ફરીથી શરૂ કરી છે. ઓટોમોબાઈલ સેક્ટરની ફેક્ટરીઓમાં સેનિટાઇઝેશન અને સામાજિક અંતરનાં માર્ગદર્શિકા અને પ્રોટોકોલનું સખત અનુસરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત કંપનીઓ તેમના કર્મચારીઓને રસી આપી રહી છે. જેમ જેમ આપણે જોઈએ છીએ કે વધુ ને વધુ લોકો રસી અપાય છે, અમે આશા રાખીએ છીએ કે કામગીરી ધીમે ધીમે ઝડપી બનશે.

વેચાણ ઘટતાં ડીલર્સ ડિફોલ્ટર થવાનો ભય
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન્સ (ફાડા)ના પ્રમુખ વિંકેશ ગુલાટીએ જણાવ્યું હતું કે ભારતમાં બીજી લહેર બહુ ઘાતક હતી, કેમ કે દેશમાં કોઈ એવું ઘર ન હતું, જેને કોરોનાની અસર થઈ ન હોય. શહેરી વિસ્તારની સાથે સાથે આ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં પણ એનો ફેલાવો વધુ હતો, જેની ઓટોમોબાઇલની માર્કેટને બહુ ખરાબ અસર થઈ છે. ઘણાં રાજ્યોમાં છેલ્લા 30-35 દિવસથી લોકડાઉન હતું અને દક્ષિણ ભારતમાં હજુ પણ લોકડાઉન છે. ઓછા વેચાણને લીધે ડીલર્સની આવકને અસર થઈ છે અને એને કારણે તેઓ પોતાની લોન સમયસર ચૂકવી શકશે નહીં અને તેઓ ડિફોલ્ટર બને એવો ભય પણ છે. ફાડાએ પ્રધાનમંત્રીને અપીલ કરી છે કે આવા ડીલર્સની લોન રિસ્ટ્રક્ચર કરવાના બદલે તેમને 90 દિવસનો મોરેટોરિયમ પિરિયડ આપવામાં આવે.

ચોમાસું સમયસર શરૂ થતાં ઝડપી રિકવરીની આશા
વિંકેશ ગુલાટીએ કહ્યું હતું કે જ્યારે રાજ્યોએ લોકડાઉનનો અમલ શરૂ કર્યો ત્યારે સિસ્ટમમાં જે માગ હતી એને કારણે અનલોક થયા બાદ જૂનના 9 દિવસમાં અપેક્ષા કરતાં સારું વેચાણ જોવા મળ્યું છે. જો આ વલણ ચાલુ રહેશે તો ગયા વર્ષે જૂનની તુલનામાં સમાન વેચાણ થવાની સંભાવના છે. ભારતમાં ચોમાસાનું આગમન સમયસર થયું છે. જો હવામાન વિભાગની આગાહીઓ માનીએ તો, સામાન્ય અને સમાનરૂપે પડેલા વરસાદથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પ્રારંભિક રાહત મળી શકે છે અને એને કારણે ઝડપી માગ આવવાની શક્યતા છે. આ સ્થિતિમાં રિકવરી રેટ સુધરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...