તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • During The Coronation Period, Doctors And Patients Turned To Teleconsulting, And The Number Of People Receiving Treatment Over The Phone Increased 15 fold.

હેલ્લો ડોકટર:કોરોનાકાળમાં ડોક્ટર્સ અને દર્દીઓ ટેલી-કન્સલ્ટિંગ તરફ વળ્યા, ફોન પર ટ્રીટમેન્ટ લેનારાની સંખ્યા 15 ગણી વધી

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • પહેલા અઠવાડિયાના 5 દર્દી સામે હવે રોજના 15 દર્દી ડોક્ટરને કોલ કરે છે
  • સંક્રમિત થવાના ડરને કારણે લોકોનો હોસ્પિટલ જવાના પ્રમાણમાં મહદંશે ઘટાડો

કોરોનામાં લોકોના જીવનમાં બદલાવ આવ્યા છે, તેની સાથે જ ડોક્ટરની પ્રેક્ટિસમાં પણ મોટા ફેરફાર થઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ઓનલાઈન અથવા ટેલિફોન પર કન્સલ્ટિંગ અને કાઉન્સેલિંગ કરવાનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં અલગ અલગ શહેરોના ડોક્ટર્સે જણાવ્યું હતું કે બે-ત્રણ વર્ષ પહેલાંનો ટ્રેન્ડ જોઈએ તો અગાઉ સપ્તાહમાં માત્ર 5 દર્દીને ટેલી-કન્સલ્ટિંગ થતું હતું, જ્યારે અત્યારે રોજના 5-15 દર્દીનું ટેલી-કન્સલ્ટિંગ થાય છે. આ વ્યવસ્થા દર્દીઓ અને ડોક્ટર્સ બંનેને માફક આવી રહી છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

શું છે ટેલી-કન્સલ્ટિંગ?
સામાન્ય રીતે હાલના સમયમાં લોકો સ્વાસ્થ્યમાં હળવી ફરિયાદને લઇને ફોન પર વાત કરી અથવા વીડિયો-કોલિંગ મારફત ડોકટર સાથે પરામર્શ કરી ઇલાજ કરાવતા હોય છે, પરંતુ હકીકતમાં ટેલી-કન્સલ્ટિંગની પ્રક્રિયા અલગ હોય છે. સિમ્સ હોસ્પિટલના ડિરેક્ટર ધીરેન શાહનું કહેવું છે, માત્ર ફોન પર જ પૂછપરછ કરી લેવું એ કન્સલ્ટિંગ નથી. એના માટે દર્દીએ સૌથી પહેલા ડોકટરની એપોઇન્મેન્ટ લઇ તેના તમામ અગાઉના રિપોર્ટની વિગતો ડોકટરને આપવી પડતી હોય છે. ડોકટર આ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ વીડિયો-કોલિંગ કે અન્ય માધ્યમથી સંપર્ક કરે છે અને સારવાર થાય છે. એ બાદ તેને દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ અધિકૃત રીતે મોકલવામાં આવે છે.

સિમ્સ હોસ્પિટલના ડિરેક્ટર ડો. ધીરેન શાહ.
સિમ્સ હોસ્પિટલના ડિરેક્ટર ડો. ધીરેન શાહ.

કોરોનાએ બદલી સારવાર પ્રત્યેની માનસિકતા
ડોક્ટર્સના કહેવા પ્રમાણે, કોવિડ-19એ લોકોને જૂની પદ્ધતિ બદલી ટેલી-કન્સલ્ટિંગ તરફ વાળ્યા છે. કપરી સ્થિતિમાં દર્દીઓ પ્રત્યક્ષ ડોકટર પાસે જવાને બદલે ફોન પર જ સારવાર સંબંધિત માર્ગદર્શન અને દવાનું પ્રિસ્ક્રિપ્શન જાણી સારવાર લેતા થયા છે. કોવિડના સમયમાં સંક્રમિત થવાના ડરને કારણે લોકોમાં તરત હોસ્પિટલમાં ડોકટર પાસે દોડી જવાના પ્રમાણમાં મહદંશે ઘટાડો જોવા મળ્યો. કોવિડ સંક્રમિત હળવાં લક્ષણોવાળા દર્દીઓએ ફેમિલી ફિઝિશન સાથે ફોન પર જ સંપર્કમાં રહીને સારવાર મેળવી અને તેમની સલાહ-માર્ગદર્શન મુજબ ઘરે રહીને જ ઈલાજ કરે છે.

અમદાવાદ ફેમિલી ફિઝિશિયન સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વછરાજાની.
અમદાવાદ ફેમિલી ફિઝિશિયન સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વછરાજાની.

રોજના 5-15 દર્દી ફોન પર થઇ રહ્યું છે કન્સલ્ટિંગ
અમદાવાદ ફેમિલી ફિઝીશયન ડો. પ્રગ્નેશ વછરાજાનીના કહેવા પ્રમાણે જો સામાન્ય તાવ કે અન્ય ફરિયાદ હોય તો લોકો ફોન પર જ વાત કરીને સારવાર મેળવી લેતા હોય છે. આ પ્રકારે કન્સલ્ટિંગ માટે રૂ. 200થી લઇને 1000 સુધીની ફિ લેવામાં આવી રહી છે. કોરોના પહેલા આ પ્રકારે ટેલી-કન્સલ્ટિંગનું ચલણ નહિવત હતુ, એટેલ કે અગાઉ સપ્તાહમાં માંડ 5 દર્દી ટેલી-કન્સલ્ટિંગ આધારિત સારવાર લેતા હતા. પરંતુ હાલના સમયને જોતા હવે દિવસના જ 5થી 7 દર્દીઓ ફોન પર વાત કરી સારવાર કરાવી લે છે. જ્યારે બીજી તરફ કોર્પોરેટ હોસ્પિટલમાં દૈનિક 10-15 દર્દીઓ ટેલી-કન્સલ્ટિંગથી સારવાર કરાવે છે.

IMA-ગુજરાતના જોઇન્ટ સેક્રેટરી ડો.પરેશ મજમૂદાર
IMA-ગુજરાતના જોઇન્ટ સેક્રેટરી ડો.પરેશ મજમૂદાર

ટેલી-કન્સલ્ટિંગમાં સમયની, ખર્ચની બચત થાય છે
વડોદરામાં બાળકોના સિનીયર ડોકટર અને ગુજરાત મેડિકલ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી ડો. પરેશ મજમૂદારે જણાવ્યું કે, કેટલાક લોકો નવા કોન્સેપ્ટને સ્વિકારતા થયા છે. ટેલી-કન્સલ્ટિંગમાં દર્દી-ડોકટર બંન્નેના સમયની બચત થાય છે, ડોકટરને બતાવા માટે પોતાના અન્ય કામમાંથી દૂર રહેવાની જરૂર નથી પડતી. કેટલાક ડોકટરોએ મોબાઇલ એપનો ઉપયોગ કરે છે. જ્યાં વિડીયો કોલની સુવિધા હોય છે, બાદમાં પ્રિસ્ક્રિપ્શન પણ એપમાં જ મોકલી દેવામાં આવે છે, જેથી તેની અધિકૃતતા જળવાઇ રહે. જ્યારે દર્દી એક જિલ્લામાંથી બીજામાં અને એક શહેરમાંથી અન્ય શહેરમાં ડોકટરને કન્સલન્ટ કરવાનું હોય,તેવા કિસ્સામાં આ પદ્ધતી ખૂબ સરળ રહે છે અને ખર્ચ બચે છે.

IMA-સુરતના પ્રમુખ ડો.હિરલ શાહ
IMA-સુરતના પ્રમુખ ડો.હિરલ શાહ

ડોકટર-દર્દી વચ્ચે યોગ્ય કોમ્યુનિકેશન આવશ્યક
સુરત મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.હિરલ શાહનું કહેવુ છે, કે ટેલી-કન્સલ્ટિંગમાં દર્દી અને ડોકટર વચ્ચે સચોટ અને યોગ્ય કોમ્યુનિકેશન હોવુ ખૂબ જરૂરી છે, જેથી તેઓ એકબીજાને સમજી શકે. સામાન્ય શરીરમાં દુખાવો, તાવ જેવી સમસ્યા માટે દર્દી ફોન પર માર્ગદર્શન લઇ રહ્યાં છે. જોકે એકવાર પ્રાથમિક રીતે દર્દીને માર્ગદર્શન આપ્યા બાદ, તેઓ જરૂર પડે તો રૂબરૂ બતાવવા માટે પણ સલાહ આપતા હોય છે. મહત્વની વાત એ છે પહેલા ફોન પર માર્ગદર્શન મેળવવા ફોન કરતા ત્યારે કોઇ પ્રકારની ચાર્જ ગણતો ન હતો, પણ હવે સમય બદલાતા કેટલાક દર્દીઓ ચાર્જ અંગે સામેથી પૂછી રહ્યાં છે.

રાજકોટમાં ડેન્ટિસ્ટ તરીકે કાર્યરત ડો.નિમિષ પરીખ
રાજકોટમાં ડેન્ટિસ્ટ તરીકે કાર્યરત ડો.નિમિષ પરીખ

ફોલોએપ માટે આ પદ્ધતી અનુકુળ સાબિત થઇ શકે છે
રાજકોટના ડેન્ટિસ્ટ નિમિષ પરીખનું કહેવુ છે કે, કોરોનાએ સારવારની પદ્ધતીમાં મોટો બદલાવ લાવી દીધો છે. જોકે ટેલી-કન્સલ્ટિંગમાં હળવા રોગની સારવાર જ શક્ય છે. ક્રોનિક રોગ જેવા કે ડાયાબિટીઝ, હાયપર ટેન્સનશની ફરિયાદમાં ચાલી શકે છે. પરંતુ ગંભીર પ્રકારની બિમારીમાં ન ચાલી શકે, તેમાં પ્રત્યક્ષ ડોકટરની જરૂર પડતી હોય છે. જેથી હાલના ચલણને જોતા કોઇ દર્દીના ફોલોએપ માટે આ પદ્ધતી અનુકુળ સાબિત થઇ શકે છે. વળી ગ્રામ્ય સ્તરે આ પદ્ધતીને ઓછો અવકાશ છે, જેના કારણે તેની ઘણી મર્યાદાઓ છે. જેના લીધે તેનુ પ્રમાણ મર્દાદિત બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...