ભાસ્કર એક્સપ્લેનર:કોરોના વેક્સિન FAQs: પ્રથમ ડોઝ કોવિશીલ્ડનો લીધો હોય અને બીજો કોવેક્સિનનો લઈ શકાય?

6 મહિનો પહેલાલેખક: આબિદ ખાન
 • કૉપી લિંક

1 મેથી તમામ વયસ્કોને વેક્સિન આપવાનું શરૂ થઈ જશે. આશા છે કે એનાથી કોરોનાની જોખમકારક બીજી લહેરને રોકવામાં અમુક હદ સુધી મદદ મળશે. એ ઉપરાંત ભારતમાં કથળતી પરિસ્થિતિમાંથી પણ રાહત મળશે, પરંતુ વેક્સિનેશનને લઈને ઘણા એવા સવાલ છે, જે વારંવાર પૂછવામાં આવી રહ્યા છે. વિવિધ નિષ્ણાતોએ આ પ્રશ્નોના જવાબ ઘણીબધી વખત આપી ચૂક્યા છે, પરંતુ 16 જાન્યુઆરીએ ભારતમાં રસીકરણ શરૂ થયા પછી પણ આ સવાલ પૂછવામાં આવી રહ્યા છે.

જાણો આ સવાલ કયા છે અને એના જવાબ શું છે? એના માટે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી જાહેર FAQs,વેક્સિન બનાવતી કંપનીઓ (સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક)ની તરફથી જારી ફેક્ટ શીટ, વેક્સિન એક્સપર્ટ ડૉ. ગગનદીપ કંગ, મહામારી નિષ્ણાત ડૉ. ચંદ્રકાંત લહારિયા, ઈન્દોરના મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના પ્રમુખ ડૉ. વીપી પાંડેની મદદ લેવામાં આવી છે. બધાનું કહેવું છે કે વેક્સિન જરૂરથી લેવી જોઈએ. એ તમને કોરોનાનાં ગંભીર લક્ષણોથી બચાવવામાં 100% અસરકારક છે.

હું 18+ છું. શું હું સીધો હોસ્પિટલમાં પહોંચીને વેક્સિન લઈ શકું છું?
ના. કેન્દ્ર સરકારે તેના માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે. 18થી 44 વર્ષના વય જૂથના લોકોને વેક્સિન અપાવવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. એ ઉપરાંત કેટલીક ખાનગી હોસ્પિટલ પણ વેક્સિન આપી શકે છે, પરંતુ માત્ર તે લોકોને જેમને આરોગ્ય સેતુ એપ પર અથવા કોવિન પોર્ટલ (https://selfregistration.cowin.gov.in/) પર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે. આ સુવિધા 28 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે.

રજિસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?

 • પાસપોર્ટ સાઈઝ ફોટોની સાથે નીચે આપવામાં આવેલા કોઈપણ ID દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાશે.
 • આધાર કાર્ડ
 • ડ્રાઈવિંગ લાઈસન્સ
 • શ્રમ મંત્રાલયની યોજના અંતર્ગત જારી સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડ
 • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) જોબ કાર્ડ
 • સાંસદો/ ધારાસભ્યો /MLC દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર ઓળખપત્ર
 • પેનકાર્ડ
 • બેંક/ પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલી પાસબુક
 • પાસપોર્ટ
 • પેન્શન ડોક્યુમેન્ટ
 • કેન્દ્રીય/ રાજ્ય સરકાર/ સાર્વજનિક લિમિટેડ કંપનીઓ દ્વારા કર્મચારીઓને જારી કરવામાં આવેલ સેવા ઓળખપત્ર વોટર ID

રજિસ્ટ્રેશન બાદ શું થશે?
રજિસ્ટ્રેશનમાં જ તમારે હોસ્પિટલ, ઉપલબ્ધ તારીખ અને અપોઈન્ટમેન્ટનો સમય પસંદ કરવો પડશે. ત્યાર બાદ તમને અપોઈન્ટમેન્ટ બુક થઈ જવાનો મેસેજ આવી જશે. એ પછી તમે નિર્ધારિત સમયે વેક્સિનનો ડોઝ લઈ શકો છો. જે IDનો ઉપયોગ તમે રજિસ્ટ્રેશનમાં કર્યો હતો, એને સાથે લઈ જવું જરૂરી છે.

શું પહેલા અને બીજા ડોઝ માટે અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડશે?
ના. એક વખત રજિસ્ટ્રેશન કરાવવા પર જ તમને સંભવિત તારીખોની સૂચના આપવામાં આવશે. એનું કન્ફર્મેશન તમારા મોબાઈલ પર મેસેજ દ્વારા મળશે.

હું મારા મૂળ વતનથી દૂર છું. શું કોઈ અન્ય રાજ્યમાં વેક્સિન ડોઝ લઈ શકું?

 • જો તમે 45+ છો તો કેન્દ્ર સરકારની વ્યવસ્થા પ્રમાણે, તમને દેશના કોઈપણ વેક્સિન સેન્ટર પર ડોઝ મળી જશે, પરંતુ 18-44 વર્ષના વય જૂથ માટે અત્યારે સ્થિતિ સ્પષ્ટ નથી. આ વય જૂથને વેક્સિન ડોઝ આપવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. એને કારણે જુદાં જુદાં રાજ્યોમાં અલગ અલગ વ્યવસ્થા હોઈ શકે છે.
 • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સ્થળાંતર કરનારા મજૂરોની સાથે જ પોતાના મૂળ વતનથી બહાર જઈ રહેલા લોકોને પણ વેક્સિન લગાવવાની સુવિધા મળવી જોઈએ, પરંતુ અત્યારે રાજ્યોમાં પોલિસી તૈયાર થઈ રહી છે. આ અંગે કંઈ કહેવું બહુ વહેલું છે.
 • અત્યારસુધી મધ્યપ્રદેશ, હરિયાણા, નવી દિલ્હી, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર જેવાં 24 રાજ્યોએ નક્કી કર્યું છે કે, 18-44 વર્ષના નાગરિકોને ફ્રી વેક્સિન આપવામાં આવશે, પરંતુ એમાં મૂળ વતનનો નિયમ લાગુ થશે કે નહીં અને એ હજી સ્પષ્ટ નથી. એક-બે દિવસમાં પોલિસી સ્પષ્ટ થઈ જશે.

ભારતમાં કઈ વેક્સિન આપવામાં આવી રહી છે?

 • ભારતમાં અત્યારે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનેલી કોવિશીલ્ડ અને હૈદરાબાદની ભારત બાયોટેકમાં બની રહેલી કોવેક્સિન આપવામાં આવી રહી છે. કોવિશીલ્ડને બ્રિટિશ દવા કંપની એસ્ટ્રાજેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોની સાથે મળીને બનાવી છે તેમજ કોવેક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને ભારત બાયોટેકે બનાવી છે.
 • એ સિવાય ભારત સરકારે તાજેતરમાં રશિયાની વેક્સિન સ્પુતનિક Vને પણ મંજૂરી આપી દીધી છે. આ વેક્સિન મે મહિનામાં ઉપલબ્ધ થાય એવી અપેક્ષા છે. તેને ભારતમાં ડૉ. રેડ્ડી ધ લેબોરેટરીની સાથે કેટલીક અન્ય દવા કંપનીઓ બનાવી રહી છે. કોઈ રાજ્ય સરકાર પાસેથી રશિયાની વેક્સિન માટે કોઈ એગ્રીમેન્ટ નથી થયા.
 • ભારત સરકારે તાજેતરમાં અમેરિકા, જાપાન, યુકે, યુરોપીય સંઘ અને WHO દ્વારા મંજૂર વેક્સિનને પણ કેટલીક શરતોની સાથે ઈમર્જન્સી અપ્રૂવલ આપવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત સરકારે ફાઈઝર, મોડર્ના, જોહન્સન એન્ડ જોહન્સન જેવી કંપનીઓને પણ ભારતમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે. આ વેક્સિન પણ મે-જૂનમાં ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે.

આમાંથી કઈ વેક્સિન વધુ સારી છે?

 • વિશ્વવ્યાપી ઉપયોગમાં લેવામાં આવતી તમામ વેક્સિનની કોરોનાથી બચાવવાની ઈફેક્ટિવનેસ અલગ અલગ છે. 66%થી લઈને 95% સુધી. સારી વાત એ છે કે આ વેક્સિન લીધા બાદ જો કોઈ વ્યક્તિને ઈન્ફેક્શન થાય છે તો એ ગંભીર સ્થિતિ સુધી નહીં પહોંચે.
 • વિવિધ ઈફેક્ટિવનેસ માટે વિવિધ સમય અને સ્થાન પર કરવામાં આવેલી ક્લિનિકલ ટ્રાયલ્સને જવાબદાર માનવામાં આવી શકે છે, પરંતુ સારી વાત એ છે કે આ તમામ વેક્સિન ગંભીર લક્ષણોથી બચાવવામાં 100% અસરકારક છે. આ કારણથી નિષ્ણાતોનું કહેવું છે કે, જેમને પણ તક મળી રહી છે તેમને વેક્સિન જરૂરથી લેવી જોઈએ.

શું વેક્સિનના બે ડોઝ બદલી શકાય છે? એટલે કે પહેલો ડોઝ કોવેક્સિનનો તો બીજો કોવિશીલ્ડનો?
ના. એ તમારા માટે સુરક્ષિત નહીં હોય. જો તમે પહેલો ડોઝ કોવેક્સિનનો લીધો છે તો બીજો પણ એનો જ લેવો. આવી જ રીતે કોવિશીલ્ડનો ડોઝ લેનારે બીજો ડોઝ પણ એનો જ લેવો.

બાળકોને પણ કોરોના થઈ રહ્યો છે, તો શું તેમને વેક્સિન આપવામાં આવશે?
ના. અત્યારે બાળકો પર વેક્સિનની ટ્રાયલ્સ નથી થઈ રહી છે. એને કારણે તેમને ડોઝ આપવાનું સુરક્ષિત નહીં રહે.

શું મહિલાઓ પિરિયડ્સ દરમિયાન વેક્સિન લઈ શકે છે?
હા. એને લઈને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, વેક્સિનને મહિલાઓના પિરિયડ્સ દરમિયાન શરીરમાં થતી પ્રક્રિયાથી કોઈ લેવાદેવા નથી.

કોને રસી ન લેવી જોઈએ?

 • કોરોનાના પહેલા ડોઝથી જેમને ગંભીર એલર્જી થઈ હોય.
 • તમે ગર્ભવતી હોવ અથવા તમે સ્તનપાન કરાવી રહ્યા હો.
 • તમને કોરોનાનાં લક્ષણ હોય.
 • તમે અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડિત છો તો ડૉક્ટરની સલાહ લેવી.

શું વેક્સિન કોરોનાના નવા વેરિયેન્ટ પર પણ અસરકારક હશે?
હા. કોવેક્સિનને લઈને ICMRનો દાવો છે કે અત્યારસુધીમાં સામે આવેલા તમામ વેરિયેન્ટ પર અસરકારક છે તેમજ કોવિશીલ્ડને લઈને મતભેદો છે. જોકે એવું જોવા મળ્યું છે કે બંને જ વેક્સિન કોરોનાના તમામ વેરિયેન્ટ્સનાં ગંભીર લક્ષણો સામે બચાવવામાં અસરકારક છે.