રિયલ એસ્ટેટ:કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટીમાં કોરોનાની મંદીનું ગ્રહણ; ઓફિસો, દુકાનોનાં ભાડાંમાં 10-15% સુધીનો ઘટાડો

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • કંપનીઓ અને દુકાનદારો મોટી જગ્યા છોડી નાની જગ્યા ભાડે લઈ રહ્યા છે
  • પ્રહલાદનગર, બોપલ, SG હાઇવે, સેટેલાઈટ, બોડકદેવમાં સૌથી વધુ અસર

કોરોનાએ હોટલ, રેસ્ટોરાં, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ગાર્મેન્ટ, FMCG સહિતના ધંધા પર માઠી અસર કરી છે. આને કારણે કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટી માર્કેટમાં પણ ફરી મંદી આવી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અને બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે પહેલી લહેર બાદ ઓગસ્ટથી માર્ચ વચ્ચે માર્કેટ સામાન્ય બન્યું હતું એવામાં સેકન્ડ વેવ આવતાં ઘણા સેક્ટર્સમાં મંદી આવી છે અને એને કારણે કોમર્શિયલ પ્રોપર્ટી ખાલી થવા લાગી છે તેમજ ભાડાંમાં પણ 10-15% જેવો ઘટાડો થયો છે.

વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે IT કંપનીઓની ઓફિસ ખાલી પડી છે (પ્રતીકાત્મક તસવીર).
વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે IT કંપનીઓની ઓફિસ ખાલી પડી છે (પ્રતીકાત્મક તસવીર).

કંપનીઓ મોટી ઓફિસ છોડી નાની જગ્યાએ શિફ્ટ થઈ રહ્યા છે
પર્પલ એલિફન્ટ રિયાલ્ટી એડવાઇઝરના મોનિલ પરીખે કહ્યું હતું કે ઘણી કંપનીઓ 5000 કે તેનાથી વધારે મોટી ઓફિસમાં હતી, તેઓ હવે 2000-2500 સ્ક્વેર ફૂટની ઓફિસમાં શિફ્ટ થઈ રહી છે. ખાસ કરીને IT કંપનીઓમાં આ ટ્રેન્ડ વધારે છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે સ્ટાફ ઘણો ઘટી ગયો છે એટલે હવે તેઓ નાની ઓફિસ સ્પેસ પ્રિફર કરે છે. રિટેલ પ્રોપર્ટીમાં તો હાલત ઓર ખરાબ છે. લોકડાઉન દરમિયાન ભાડા નહોતા અપાયા અને રેસ્ટોરાં સેક્ટર્સમાં આવેલી મંદીના કારણે રિટેલમાં અત્યારે 40%ની આસપાસ પ્રોપર્ટી ખાલી પડી છે.

કોરોનાને કારણે ઘણી રેસ્ટોરાં અને કાફે બંધ થઈ રહ્યાં છે (પ્રતીકાત્મક તસવીર).
કોરોનાને કારણે ઘણી રેસ્ટોરાં અને કાફે બંધ થઈ રહ્યાં છે (પ્રતીકાત્મક તસવીર).

ભાડાંમાં 10-15%નો ઘટાડો થયો છે
સિટી એસ્ટેટના ચેરમેન પ્રવીણ બાવળિયાએ જણાવ્યું હતું કે બિઝનેસ બધા ધીમા છે અને એેને કારણે લોકો કોસ્ટ કટિંગ કરી રહ્યા છે. રિટેલમાં હાલત ખરાબ છે એટલે નાના રિટેલર્સ ભાડાંમાં પણ વાટાઘાટો કરીને ઘટાડો કરવી રહ્યા છે, જેને કારણે બોપલ, સેટેલાઈટ, સિંધુભવન, SG હાઇવે, બોડકદેવ, પ્રહલાદ નગર જેવા વિસ્તારોમાં ભાડાંમાં 10-15%નો ઘટાડો જોવા મળ્યો છે. અમુક કેસમાં 20-25% સુધીનો ઘટાડો પણ થયો છે. અત્યારે રેસ્ટોરાં તેમજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળાને વધુ તકલીફ છે.

કોમર્શિયલમાં કોઈ નવી ઇન્ક્વાયરી નથી આવતી
વાઈટલ સ્પેસ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર વિજય દુધાતે જણાવ્યું હતું કે કોવિડને લગતા નિયમો થોડા હળવા થયા છે તેમ છતાં હજુ કોઈ નવી ઇન્ક્વાયરી શરૂ થઈ નથી. પરિસ્થિતિ થોડી સામાન્ય બને એના માટે લોકો રાહ જોઈ રહ્યા છે. રેસ્ટોરાં બિઝનેસમાં સૌથી વધુ અસર થઈ છે એટલે 2000 સ્ક્વેર ફૂટથી મોટી પ્રોપર્ટી વધારે ખાલી છે. મોટી શોપ્સ અને ઊંચા ભાડા હતા એવી પ્રોપર્ટી વધારે ખાલી થઈ છે. આમાં પણ જેમને છેલ્લાં 3-4 વર્ષમાં જેમણે બિઝનેસની શરૂઆત કરી છે તેમને વધારે અસર થઈ છે. જોકે અમને આશા છે કે જૂન એન્ડ અથવા જુલાઈથી રિકવરી શરૂ થશે.

ઓફિસો ખાલી પડી છે, પણ એના માટે કોઈ પૂછપરછ આવતી નથી (પ્રતીકાત્મક તસવીર).
ઓફિસો ખાલી પડી છે, પણ એના માટે કોઈ પૂછપરછ આવતી નથી (પ્રતીકાત્મક તસવીર).

આ વર્ષે ઓનર્સ તરફથી મર્યાદિત સપોર્ટ મળી રહ્યો છે
પ્રોપર્ટી માર્કેટ સાથે સંકડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે ઈકોનોમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા પ્રોપર્ટી ઓનર્સે લોકડાઉન પિરિયડનાં ભાડાં નહોતા લીધા અને ત્યાર બાદના અમુક મહિનાઓ સુધી ભાડાંમાં 50% જેવો ઘટાડો કર્યો હતો, પરંતુ આ વર્ષે આવું કરનારાનું પ્રમાણ ઘણું નીચું છે. અમુક લોકોએ પાછલા 2 મહિનાના ભાડા જતા કર્યા છે પણ રેન્ટને લઈને બાંધછોડ કરવા બહુ ઓછા ઓનર્સ તૈયાર થઈ રહ્યા છે. થોડા સમય માટે ઓછું ભાડું અથવા 15-20% રેન્ટ ઘટાડનારા બહુ ઓછા છે. આ જ કારણોથી ઘણી કંપનીઓ અન્ય જગ્યા પર શિફ્ટ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...