• Gujarati News
  • Dvb original
  • Corona And Fungus Have Changed The Way People Eat And Drink, Understand The Importance Of Kitchen Spices

ટેસ્ટ બદલાયો:કોરોના અને ફંગસને કારણે લોકોની ખાણી-પીણીમાં આવ્યો બદલાવ, કિચનના મસાલાની મહત્ત્વતા સમજાઈ

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • લોકો બહાર જવાને બદલે પરિવાર સાથે મળી ગમતી વાનગી બનાવી માને છે સંતોષ
  • કોરોના સંક્રમિત થયા બાદ કોઈ વ્યક્તિનો ખોરાક વધે છે તો કોઈનો ઘટે છે

કોરોનાએ લોકોના જીવનમાં ઘણા બદલાવ લાવી દીધા છે, જે પૈકી એક છે, લોકોની ખાણી-પીણીની આદત. દિવ્ય ભાસ્કરે કોરોના બાદ સાજા થયેલા દર્દીઓ તથા અન્ય લોકોમાં હાલના સમયમાં ખાવા-પીવાની આદતમાં શું બદલાવ આવ્યો એ અંગે જાણવાનો પ્રયાસ કર્યો. અમદાવાદના જાણીતા ડાયટિશિયન અનુસાર, લોકો હેલ્થી ઇટિંગ પ્રત્યે જાગ્રત બન્યા છે. માત્ર કોરોના જ નહિ, પરંતુ હવે ફંગસ રોગને લીધે લોકો પણ સજાગ બન્યા હોવાનું જોવા મળી રહ્યું છે
બહારનું ખાવાને બદલે ઘરે જ તૈયાર કરે છે ગમતી રેસિપી
ઇન્ડિયન ડાયટિશિયન એસોસિયેશનના એક્સિક્યુટિવ સભ્ય રીમા રાવે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ખોરાક અંગે લોકોમાં સભાનતા આવી છે. બહારનો ખોરાક લેવાનું પ્રમાણ ઓછું થયું છે. અગાઉ પરિવાર સાથે જે વાનગી બહાર ખાવા જતા એ હવે પરિવાર સાથે ઘરે જ બનાવી લે છે. કોરોનાકાળ દરમિયાન આ સૌથી મહત્ત્વની અને હકારાત્મક વાત છે. ઘરે રાંધેલો ખોરાક લેવાથી લોકોનું આરોગ્ય પણ સચવાઇ રહ્યું છે.

ડો. રીમા રાવ અને ડો. રીટા ભારદ્વાજ.
ડો. રીમા રાવ અને ડો. રીટા ભારદ્વાજ.

કિચનના મસાલાના લાભનું મહત્ત્વ સમજાયું
અમદાવાદનાં ન્યૂટિશિયન રીટા ભારદ્વાજના કહેવા અનુસાર, હવે લોકો ઘરના કિચનના મસાલા અંગે હવે ગંભીર બન્યા છે અને મહત્ત્વ સમજાયું છે જેને કારણે અત્યારસુધી એક વર્ગ એવો હતો, જે માત્ર સ્વાદ માટે મર્યાદિત પ્રમાણમાં જ મસાલાનો ઉપયોગ કરતો. આરોગ્યને ધ્યાને રાખીને હવે હળદર, લવિંગ, મરી, તજ વગેરે જેવા મસાલાનો ઉપયોગ પર્યાપ્ત માત્રામાં થઇ રહ્યો છે, સાથે-સાથે કોરોનાએ લોકોને ન ભાવતાં શાક-ભાજી અથવા સૂપની પણ આદત પાડી, જેમ કે કારેલા, દૂધીનું શાક અથવા એનો સૂપ. આ બાબતે યોગા-ટ્રેનર રચના શાહનું કહેવું છે કે કોરોના બાદ ખાવા-પીવાની બાબતમાં મોટું પરિવર્તન આવ્યું છે. ખાવામાં તેઓ પૂરતી તકેદારી રાખી રહ્યા છે અને બહારનું ખાવાનું બંધ જ કરી દીધું છે. ઉપરાંત હવે ઘરના રસોડામાં બનતી રસોઈ પર વધારે ધ્યાન આપે છે. એમાંય ઘરગથ્થુ મસાલાનો ઉપયોગ અગાઉ કરતાં વધુ કરી રહ્યા છે.

રસોઈ તૈયાર કરી રહેલાં ગૃહિણી રચના શાહ.
રસોઈ તૈયાર કરી રહેલાં ગૃહિણી રચના શાહ.

પહેલાં કોરોના, હવે ફંગસના રોગથી વધુ સજાગ બન્યા લોકો
અમદાવાદની HCG હોસ્પિટલનાં ડાયટિશિયન આરતી ડબાસના જણાવ્યા અનુસાર, ખાસ જે કોવિડથી સંક્રિમત થઇ ચૂક્યા છે તેઓ ખાવા-પીવામાં વિશેષ ધ્યાન આપી રહ્યા છે, જ્યારે અન્ય લોકો પણ પોતાની ફૂડ હેબિટમાં ફેરફાર લાવી રહ્યા છે. હાલના સમયમાં જંક ફૂડ અને પેક્ડ ફૂડના સ્થાને શક્તિનો મૂળ સ્ત્રોત ધરાવતાં ફળો કે એના જ્યૂસની સાથે લીલાં શાક-ભાજી અને હાઇ પ્રોટીન ખોરાક લેવો જોઇએ. કેટલાક ડાયટિશિયનો લોકોને જંક ફૂડ છોડાવવા માટે આગ્રહ કરતા હતા, પરંતુ ધારી સફળતા ન મળી. જોકે હવે એક તરફ કોરોના અને હવે મ્યુકોરમાઇકોસિસ, એટલે કે ફંગસના રોગથી લોકોમાં સતર્કતા આવી છે, જેથી તેઓ તાજો અને શુદ્ધ ખોરાક લેવાનો આગ્રહ રાખી રહ્યા છે. અમદાવાદના સ્થાનિક નિખિલ શાહનું કહેવું છે કે અગાઉ તેઓ પરિવારની સાથે મહિનામાં 5થી 6 વાર બહાર જવાનું થતું, પણ હવે બંધ થઈ ગયું છે. પહેલાં તેઓ ઓનલાઈન ફાસ્ટ ફૂડ સહિત ગમતું ફૂડ ઓર્ડર કરતા, પણ છેલ્લા 2 મહિનાથી એ બંધ કરી દીધું છે.

CIMS હોસ્પિટલના સિનિયર ટાયટિશિયન.
CIMS હોસ્પિટલના સિનિયર ટાયટિશિયન.

કોવિડમાંથી સાજા થયા બાદ જમવાના પ્રમાણમાં ફેરફાર આવે છે
અમદાવાદની CIMS હોસ્પિટલના સિનિયર ક્લિનિકલ ડાયટિશિયન નિશલ નાણાવટી ધોળકિયાના કહેવા મુજબ, જે દર્દીને સ્ટિરોઇડ અપાયું હોય, તેમનામાં બ્લુડશુગર વધે છે, જેને કાબૂમાં લેવા માટે ઇન્સ્યુલિન હાર્મોન્સ વધુ એક્ટિવ બને છે અને ભૂખ વધુ લાગે છે. ઉપરાંત દવાના ઊંચા પ્રમાણને લીધે દર્દીનું શરીર વધારે ખોરાક માગે છે, જેને કારણે દવાનો હેવી ડોઝ લીધેલા દર્દીને ભૂખ વધુ લાગે છે, જ્યારે બીજી તરફ એવા પણ દર્દીઓ હોય છે, જેઓ સંક્રમિત થયા બાદ તેમની ભૂખ મટી જાય છે. એનું કારણ ખાવાનો ટેસ્ટ જતો રહેવાથી હોજરી સંકોચાઇ જાય છે, સાથે-સાથે ચિંતામાં હોવાથી તેમનામાં ખોરાકનું પ્રમાણ ઘટી જાય છે અને ભૂખ ઓછી લાગે છે.

નાપસંદ હોય તેવાં લીલાં શાક-ભાજી પણ લોકો ખાવા લાગ્યા છે.
નાપસંદ હોય તેવાં લીલાં શાક-ભાજી પણ લોકો ખાવા લાગ્યા છે.

સાજા થયા બાદ કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ?
કોવિડમાંથી સાજા થઇ આવેલા લોકોએ લીલાં શાક-ભાજી, કઠોળ પર વધુ ભાર મૂકવો જોઇએ. ઉપરાંત તાજાં ફ્રૂટ્સ જ્યુસ, છાશ, દહીં, મગ-તુવેર દાળનું પાણી, દૂધ લેવું જોઇએ. માત્ર એટલું જ નહિ, પરંતુ તંદુરસ્ત ખોરાકની સાથે સવારના સમયે 20 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં વિટામિન ડી લેવા માટે આદત પાડવી જોઇએ. જો કોવિડ પછી ભૂખ ન લાગે અથવા અશક્તિ હોય તો સુખડી અથવા રાબનું સેવન તેમના માટે ઉત્તમ ગણાય છે. ઉપરાંત દરેક વ્યક્તિએ મલ્ટીગ્રેન, એટલે કે ઘઉંની સાથે બાજરી, મકાઇ, જવારના લોટની રોટલી ખાવી હિતાવહ ગણાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોવિડ બાદ મીઠાશવાળી ચીજ-વસ્તુઓ પર અંકુશ મૂકવો જોઇએ. એમાંય જેમને સ્ટિરોઇડ કે અન્ય હાઇ ડોઝ દવા લીધી હોય તેમને મીઠી વસ્તુઓ ન ખાવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...