પર(પાંખો) નોચ દો મેરે, યા જલાકર રાખ કર દો,
મૈ વો પરિંદા હૂં, જિસે રાખ સે ઉડના આતા હૈ.
આ પંક્તિના 'રચયિતા' છે (કહેવાતા કવિશ્રી) કિરણ પટેલ. ઓળખ્યા કે નહીં?, અરે, આ કિરણભાઈને તો ભલભલા ન ઓળખી શક્યા, તો આપણી શું મજાલ?
પોતાને વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી ગણાવનાર કિરણ પટેલ હવે જેલના સળિયા પાછળ છે. એ બહાર આવશે કે નહીં એ અદાલત નક્કી કરશે, પરંતુ હવે ધીરે-ધીરે કિરણ પટેલની કરમ-કુંડળી બહાર આવવા લાગી છે. દિવ્ય ભાસ્કરે કિરણ પટેલ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંપર્ક ધરાવતા લોકો સાથે વાતચીત કરીને લાઇફસ્ટાઇલ જાણી હતી, તેની સોશિયલ મીડિયા પ્રોફાઈલ અને કેસ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓનું વિશ્લેષણ કર્યું. એમાં કિરણ પટેલની 10 એવી ફાંકા ફોજદારીના કિસ્સા સામે આવ્યા હતા, જે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક છે.
અમદાવાદના એક DCPએ કિરણ પટેલને દિવસે તારા બતાવી દીધા!
અમદાવાદમાં કિરણ પટેલ અનેક જગ્યાએ 'કળા' કરી છે એમાં પોલીસ અધિકારીઓ પણ બચ્યા નથી. દિવ્ય ભાસ્કરને સૂત્રો મારફત મળેલી માહિતી મુજબ, એક વખતે એવું બન્યું કે કિરણ પટેલે મોટા પોલીસ અધિકારીને લોભામણી લાલચ આપીને શિકાર બનાવ્યા. કિરણે લાખો રૂપિયા લઈને એ અધિકારીને ક્રીમ પોસ્ટિંગ આપવાનો વાયદો કર્યો હતો. સાચા-ખોટાનાં પારખાં કર્યાં વગર પોલીસ અધિકારી પણ તેની વાતમાં આવી ગયા. થોડા સમયમાં જ અધિકારીઓની બદલીઓ થઈ, પરંતુ આ અધિકારીને કિરણ પટેલ સાથે વાત થઈ હતી એ મુજબની જગ્યાએ પોસ્ટિંગ મળ્યું નહીં. હવે, આ અધિકારીએ કિરણ પટેલને ચા પીવા બોલાવ્યો હતો, જ્યાં કિરણ પટેલ પહોંચ્યો. એટલે આ અધિકારી 'સમાજ સુધારક નામનો ડંડો' લઈને ઊભા થયા અને ચાને બદલે કિરણ પટેલ સમજી જાય એવો 'નાસ્તો' કરાવી દીધો. અમદાવાદ પોલીસમાં આ કિસ્સાની આજકાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
સોનાનાં બિસ્કિટ અને ચાની તસવીર
20 ઓક્ટોબર 2022ના રોજ સવારના 9 વાગ્યાને 15 મિનિટે કિરણ પટેલ ટ્વિટર પર એક ફોટો મૂકે છે. કેપ્શનમાં ગુજરાતી ભાષામાં લખ્યું હતું, 'સવારની ચા-બિસ્કિટ'. તસવીરમાં ચા તો સામાન્ય કપમાં જ દેખાતી હતી, પરંતુ હાથમાં સોનાનું બિસ્કિટ હતું. આવી હતી મહાઠગની કમાલની લાઇફસ્ટાઇલ!
પોતાની પાસે મોંઘીદાટ કાર હોવાના ફાંકા
29 ડિસેમ્બર 2022ના રોજ ફરીથી વટ પાડવા માટે એક ફોટો કિરણ પટેલે ટ્વિટર પર મૂક્યો, જેમાં તે એક મોંઘીદાટ કારના બોનેટ પર હાથ રાખીને પોઝ આપતો જોવા મળે છે. આ ફોટો શેર કરીને તેણે દુનિયા સામે દાવો કર્યો, 'થેક્સ, મારી પાસે ઓડી ક્યૂ5, મર્સિડીઝ એલએસકે, મર્સિડીઝ સી ક્લાસ અને એક્સયુવી 500(મારા પિતા તરફથી મળેલી છેલ્લી ભેટ) અને હવે આ(કાર) છે.'
નોંધવા જેવી વાત એ છે કે કિરણ પટેલે આ ફોટો, જે ટ્વીટના જવાબરૂપે કર્યો હતો એ ટ્વીટ જ કોઈકે ડિલિટ મારી દીધી છે. આ જ ટ્વીટના થ્રેડમાં કિરણ લખે છે, 'મંડળી નક્કી કરે ત્યારે અને ત્યાં'. બની શકે કોઈકે મળવા અંગે કિરણને પૂછ્યું હોય, પરંતુ હવે આ સવાલવાળું ટ્વીટ પણ ડિલિટ થઈ ગયું છે. એટલે કિરણ પટેલના કાંડનો ઘટસ્ફોટ થયા બાદ તેના કહેવાતા નિકટના લોકોએ નાતો તોડવા માંડ્યો છે. કિરણ પટેલને ભૂતકાળમાં મળી ચૂકેલી એક વ્યક્તિએ પણ નામ ન આપવાની શરતે આ વાતને સમર્થન આપ્યું હતું.
કિરણ પટેલને વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ વહેંચણીમાં ખૂબ રસ હતો!
આમ તો કિરણ પટેલને ભાજપના ઘણા નેતા સાથેના સંપર્ક હોવા અને કિરણ પટેલ પોતે જ ભાજપનો સભ્ય હોવાના દાવા તેમજ ચર્ચાઓ છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહી છે, પરંતુ ભાજપના એક નેતા છે, નામ પ્રદીપસિંહ વાઘેલા. ન જાણે, કિરણ પટેલને ભાજપના જ આ યુવા નેતા સાથે શું ખટપટ થઈ હશે?
જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ટિકિટની વહેંચણી ચાલી રહી હતી, એ સમયે કિરણ પટેલે 10 નવેમ્બર 2022ના રોજ પ્રદીપસિંહ વાઘેલાએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂની વીડિયો-ક્લિપ મૂકી, જેની કેપ્શનમાં લખ્યું, 'કપાયાની વેદના સ્પષ્ટપણે વર્તાઈ રહી છે!!'
કિરણ પટેલ શબ્દોની ચિતરામણ કરવામાં આટલેથી ન અટક્યો. બીજા એક ટ્વીટમાં લખ્યું, 'એ તો ડૂબ્યા, પણ પૂર્વના એક નેતાને રવાડે ચડાવીને એનેય ડુબાડ્યા'.
કિરણ પટેલે પોલીસ અધિકારીની કાર સગેવગે કરી દીધી
થોડા સમય પહેલાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક પોલીસ-ઇન્સ્પેક્ટર મિલકતને કારણે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. જોકે આ મિલકત તેમને વડીલો તરફથી વારસામાં મળી હતી. અમદાવાદમાં તેઓ એક સમયે સૌથી ધનિક પોલીસ-ઇન્સપેક્ટર ગણાતા હતા. તેઓ પોલીસ સ્ટેશન પણ સૌથી મોંઘી કાર લઈને આવતા. આ ભાઈ કિરણ પટેલના સંપર્કમાં આવી ગયા. બીજી ભાષામાં કહીએ તો કિરણ પટેલે જ તેમણે પોતાની આંટીઘૂંટીમાં લીધા. કિરણ પટેલ સરકારમાં પહોંચ હોવાના નામે આવા અધિકારીને ટાર્ગેટ પર રાખતો હતો.
સમય જતાં બઢતી સાથે બદલી થઈ. ત્યારે તેમની પાસે કિરણ પટેલ પ્રપોઝલ લઈને આવ્યો અને કહ્યું, 'મારી પાસે સ્વામિનારાયણ મંદિરમાં મહત્ત્વના લોકોને મૂકવા, લઈ જવાનું કામ છે. એ માટે કાર ભાડે જોઈએ છીએ. જો તમે તમારી કાર મૂકશો તો તમને સારી રકમ મળશે. આ ઉપરાંત સંતો સાથે પણ ઓળખાણ વધશે, એટલે ભવિષ્યમાં તેમની ભલામણના આધારે ક્રીમ પોસ્ટિંગ પણ મળી શકે છે.' પોલીસ અધિકારી કિરણ પટેલથી એટલા મોહિત થઈ ગયા કે તેમણે પોતાની ઓડી કાર તો આપી જ. સાથે મિત્રની કાર અને અન્ય એક પોલીસ-ઇન્સ્પેક્ટરની કાર કિરણ પટેલ પાસે મંદિરમાં મૂકવામાં ગોઠવી હતી, પરંતુ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે કિરણ પટેલના માથે ખરેખર આવી કોઈ વ્યવસ્થા હતી જ નહીં. તેણે અનેક લોકોને બનાવટી વાતોમાં ભોળવીને ચીટિંગ કરી નાખ્યું હતું. વાહનો બારોબાર સગેવગે કરવા મૂકી દીધાં હતાં. આ અંગે જે-તે સમયે કિરણ પટેલ સામે ફરિયાદ પણ થઈ હતી. તેમ છતાં કિરણના કામ અને સ્વભાવમાં કોઈ ફરક નહોતો પડ્યો. કિરણ પટેલની ધરપકડ બાદ પોલીસબેડામાં ફરીથી આ ચર્ચા તાજી થઈ ગઈ છે.
ભારતમાં બેઠાં-બેઠાં વિદેશી યુનિવર્સિટીમાં ડિરેક્ટર બન્યો
શું તમે ટોન્ગા વિશે સાંભળ્યું છે?, ટોન્ગામાં માંડ એક લાખની વસતિ. ઓસ્ટ્રેલિયા પાસે આવેલું છે. ત્યાંની એક યુનિવર્સિટી, જેનું નામ કૉમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટી છે. 11 ફેબ્રુઆરી 2023ના રોજ કિરણ પટેલને એક પત્ર મળ્યો(કેવી રીતે મળ્યો, એ તો કિરણ પટેલ જ જાણે). આ યુનિવર્સિટીમાં એકૅડેમિક ડિરેક્ટર તરીકે કિરણ પટેલને નૉમિનેશન મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
હરખપદુડા થઈને ખુદ કિરણ પટેલે લખ્યું, 'દેશની સીમાઓ તૂટી ચૂકી છે, હવે વૈશ્વિક સ્તરે જવાનો સમય આવી ગયો છે. ટોન્ગોની કૉમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીમાં એકૅડેમિક ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે.'
ભાજપના નેતાઓને પણ કિરણ પટેલે છેતર્યા
કાશ્મીરમાં ભાજપના મીડિયા ઈન્ચાર્જ મંજૂર ભટ્ટે મીડિયા સમક્ષ કિરણ પટેલ અંગે નવો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું, 'મને ગયા ઓક્ટોબર મહિનામાં એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે આપી અને કહ્યું, 'જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થવાની છે'. 20 દિવસ બાદ ફરીથી મને ફરીથી ફોન આવ્યો. મને જણાવ્યું કે 'કિરણ પટેલ શ્રીનગરની લલિત પેલેસ હોટલમાં છે, મળવા આવો'. હું ગયો તો હોટલમાં ઘણા લોકો તેમને મળવા માટે રાહ જોઈ રહ્યા હતા. તેમની સાથેની સિક્યોરિટી જોઈને પણ હું પ્રભાવિત થઈ ગયો હતો. તેમણે મને પોતાનું ઓળખપત્ર બતાવ્યું અને પરિવાર સાથે પણ મુલાકાત કરાવી હતી. કિરણે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી વિશે વાત કરી તો મેં કહ્યું, 'આ વિશે તમારે જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર રૈનાને પત્ર લખવો જોઈએ'.
મંજૂર ભટ્ટે જણાવ્યું હતું કે 'મને ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું જ્યારે તેમણે કહ્યું, 'તમારે મારી ઓળખ જાહેર કરવાની નથી. હું અંડરકવર રહીને કામ કરું છું. ઓળખ જાહેર થશે તો મારા માટે ખતરારૂપ સાબિત થશે.' એ મારી એકમાત્ર મુલાકાત હતી, ત્યાર બાદ હું ક્યારેય કિરણ પટેલને મળ્યો નથી.'
IAS, IPS, પ્રખર વક્તા... બધા જ કિરણની રડાર પર
થોડા સમય પહેલાં G20 સમિટમાં ભાગ લેવા માટે વિદેશથી ઘણા નેતા અને અધિકારીઓ ભારત અને એમાં પણ ખાસ કરીને ગુજરાત ખાતે આવ્યા હતા. મહાઠગ કિરણ પટેલે આ પ્રસંગે પણ પોતાનો પ્રચાર કરવા અને દબદબો બતાવવાનું બાકી ન રાખ્યું. દિવ્ય ભાસ્કરના ધ્યાનમાં એક પોસ્ટર આવ્યું છે. કિરણ પટેલની સંસ્થાએ આયોજિત કરેલા એક કાર્યક્રમમાં ઘણા નામાંકિત લોકોનાં નામ સામેલ હતાં.
કિરણ પટેલની પહેલ હેઠળની સંસ્થા રાષ્ટ્ર પ્રથમ અને એક્સ ઇવેન્ટે 29 જાન્યુઆરીએ અમદાવાદના હયાત રેજન્સી હોટલમાં એક સમિટનું આયોજન કર્યું હતું. G20 સમિટના આ કાર્યક્રમમાં સ્કોપ એન્ડ પ્રાયોરિટીઝ ઓફ વેરિયસ ઇન્ડસ્ટ્રી વિષય પર ચર્ચા કરવા ગુજરાત સરકારના અધિકારીઓ તેમજ અન્ય વક્તાને બોલાવવામાં આવ્યા હતા.
અધિકારી બનીને કિરણ પટેલે 'ઉડાઊડ' કરી
પોતાને વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી ગણાવતા કિરણ પટેલે છેલ્લાં કેટલાંક વર્ષોમાં 'ઉડાઊડ' પણ ખાસીએવી કરી છે. દિવ્ય ભાસ્કરને કિરણ પટેલની નજીકનાં કેટલાંક સૂત્રો મારફત મળેલી માહિતી અનુસાર, કિરણ પટેલ અમદાવાદથી દિલ્હી અને ત્યાર બાદ શ્રીનગરની ફ્લાઈટ લેતો હતો, પરંતુ ક્યારેક એવું પણ બન્યુ છે કે તેણે ચાર્ટર ફ્લાઈટ લીધી હોય. દિવ્ય ભાસ્કરને એક તસવીર પણ હાથ લાગી છે, જેમાં કિરણ પટેલ તેની નજીકના લોકો સાથે ચાર્ટર ફ્લાઈટમાં બેસતો જોવા મળે છે. લાખો રૂપિયાના ખર્ચે મળતી ચાર્ટર ફ્લાઈટ માટે કિરણ પટેલ ક્યાંથી રોકડી કરતો હતો, એ ખરેખર વિચારવાલાયક વાત છે.
અને હવે છેલ્લે જતાં-જતાં ઠગના મોઢે થયેલી ઠગની વાત!
નીચે આપેલી તસવીર કિરણ પટેલે ટ્વિટર પર શેર કરી છે. 29 જાન્યુઆરીના રોજ કિરણ પટેલે જે દંપતીની તસવીર શેર કરી હતી તેઓ જુનિયર ક્લાર્કનું પેપર લીક કરવાના કેસમાં સામેલ હતા. કિરણે લખ્યું હતું કે, 'તેલંગાણાથી પેપર કેવી રીતે લવાયું એ મામલે અનેક રાજ્યોમાં ATS દ્વારા તપાસ હાથ ધરાઈ છે.'
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.