એક હતી કોંગ્રેસ:છાપેલાં કાટલાંને ખસેડીને નવો કાયાકલ્પ કરવો કોંગ્રેસ માટે અનિવાર્ય, પણ એ માટે જીતવાની દાનત હોવી જરૂરી

7 મહિનો પહેલાલેખક: ધૈવત ત્રિવેદી
  • કૉપી લિંક
  • એકધારા અઢી દાયકા સુધી વારંવાર હારવું અને પછી ય ન સુધરવું દર્શાવે છે કે કોંગ્રેસને પોતાને જ જીતવું નથી
  • પોતાના બળ પર જીતી શકતા સક્ષમ નેતાઓને કોંગ્રેસ સાચવી શકતી નથી અને નબળાઓને પક્ષના જોરે જીતાડી શકતી નથી

રાજકારણમાં ચૂંટણીઓ અનિવાર્ય હોય અને ચૂંટણીમાં હાર-જીત તો થયા જ કરે, પરંતુ સતત હાર જ થયા કરતી હોય ત્યારે કોઈપણ રાજકીય પક્ષ માટે ગંભીર આત્મમંથનનો સમય પાકી ગયો ગણાય. એ હિસાબે ગુજરાતમાં લાગલગાટ અઢી દાયકાથી પ્રત્યેક ચૂંટણીમાં હારવાના અવનવાં કીર્તિમાનો સર કરતી કોંગ્રેસ માટે હવે આત્મમંથન અને આત્મસમર્પણ વચ્ચે બહુ લાંબો ફરક રહ્યો નથી. 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મળેલી દમદાર સફળતાનું 2021 આવતા સુધીમાં કોંગ્રેસે પોતાના જ હાથે ધોવાણ નહિ, વસ્ત્રાહરણ કરી નાખ્યું છે. પ્રત્યેક ચૂંટણી પછી હવે ફરી એકવાર કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અને વિધાનસભાના વિપક્ષી નેતા રાજીનામાં ધરશે. જોકે પાયાનો સવાલ એ છે કે તેમના રાજીનામાંથી બગડીને બેહાલ થયેલી બાજી સુધરે એમ છે ખરી?

2015માં હાર્દિક, અલ્પેશ અને મેવાણીના ખભે બંદૂક ફોડવાની સ્ટ્રેટેજી કારગત નીવડી હતી
2015માં હાર્દિક, અલ્પેશ અને મેવાણીના ખભે બંદૂક ફોડવાની સ્ટ્રેટેજી કારગત નીવડી હતી

તક મળી પણ કાંદો શું કાઢ્યો?
2015: ગુજરાતની રાજનીતિમાં નરેન્દ્ર મોદીના આગમન પછી પ્રત્યેક દિવસ કોંગ્રેસ માટે પૂર્ણાહુતિની દિશામાં એક કદમ આગળ વધવાનો રહ્યો છે, જેમાં અપવાદરૂપ ગણવું પડે એવું વર્ષ છે 2015, જ્યારે કોંગ્રેસે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં સપાટો બોલાવીને ભાજપને સ્તબ્ધ કરી દીધી હતી. 23 જિલ્લા પંચાયતો અને 151 તાલુકા પંચાયતો કબજે કરીને કોંગ્રેસે છેલ્લા અઢી દાયકામાં પહેલીવાર ભાજપના પેટમાં સત્તા જવાની ફાળ પેસાડી દીધી હતી.
2017: બે વર્ષ પછી આવેલી વિધાનસભાની ચૂંટણીમાં 2015ની સેમિ-ફાઈનલની પ્રેક્ટિસ કોંગ્રેસને બરાબર ફળી. મતગણતરી ચાલુ હતી ત્યારે એક તબક્કે કોંગ્રેસ 93 બેઠક પર આગળ હતી, જે સ્પષ્ટ બહુમતી માટેનો મેજિક ફિગર હતો. ભલે ટ્રેન્ડમાં તો ટ્રેન્ડમાં, પણ 25 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસે આ આંકડો ભાળ્યો હતો. કોંગ્રેસ સત્તા મેળવવાથી તો વંચિત રહી, પરંતુ 77 બેઠકો સાથે મજબૂત વિપક્ષ તરીકે ભાજપને આકરું પાડી દેશે એવો આશાવાદ જરૂર જગાવ્યો.
2020: વારંવાર તક આપવા છતાં કોંગ્રેસ કદી નહિ સુધરે એવી છાપ દૃઢ કરવામાં આ વર્ષ નિર્ણાયક બન્યું. રાજ્યસભાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસના ધારાસભ્યો પાકા બોરની માફક ખરીને ભાજપની ઝોળીમાં પડવા લાગ્યા અને પેટાચૂંટણીમાં એ સૌ કમળના નિશાન પર જીતી પણ ગયા. આ કારમી હતાશાએ આજનાં નાલેશીજનક પરિણામનો પાયો નાખ્યો.

એકેય સમીકરણમાં સાંધાનોય મેળ નથી
ગુજરાતની રાજનીતિમાં પ્રભાવશાળી સમુદાયના નેતાઓને આગળ કરીને તગડી વોટબેન્ક ઊભી કરવી એ દરેક પક્ષની, ખરેખર તો કોંગ્રેસે જ શિખવાડેલી કાયમી સ્ટ્રેટેજી રહી છે. કોળી, પાટીદાર, આહીર, ઠાકોર, મુસ્લિમ અને દલિત સમુદાય ગુજરાતમાં ઊતરતા ક્રમે સંખ્યાત્મક પ્રભુત્વ ધરાવે છે અને એ દરેક સમુદાય એક તબક્કે કોંગ્રેસની અડીખમ વોટબેન્ક ગણાતો હતો. પાટીદારો ભાજપથી 2015માં નારાજ થયા તો કોંગ્રેસને ફાયદો થયો, પણ કોંગ્રેસ એ ફાયદો અંકે કરે એ પહેલાં તો કોળી સમાજના કુંવરજી બાવળિયા અને આહીર સમાજના જવાહર ચાવડાને પક્ષપલટો કરાવીને ભાજપે કોંગ્રેસનાં તમામ સમીકરણો વેરવિખેર કરી દીધાં. અલ્પેશ ઠાકોરનેય ખેડવી લીધા. હવે હાલત એ છે કે કોળી, આહીર, ઠાકોર સહિત એકેય સમુદાય કોંગ્રેસ પર ભરોસો કરતો નથી અને પાટીદારો પણ કામચલાઉ દોસ્તી પછી ફરી પાછા ભાજપ તરફ વળી ચૂક્યા છે.

નીતિનું સાતત્ય નહિ અને જૂથબંધી પારાવાર
મોંઘવારીનો મુદ્દો હોય કે ખરાબ રસ્તા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે આદિવાસીઓની છીનવાતી જમીન હોય કે લવ-જેહાદ કાયદો, કોંગ્રેસના એકપણ કાર્યકરને ખબર નથી હોતી કે આપણે ક્યું સ્ટેન્ડ લેવાનું છે? એનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસમાં સંગઠન સ્તરે કોઈ સંકલન જ નથી. ચૂંટાયેલા ધારાસભ્યો પોતે પોતાના જોરે ચૂંટણી જીતતા હોય છે એટલે સંગઠનને ગાંઠતા નથી. સંગઠનનો પોતાનો કોઈ અવાજ નથી અને આદેશ કરે તો ઝીલવાવાળું કોઈ નથી. અનુકરણ થાય એ તો બહુ દૂરની વાત છે. કોંગ્રેસ પાસે એક જમાનામાં સેવાદળ નામે સંગઠન હતું, જે યુવા નેતાઓને તરાશતું હતું અને વિકલ્પો આપતું હતું. આજે તેનુંય અસ્તિત્વ રહેવા દીધું નથી. આ સંજોગોમાં ન તો કાર્યકર્તા ઊભા થાય છે કે ન તો નવું નેતૃત્વ આવે છે.

ચાવડા-ધાનાણી પછી હવે કોણ?
પરાજયની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસપ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી હવે રાજીનામાં આપી ચૂક્યા છે. અગાઉ પેટાચૂંટણીમાં ધોબીપછાડ પછી પણ તેમણે આવો દાખડો કર્યો હતો, પણ આ વખતે તેમનાં રાજીનામાં હાઈકમાન્ડે સ્વીકારી લીધાં છે. એકાદ મહિનામાં નવા સૂત્રધારોની પસંદગી થવાનો અણસાર છે, પરંતુ એ નવા સૂત્રધારો કોણ હશે? કોણ આ ડૂબતા જહાજનો મોરો ફેરવવા તૈયાર થશે?
હાર્દિક પટેલઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જેવા નામમાં વજનદાર હોદ્દો ધરાવતા હાર્દિક પટેલની અંગત લોકપ્રિયતા, જનાધાર પોતે જ તળિયાઝાટક છે. રાજનીતિની તેમની સૂઝ અને સૌને સાથે લઈને ચાલવાની આવડત કાયમ પ્રશ્નો જગાવતી રહી છે. એ સંજોગોમાં હાલના કાર્યકારી અધ્યક્ષના ખભે અધ્યક્ષનો ભાર નાખવાની ભૂલ કોંગ્રેસ હાઈકમાન્ડ કદાચ નહિ કરે.
વીરજી ઠુમ્મરઃ પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને વીરજીભાઈની પસંદગી અણધારી નહિ ગણાય. ધારાસભ્ય તરીકે બહોળો અનુભવ ધરાવતા વીરજીભાઈ વિદાય લઈ રહેલા અધ્યક્ષ અમિત ચાવડાથી વિપરીત આક્રમક છબિ ધરાવે છે. બોલવામાં જેટલા મોં-ફાટ છે એટલા જ અભ્યાસુ પણ મનાય છે. મુડદાલ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા સક્ષમ, પણ કાસ્ટ ફેક્ટર ફાયદો કરાવે એમ નડી પણ શકે છે.
વિક્રમ માડમઃ જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બબ્બે જિલ્લા પર પ્રભુત્વ ધરાવતા વિક્રમ માડમ વિધાનસભામાં વિપક્ષના નેતાપદે તેમજ કોંગ્રેસ અધ્યક્ષપદે એમ બંને હોદ્દા માટે દાવેદાર ગણાય છે, પરંતુ હાલમાં લવ-જેહાદ મામલે લપસેલી જીભ તેમને આડી આવી શકે. આ કારણથી જ તેઓ પોતાના ગઢમાં પુત્ર કરણ માડમને પણ જિતાડી શક્યા નથી.
જયરાજસિંહ પરમારઃ ટીવી ડિબેટમાં ભારે આક્રમક ઢબે ભાજપનો સામનો કરી જાણતા આ સ્ટાઇલિશ નેતા વક્તા તરીકે પણ કાબેલ છે. સંગઠનના માણસ તરીકે સૌમાં પ્રિય રહેવાની છાપ છે, પરંતુ પોતે કદી વિધાનસભા લડ્યા નથી, એ કચાશ તેમને નડી શકે.
આ ઉપરાંત પૂંજાભાઈ વંશ, નિશિથ વ્યાસ, હિમાંશુ પટેલ, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ જેવા નેતાઓ પણ ઓચિંતી એન્ટ્રી લઈ જાય તો નવાઈ પામવા જેવું નથી.

ફેબ્યુલસ ફોરઃ ટકતા નથી, ટકવા દેતા નથી
કોંગ્રેસ અઢી-ત્રણ દાયકાથી ગુજરાતમાં કટકે કટકે કપાઈ રહી છે અને આ તમામ સમયગાળામાં ગુજરાત કોંગ્રેસમાં ચાર જૂથ પરસ્પર બાખડતાં રહ્યાં છે. એ ચાર નેતા એટલે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ. કોંગ્રેસનાં આંતરિક વર્તુળોમાં 'ફૂટેલી તોપ' તરીકે ઓળખાતા આ ચારેય નેતા પડદા પાછળની રાજનીતિનાં ખેરખાં મનાય છે. વિધાનસભા કે લોકસભાના મંચ પર આ દરેકનો એક જમાનો હતો એની ના નહિ, પણ એ જમાનો જોયો હોય એ પેઢીની સંખ્યા ઘટી રહી છે અને નવી પેઢીના મતદારો તો આ ચારેયને જોઈનેય ઓળખી શકતા નથી છતાં કોંગ્રેસ સંગઠનથી માંડીને સરકારની નીતિના વિરોધ કે બેઠકોની ફાળવણી સહિતના દરેક મુદ્દે આ ચાર નેતાઓની જૂથબંધીનો ઊંબરો દરેક આશાસ્પદ કોંગ્રેસી નેતાને નડતો રહ્યો છે.

ભરતસિંહ સોલંકીઃ એક પગ આણંદમાં અને બીજો પગ અમેરિકામાં રાખતા ભરતસિંહ લોકસભા પછી રાજ્યસભા પણ હારી ચૂક્યા છે. મામાના દીકરા અમિત ચાવડાને પ્રદેશ અધ્યક્ષ બનાવીને રિમોટ સંચાલન કરતા ભરતસિંહ ભાગ્યે જ ગ્રાસરૂટ લેવલે સક્રિય જોવા મળે છે.

શક્તિસિંહ ગોહિલઃ સંસદીય રાજનીતિ હોય કે ગુજરાતના પ્રશ્નો હોય, શક્તિસિંહ જેવા અભ્યાસુ બહુ ઓછા નેતા હશે, પરંતુ સૌથી મોટી ખોટ એ છે કે બાપુ પોતે જ કશો જનાધાર ધરાવતા નથી અને ગુજરાતમાં ગામેગામથી ચૂંટણી હારવાનો બહોળો અનુભવ ધરાવે છે.

અર્જુન મોઢવાડિયાઃ માધવસિંહ પછી કોંગ્રેસના જો કોઈ નેતા સર્વગ્રાહી વાચન અને અભ્યાસ ધરાવતા હોય તો એ અર્જુન મોઢવાડિયાને ગણવા પડે. મિતભાષી છાપ ધરાવતા મોઢવાડિયા અહેમદ પટેલ કેમ્પના ખાસ ગણાય, પણ અહેમદભાઈની વિદાય પછી અર્જુનભાઈ માટે નવેસરથી ગણતરી માંડવાનો સમય ચાલી રહ્યો છે.

સિદ્ધાર્થ પટેલઃ કોંગ્રેસ અને જૂનો જનતાદળ પરિવાર એવા જૂથ અને એમાંય પાછા પેટાજૂથ એવી જૂથબંધીના સર્જક તરીકે સિદ્ધાર્થ પટેલને મુખ્ય ગણવા પડે. વિધાનસભા હાર્યા પછી સિદ્ધાર્થભાઈ હવે લગભગ નિષ્ક્રિય છે, પણ ખરા મોકે પ્રગટ થવામાં માહેર પણ છે જ.

ચાર મુદ્દાની ફોર્મ્યુલા, પાંચમો મુદ્દો દાનત
1. નેતૃત્વ નિર્માણઃ ગુજરાતમાં કોળી સમાજ અને ઓબીસીને પાંખમાં લીધા વગર કોંગ્રેસ હવે બેઠી થઈ શકે તેમ નથી. એક સમયે આ બંને સમાજના એવા નેતાઓ કોંગ્રેસમાં હતા જે સામા પૂરમાંય તરી શકતા હતા. કમનસીબે કોંગ્રેસ તેમને સાચવી શકી નહિ. પાટીદાર સમાજના પ્રભાવશાળી નેતાઓની સમાંતરે કોંગ્રેસે આ બંને સમાજના વિશ્વાસુ, આક્રમક અને દીર્ઘદૃષ્ટા નેતાઓને આગળ કરવા પડશે.
2. છાપેલા કાટલાનું વિલીનીકરણઃ ફૂટેલી તોપોને શણગારીને મ્યુઝિયમમાં મૂકવી પડશે અને નવીનક્કોર બંદૂકોને આગળ કરવી પડશે.
3. કાર્યકર્તા નિર્માણઃ એ માટે ભાજપનું જ અનુકરણ કરવું પડશે. ભાજપ પાસે પેજપ્રમુખ ફોર્મ્યુલા છે એ કંઈ ભાજપની ખુદની મૌલિકતા નથી. દાયકાઓ પહેલાં ખુદ માધવસિંહ કંઈક અંશે આવી ફોર્મ્યુલાથી જનસંપર્ક વધારવાનું પરાક્રમ કરી ચૂક્યા છે. એ સમયના નેતાઓ પૈકી પ્રબોધ રાવળ તો હવે હયાત નથી, પરંતુ નરેશ રાવળ અને પ્રતાપભાઈ વરુ તેની સાહેદી પૂરી શકે છે. માધવસિંહથીય આગળ આઝાદી પૂર્વે કોંગ્રેસપ્રમુખ બનેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ પ્રત્યેક કાર્યકર્તાને 25 ઘર સુધી આઝાદીનો સંદેશ પહોંચાડવાનું આહવાન કરી ચૂક્યા છે, જે આજની પેજપ્રમુખ જેવી જ ફોર્મ્યુલા ગણાય.
4. અસરકારક સ્ટ્રેટેજીઃ મોંઘવારી, ખરાબ રસ્તા, વહીવટી તંત્રનો ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓ કોંગ્રેસ ઉપાડે એટલે સાચા મુદ્દાય જનતાની નજરમાં ખોટા ઠરી જાય છે. એનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. 2015માં તત્કાલીન પ્રભારી અશોક ગેહલોતે પડદા પાછળથી જનઆંદોલન ઊભા કરવાની નીતિ અપનાવી અને હાર્દિક, અલ્પેશ, મેવાણીના ખભે બંદૂક ફોડી, જેનો સીધો ફાયદો તેમને મળ્યો. સાધારણ રીતે પ્લેનની રિટર્ન ટિકિટ ખિસ્સામાં નાખીને અલપ-ઝલપ આપી, ફોટા પડાવીને રવાના થઈ જતા કોંગ્રેસપ્રભારીએ ગેહલોતની માફક અહીં ધામા નાખી ભાજપને ભીડવે એવી સ્ટ્રેટેજી લાવવી પડશે.
તો કદાચ કોંગ્રેસ 2022માં સન્માનજનક સામનો કરી શકે.
બાકી તો... એક હતી કોંગ્રેસ!

અન્ય સમાચારો પણ છે...