ભાસ્કર એક્સક્લૂસિવગુજરાત ભાજપના સાંસદ સામે EDમાં ફરિયાદ:કચ્છના MP વિનોદ ચાવડા સામે આવક કરતાં વધુ સંપત્તિનો આક્ષેપ, રૂપાણીએ કહ્યું-સર્ચ અભિયાન ચલાવો

ગાંધીનગર23 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

કચ્છ જિલ્લામાં આવકથી વધારે સંપત્તિ ધરાવનાર કચ્છ જિલ્લાના સાંસદ વિનોદભાઈ લખમશીભાઇ ચાવડાના ઉદ્યોગ વ્યવસાય પ્રતિષ્ઠા તથા અન્ય આવકના સ્ત્રોતો પર સર્ચ ઓપરેશન હાથ ધરી રાષ્ટ્રહિતમાં કાર્યવાહી કરવાના શીર્ષક હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ધીરજ રૂપાણી નામની વ્યક્તિ દ્વારા એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે કચ્છ જિલ્લાનો દરિયાકિનારો ખનીજસભર તથા ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત જિલ્લો છે. આ જિલ્લામાં હાલમાં સામાજિક, અસમાનતાની સાથોસાથ આર્થિક અસમાનતા સર્જાઈ રહી છે. કચ્છ સાંસદ વિનોદ ચાવડા શિપિંગ, ખાણ-ખનીજ ક્ષેત્ર, રિયલ એસ્ટેટ, જમીન કૌભાંડ, ટ્રાન્સપોર્ટ તથા અન્ય ક્ષેત્રોમાં ખૂબ જ મોટા પાયે તેમના પરિવારના સભ્યો તથા તેમના રાજકીય મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

ડાબી બાજુ ફરિયાદ કરનાર ધીરજ રૂપાણી અને જમણી બાજુ કચ્છના સાંસદ વિનોદ પરમાર. (ફાઈલ તસવીરો)
ડાબી બાજુ ફરિયાદ કરનાર ધીરજ રૂપાણી અને જમણી બાજુ કચ્છના સાંસદ વિનોદ પરમાર. (ફાઈલ તસવીરો)

બેનામી વ્યવહાર શોધવા સર્ચ અભિયાન હાથ ધરવા માગ: ધીરજ રૂપાણી, અરજદાર
લેખિત ફરિયાદ કરનાર ધીરજ રૂપાણીએ જણાવ્યું હતું કે સાંસદ વિનોદ ચાવડા પાસે વર્ષ 2014 અને વર્ષ 2019માં નજીવી સંપત્તિ હતી, જેમાં એકાએક વધારો થયો છે. આ તમામ પુરાવા તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમજ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને આપ્યા છે. EDએ તેમને નિવેદન માટે પણ બોલાવ્યા છે.

મારા વિરોધીઓ ષડ્યંત્ર કરી રહ્યા છે : વિનોદ ચાવડા
આ અંગે સાંસદ વિનોદ ચાવડા સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું, 'મારી વિરુદ્ધમાં ષડ્યંત્ર કરવામાં આવી રહ્યું છે. આ ષડ્યંત્રો કોણ કરી રહ્યાં છે તે વાત પણ સૌ કોઈ જાણે છે. આ વિષે વધારે કહેવા જેવું નથી.'

અરજદારનો કોંગ્રેસ સાથે નાતો
સાંસદ વિનોદ ચાવડા સામે લેખિત ફરિયાદ કરનારા ધીરજ રૂપાણી પોતે અગાઉ કોંગ્રેસના કાર્યકર હોવાનું જણાવ્યું હતું. હાલ તેઓ સક્રિય રીતે કોંગ્રેસમાં ભૂમિકા નિભાવતા નથી પણ અવારનવાર કોંગ્રેસ માટે રિપોર્ટિંગ કરે છે. સમગ્ર મુદ્દા અંગે તેમણે કચ્છના અન્ય ધારાસભ્યો સાથે આ અંગે પણ વાતચીત કરી છે.

અન્ય સમાચારો પણ છે...