જોશીમઠમાં હોટલ મલારી ઇન તોડવાની કામગીરી શરૂ:રસ્તાઓ બંધ કરાયા, પ્રદર્શનકારીઓને હટાવાયા; ગૃહમંત્રી અમિત શાહે કરી ઉચ્ચ સ્તરીય બેઠક

જોશીમઠ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટના વચ્ચે હવે અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલી હોટલોને તોડી પાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે SDRFએ હોટલ મલારી ઇનનો કબજો લીધો હતો. પોલીસે આજુબાજુના રસ્તાઓ બંધ કરી દીધા. પ્રદર્શનકારીઓને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ હોટલ પાછળની તરફ સાવ નમી ગઈ છે. બીજી હોટલ માઉન્ટ વ્યૂને પણ ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે.

જોશીમઠને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, આરકે સિંહ, ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્ર સિંહ શેખાવત હાજર રહ્યા હતા. બેઠકમાં જોશીમઠમાં ભૂસ્ખલન બાદ રોડ, વીજ પુરવઠો, પીવાના પાણી અને પર્યાવરણની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં હોમ સેક્રેટરી અજય ભલ્લા પણ હાજર હતા.

આર્મી બેઝની 25-28 ઈમારતોમાં સામાન્ય તિરાડો
જોશીમઠમાં જમીન ધસવાની અસર આર્મીને પણ થઈ છે. ગુરૂવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે આર્મી બેઝની 25-28 ઈમારતોમાં સામાન્ય તિરાડો પડી છે. સૈનિકોને હાલ ઔલી શિફ્ટ કરી દેવાયા છે. જરૂર પડશે તો તેમની પોસ્ટિંગ કાયમી કરી દેવામાં આવશે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રની વૈજ્ઞાનિકોની એક ટીમ પણ જોશીમઠ મોકલવામાં આવી છે.

CM ધામીએ કહ્યું- જોશીમઠ ખતમ થઈ રહ્યું છે તેવો માહોલ ન બનાવો
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ જોશીમઠ પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે અધિકારીઓ અને એક્સપર્ટ્સ સાથે બેઠક યોજી હતી. ધામીએ કહ્યું- જોશીમઠમાં માત્ર 25% ઘરોમાં તિરાડો છે, આવા ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. એવું વાતાવરણ ન બનાવો કે જોશીમઠ ખતમ થઈ રહ્યું છે.

ડરના માહોલથી પ્રવાસીઓ નહીં આવે - CM ધામી
CM ધામીએ કહ્યું કે જોશીમઠની અર્થવ્યવસ્થા પ્રવાસન પર નિર્ભર છે. 4 મહિના પછી ચારધામ યાત્રા પણ છે. ભયનો માહોલ બનાવવાથી પ્રવાસીઓ આવશે નહીં. 1.5 લાખની મદદ સાંજ સુધીમાં અસરગ્રસ્તોના ખાતામાં પહોંચી જશે. બાદમાં અસરગ્રસ્તોને વધુ મદદ આપવામાં આવશે. અમે સરકાર અને જનપ્રતિનિધિઓની એક કમિટી બનાવી છે, જે વળતરની વાત કરી રહી છે.

અત્યાર સુધીમાં 589 લોકોને અન્ય સ્થળે ખસેડાયા
ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી રંજીત કુમાર સિન્હાએ જણાવ્યું કે જોશીમઠમાં આફત રાહત કામગીરી માટે SDRFની 8 ટીમો તહેનાત છે. NDRFની બે ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 3 પરિવારોને 4000 રૂપિયાનું મકાન ભાડું આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 169 પરિવારોના 589 લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. 73 પરિવારોને સામાન્ય ખર્ચ માટે 5-5 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. SDRFની જોગવાઈઓ અનુસાર અત્યાર સુધીમાં 10 પરિવારોને પરિવાર દીઠ 1.30 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

પૂછીએ તો કોઈને કાંઈ ખબર નથી
અહીંયાંના મહિલા SDM કહે છે, 'પ્રોજેક્ટ BRO, એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનનો છે. રસ્તો બની રહ્યો છે. આ દેશ માટે જરૂરી છે.' BROના કર્નલ કહે છે, કોઈ પ્રોજેક્ટ ચાલતો નથી. બધું રોકી દેવામાં આવ્યું છે. અહીંયા કામ કરતી કન્સ્ટ્રક્શન કંપની કહે છે, કામ બંધ કરવાનો કોઈ આદેશ આવ્યો નથી. BROનો પ્રોજેક્ટ છે. 2024 સુધી ચાલશે.

જોશીમઠથી દિલ્હી તરફ જનારા NH-7 પર 8થી 11 જાન્યુઆરી વચ્ચે મને ત્રણ જગ્યાએ રસ્તાનું કામ ચાલતું દેખાયું. ડ્રિલિંગ થઈ રહ્યું હતું. થોડે જ દૂર હિટાચીના બે મોટા એક્સકેવેટર, એટલે કે પથ્થર ક્રશ કરતા મશીનોથી પહાડ કપાઈ રહ્યા હતા. CMનો આદેશ છતાં આ બધું બેરોકટોક ચાલે છે.

રસ્તા પર બેરોકટોક ખોદકામ ચાલી રહ્યું છે
રસ્તા પર બેરોકટોક ખોદકામ ચાલી રહ્યું છે

અમને રોકવા માટે કોઈએ નથી કહ્યું - પ્રોજેક્ટ મેનેજર

9 જાન્યુઆરીના રોજ મેં જોશીમઠથી લગભગ 3 કિમી દૂર રસ્તાને પહોળો કરવા માટે ડ્રિલિંગનું કામ ચાલતું જોયું. અમે કામ કરતા મજૂર સાથે વાત કરી તો તેણે કહ્યું – અમારું કામ રસ્તાની બાજુના પહાડોને કાપવાનું છે, પછી તેમાં કાણાં પાડીને, અમે સળિયા નાખીએ છીએ, જેથી રસ્તા પર પથ્થરો ન પડે. શિવબિલ્ટેક (SS કન્સ્ટ્રક્શન) આ કામ કરે છે.

SS કન્સ્ટ્રક્શનની સાઈટ ઓફિસમાં મારી મુલાકાત સાઈટ એન્જિનિયર આશિષ સાથે થઈ. તેમણે કહ્યું- આ કામ મે-જૂનથી ચાલી રહ્યું છે. રોડની પહોળાઈ 8 મીટર કરવામાં આવી રહી છે. જ્યારે મેં થોડી વધુ પૂછપરછ કરી, ત્યારે મેં આ પ્રોજેક્ટના મેનેજર બીએલ ટમ્ટા સાથે વાત કરી...

સવાલ: મુખ્યમંત્રીએ તો જોશીમઠના તમામ પ્રોજેક્ટ રોકવા કહ્યું હતું, તમને કોઈએ જાણ નથી કરી?
બીએલ ટમ્ટા : NTPCથી મારવાડી જવાના રસ્તાનું કામ રોકવા માટે કહ્યું હતું. આ સિવાય NTPCનો હાઈડ્રો પ્રોજેક્ટ છે, તેનું કામ રોકવાનો આદેશ થયો છે. અમે BROના પ્રોજેકટ પર કામ કરી રહ્યા છીએ. આ રસ્તો મજબૂત કરવાનું કામ થઈ રહ્યું છે. પ્રોજેક્ટ 2024 સુધી ચાલશે.

સવાલ : જોશીમઠમાં સ્થિતિ ખરાબ છે, એવામાં શું આ કામ ના રોકવું જોઈએ?
બીએલ ટમ્ટા : અમે 6 મીટરની આસપાસ ડ્રિલ કરીએ છીએ અને દીવાલ બનાવવા માટે જાળ ગોઠવીને ડ્રિલિંગ બંધ કરીએ છીએ. જોશીમઠના મુખ્ય બજાર વિસ્તારમાં જ કામ બંધ કરવામાં આવ્યું છે, અમને સરકાર તરફથી આવો કોઈ આદેશ મળ્યો નથી.

સવાલ : તમારી સાઈટ પર મોટા મોટા મશીનોથી કામ થઈ રહ્યું છે?
બીએલ ટમ્ટા : હા, તેમને એક્સકેવેટર કહેવામાં આવે છે. અમે રોક બ્રેકરની મદદથી કામ કરી રહ્યા છીએ. અમે જોશીમઠ શહેરી વિસ્તારમાં અમે કોઈ કામ કરી રહ્યા નથી. અમારું કામ માત્ર રોડને મજબૂત અને પહોળો કરવાનું છે.

સેનાના ટ્રક આવે છે, રસ્તાનું કામ ન રોકી શકીએ: SDM
બીએલ ટમ્ટા વાતચીતમાં કન્ફ્યૂઝ લાગતા હતા, જોશીમઠમાં સ્થિતિ ખરાબ હોવા છતાં એમને ડ્રિલ કરવાની મંજૂરી મળી, એ વાત જ ચોંકાવનારી છે. આ સમગ્ર ઘટનાને જાણવા જોશીમઠનાં મહિલા SDM કુમકુમ જોશી સાથે વાત કરી....

સવાલ : જોશીમઠ આસપાસ હજી પણ BROનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ડ્રિલિંગ થાય છે, શું તેના પર પ્રતિબંધ નથી?
કુમકુમ જોશી :
આ BROનો, આર્મીનો પ્રોજેક્ટ છે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. આ તો રોડ મજબૂત અને પહોળો કરવા માટેનું કામ ચાલી રહ્યું છે. આ સૈન્ય વિસ્તાર છે, મોટી મોટી ટ્રકો આવે છે, તેમની અવરજવર માટે આ રસ્તો ખૂબ જ મહત્વનો છે. મારી BROના કર્નલ મનીષ કપિલ સાથે વાત કરી છે, તેમણે કહ્યું છે કે ડ્રિલિંગ થઈ રહ્યું નથી.

તેમની પાસે ડ્રિલિંગ મશીન પણ નથી, કામ બંધ છે: BRO
મારી પાસે જોશીમઠ નજીકના 3 વિસ્તારોમાં ડ્રિલિંગ ચાલી રહી હોવાના ફોટો-વિડિયોઝ હતા, મેં પોતે આ સાઇટ્સ જોઈ હતી, પરંતુ SDMએ BROના કર્નલને ટાંકીને કહ્યું કે આવું થઈ રહ્યું નથી. આ પછી મેં BROના કર્નલ મનીષ કપિલ સાથે આ વિશે વાત કરી.

સવાલ : જોશીમઠ આસપાસ BROના પ્રોજેક્ટ માટે SS કન્સ્ટ્રકશન ડ્રિલિંગ કરે છે, શું તેને હાલમાં બંધ નથી કરવામાં આવ્યું?
કર્નલ મનીષ કપિલ :
એ કામ તો અમે બંધ કરાવી દીધું છે. ત્યાં એવું કોઈ કામ ચાલતું નથી. બધું બંધ છે.

સવાલ : SDMએ કહ્યું કે સેનાની દ્રષ્ટિએ અહમ છે, એટલે કામ રોક્યું નથી. મેં પોતે ત્યાં ડ્રિલિંગ થતું જોયું છે,હજી પણ ચાલુ જ છે. શું આ યોગ્ય છે?
કર્નલ મનીષ કપિલ :
ત્યાં ડ્રિલિંગને બિલકુલ મંજૂરી નથી. તેમની પાસે ડ્રિલર નથી. ત્યાં કોઈ કટિંગ ચાલી રહ્યું નથી. અમે માત્ર દીવાલ બનાવવા અને મેન્યુઅલ વર્ક કરવાનું કહ્યું હતું.

મેં કહ્યું- હું હમણાં જ ત્યાંથી આવ્યો છું, મશીનો પર કામ ચાલી રહ્યું છે, હું તમને વીડિયો મોકલી શકું છું. કર્નલ મનીષ કપિલે જવાબ આપ્યો - અમારી તરફથી ડાયરેક્શન કિલયર છે કે ત્યાં કોઈ કામ કરવામાં આવશે નહીં. કટિંગના કામ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. હું હમણાં ચેક કરાવું છું, આવું કોઈ કામ ચાલતું હશે તો તેને તરત રોકી દેવાશે.

રસ્તાની બાજુમાં કામ ચાલી રહ્યું છે અને પથ્થરોના ઢગલા છે
રસ્તાની બાજુમાં કામ ચાલી રહ્યું છે અને પથ્થરોના ઢગલા છે

જોશીમઠમાં નાનું-નાનું ડ્રિલિંગ પણ જોખમી છે
સરકાર, પ્રશાસન અને BRO વચ્ચેનું કન્ફ્યૂઝન મારી સામે હતું, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પ્રકારની ઉપેક્ષા જોશીમઠ અને આસપાસના વિસ્તાર માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. આ અંગે જાણવા મેં જિયોલોજિસ્ટ એસપી સતી સાથે વાત કરી.

ભૂસ્તરશાસ્ત્રી એસપી સતીએ કહ્યું, “સરકારે આવા કામને રોકવા માટે પહેલેથી જ આદેશ આપી દીધા હતા. મને ખબર નથી કે તમે ક્યાંની વાત કરો છો, પરંતુ જો બાયપાસની વાત હોય તો ત્યાં પણ કામ અટકાવવું જોઈએ. તમે 2-3 કિલોમીટર કહી રહ્યા છો, જ્યારે હું માનું છું કે આ સમગ્ર પ્રદેશમાં બાંધકામ સંબંધિત કામ હાલપૂરતું બંધ કરવું જોઈએ. BROનું કામ કેવી રીતે ચાલી રહ્યું છે તે ખબર નથી, તે ખતરનાક સાબિત થઈ શકે છે. એવું ન થવું જોઈએ.'

એસપી સતીની વાત પરથી એ પણ સ્પષ્ટ થયું કે હાલ સમગ્ર મામલે અસમંજસની સ્થિતિ છે. આ હુકમ શું હતો, કોને લાગુ પડે છે અને શું ન કરવું તે કોઈને બરાબર ખબર નથી.

શું કોઈને ખરેખર ખબર છે કે જોશીમઠમાં શું ચાલી રહ્યું છે
તપાસમાં જાણવા મળ્યું છે કે જોશીમઠની આસપાસ 3 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. NTPCની ટનલ અને KCCના હેલંગ-મારવાડી બાયપાસ (ઓલ વેધર રોડ)નું કામ અટકી ગયું છે. બીઆરઓના પ્રોજેક્ટ પર કામ કરી રહેલા SS કન્સ્ટ્રક્શન વિશે દરેક વ્યક્તિ અલગ-અલગ નિવેદનો આપી રહ્યા છે. દરમિયાન, ખોદકામ અને ડ્રિલિંગ ચાલુ છે.

જે લોકોના ઘરો છીનવાઈ ગયા તેઓ સરકારના આ નાટકનો સીધો શિકાર છે. અત્યાર સુધીમાં 723 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. 86 ઘરોને અસુરક્ષિત ગણાવીને 131થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જોખમી ઈમારતોને તોડી પાડવાની તૈયારી ચાલી રહી છે. લોન અને નિવૃત્તિના પૈસા લઈને બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે, પરંતુ સરકાર ડ્રિલિંગ રોકવામાં અસમર્થ છે.

જોશીમઠના રહેવાસીઓ ડરના કારણે ઘર છોડીને સ્થળાંતર કરી રહ્યા છે, પણ એમને એ ખબર નથી કે ક્યાં જવાનું છે.
જોશીમઠના રહેવાસીઓ ડરના કારણે ઘર છોડીને સ્થળાંતર કરી રહ્યા છે, પણ એમને એ ખબર નથી કે ક્યાં જવાનું છે.

આ મૂંઝવણમાંથી એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જોશીમઠને બચાવવાની મોટાભાગની વાતો અત્યારે માત્ર વાતો છે. જમીન પર, જુદા જુદા વિભાગોને એ પણ ખબર નથી કે સરકારે શું આદેશ આપ્યો છે. SDM, BRO અને કન્સ્ટ્રક્શન કંપનીઓ તેમની મરજીથી કામ કરી રહી છે, અથવા તેઓ જાણતા નથી કે શું કરવું.

બીજી તરફ જોશીમઠમાં 11 જાન્યુઆરીની સવારથી વાદળછાયું વાતાવરણ છે. સામેના ઊંચા શિખરો પર હળવો બરફ પડવા લાગ્યો છે, વિસ્તારમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ઠંડી પણ વધી ગઈ છે. બદલાતા હવામાને જોશીમઠના હોનારત પીડિતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગે ચમોલી અને અન્ય ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ વરસાદ અને હિમવર્ષા વચ્ચે બેઘર લોકોની સંભાળ રાખવાવાળું કોઈ નથી. આ તમામ લોકો પુનર્વસનની માંગ સાથે રસ્તા પર બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...