• Gujarati News
  • Dvb original
  • CM Decides To Waive 100% Penalty For 90 Days In Old Schemes Of Gujarat Housing Board And Slum Clearance Cell

દિવ્યભાસ્કરના અહેવાલ બાદ CMનો નિર્ણય:ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લિયરન્સ સેલની જૂની યોજનાઓમાં 90 દિવસ માટે 100% પેનલ્ટી માફ

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં વસવાટ કરતાં ગરીબ વર્ગના રહીશોને વ્યાજ માફી માટે 2007 મુજબનું પેકેજ જાહેર કરવાની એપાર્ટમેન્ટ એસોસિયેશનના આગેવાનોની રજૂઆતને દિવ્ય ભાસ્કર દ્વારા 23મી જૂન 2022ના રોજ વાચા આપી હતી. જેના પ્રત્યાઘાત સરકારમાં પડ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લિયરન્સ સેલની જૂની યોજનાઓમાં 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફીની જાહેરાત કરી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત સરકાર દ્વારા આ લાભ આપવાની જાહેરાત કરીને સ્થાનિકોની રજૂઆત સ્વીકારી છે. આ જાહેરાતથી હાઉસિંગ તેમ જ સ્લમ ક્લિયરન્સ સેલના રહીશોમાં ખુશાલીનો માહોલ છવાઇ ગયો છે. આમ દિવ્ય ભાસ્કરના અહેવાલની ઇમ્પેક્ટનો સીધો લાભ રહીશોને મળશે. તે બદલ એપાર્ટમેન્ટના આગેવાનોએ દિવ્ય ભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો છે.

દિવ્યભાસ્કરનો 23 જૂનનો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

છ વર્ષમાં હાઉસિંગ બોર્ડનો માત્ર એક જ એપાર્ટમેન્ટ રિડેવલપ થયો
હાઉસિંગ બોર્ડ રિડેવલપમેન્ટ યોજના કેટલાં અંશે સાકાર થઈ તેને લઇને દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરીને 23મી જૂન 2022ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. તેમાં સ્થાનિક એપાર્ટમેન્ટના આગેવાનોની રજૂઆતથી લઇને અમદાવાદ હાઉસીંગના મકાનમાં રહેતાં રહીશોમાંથી કેટલાં દસ્તાવેજો બાકી છે તથા રિડેવલપમેન્ટ યોજનાની સ્થિતિ વગેરે બાબતોને આવરી લીધી હતી. તેમાં ગુજરાતમાં જર્જરિત હાલતમાં મૂકાયેલાં મકાનોના માલિકોને નવા મકાનો મળે તેવા હેતુસર ગુજરાત સરકાર દ્વારા 2016માં રિડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરી હતી. પરંતુ આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે, છ વર્ષ વીતી ગયા પછી પણ અમદાવાદ શહેરમાં હાઉસિંગ બોર્ડના માત્ર એક જ એપાર્ટમેન્ટને રિડેવલપમેન્ટનો લાભ મળ્યો છે. બીજા ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલાં નિર્માણ પામેલા 22 જેટલાં એપાર્ટમેન્ટના રહીશો તૈયાર હોવા છતાં એક યા બીજા કારણોસર મંજુર થતાં નથી. તાજેતરમાં પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ત્રણ એપાર્ટમેન્ટના રહીશો અને ડેવલપર વચ્ચે સમજૂતી સધાઇ છે. પરંતુ બાકીના 19 જેટલાં એપાર્ટમેન્ટની અરજીઓ પાઇપલાઇનમાં છે. અરજી કર્યાને બેથી ત્રણ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી અરજીમાં કોઇ જ કાર્યવાહી થઇ નથી.

ગુજરાત સ્થાપના દિન 1લી મે 1960ના રોજ હાઉસિંગ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ હાઉસિંગ બોર્ડ દ્વારા 2012-13 સુધીમાં ગુજરાતમાં જુદાં જુદાં સ્થળોએ 1,076,830 મકાનો તથા બંગલાઓ બનાવ્યાં હતા. જેમાંથી 90 ટકા મકાનો ત્રણ માળના બનાવવામાં આવ્યા હતા. જયારે 10 ટકા બંગલાઓ બનાવવામાં આવ્યા હતા. 2014 પછી મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 22,429 મકાનો ઊભા કરવામાં આવ્યા હતા અને 15,236 મકાનોનું કામ પ્રગતિ હેઠળ છે. અગાઉ નિર્માણ પામેલાં મકાનો પૈકી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદ શહેર અને ઉત્તર ગુજરાતના પાટણ, ગાંધીનગર, વિસનગર, મહેસાણા, પાલનપુરમાં 77,899 મકાનોનું નિર્માણ કર્યું હતું. આ એપાર્મેન્ટના રહીશોએ હપ્તા તથા વ્યાજની રકમ ભરપાઇ કરી દેતાં તેમને દસ્તાવેજો કરી આપ્યા હતા.

અત્યારસુધીમાં 65,901 દસ્તાવેજો થયા
અત્યારસુધીમાં 65,901 દસ્તાવેજો થઇ ગયા છે. હજુ 11,998 દસ્તાવેજો બાકી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી હોવાનું દર્શાવ્યું હતું. વળી પાછું તેમાં 10 હજારથી વધુ તો માત્ર અમદાવાદમાં રહેતાં રહીશોના જ બાકી હોવાનું જણાવ્યું હતું. રિડેવલપમેન્ટ યોજના સફળ નહીં થવા પાછળ કેટલાંક કારણો રજૂ કર્યા હતા. તો બીજી તરફ આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહત મંડળના સંયોજક અને શ્રીનગર એપાર્ટમેન્ટના પ્રમુખ બિપીનભાઇ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રિડેવલપમેન્ટ માટે સરકાર કોઇ નક્કર પગલાં લેતી નથી. આ રિડેવલપમેન્ટમાં જવા માટે 100 ટકા રહીશોના દસ્તાવેજો જરૂરી છે. જેથી સરકારે 2006-07ની માફક પેકેજ જાહેર કરવું જોઇએ. તો રિડેવલપમેન્ટ યોજનાને વેગ મળશે. સરકારનું લ્હેણું પણ નીકળી જશે. 20થી 25 ટકા દસ્તાવેજ બાકી છે. રિડેવલપમેન્ટ યોજનાને સફળ બનાવવા માંગતી હોય તો સરકારે રસ લેવો જોઇએ. જેથી વહેલી તકે પેકેજ જાહેર કરવું જોઇએ.

સરકારે કયું પેકેજ જાહેર કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લિયરન્સ સેલની જૂની યોજનાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે 13 જુલાઇ 2022 થી 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લિયરન્સ સેલની જૂની યોજનાઓમાં તા 1-7-2022ની સ્થિતિએ બાકી હપ્તા પર 90 દિવસ સુધી 100 ટકા પેનલ્ટી પેટે અંદાજે રૂ. 768.92 કરોડની માફી આપવામાં આવશે. જે લાભાર્થી દ્વારા યોજના અમલમાં આવ્યાથી 90 દિવસમાં બોર્ડની બાકી રહેતી હપ્તાની રકમ ભરપાઇ કરવામાં આવે તો બાકી રહેતી હપ્તાની રકમ ઉપર 100 ટકા પેનલ્ટી માફી આપવામાં આવશે. આ રાહત પેકેજ યોજનામાં જોડાવાથી 64,992 જેટલા બાકી લાભાર્થીઓને મકાન માલિકીના હક્ક પ્રાપ્ત થઇ શકશે. એટલું જ નહિ, 90 દિવસની સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનાર લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

દસ્તાવેજ કરાવવા આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે ફોર્મ
લાભાર્થીઓને દસ્તાવેજ કરાવવા અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટ http://www.gujarathousingboard.gujarat.gov.in પર ફોર્મ ઉપલબ્ધ છે, તેમજ વેબસાઇટ પર આપેલ મોબાઇલ નંબરથી પણ પ્રજાજનોને માહિતી ઉપલબ્ધ થઇ શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે તેમજ આ પેકેજ યોજનામાં જોડાયેથી મકાન ધારકને માલિકી હક્ક પ્રાપ્ત થશે. પરિણામે દસ્તાવેજ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં રી-ડેવલપમેન્ટ યોજનાઓ વધુ વેગપૂર્વક કાર્યાન્વિત થઇ શકશે.

દિવ્ય ભાસ્કરનો પડઘો સરકારમાં પડ્યો છે: દિનેશ બારડ
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ તથા સૂર્યા એપાર્ટમેન્ટ- વિભાગ-1ના પ્રમુખ દિનેશભાઈ બારડે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજે હાઉસિંગ બોર્ડના દસ્તાવેજો માટે પેકેજ જાહેર કર્યું છે. તેને આવકારતાં જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કરે અમારા પ્રશ્નને અવારનવાર વાચા આપી છે તેનો પડઘો સરકારમાં પડયો છે. આ પ્રશ્ન સરકારે ધ્યાનમાં લીધો છે. આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં સક્રિય ભૂમિકા ભજવનારા સાંસદ અમીતભાઇ શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તેમણે દસ્તાવેજો કરનારા વિભાગમાં સ્ટાફનો અભાવ છે. તો ત્યાં યોગ્ય વ્યવસ્થા વહેલી તકે ઊભી કરવા માટે સરકારને અપીલ કરી છે.

માંગ સ્વીકારવા બદલ સરકારનો આભાર: બિપીન પટેલ
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના સંયોજક તથા શ્રીનગર એપાર્ટમેન્ટના પ્રમુખ બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમયથી દસ્તાવેજમાં પેકેજ જાહેર કરવા માટે અમારી માંગ હતી. તે અંગે અમો લડત ચલાવતા હતા. અમારા આ પ્રશ્નને દિવ્ય ભાસ્કરે સારો સહકાર આપ્યો હતો. અને દિવ્ય ભાસ્કરનો સરકારમાં પડઘો પડયો છે. સરકારે અમારી માંગ સ્વીકારી છે જેના હપ્તા બાકી છે તેમાં પેનલ્ટીમાં 100 ટકા રાહત આપી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આ માટે સરકારનો આભાર માનું છું.

રહીશોને હપ્તાની રકમ ભરી દસ્તાવેજ કરાવી લેવા અપીલ: એન્થોની ગોમ્સ યોગેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ એન્થોની ગોમ્સે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું છેલ્લાં 35 વર્ષથી હાઉસિંગ વસાહતમાં રહું છું. અમારા વિવિધ પ્રશ્નો પૈકી દસ્તાવેજોના હપ્તામાં 100 ટકા પેનલ્ટી માફ કરવાની સરકારે જાહેરાત કરી છે. તે અંગે વસાહત મંડળે સારી મહેનત કરી હતી. ખાસ તો દિવ્ય ભાસ્કર તરફથી સાથ- સહકાર મળ્યો હતો. તેનો પડઘો સરકારમાં પડયો છે. તેમણે રહીશોને અપીલ કરી હતી કે હપ્તાની રકમ ભરીને વહેલી તકે દસ્તાવેજ કરાવી લેશો. તેમણે વધુમાં સરકારને વધારે બાંધકામ કરનારા રહીશો પાસેથી વસૂલાતી રકમમાં પણ ઘટાડો કરીને આ પ્રશ્નનો પણ વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી કરી હતી.

દસ્તાવેજની પ્રક્રિયામાં આપેલી રાહત બદલ સરકારનો આભાર: મહેન્દ્ર શાહ
ગીતાંજલિ એપાર્ટમેન્ટના પ્રમુખ મહેન્દ્રભાઇ શાહે દસ્તાવેજની પ્રક્રિયા અંગે અમે લડત ચલાવતાં હતા. અમારી વાત સરકારે સાંભળી તે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બાકીના પ્રશ્નોમાં પણ સરકાર હકારાત્મક વલણ દાખવીને ઉકેલ લાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેની સાથે આ જ પ્રશ્નની માફક રિડેવલપમેન્ટ યોજનાનો પણ ઝડપથી ઉકેલ લાવવા વિનંતી કરી હતી. આ સમગ્ર ઇસ્યુમાં દિવ્ય ભાસ્કરે સક્રિય રસ લઇને મદદ કરી છે તે બદલ તેમણે દિવ્ય ભાસ્કરનો પણ આભાર માન્યો હતો.

અમે દસ્તાવેજો નહીં કરાવવાનો વિરોધ કર્યો હતો: સંજય સોંલકી
આસોપાલવ એપાર્ટમેન્ટના જનરલ સેક્રેટરી સંજયભાઇ કાળીદાસ સોંલકીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમારા આસોપાલવ એપાર્ટમેન્ટની એમ.આઇ.જી. સ્ક્રીમ છે. તેમાં 252 ફ્લેટ આવેલા છે. અમે ફોર્મ ભર્યા ત્યારે અમારા ફલેટ માટે ફોર્મ ભર્યા ત્યારે તેની કિંમત 1.20 લાખ હતી. અમને 1994માં પઝેશન આપ્યા હતા. ત્યારે 1.70 લાખ કરવામાં આવી હતી. જેથી વધારાના 50 હજાર સામે અમારી લડત હતી.

આ અંગે વખતોવખત રજૂઆત કરી હતી. 2007માં પેકેજ જાહેર કર્યું હતું. પણ તેમાં પણ લાભ મળ્યો ન હતો. દરમિયાનમાં માજી મેયર ગૌતમ શાહ, તત્કાલિન ગુજરાતના ગુહમંત્રી અમિત શાહની દરમિયાનગીરીથી અમારી મીટીંગ તત્કાલિન શહેરી વિકાસ મંત્રી આઇ.કે.જાડેજા સાથે મિટિંગ થઇ હતી. તેમાં તેમણે કટ ઓફ ડેટમાં લઇ જતાં મકાનની મૂળ કિંમતમાં ઘટાડો થઈ ગયો હતો. પરંતુ હાઉસિંગના અધિકારીઓએ ત્રણ વર્ષનું વ્યાજ માંગ્યું હતું. જેના કારણે ચુકવવાની થતી રકમ કરતાં વ્યાજની રકમ વધી જતી હતી. ત્યારે અમે મહેતલ માંગી હતી કે, આજથી અમને અમૂક સમય આપો, ત્યારબાદ રકમ ના ભરીએ તો વ્યાજની ગણતરી કરવાનું અમે જણાવ્યું હતું. પરંતુ તે માંગ સ્વીકારી ન હતી. પરિણામે દરેક સભ્યને 1થી 1.50 લાખની રકમ વ્યાજ પેટે ચૂકવવાની આવતી હતી. જેથી અમે જયાં સુધી આ પ્રશ્નનો નીવેડો ન આવે ત્યાં સુધી હપ્તા નહીં ભરવાનું નક્કી કર્યું હતું. જેથી આજે અમારા એપાર્ટમેન્ટના 80 મકાનોના દસ્તાવેજો બાકી છે. પરંતુ સરકારની આ જાહેરાતથી હવે અમારા પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. તે બદલ ભૂપેન્દ્ર પટેલ સરકાર તથા દિવ્ય ભાસ્કર સહિત સાંસદ અમિત શાહ તથા અન્ય લોકોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...