• Home
  • Dvb Original
  • chin India Nepal LoC Issue PM oli Narendra Modi Political point Exclusive story

નેપાળ / ચીનનો હાથો બનેલા વડાપ્રધાન ઓલીએ હાથે કરીને ઉપાધી નોંતરી, હવે તેમની સત્તા માટે આગે કૂવા, પીછે ખાઈ જેવી સ્થિતિ

chin-India-Nepal LoC Issue PM oli Narendra Modi Political point Exclusive story
X
chin-India-Nepal LoC Issue PM oli Narendra Modi Political point Exclusive story

  • નેપાળમાં સત્તા ધરાવતો પક્ષ માઓવાદી, લેનિનવાદી અને સમાજવાદી પક્ષોનું ગઠબંધન છે, જે પૈકી માઓવાદી ચીનતરફી અને સમાજવાદી ભારતતરફી છે
  • ભારત અને ચીન વચ્ચે સંતુલિત રહેવાની નીતિ ધરાવતા વડાપ્રધાન ઓલીએ માઓવાદીના દબાણથી ભારત સાથે સરહદી વિવાદ ઊભો કર્યો, હવે તેમને બંને પક્ષેથી દગો થવાનો ભય

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 02:04 PM IST

નેશનલ ડેસ્ક. નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ સોમવારે કાઠમંડુ ખાતે એક કાર્યક્રમમાં પોતાની સરકાર ઉથલાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા હોવાનો સંકેત આપ્યો હતો. બે દિવસ પહેલાં પણ તેમણે આવો જ ભય દર્શાવ્યો હતો. પક્ષના આંતરિક વિરોધી અને ભારત સરકાર પોતાને પદચ્યૂત કરવા પ્રયત્નશીલ છે એવો ઓલીનો ભય સાવ અકારણ પણ નથી. ચીનના ઈશારે પહેલાં ભારત સાથે સરહદી વિવાદ સર્જીને ભારતની ખફગી વ્હોરી લેનાર કે.પી.શર્મા ઓલી પાછી પાની કરવાનો પ્રયત્ન કરે તો તેમનાં જ પક્ષના ચીનતરફી સ્પર્ધકો ઓલી માટે મુસીબતો ઊભી કરી રહ્યા છે.

એક સમયનું હિન્દુ રાષ્ટ્ર હવે ચીનની કઠપુતળી
પરંપરાગત રીતે નેપાળ ભારતનો વણલખ્યો હિસ્સો હોય એટલી ઘનિષ્ઠતા બંને દેશો વચ્ચે પ્રવર્તતી હતી. જગતના એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર તરીકેની બંધારણિય માન્યતા ધરાવતું નેપાળ વર્ષ 2001માં રાજવી પરિવારના સામુહિક હત્યાકાંડ પછી સતત બદલાતું જઈને આજે ધૂર ભારતવિરોધી બની ચૂક્યું છે. રાજા બિરન્દ્ર પછી સત્તા પર આવેલ તેમના ભાઈ જ્ઞાનેન્દ્રએ ચીનની તરફદારી શરૂ કરી અને માઓવાદી છાવણીને શક્તિશાળી બનવા દીધી. છેવટે સત્તા પર આવેલા માઓવાદીઓએ નેપાળની પરંપરાગત રાજાશાહીનો અને સમાંતરે હિન્દુ રાષ્ટ્ર તરીકેના દરજ્જાનો ય મૃત્યુઘંટ વગાડી દીધો. હવે નેપાળમાં માઓવાદી પાર્ટી અને તેના સમર્થકો ખાળી ન શકાય એવું પરિબળ બની ચૂક્યા છે.

ભારત શું કરી રહ્યું છે? 
નેપાળમાં ચીનનો પ્રભાવ રોકવા ભારતે કૂટનીતિ, આર્થિક મદદ સહિતના તમામ પ્રયાસો કર્યા છે પરંતુ એ દરેક પ્રયાસો યા તો કવેળાના અથવા તો અપૂરતા સાબિત થયા છે. દરમિયાન, મધેશીઓના મુદ્દે વર્ષ 2015માં ભારતે સરહદો સીલ કરીને માલસામાનની આવ-જા રોકી એ પછી બંને દેશો વચ્ચે ફેલાયેલી કડવાશ વધુ તીવ્ર બની ચૂકી છે. આમ છતાં અહીં ભારતીય હિતોની જાળવણી થાય એ પ્રકારના પરિબળોની હાજરી વખતોવખત વર્તાતી રહી છે. હાલમાં વડાપ્રધાન ઓલીએ પણ નામ પાડ્યા વગર એ પરિબળોથી પોતાની સત્તાને ભય હોવાનો સંકેત આપ્યો છે.

મધેશીઃ નેપાળમાં ભારતીય હિતોના રખેવાળ
નેપાળ અને ભારતની સરહદ વચ્ચે તરાઈનું જંગલ આવેલું છે. 12મી સદી આસપાસ આ વિસ્તાર ભારત અને નેપાળની વચ્ચેનો એટલે કે મધ્યસ્થ કહેવાતો હતો. એ મધ્યસ્થ વિસ્તારમાં રહેનારા મધ્યસ્થી, જે સમયાંતરે અપભ્રંશ થઈને મધેશી થયું. મધેશીઓ ઉપરાંત સિક્કિમ અને ઉત્તરાખંડમાં મૂળિયા ધરાવનારા લોકો પણ બહુ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં વસે છે. આ સમુદાયની લાગણી હરહંમેશ ભારતતરફી રહી છે. નેપાળની સંસદમાં મધેશીઓ, ભારતતરફી પહાડીઓ 34 બેઠક ધરાવે છે અને કાઠમંડુની રાજનીતિમાં ભારતવિરોધી તજવીજ ખારિજ કરવામાં તેમની ભૂમિકા નિર્ણાયક બનતી હોય છે. લિપુલેખ અને લિમ્પિયધૂરા કાલાપાનીને નેપાળમાં સમાવતો નકશો સંસદમાં બે વર્ષ સુધી અટકાવવામાં પણ મધેશીઓની ભૂમિકા હતી.

સાંધામેળ વગરનું ડાબેરી ગઠબંધન
ભારતમાં જે પ્રકારે ભાજપપ્રેરિત NDA કે કોંગ્રેસપ્રેરિત UPA ગઠબંધન છે એથી અલગ, નેપાળમાં ગઠબંધન ધરાવનારા પક્ષો એક અલગ પક્ષની રચના કરીને એક જ પ્રતીક પર ચૂંટણી લડે છે. નેપાળમાં હાલ સત્તા પર છે એ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (NCP) પોતે ત્રણ અલગ અલગ પક્ષોનું ગઠબંધન છે. એ ત્રણ પક્ષો એટલે માર્ક્સ-લેનિનવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, માઓવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને નયા શક્તિ પાર્ટી. માર્ક્સ-લેનિનવાદી ડાબેરી પક્ષના વડા કે.પી.શર્મા ઓલી અને માઓવાદી પક્ષના વડા પુષ્પકમલ દહાલ પ્રચંડના પ્રયાસોથી ત્રણે ય ડાબેરી પક્ષો એકજૂટ થઈને સત્તા પર આવ્યા છે. હાલ ઓલી વડાપ્રધાન હોવા ઉપરાંત પ્રચંડની સાથે પક્ષના અધ્યક્ષ તરીકે બેવડા હોદ્દા પર છે. નયા શક્તિ પાર્ટીના બાબુરામ ભટ્ટરાય ભારતતરફી મનાય છે. પુષ્પકમલ દહાલ ઉર્ફે પ્રચંડ હળાહળ ભારતવિરોધી છે, જ્યારે કે.પી.શર્મા ઓલી ચીન અને ભારત વચ્ચે સંતુલન જાળવવાના હિમાયતી તરીકેની છાપ ધરાવે છે.

ઓલી હવે ન ઘરના, ન ઘાટના
માઓવાદી પ્રચંડના દબાણથી ઓલીએ લિપુલેખ અને લિમ્પિધુરા કાલાપાનીનો વિવાદ નવેસરથી સળગાવ્યો અને નવો નકશો સંસદમાં મૂકવાની હિંમત પણ દાખવી દીધી. ભારત સામે નેપાળની આ સીધી અને સ્પષ્ટ બગાવત જ કહેવાય છે. અગાઉ 2008, 2012 અને 2015 એમ ત્રણ-ત્રણ વખત ચીનતરફી માઓવાદીઓના દબાણ છતાં ઓલી ભારત સાથેની મંત્રણામાં ઉગ્રતા ટાળતા હતા. પરંતુ 2015માં ભારત સરકારે નેપાળ સરહદ સીલ કરવાનું પગલું ભર્યું ત્યારથી ઓલી ભારત પ્રત્યે કડવાશ વ્યક્ત કરતા રહ્યા છે. માઓવાદી પરિબળો છેહ આપશે એ ડરથી તેમણે ભારતવિરોધી વલણ અપનાવ્યું, તો હવે તેમને સમાજવાદી બાબુરામ મધેશીઓની મદદથી ઉથલાવી દે એવો ભય સતાવે છે.

નેપાળ સંસદમાં સંખ્યાબળ
નેપાળની સંસદમાં કુલ સભ્યસંખ્યા 275 છે, જેમાં સત્તારૂઢ દળ NCPના 174, નેપાળ કોંગ્રેસ (NC)ના 63, જનતા સમાજવાદી પાર્ટી નેપાળ (મધેશી) 34ની સંખ્યા ધરાવે છે. સ્પષ્ટ બહુમતી માટે 138 સભ્યો જોઈએ. સત્તાધારી NCPના ત્રણેય ઘટકો પૈકી માઓવાદી પક્ષના 60, ઓલીના માર્ક્સવાદી પક્ષના 62 અને બાબુરામના સમાજવાદી પક્ષના 52 સભ્યો છે. હવે જો બાબુરામ વિપક્ષ સાથે મળી જાય તો ઓલીની સરકાર વિશ્વાસનો મત ગુમાવી શકે. પ્રચંડ અને બાબુરામ જો હાથ મિલાવી દે તો પણ ઓલીની સરકાર ઉથલી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી