ભાસ્કર એક્સક્લૂસિવઆર્યન મોદીની હત્યામાં બહાર આવ્યું અર્બુદા સેનાનું કનેક્શન:‘કોઈએ દગો કરી ઢોરમાર માર્યો ને મારો નગ્ન વીડિયો ઉતાર્યો’, એક શંકાને કારણે પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો

પાલનપુર17 દિવસ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

‘મારા ભાઈને ન્યાય આપો, અમે કોઈ દિવસ કોઈને નડ્યા નથી. મારા ભાઈને મારી નાખ્યો આ લોકોએ, મને તો પાછો નહીં મળે ને. આર્યનના અપરાધીને પકડ જો સાહેબ. આર્યનનું શરીર જોઈ આવો સાહેબ... આદર્શ કોલેજમાંથી છૂટ્યો અને મારતાં મારતાં કિડનેપ કરી અજાણ્યા સ્થળે માર માર્યા પછી પોઇઝન પીવડાવ્યું. ઘરે ઊલટીઓ કરતાં તાત્કાલિક દવાખાને લઈ ગયા અને રાત્રે 2 વાગ્યે તેનું મૃત્યુ થઈ ગયું,’ આ શબ્દો છે પાલનપુરમાં જેની 16 ફેબ્રુઆરીના રોજ હત્યા કરવામાં આવી તે આર્યન મોદીની બહેનના.

આજે પણ એક છોકરો અને છોકરી વાતચીત કરે તો શંકાની નજરે જોવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, તેમના વચ્ચે પ્રેમસંબંધો હોવાની શંકા પણ રાખવામાં આવે છે. જોકે આ સ્થિતિ તો બે દાયકા કરતાં પણ વધુ સમયથી બદલાઈ રહી હોવાનું લાગી રહ્યું હતું, પરંતુ હજુ પણ આ પ્રકારના માનસિક બીમાર લોકો સમાજમાં જીવે છે અને તેઓ આ શંકાના આધારે જ કેટલાંય યુવક અને યુવતીઓનાં જીવન બરબાદ કરી રહ્યા છે. તાજેતરમાં પાલનપુરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. પોતાના સમાજની છોકરી સાથે પ્રેમસંબંધો હોવાની શંકા રાખી 16 ફેબ્રુઆરીના રોજ આર્યન મોદીની હત્યા કરી દેવામાં આવી હતી. આર્યન મોદી કેસ મીડિયામાં ભલે જોઈએ એટલો ગાજ્યો નથી, પણ આ કેસ આપણા સમાજમાં ચાલતી જ્ઞાતિવાદી માનસિકતાને ઉઘાડી પાડે છે. માત્ર એટલું જ નહીં, પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઇ જેપી ગોસાઈને આરોપીઓનાં નામ ન જાહેર કરવા બદલ સસ્પેન્ડ કરવા પડ્યા હતા. પોલીસ જ જો ગુનેગારોનો સાથ આપે તો પછી સામાન્ય માણસને ન્યાય કોની પાસે માગવો?

સાયન્સમાં ગ્રેજ્યુએશન કરતો આર્યન ભણવામાં અવ્વલ હતો
આર્યન મોદી પાલનપુરની આદર્શ સંકુલમાં B.SC.કરતો હતો. આ યુવાન ભણવામાં ખૂબ હોશિયાર હતો અને તેના ક્લાસમેટ પણ અભ્યાસ બાબતે તેની મદદ લેતા હતા. આદર્શ સંકુલમાં કુલ 13 છોકરા અને 70 છોકરી મળી 83 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. આ 70 છોકરીઓમાંની એક છોકરી એસાઇનમેન્ટને લઈ આર્યનના સંપર્કમાં હતી. બન્ને વચ્ચે બસ આટલા જ સંબંધો હતા, પરંતુ અર્બુદા સેનાના હોદ્દેદારો સહિત કુલ 13 શખસે પોતાના સમાજની છોકરી સાથે પ્રેમસંબંધો હોવાની શંકા રાખી તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ત્યાર બાદ આર્યન મોદીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

હૈયાફાટ રુદન કરી રહેલી આર્યન મોદીની બહેન, મૃતક આર્યન.
હૈયાફાટ રુદન કરી રહેલી આર્યન મોદીની બહેન, મૃતક આર્યન.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા આર્યન મોદી કેસમાં ખરેખરે શું બન્યું? આર્યનની હત્યા પાછળ શું ખરેખર પ્રેમપ્રકરણ જવાબદાર હતું? તેની હત્યાનો પ્લાન કેવી રીતે ઘડ્યો? હત્યાનો પ્લાન ઘડ્યા બાદ તેને કેવી રીતે અંજામ આપ્યો? આ તમામ બાબતો અંગે જાણવા દિવ્ય ભાસ્કરે પાલનપુર તાલુકા PI દેસાઈ અને આર્યન મોદીના મોટા પપ્પા રોહિત મોદી સાથે વાતચીત કરી હતી.

‘સહેજ પણ દયા ન કરી, ગુપ્તાંગ સહિતના ભાગે નિર્દયતાથી માર્યો’
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આર્યન મોદીના મોટા પપ્પા રોહિત મોદીએ પરિવાર અને આર્યન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે મારા ભાઈ ભરતભાઈ મોદીની પાલનપુરમાં ફરસાણની દુકાન છે. તેમનો મોટો દીકરો આર્યન, નાના દીકરા તેમજ પત્ની સાથે પાલનપુરમાં આવેલી રાજકમલ સોસાયટીમાં રહે છે. આર્યન ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. આ ઉપરાંત અન્ય એક્ટિવિટીમાં પણ તે આગળ રહેતો હતો. તે નિઃસ્વાર્થ ભાવે બધી એક્ટિવિટીમાં ભાગ લેતો, એના મનમાં એવા કોઈ ખરાબ વિચારો નહોતા, બધાં છોકરા-છોકરીઓ તેના ચોપડા લઈ જાય અને આપી જાય. આ જ બાબતે તે વાતચીત કરતો, ભણવા સિવાય બીજી કોઈ તેની વાતચીત જ ના હોય, અમને આઘાત એટલા માટે લાગ્યો, કારણ કે તેનો કોઈ વાંક અને યોગ્ય કારણ વગર આ છોકરાને નિર્દયતાથી માર મારવામાં આવ્યો, તેના પર સહેજ પણ દયા ન કરી, એક મિનિટનો વિચાર નથી કર્યો. એના ગુપ્તાંગથી લઈને તમામ ભાગે નિર્દયતાથી માર મારવામાં આવ્યો. વાલી તરીકે અમને જાણ પણ કરી શક્યા હોત કે આવું છે, પરંતુ અમને કોઈપણ જાણ કર્યા વગર અમારા છોકરાને પતાવી દીધો. હું ઘરમાં મોટો છું. હૃદય પર પથ્થર રાખીને વાત કરું છું. હકીકતમાં મારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે.

આર્યન મોદી અને તેના મોટા પપ્પા રોહિત મોદી.
આર્યન મોદી અને તેના મોટા પપ્પા રોહિત મોદી.

‘લોખંડની ખીલાસરીથી માર માર્યો, ઘરના આંગણે પહોંચતાં જ ઢળી પડ્યો’
જે દિવસે ઘટના બની એ દિવસની ઘટના વર્ણવતાં રોહિત મોદીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે આર્યન આદર્શ વિદ્યા સંકુલ જે તેના ઘરથી અડધો કિલોમીટર જેટલી દૂર આવેલી છે, તે કોલેજમાં BSCના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. એ દિવસે પણ તે તેના કોલેજના સમય પ્રમાણે 11:00 વાગ્યે કોલેજ જવા ઘરેથી નીકળ્યો હતો અને કોલેજ પહોંચ્યો હતો. 12 વાગ્યાના સમયની આસપાસ તેના પર એક ફોન આવ્યો અને પૂછ્યું કે ‘તારું નામ આર્યન છે? તારા પપ્પા ભરતભાઈ બોલાવે છે’ એમ કહીને એક અજાણી વ્યક્તિએ ફોન કર્યો હતો, જેથી આર્યન અને તેના મિત્ર બંને સાથે કોલેજના ગેટ આગળ ગયા હતા. આર્યન અને તેના મિત્રોને આ અજાણી વ્યક્તિએ કારમાં બેસાડીને અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેને પંચ અને ખીલાસરીથી માર માર્યો હતો અને તેને કંઈક પીવડાવી દીધું હતું. ત્યાર બાદ આરોપીએ તેને ગાડીમાં પાછો તેની કોલેજ આગળ ઉતારી દીધો હતો. માર મારનારા લોકોને એવું હતું કે આર્યન ઘરે નહીં પહોંચે, પરંતુ આર્યન તેના કોલેજના ગેટથી એક્ટિવા લઈને ઘરે પહોંચ્યો હતો અને ઘરના આંગણામાં પહોંચતાં જ તે ઢળી પડ્યો. તેણે કહ્યું કે ‘કોઈ અજાણી વ્યક્તિએ મને દગો કરી, ઢોરમાર માર્યો છે. મારો નગ્ન વીડિયો ઉતાર્યો છે,’ જોકે આ વાતચીત સાંભળતાંની સાથે જ અમે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈને પહોંચ્યા. હોસ્પિટલમાં જતાં જતાં રસ્તામાં જ તેને ઊલટીઓ શરૂ થઈ ગઈ. ત્યાર બાદ અમે તેને પાલનપુર હોસ્પિટલમાં ICUમાં એડમિટ કર્યો.

દિવ્ય ભાસ્કરે સમગ્ર કેસની તપાસ કરી રહેલા પાલનપુર તાલુકા PI એ.વી. દેસાઈ સાથે વાતચીત કરી હતી, જેમાં આર્યનને કોણ અને ક્યાંથી લઈ ગયું હતું, આર્યનની હત્યા માટે ક્યાં પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને ઉત્તર ગુજરાતના કયા સંગઠનના કેટલા હોદ્દેદારનો હાથ હતો એ બાબતે વાત કરી હતી.

પીયૂષ નામનો શખસ આર્યન પર વોચ રાખતો
પાલનપુર તાલુકા PI એ.વી. દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા પાસેના પાલનપુરમાં આવેલા જગાણા ગામના જયેશ નામની વ્યક્તિને તેના જ ગામમાં રહેતી એક ચૌધરી સમાજની યુવતીને તેની પાલનપુર કોલેજમાં ભણતા એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી. પોતે અર્બુદા સેનાનો પાલનપુરનો પ્રમુખ હોવાથી આ મામલે રસ દાખવ્યો અને તેણે તેના જ ગામમાં રહેતા મિત્ર પીયૂષને આ બાબતે તપાસ કરવા કહ્યું હતું. જોકે ત્યાર બાદ આ પીયૂષ નામનો શખસ આર્યન પર વોચ રાખતો હતો અને તેણે જયેશને એવી માહિતી આપી કે આર્યન મોદી નામના છોકરો, જે તેની સાથે અભ્યાસ કરે છે, તેની સાથે વાત કરે છે, જેથી તેમણે આ વાત અર્બુદા સેનાના વિપુલ ચૌધરીને કરી હતી. ત્યાર બાદ વિપુલ ચૌધરી અને આશિષ બન્ને ભેગા મળીને આર્યન પાલનપુરની જે કોલેજમાં ભણતો હતો ત્યાં તપાસ કરી હતી કે તે આ કોલેજમાં ભણે છે કે કેમ. કારમાં બેસાડીને આર્યનનું અપહરણ કરવામાં આવ્યું.

આર્યન ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી અન્ય વિદ્યાર્થીઓ તેની પાસેથી એસાઇનમેન્ટ લેતા હતા.
આર્યન ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી અન્ય વિદ્યાર્થીઓ તેની પાસેથી એસાઇનમેન્ટ લેતા હતા.

‘બોલ તારે જગાણાની આ છોકરી સાથે શું છે? ’
પાલનપુર તાલુકા PIએ વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર તપાસ કર્યા બાદ અને આર્યનનો મોબાઈલ નંબર મેળવીને વિપુલ તેની કાર લઈને બીજા દિવસે કોલેજ પહોંચ્યો હતો. જ્યાં તે કોલેજ બહાર કાર પાર્ક કરીને ડમી કાર્ડમાંથી આર્યનને ફોન કરી કહે છે કે ‘ભરત કાકા મોદી બોલું છું, તું ગેટ આગળ આવ, તારું કામ છે’ એટલે આર્યન ગેટ આગળ જાય છે અને ત્યાર બાદ આ વિપુલ આર્યન મોદીને કારમાં બેસાડીને ચર્ચા કરે છે અને પૂછે છે કે બોલ તારે જગાણાની આ છોકરી સાથે શું છે? પ્રેમસબંધ છે કે કેમ, સાચું બોલ એમ કરીને તેને ખખડાવે છે અને ચર્ચા વધુ ઉગ્ર બનતાં તેની જ કોલેજમાં ભણતા તેના એક મિત્રને ફોન કરીને બોલાવે છે, જેથી તેનો મિત્ર આ કાર આગળ પહોંચતાં વિપુલ અને આર્યન કારમાંથી નીચે ઊતરે છે અને ઉગ્ર ચર્ચા બનતાં કારમાં બેસીને ચર્ચા કરીએ એમ કહે છે.

‘એક બાદ એક શખસને ફોન કરી બોલાવ્યા, આર્યનનો ફોન ચેક કર્યો ’
તાલુકા PI આગળ કહે છે કે ત્યાર બાદ આર્યન અને તેના એક મિત્રને ગાડીમાં બેસાડી દે છે અને કાર ત્યાંથી ડ્રાઇવ કરીને આગળ લઈ જાય છે. આ દરિમયાન ગાડી ચલાવતાં ચલાવતાં બધાને ફોન કરવાનું ચાલુ કરે છે. સૌથી પહેલા વિપુલ જગાણાના રહેવાસી એવા ભાવેશ ચૌધરીને ફોન કરે છે. તેની સાથે વડગામ પાસેના એદ્રના ગામનો સરદાર ચૌધરી પણ તેની જોડે હતો, સાથે જ પાલનપુરના પુષ્પલ ગામના રહેવાસી એવા કલ્પેશને પણ ફોન કરે છે અને બન્નેને તેમની કાર લઈને જગાણા પાટિયાએ આવવા માટે કહે છે. તમામ આરોપી જગાણા પાટિયાએ ભેગા થાય છે અને આ તમામ લોકો ભેગા મળી આર્યન મોદીનો ફોન ચેક કરે છે. આયર્નના મિત્ર વિરલે તેને બચાવવાની કોશિશ કરતાં તેને ધમકી આપે છે કે તારા પણ આવા હાલ થશે, તું સાઈડમાં જતો રહે એમ કરીને સાઈડમાં ઊભો રાખે છે.

આ કેસની તપાસ કરી રહેલા PI એ.વી. દેસાઈ.
આ કેસની તપાસ કરી રહેલા PI એ.વી. દેસાઈ.

‘ભાસ્કર ભેમજીભાઈના ફાર્મહાઉસમાં લઈ ગયા’
PI એ.વી. દેસાઈએ વધુમાં જણાવ્યું, જોકે રોડ પર જગ્યા સેફ ન હોવાથી, તેમને આ જગ્યા સેફના લાગતાં આ તમામ આરોપી જગાણા પાટિયાથી આર્યનને બાજુમાં આવેલા ગામના જ ભાસ્કર ભેમજી ભાઈના ફાર્મહાઉસમાં લઈ જાય છે અને આ દરમિયાન જગાણાથી છોકરીના ભાઈ જગદીશ ચૌધરીને ફોન કરીને બોલાવે છે. ત્યાર બાદ સરદાર ચૌધરી, કલ્પેશ, જગદીશ, વિપુલ, સુરેશ, સરદાર મીર આ તમામ આરોપીઓ ભેગા થઈને આર્યનને મારવાનું શરૂ કરે છે અને ખીલાસળી તેમજ દૂધ સાફ કરવાના સળિયાથી બરહેમીપૂર્વક માર મારે છે.

‘નાકમાંથી લોહી નીકળતું હતું, નગ્ન વીડિયો ઉતારી ધમકી આપી’
આરોપીઓએ કેવી રીતે ન્યૂડ કરી વીડિયો ઉતાર્યો એ અંગે PI એ.વી. દેસાઈએ કહ્યું કે 6થી 7 લોકોએ ઢોરમાર માર્યા બાદ આરોપીઓ આર્યનને નજીકમાં આવેલી ઓરડીમાં લઈ જઈ તેને નગ્ન કરી તેનો વીડિયો ઉતારે છે અને તેને કહે છે કે બોલ ભૂલ થઈ ગઈ, હવે વાત નહીં કરું અને તેને ધમકી આપે છે કે જો આ વાત કોઈને કહીશ તો તારો વીડિયો અમે વાઇરલ કરી દઈશું. નાકમાંથી લોહી નીકળતું હોવાથી તેનું નાક ધોવડાવે છે અને પછી તેને આદર્શ કોલેજ સુધી મૂકતા આવે છે.

આર્યનના ન્યાય માટે મેદાને પડેલી તેની બહેન અને અન્ય મહિલાઓ.
આર્યનના ન્યાય માટે મેદાને પડેલી તેની બહેન અને અન્ય મહિલાઓ.

અર્બુદા સેનાના પ્રમુખે અન્ય શખસો સાથે મળી આ રીતે ષડયંત્ર રચ્યું
આર્યનની હત્યાનું કઈ રીતે આખું પ્લાનિંગ કર્યું એ અંગે PI એ.વી. દેસાઈએ જણાવ્યું હતું કે આ આખું પ્લાનિંગ 14 ફેબ્રુઆરી આસપાસ કરવામાં આવ્યું હતું. પાલનપુર અર્બુદા સેનાના પ્રમુખ જયેશ ચૌધરી પાસે આ જગાણા ગામની યુવતી સાથે કોઈ અન્ય સમાજના યુવકનો પ્રેમસંબંધ છે એવી માહિતી હતી. જેથી જયેશ ચૌધરીએ આ સમગ્ર બાબતની જાણ અર્બુદા સેનાના લોકોને કરી અને આ બાબતે ચર્ચા કરવા માટે જગાણા ગામ પાસે આવેલી ક્રિષ્ના હોટલમાં આ સંગઠનના લોકો ભેગા થયા અને આ છોકરાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. આ કામ અર્બુદા સેના સાથે જોડાયેલા વિપુલ ચૌધરીને સોંપ્યું. એમાં વિપુલને આર્યન મોદીને લઈ આવવા નક્કી કર્યું. આ મિટિંગમાં જ આર્યનના અપહરણનું આખું પ્લાનિંગ થયું.

શું આર્યન મોદી અને છોકરી વચ્ચે પ્રેમસંબંધો હતા?.
આર્યન મોદી અને છોકરી વચ્ચે કોઈ પ્રેમસંબંધ હતા કે નહીં એ અંગે PI દેસાઈએ કહ્યું હતું કે આર્યન જે કોલેજમાં ભણતો એમાં 13 છોકરા અને 70 છોકરી છે અને આર્યન હોશિયાર હતો એટલે કોલેજનાં છોકરા અને છોકરીઓ આર્યનને અભ્યાસના એસાઇનમેન્ટ બાબતે પૂછતાં હતાં. જગાણા ગામની છોકરીએ આર્યન સાથે એસાઇનમેન્ટ બાબતે કોલેજમાં કંઈ વાત કરી હતી, એ દરમિયાન પીયૂષ નામની વ્યક્તિ જોઈ જતાં તેણે આર્યન અને આ છોકરી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જયેશને કહ્યું હતું. પોલીસે આર્યનના મોબાઈલ ફોનની તપાસ કરતાં એમાં એવી કોઈ જ પ્રેમસંબંધ બાબતે વાતચીત કે પછી બોગસ વાતચીત મળી આવી નથી. આ સમગ્ર ઘટનામાં વધુ આરોપીઓ છે કે કેમ એની અમે તપાસ કરી રહ્યા છીએ.

આર્યનને ન્યાય અપાવવા માટે 19 ફેબ્રુઆરીએ કેન્ડલ માર્ચ યોજાઈ હતી.
આર્યનને ન્યાય અપાવવા માટે 19 ફેબ્રુઆરીએ કેન્ડલ માર્ચ યોજાઈ હતી.

રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં રેડ કરી આ રીતે આરોપીઓને પકડ્યા
PI દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે આરોપીઓએ તેમના ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા, પરંતુ સમગ્ર ઘટનાને નજરે જોનારા આર્યનના મિત્ર સહિત 6 પ્રત્યક્ષદર્શીનાં પોલીસે નિવેદન નોંધ્યા હતા. આ સાક્ષીઓએ બાતવેલી જગ્યાના પોલીસે સીસીટીવી મેળવ્યા અને એના પરથી આરોપીઓની ઓળખ કરી તેમનાં નામ-સરનામાં એકત્ર કર્યાં. આરોપીઓને પકડવા માટે પોલીસે કુલ 6 જેટલી ટીમ બનાવી હતી અને ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના 12 જિલ્લાનાં 250થી વધારે સ્થળે દરોડા પાડ્યા હતા અને ટેક્નિકલ સર્વેલન્સ તેમજ CCTV તથા આરોપીના ફોન રેકોર્ડિંગ આધારે 13 આરોપીને પકડી પાડ્યા હતા.

‘બીજી વખત રિંગ કરી તો આર્યનનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો’
જ્યારે આર્યન મોદીના પિતા ભરતભાઈએ દિવ્ય ભાસ્કરની ટીમને જણાવ્યું હતું કે ગુરુવારે મેં તેને કોલેજમાં ફી ભરવા માટે પૈસા સ્કૂલ બેગમાં મૂક્યા હતા. બપોરે લગભગ 12:30 વાગ્યે મેં તેને ફોન કર્યો અને પૂછ્યું કે ફી લઈ ગયો? તેણે હા પાડી, પણ પાવતી લીધી તો તેણેને કહ્યું કે ના પાવતી આપી નથી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે કોઈનો ફોન આવ્યો હતો અને ભરતભાઈ બહાર બોલાવે છે એમ કહ્યું. કદાચ કોઈ ઓળખીતા હશે, જેથી તેમને મળીને આવું અને પછી ફોન કરું એવી વાત કરી અને હું લગ્નમાં જમવા ગયો. આમ તો દરરોજ બે વાગ્યાની આસપાસ તે પાછો આવી જાય છે, પરંતુ તે આવ્યો નહીં, એટલે બપોરે અમે તેને ફોન કર્યો તો તેના અવાજમાં થોડો તે ગભરાયેલો હોય એવી હાલતમાં તેણે કહ્યું કે આવીને વાત કરું, મને એવું લાગે છે કે એ વખતે તેને મારવાનું કામ ચાલી રહ્યું હશે, જ્યારે બીજી વખત કોલ કર્યો તો તેણે ઉપાડ્યો અને કહ્યું કે હું આવી જઈશ, એટલે અમે કહ્યું કે ઘરને તાળું મારી દીધું છે, તું આવીને અહીં ચાવી પડી છે, લઈને ખોલી દેજે. અમે જ્યારે સાંજે 4:30 વાગે પરત આવ્યા ત્યારે તાળું મારેલું હતું, જેથી આર્યનની મમ્મીએ ફરી ફોન કર્યો, પણ તેણે ઉપાડ્યો નહીં. બીજી વખત રિંગ કરી તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. પછી મેં ફોન કર્યો તો ફોન ઉપાડ્યો, એ ગભરાયેલો હતો અને હું આવું છું.

પોલીસે પકડેલા આરોપીઓ.
પોલીસે પકડેલા આરોપીઓ.

આ છે આર્યનને મોતને ઘાટ ઉતારનારા આરોપીઓ

 1. જગદીશ ભીખાભાઇ જાતે. જુડાળ (ચૌધરી) (ઉં.વ.24) ધંધો-અભ્યાસ, રહે.જગાણા, તા.પાલનપુર
 2. વિપુલ ગણેશભાઈ જાતે કોરાટ(ચૌધરી) (ઉં.વ.23) ધંધો-ખેતી, રહે ચંગવાડા, તા.વડગામ
 3. ભાવેશ મોઘજીભાઈ જાતે કરેણ(ચૌધરી) ધંધો-ખેતી, રહે.જગાણા, તા.પાલનપુર
 4. કલ્પેશ લક્ષ્મણભાઇ જાતે ગુડોલ(ચૌધરી) (ઉં.વ.24), ધંધો-વેપાર, રહે.કુસ્કલ, તા.પાલનપુર
 5. લક્ષ્મણ શામળભાઈ જાતે.જુડાલ(ચૌધરી) (ઉં.વ.28), ધંધો-ખેતી, રહે.વેસા, તા.વડગામ
 6. સરદારભાઈ ગણેશભાઇ જાતે.મીર ચૌધરી, (ઉં.વ.49), ધંધો-ખેતી રહે.ગીડાસણ, તા.વડગામ તથા
 7. ભાસ્કર ભેમજીભાઇ જાતે ચૌધરી (ઉં.વ.30) ધંધો-વકીલાત, રહે.જગાણા તા.પાલનપુર
 8. આશિષ હરિભાઇ જાતે ઉપલાણા ચૌધરી (ઉં.વ.20) ધંધો-વેપાર, રહે. ચગવાડા, તા.વડગામ
 9. સરદાર વાલજીભાઈ, જાતે ચૌધરી ધંધો-ખેતી, રહે.એદ્રાણા, તા.વડગામ
 10. સુરેશ સરદારભાઇ કાથરોટિયા ચૌધરી (ઉં.વ.26) ધંધો.-પ્રા.નોકરી, રહે.પટોસણ, તા. પાલનપુર
 11. જયેશકુમાર નરસંગભાઇ જાતે ચૌધરી રહે. ઉધગમની શેણી, જગાણા, તા.પાલનપુર
 12. પીયૂષકુમાર દાનસંગભાઇ જાતે ચૌધરી ધંધો-અભ્યાસ, રહે. જગાણા, તા.પાલનપુર
 13. મનીષ જેસુગભાઇ પવાયા (ચૌધરી) (ઉં વ.27) ધંધો-પ્રા.નોકરી, રહે.ટાકરવાડા (રામનગર) તા.પાલનપુર
અન્ય સમાચારો પણ છે...