'બાપુ થવાનાં ઘણાં બધાં લક્ષણો છે. જે કંઈ નિર્ણય કરો એના પરિણામની રાહ ન જુઓ, કોઈને મારી નાંખો ને ફાંસીની સજા થશે તો કોઈને મારી ન શકો? લૂંટ કરવાની હોય અને તમને એમ થાય કે 7 વર્ષની પડશે તો લૂંટ ન કરી શકો. કોઈનો પ્રતિકાર કરવા જવું હોય ને એમ થાય ને કે આપણે જઈશું તો આપણું શું થશે તો આપણે ઘર ભેગું જ થવાનું રહે' આ શબ્દો છે જોંગા જીપની સવારી અને માથા પર મિલેટ્રી હેટ સાથે એક ઘા અને બે કટકાનો સ્વભાવ ધરાવતા મહિપતસિંહ ભાવુભા જાડેજાના. પોલીસની ખોટી કનડગત અને રાજકીય કિન્નાખોરી કદાચ બાપુના બગાવતી સ્વભાવનું કારણ હોય શકે છે. જયારે તેમની સામે ફરિયાદ નોંધાઈ તે પછી 7 વર્ષ સુધી ફરાર પણ રહ્યા હતા. 1 ફેબ્રુઆરીએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને અન્યાય સામે લડવા ગમે તેવા ચમરબંધીને ભોં ભેગો કરવા માટે જાણીતા મહિપતસિંહ જાડેજાનું અવસાન થયું હતું.
મહિપતસિંહ નાના અને સામાન્ય લોકોની મદદ માટે હંમેશા અવાજ ઉઠાવતા હતા અને પછી તેનું પરિણામ જે આવવું હોય એ આવે પણ પાછા પડવાનું નહીં. તેમના પરિવાર અને અંગત જિંદગી અંગે ખૂબ ઓછા લોકો જાણે છે. જેથી દિવ્ય ભાસ્કરે મહિપતસિંહના મોટાબહેન ચંદુબા ચુડાસમા, તેમના દીકરા રાજેન્દ્રસિંહ જાડેજા તથા પૌત્ર સત્યજીતસિંહ જાડેજા સાથે વાત કરી આ એક્સક્લૂઝિવ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં મહિપતસિંહે સામાન્ય ડ્રાઇવરમાંથી કેવી રીતે ગોંડલ પર બે દાયકા સુધી રાજ કર્યું અને કેવી કેવી મુશ્કેલીઓ તથા દુઃખ વેઠ્યા તે અંગે જણાવી રહ્યા છીએ.
જન્મ, ભાઈ-બહેન અને અભ્યાસ
મહિપતસિંહના જન્મ અને ભાઈઓ-બહેનો અંગે તેમના પૌત્ર સત્યજીતસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારું મૂળ વતન રિબડા જ છે. મારા દાદા મહિપતસિંહ બાપુનો જન્મ હળવદ તાલુકાના એન્જાર ગામમાં તેમના મામાના ઘરે 24 મે, 1937ના રોજ થયો હતો. તેઓ ત્રણ ભાઈઓ અને બે બહેન હતા. સૌથી મોટા ચંદુબા ચુડાસમા, મહિપતસિંહ બાપુ પછી રસિક બા, મોહનસિંહ બાપુ અને મહાવીરસિંહ બાપુ. જ્યારે મહિપતસિંહ બાપુના પિતા ભાવુભા જાડેજા એસ.ટી અને પોલીસમાં નોકરી કરતા હતા. બાપુજીએ 6 ધોરણ જેટલો અભ્યાસ કર્યો હતો.
'બધા મોદીને માને છે એમ બાપુને માનતા'
જ્યારે બાળપણ અને કિશોર અવસ્થામાં અન્યાય સામે અવાજ ઉઠાવવા અંગે મહિપતસિંહના મોટાબહેન ચંદુબા ચુડાસમાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બાળપણમાં મહિપતસિંહ બધા છોકરાઓની જેમ તોફાની હતા. 15 કે 16 વર્ષની ઉંમરથી જ દયાળુ હતા. 17 વર્ષે અન્યાય સામે અવાજ ઉઠાવવા લાગ્યા હતા. જે કંઈ સારું કે નરસું કામ કરવું હોય એ કામ લઈને બાપુ પાસે આવતા હતા. બાપુ બધાને મદદરૂપ થતા હતા અને તે દિવસથી તેમનું વર્ચસ્વ વધવા લાગ્યું હતું. મોટા મિકેનિક હતા અને 7-8 વર્ષ સુધી સોનગઢની ગાડી હાંકી હતી અને નાનેથી જ વાડીએ બધું કામ કરતા હતા. કોંગ્રેસ સામે સ્વતંત્ર પક્ષ કર્યો એટલે જેમ બધા મોદીને માને છે એમ બાપુને માનતા હતા.
મહિપતસિંહને કેટલાં સંતાનો અને પૌત્રો?
પૌત્ર સત્યજીતસિંહ જાડેજાએ મહિપતસિંહના સંતાનો તથા અન્ય પરિવારજનો અંગે જણાવ્યું કે, બાપુને પાંચ દીકરા અને એક દીકરી એમ છ સંતાનો. ભગીરથસિંહ જાડેજા, મંછા બા જાડેજા, રામદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા અને જગતસિંહ જાડેજા. પાંચ દીકરાના અમે નવ ભાઈ છીએ. ભગીરથસિંહને જયદીપસિંહ નામનો દીકરો, રામદેવસિંહને બે દીકરા મેહુલસિંહ અને રાહુલસિંહ, રાજેન્દ્રસિંહને એક દીકરો ધ્રુવરાજસિંહ, અનિરુદ્ધસિંહને ત્રણ દીકરા શક્તિસિંહ, સત્યજીતસિંહ અને રાજદીપસિંહ અને જગતસિંહ છત્રપાલસિંહ અને દિવ્યરાજસિંહ નામના દીકરા છે. તેમજ ફૈબાને ઉપેન્દ્રસિંહ અને મહેન્દ્રસિંહ ચુડાસમા નામના દીકરા છે. હાલ ચાર સંતાનો હયાત છે જેમાં માણાવદર રહેતા ફૈબા મંછા બા, રાજેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહ અને જગતસિંહનો સમાવેશ થાય છે. લોક ચાહનાને કારણે જૂના માણસો રિબડા સ્ટેટ પણ કહેતા હતા.
ગરાસદારી ચળવળથી વટ અને વચનની કહાનીનો પ્રારંભ
મહિપતસિંહ બાપુની વટ અને વચનની કહાનીનો પ્રારંભ 1947માં આઝાદી બાદ 1949થી થાય છે. આ સમયે તેઓ માત્ર 12 વર્ષના હતા. 2019માં જ્યારે તેમણે પોતાના 83માં જન્મ દિવસે મરસિયાનો કાર્યક્રમ કર્યો ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જે તે સરકાર આવી તેણે મને ખૂબ હેરાન કર્યો છે. મારો ઇતિહાસ 1949થી શરૂ થાય છે. જ્યારે ગરાસદારી ચળવળ શરૂ થઈ અને ગરાસદારી નાબૂદીધારો આવ્યો ત્યારે ભાડવાબાપુનો સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે મને 1952માં પહેલીવાર જેલમાં પૂરવામાં આવ્યો હતો અને મારા બાપુને પણ જેલમાં પૂરવામાં આવ્યા હતા, ત્યારથી અત્યારસુધી અમે રાજકીય ભોગ જ બનતા આવ્યા છીએ. 1965માં સરકારે મને બહારવટીયો બનાવ્યો અને ગુનો પણ કેવડો 43 ગામ અને 76 ધાડના ગુના દાખલ કર્યા. 21 તહોમતદારો પકડાયા ત્યારે અમે એકબીજાને ઓળખતા પણ નહોતા. પરંતુ સત્ય મારા પક્ષે હતું. સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો કે, ગેંગલીડર તો નહીં એમના સભ્ય પણ નથી પોલીસે આ નાટક કર્યું છે.
ત્રણ જિલ્લામાંથી હદપાર, હાઇકોર્ટે વળતર ચૂકવવા આદેશ કર્યો
મને 1957માં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો. સરકાર દ્વારા ફરી 1963માં ત્રણ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો હતો. પરંતુ હાઇકોર્ટે માનહાની અંગે સરકારે વળતર ચૂકવવા આદેશ સાથે નિર્દોષ જાહેર કર્યા.
જ્યારે 300 પોલીસકર્મીને ચકમો આપી 60 ફૂટ ઊંચાઈથી કૂદ્યા
મોટા બહેન ચંદુબાને ભાઈ મહિપતસિંહે કહેલો ફરાર થવાના દિવસોનો એક કિસ્સો વર્ણવતા ચંદુબાએ જણાવ્યું કે, આરોપ લાગ્યા બાદ ફરાર થયા ત્યારે પોલીસને એક દિવસ પગેરું મળ્યું કે, મહિપતસિંહ આ જગ્યાએ છે, 200-300 પોલીસે આખા ઘરને કોર્ડન કરી લીધું હતું. પછી મહિપતસિંહ મકાનના નળીયા ખોલી ઉપરથી ભાગ્યા અને આસપાસના મકાનો કુદતા કુદતા તેઓ 60 ફૂટ ઉંચાઈએથી નીચે પડ્યા અને પગમાં કાંટાઓ ઘુસી ગયા. ભાગીને તેઓ ભાવનગર પાસેના ભડલી ડુંગરમાં રોકાયા તો પોલીસ ત્યાં પણ પહોંચી. આ જગ્યાએ તેઓ ગુફામાં રોકાયા અને આમ કરતા કરતા ત્રણ દિવસ રોકાયા. તેમના શરીર પર માત્ર ગંજી અને ચોરણી હતા. ત્રણ દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા ભાગતા રહ્યા હતા અને ચોથા દિવસે તેમના એક સંબંધીને ત્યાં ગયા અને તેમણે કપડાં આપ્યા અને જમાડ્યા હતા.
ચડ્ડી બનિયાનધારી ગેંગને બાપુનો પંપ લૂંટવો ભારે પડ્યો
1986માં સૌરાષ્ટ્રભરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ દ્વારા તરખાટ મચાવાયો હતો. સૌરાષ્ટ્રમાં 17 જેટલા પેટ્રોલ પંપ પર ત્રાટકી લૂંટ કરી ચડ્ડી બનિયાનધારી ગેંગે પોલીસની ઊંઘ હરામ કરી હતી, રીબડામાં મહિપતસિંહના પેટ્રોલ પંપ પર અઢારમી લૂંટ માટે ગેંગ ત્રાટકી લૂંટને અંજામ આપે એ પહેલા મહિપતસિંહે ગેંગના 16 પૈકી બે લૂંટારાને ઝડપી લઇ પોતાની જોંગોજીપ પાછળ બાંધી તાલુકા પોલીસને સોંપી પોલીસને હંફાવતી ચડ્ડી બનિયારધારી ગેંગને મર્દાનગી સાથે નેસ્તનાબૂદ કરી હતી.
ચડ્ડી બનિયાનધારી ગેંગે લૂંટના આગલા દિવસે શું કર્યું?
ચડ્ડી બનિયાનધારી ગેંગને કેવી રીતે ભોં ભેગી કરી તે અંગે મહિપતસિંહના દીકરા રાજેન્દ્રસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથે તે રાતની આખી કહાની જણાવતા કહ્યું કે, 1986માં દર શનિવારે ચડ્ડી બનિયાનધારી ગેંગ લૂંટ ચલાવતી હતી, તેને પોલીસ પણ પકડી શકતી નહોતી. શુક્રવારે અમારી માતૃકૃપા લોજ પાછળ રાત્રે એક વાગ્યે હું બેઠો હતો. બે ત્રણ જણા ચડીઓ પહેરીને રિહર્સલ કરવા માટે આવ્યા હતા, જેથી મેં મારા પિતાને કહ્યું કે આ બે-ત્રણ લોકો આવ્યા છે તો મારા બાપુજીએ કહ્યું કંઈ વાંધો નહીં કોઈ જતા નહીં. પછી બીજા દિવસે મારા પિતાને કહ્યું કે, આજે તો જોખમ છે. મારા મોટાભાઈ રામદેવભાઈને 12 નંબરની લાઇસન્સવાળી બંધૂક આપી, અને 1 વાગીને 10 મિનિટે અમારી મહિલાઓ રોટલા ઘડી રહી હતી, એટલે મેં કહ્યું 20 જેટલા રોટલા રાખજો.
'અંધારામાં ટોળા સામે જઈને ગેંગ સામે લડ્યા'
કેવી રીતે બે શખ્સોને પકડી પાડ્યા તેની ફિલ્મ સ્ટાઈલમાં રજૂઆત રાજેન્દ્રસિંહ જાડેજાએ કરતા આગળ કહે છે કે, રાતના 1 વાગીને 20 મિનિટનો સમય થયો હતો. બે જણાને તો પૂરી દીધા અને અમારા પેટ્રોલ પંપની મારી પાસે ચાવી માગી પછી નહેરમાં ભાગ્યા એટલે અમે પાછળ ગયા રામદેવભાઈ, સાતોદળ વાવડી વાળા બટુકસિંહ ભીખુસિંહ જાડેજા, મારા પિતા અને હું હતો. અમે ચાર જણા જ હતા. અમારા રામદેવભાઈએ હવામાં ફાયરિંગ કર્યું. આખું 30-35 લોકોનું ટોળું હતું. જ્યારે મારા પિતાજીએ તેમની પાછળ જોંગો જીપ દોડાવી. જેમાંથી બેને પાડી દીધા. આ બે લોકોને ઉપાડીને પેટ્રોલ પંપે લાવ્યા હતા. પોલીસને બોલાવી હતી. આ સમાચાર આવતા એક ન્યૂઝ પેપરે લખ્યું કે, દેવ ડેરાએ જજો પણ હનુમાનની ઠેસે ના ચડતા. તે સમયે રાજકોટ રૂરલમાં પોલીસ અધિકારી તરીકે ગુરુ દયાલસિંહ હતા. ચડ્ડી બનિયાનધારી ગેંગ ઉંઘમાં સુતા હોય ત્યારે જ સીધી કપાળમાં લાકડી મારે એટલે બેઠા ન થઈ શકે. એક છોકરો તો 15-16 વર્ષનો જ હતો. મહિપતસિંહ અંધારામાં ટોળા સામે જઈને ગેંગ સામે લડ્યા હતા. તેનું ક્ષત્રિય સમાજ રાજકોટે સન્માનપત્ર પણ આપ્યું હતું.
'બાપુએ જોંગા અદ્ધર કરી ને હેઠી નાંખતા એક શખ્સ દબાઇ ગયો'
જ્યારે મહિપતસિંહે ખેતરમાં કેવી રીતે જોંગા જીપ લઈ ચડ્ડી બનિયાનધારી ગેંગની પાછળ થયા તે અંગે તેમના મોટા બહેન ચંદુબાએ જણાવ્યું હતું કે, એક જણો સાવ પેટ્રોલ પંપ પાસે આવ્યો અને તેણે સિટી મારી આ સમયે પંપ પર ગોવિંદ કુંભારનો દીકરો એકલો હતો. સિટી બાપુ સાંભળી ગયા અને બાપુને ખબર કે આ સિટી ચડ્ડી બનિયાનધારી ગેંગની જ છે. સિટી મારી એટલે બે ત્રણ જણા દોડ્યા અને બાપુ પણ દોડ્યા. બાપુ આવ્યા તો બે ત્રણ જણા તો ભાગી ગયા, પાછળના ભાગમાં ખેતર હતું. એ ખેતરમાં મોટી મોટી જુવાર લીલી કેરી જેવી ઉભી હતી. આ જુવાર પાછળ તેઓ સંતાઈ ગયા પછી બાપુ જોંગા લઈને ગયા અને જોંગા પાછળ અને ગેંગના માણસો આગળ, તેમાં એક જણ જુવારમાં સંતાઈ ગયો તો બાપુએ જોંગા ઠેકવી અદ્ધર કરી ને હેઠી નાંખી તો ગેંગનો માણસ જોંગા નીચે દબાઈ ગયો અને પછી તેને પકડી લીધો.
દીકરાઓ ગુમાવવાનો એ કારમો આઘાત
મહિપતસિંહના મોટાબહેન ચંદુબાએ બાપુને વેઠવા પડેલા દીકરાઓ(ભગીરથસિંહ અને રામદેવસિંહ)ના મૃત્યુના કારમા આઘાત અંગે જણાવ્યું કે, એમને પાંચ દીકરા પાંડવ જેવા છે. બાપુએ એમની જિંદગીમાં રામ-લક્ષ્મણની જોડી ગુમાવી ત્યારથી તેમની તબિયત બરાબર રહેતી નહોતી. બાપુએ ખૂબ ખૂબ બહેન, દીકરીઓ, ભરવાડને, વાણંદ, કુંભાર એમ ખૂબ ખૂબ દાન કર્યું છે અને 75 કરોડનું પૂણ્ય કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, મહિપતસિંહના દીકરા રામદેવસિંહનું 2001માં અને ભગીરથસિંહનું 2011માં અવસાન થઈ ગયું હતું. આમ બાપુએ બે દીકરાઓ ગુમાવવાનો કારમો આઘાત પણ જીરવી લીધો હતો.
ફોરમેન તરીકે ભાવનગરમાં નોકરી કરી, ટ્રક પણ ચલાવી
વારંવારની હદપારી દરમિયાન પરિવારના જીવનનિર્વાહની જવાબદારી પણ નિભાવી, ગોવાના મઢગાંવ પાસે એસ. કાંતિલાલ કંપનીમાં ગાડીના ફોરમેન તરીકે અને ભાવનગરમાં પણ નોકરી કરી. એ સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા હેવી લાઇસન્સધારકો માટે ટ્રક લોન બહાર પડેલી, લોન મેળવી ટ્રક ખરીદી, સંઘર્ષના દિવસો પણ દિલેરીથી વિતાવ્યા મહિપતસિંહ વર્ષો સુધી રીબડાના સરપંચ રહ્યા.
સરપંચપદથી તાલુકા પંચાયતમાં એન્ટ્રી
પરંતુ હવે તેમણે રીબડાના સરપંચ પદને બદલે રાજકીય ક્ષેત્રે એક ડગલું વધુ આગળ વધવાનો નિર્ણય કર્યો અને 1975માં પહેલીવાર તાલુકા પંચાયતના સભ્ય બન્યા. ત્યાર બાદ 1980માં ફરી તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા અને ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. 1986 સુધી તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા.
પહેલીવાર અપક્ષ ધારાસભ્ય બન્યા, શંકરસિંહ સાથે નિકટતા
વર્ષ 1990માં વિધાનસભા ચૂંટણીઓ થઈ અને અપક્ષમાંથી મહિપતસિંહ જાડેજા ગોંડલ સીટ પરથી ચૂંટણી જંગમાં ઊતર્યા. આ ચૂંટણીમાં કોંગ્રેસના મધુસૂદન દોંગા સામે તેમની 10,000 મતથી જીત થતાં પહેલીવાર ધારાસભામાં પહોંચ્યા. ત્યાર બાદ 1995માં પણ તેઓ ભાજપના રમેશ સોજીત્રાને હરાવી અપક્ષમાંથી ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય પદે હતા ત્યારે ગરીબ માણસોને ગોંડલ મત વિસ્તારમાં 100 વારના પ્લોટ ફાળવ્યા હતા. એ લોકો આજે પણ કહે છે કે, બાપુના હિસાબે અમારે ઘરના ઘર છે. દુષ્કાળના સમયમાં પણ તાત્કાલિક સહાય કરાવતા હતા. વિધવા સહાય યોજનાનો સૌથી પહેલો અમલ પણ ગોંડલ વિસ્તારમાં કરાવ્યો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે તેમના નિકટના સંબંધો પણ હતા.
ધારાસભાની ચૂંટણીમાં પહેલો પરાજય અને પછી ક્યારેય જીત ન મળી
1998માં વિધાનસભા ચૂંટણી આવી અને હવે ભાજપ માટે આ સીટ જીતવી જરૂરી હતી અને 1980માં આ સીટ પરથી ધારાસભ્ય બનેલા કેશુભાઈ ગોંડલની રગરગથી વાકેફ હતા અને તેઓ હવે મુખ્યમંત્રી પણ બની ગયા હતા. આથી 1998ની ચૂંટણીમાં ભાજપમાંથી વિનુ શિંગાળાએ ટિકિટ માગી, પરંતુ કેશુભાઈના મનમાં કોઈ બીજો જ પ્લાન ઘડાઈ ચૂક્યો હતો. તેમણે મહિપતસિંહના એકચક્રી શાસનનો અંત આણવા જયરાજસિંહને ચૂંટણી જંગમાં ઉતાર્યા. જયરાજસિંહ પર કેશુભાઈએ લગાવેલો દાવ સફળ રહ્યો અને પહેલીવાર મહિપતસિંહને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ 2002માં પણ જયરાજસિંહે NCPમાંથી ચૂંટણી લડી રહેલા મહિપતસિંહને હરાવી દીધા. 2007માં મહીપતસિંહે બેઠક બદલી માયાવતીના બહુજન સમાજ પક્ષની ટિકિટ પર બાબરાની બેઠક પરથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા. તેમની અને બીજા ક્રમે રહેલા ભાજપના ઉમેદવાર બાવાભાઈ મોવાલિયા વચ્ચે માત્ર 440 મતનો તફાવત રહ્યો હતો. એ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર બાવકું ઉંધાડની જીત થઈ હતી. ત્યાર પછી તેઓ ક્યારેય વિધાનસભા ચૂંટણી લડ્યા નહીં.
સત્તા નહોતી, પણ મદદ માટે હંમેશાં અગ્રેસર
જો કે સત્તા ગયા બાદ પણ તેઓ સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેતા હતા અને મદદ માટે પણ આગળ આવતા હતા. તેમજ વધી રહેલી ઉંમરને કારણે તેઓ ખાસ રાજકારણમાં સક્રિય રીતે ભાગ લેતા નહોતા. તેમણે ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી હતી અને અધ્યક્ષપદે પણ રહ્યા હતા.
મહિપતસિંહ બનવું બહુ કઠિન, મહિપતસિંહને પૂછો કેવાં દુઃખ વેઠ્યાં છે
24 મે, 2019ના રોજ તેમના 83માં જન્મદિને રીબડામાં મરસિયા અને લોક સાહિત્યનો ભવ્ય ડાયરો યોજ્યો હતો. આ દરમિયાન તેમણે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે,માણસ માત્ર ને મરી તો જવાનુ જ છે. મને ઇશ્વરે ઘણું આપ્યું, મેં માગ્યું તેનાથી 10 ગણું આપ્યું, મારા છોકરાઓ સુખી છે. મારી પાસે કંઈક હોય તો મારે કંઈક આપવું ગરીબોને આપવું દીકરીઓને આપવું એવી મારી ભાવના રહી છે. મરશિયા ગાવા અને ગવડાવવા તો ઠીક છે પણ સાંભળવું પણ ખૂબ કઠીન છે. 300 વર્ષ પહેલા જ્યારે હમીરજી ગોહિલે સોમનાથની સખાત સમયે ચારણની મહિલાને બોલાવીને પોતાના જીવતા મરશિયા ગાયા હતા, ત્યાર પછી જીવતા મરશિયાનો આ બીજો પ્રસંગ છે. જો જીવતા મરશિયા ગવડાવવા હોય તો અને પોતાની પાસે પૈસા પણ હોય પણ પોતાનો ઇતિહાસ ન હોય તો જીવતા મરશિયા ગવડાવી શકે નહીં. મહિપતસિંહ બનવું બહુ કઠીન છે, મહિપતસિંહને પૂછો કે મહિપતસિંહે કેવા દુઃખ વેઠ્યા છે.
મહિપતસિંહે સમજાવ્યો ક્ષત્રિય ધર્મ
આ જ કાર્યક્રમમાં મહિપતસિંહે ક્ષત્રિય ધર્મ એટલે શું? અને તેના મિજાજનો પરિચય કરાવતી વાતો કરતા કહ્યું હતું કે, પહેલો ક્ષત્રિય ધર્મ પર સ્ત્રીને મા કે બહેન ગણે એ, બીજો ક્ષત્રિય ધર્મ એ કે કોઈપણને અન્યાય થતો હોય અને લંકાનો રાવણ પણ અન્યાય કરતો હોય તો પણ તેને ત્યાંને ત્યાં ભોમાં ભંડારી દે એનું નામ ક્ષત્રિય, ત્રીજો ધર્મ એ કે, ગમે તે સરકાર હોય કે ગમે તેનો અત્યાચાર હોય એનો પ્રતિકાર કરે એનું નામ ક્ષત્રિય. એક ક્ષત્રિય એવો પણ હોવો જોઇએ કે, ગમે તે પરિણામ આવે તો પણ ફરે નહીં એનું નામ ક્ષત્રિય. અભી બોલા અને અભી ફોક એ ક્ષત્રિય નથી. મારા અંતિમ દિવસો આવી ગયા છે હવે હું ક્યારે મરી જાવ એનું નક્કી નથી.
'આ જિંદગી જીવવાની હિંમત હોય તો મહિપતસિંહ બનજો'
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો હાજરા હજુર બેઠેલો દાદો ચાન્સ આપે ને તો મારે આલેગ કરપડાને પણ ખોટો પાડવો છે. આલેગ કરપડાનો ઇતિહાસ શું છે એની અહીં બેઠેલાને ખબર નહીં હોય. એ જીવતા સ્મશાને ગયો હતો અને એ એની શૈય્યા પર સુતો હતો. મારા સમાજમાં ઘણા મહિપતસિંહ નામ પાડે છે તો એને પૂછજો તો ખરા કે મહિપતસિંહ થવું હોય તો કેટલીવાર જેલમાં ગયા? કેટલા દિવસ ખાધા પીધા વિના રહ્યા? કેટલા દિવસ સુધી મા-બાપને મળવા જાવ તો મા-બાપ આંસુ પાડતા રહે, આ જિંદગી જીવવાની હિંમત હોય તો મહિપતસિંહ બનજો, નહીંતર કોકની સેવા કરજો તો પણ બાપુ કહેશે. બાપુ થવાના ઘણાં બધા લક્ષણો છે. જે કંઈ નિર્ણય કરો એના પરિણામની રાહ ન જુઓ, કોઈને મારી નાંખો ને ફાંસીની સજા થશે તો કોઈને મારી ન શકો? લૂંટ કરવાની હોય અને તમને એમ થાય કે 7 વર્ષની પડશે તો લૂંટ ન કરી શકો. કોઈનો પ્રતિકાર કરવા જવું હોય ને એમ થાય ને કે આપણે જઈશું તો આપણું શું થશે તો આપણે ઘર ભેગું જ થવાનું રહે. આવા બનાવ ઘણાં બન્યા છે પણ કહેવા જેવા નથી.
111 દીકરીને કન્યાદાન પણ આપ્યું
મરસિયાના આ કાર્યક્રમમાં જાણીતા 12 જેટલા કવિઓએ મરસિયા ગાયા હતા. તેમજ ભાજપના નેતાઓ એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઇ.કે. જાડેજા સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, વિવિધ સેવાકાર્યોમાં અગ્રેસર રહેતા મહિપત સિંહ જાડેજાએ 111 દીકરીઓને કન્યાદાન પણ આપ્યું હતું.
કોરાનાને હરાવી 75 કરોડનું દાન કર્યું
ત્યાર બાદ 2021માં તેઓ કોરોના સંક્રમિત થયા હતા અને 15 દિવસ સુધી કોરોના સામે જંગ લડીને સ્વસ્થ થયા હતા. કોરોનાને હરાવ્યા બાદ તેમણે દીકરીઓને રોકડા 75 કરોડ રૂપિયા વહેંચ્યા હતા. મહિપતસિંહ બાપુએ તેમની જમા પૂંજીમાંથી ગામ, સગા સંબંધીઓ અને ગરીબ દીકરીઓને લાખો રૂપિયાનું દાન આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં તેઓ કહેતા સંભળાય છે કે કોઇને પણ કશીય બીમારી માટે રૂપિયાની જરૂર હોય તો હું આપીશ.
'બાપુજી પર હનુમાનજીનો હાથ હતો'
મહિપતસિંહને હનુમાનજીમાં રહેલી અતૂટ શ્રદ્ધા અંગે તેમના બહેન ચંદુબાએ કહ્યું કે, બાપુએ 6 કરોડના ખર્ચે હનુમાનજીનું મંદિર બંધાવ્યું છે. બાપુએ ખૂબ જ દયા રાખી છે અને જે કોઈ આશા લઈને આવે એ પાછા ન જતા, કોરોનામાં પણ 25 લોકોની દવા કરાવી છે. જે હનુમાનજીનું મંદિર બંધાવ્યું છે એવું કોઈ ન બંધાવી શકે, શાસ્ત્ર કહે છે કે જે આ મંદિર બંધાવે એનો સ્વર્ગમાં વાસ થાય છે તો મારા ભાઈનો સ્વર્ગમાં વાસ થાય એવા મારા આશીર્વાદ છે. બાપુજી પર હનુમાનજીનો હાથ હતો. મંદિર બનાવી લીધું પછી બાપુ કહે મારે સપ્તાહ કરવી છે, જેવી સપ્તાહ નહોતી, રીબડા સહિત આસપાસના ગામના લોકોને જમાડ્યા હતા. હનુમાનજીના મંદિરના કામ સમયે બાપુને ઠીક નહોતું, એટલે કામ બંધ રાખ્યું પણ તેમણે કહ્યું કે મને ઠીક છે કામ શરૂ કરો. હું હમણા નથી જવાનો મંદિર પૂર્ણ થાય પછી મારા હનુમાનજીને મંદિરમાં પધરાવું પછી જ હું જવાનો છું.
છેલ્લા દિવસોમાં બાટલો ચડતો હતો છતાં ત્રણવાર ખેતરે જતા
મહિપતસિંહના છેલ્લા દિવસો અંગે વાત કરતા ચંદુબાએ વધુમાં ઉમેર્યું હતું કે, બાટલો ચડતો હોય તો પણ એક વ્યક્તિ બાટલો પકડે અને ગાડીમાં બેસી ને વાડીએ જતા હતા. તેઓ દિવસમાં ત્રણવાર આ રીતે જ ખેતરનું ધ્યાન રાખવા માટે જતા હતા.
મહિપતસિંહનું અવસાન થયા બાદ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને ફેસબુક પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જ્યારે તેમના પરિવારજનો દ્વારા શોકસભા યોજવામાં આવી હતી અને તેમનું બારમું રાખવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.