14 માર્ચ, 2023, મંગળવારના રોજ બપોરના લગભગ અઢી વાગ્યાની આસપાસ અંબાજી મંદિરમાં ચીકીની સાથે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવે છે. આ નિર્ણયના બરાબર આગલા દિવસે જ આસ્થા સાથે ચેડાને લઈ વિશ્વ હિન્દુ પરિષદનો આક્રોશ લગભગ ચરમસીમાએ પહોંચી ચૂક્યો હતો. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી VHP પર આંદોલન આગળ ન વધારવા માટે દબાણ કરી રહ્યા હતા. જેથી આ ઘટનાક્રમના બીજા દિવસે એટલે કે 14 માર્ચે સૌ કોઈ વિશ્વ હિન્દુ પરિષદની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. તો બીજી તરફ ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. આ બેઠક બાદ મોહનથાળનો પ્રસાદ પણ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
VHP કાર્યાલયમાં ફટાકડા ફૂટતા હતા ને PMOમાંથી અચાનક જ ફોન આવ્યો
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની જાહેરાત થયા બાદ અમદાવાદના પાલડી સ્થિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય એવા વણીકર ભવનમાં તેની ફટાકડા ફોડીને ઉજવણી સાથે મોહનથાળ વહેંચવામાં આવી રહ્યો હતો. તેમજ સૌ કઈ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના ક્ષેત્રીય મંત્રી એવા અશોક રાવલને ક્રેડિટ આપી રહ્યા હતા. આ દરમિયાન દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિની હાજરીમાં જ અશોક રાવલના ફોનની રિંગ વાગે છે અને તેઓ ફોન ઉઠાવે છે. આ ફોન બીજે ક્યાંયથી નહીં પણ PMO (વડાપ્રધાન કાર્યાલય)માંથી આવ્યો હોય છે. તે સમયે દિવ્ય ભાસ્કરે તેમને ફોન અંગે પૂછ્યું તો અશોક રાવલે કહ્યું કે, PMOમાં મળવા બોલાવ્યા છે. તે પછી બે દિવસ બાદ અશોક રાવલને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે, તેમને મળવા ગયો નથી પણ તેઓ સમય આપે ત્યારે જવાયને.
મોહનથાળ વિવાદ, પ્રવીણ તોગડિયાની વિશ્વ હિન્દુ પરિષદમાંથી વિદાય બાદ આવેલા પરિવર્તન, લવ જેહાદ અને ધર્મ પરિવર્તન મામલે દિવ્ય ભાસ્કરે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના ક્ષેત્ર મંત્રી અશોક રાવલ અને બજરંગદળના ઉત્તર ગુજરાત પ્રાંતના સક્રિય કાર્યકર જ્વલિત મહેતા સાથે વાતચીત કરી હતી.
‘આસ્થા સાથે ચેડાં હતાં અને હિન્દુ સમાજ એનાથી બહુ વ્યથિત હતો’
મોહનથાળ વિવાદ અંગે અશોક રાવલે જણાવ્યું કે, આ આસ્થા સાથે ચેડાં હતાં અને હિન્દુ સમાજ એનાથી બહુ વ્યથિત હતો. વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય ઉદ્દેશ છે કે, હિન્દુ સમાજ જો કોઈપણ મુદ્દે વ્યથિત થતો હોય તો તેમાં આપણે પડવું પછી એમાં સામાજિક સમરસતાનો વિષય હોય, કે ધાર્મિક પ્રથાનો વિષય હોય. આ ધાર્મિક વાત હતી કે લોકોની શ્રદ્ધા મોહનથાળ સાથે જોડાયેલી હતી. મોહનથાળ બંધ કર્યો તેની સામે આખો જનાક્રોશ હતો, એ જનાક્રોશને અમે વાચા આપવાનો પ્રયાસ કર્યો. તેમાં 78 ટકા સમાજે સહયોગ આપ્યો અને સાધુ-સંતોએ પણ સહકાર આપ્યો. આ જે વિજય થયો છે એ શ્રદ્ધાનો વિજય છે હાર કે જીતનો પ્રશ્ન નથી. હાર-જીત તો છે જ નહીં. ફક્ત વિવાદ અને સંવાદ એ બે જ વસ્તુ સમજવાની આવશ્યકતા હતી. આ વિવાદ ઊભો કર્યો તેના કરતાં પહેલાં સંવાદ કર્યો હોત તો આ પ્રશ્ન ન આવત એટલે ભવિષ્યમાં સરકાર કે ટ્રસ્ટો અથવા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ સમજે કે હંમેશાં સંવાદથી જ વિષયનો નિકાલ આવી શકે.
‘લવ જેહાદ-ગૌહત્યા જેવા મુદ્દા સામે દાદાગીરીથી કામ કરીએ છીએ’
વિશ્વ હિન્દુ પરિષદનો એક માત્ર એજન્ડા છે કે, હિન્દુ સમાજ પર આવી પડતી કોઈપણ આપત્તિ એ કુદરતી હોય કે બનાવેલી આપત્તિ હોય અને એનાથી હિન્દુ સમાજને કોઈપણ નુકસાન થવાનું હોય તો વિશ્વ હિન્દુ પરિષદ એની પડખે ઊભા રહી એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરશે. એ નિકાલ કરવામાં પોતાના કાર્યકર પણ ગુમાવવા પડે છે અને ઘરબાર પણ રઝળી પડે છે અને કોર્ટ કેસોમાં પણ કેટલા બધા પૈસા ખર્ચવા પડે છે એ બધું વિશ્વ હિન્દુ પરિષદ કરે છે. લવ જેહાદ, લેન્ડ જેહાદ આ મોટા મુદ્દા છે અને ગૌહત્યા કરે છે અને ગૌતસ્કરી કરે છે એ લોકો સામે હિંમતથી અને દાદાગીરીથી કામ કરવું પડે છે એ કામ વિશ્વ હિન્દુ પરિષદ કરે છે. સમાજમાં ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે, પણ વિશ્વ હિન્દુ પરિષદ આખા વિશ્વમાં પણ વિશ્વના હેતુમાં પણ તકલીફ હોય તો વિશ્વ હિન્દુ પરિષદ તેમાં સંસ્કાર આપવાનું કામ કરે છે, એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ છે તેમજ બાકીની સંસ્થાઓ સાથે સમન્વય રાખી એમને પણ અમારી સાથે જોડવા અને એમનાં સારાં કાર્યોમાં પણ અમારે સહયોગ આપવાનો આ અમારો ઉદ્દેશ્ય છે.
‘વિધર્મી પાસેથી યુવતીને લાવવાનો પ્રયાસ કરીએ તો શરૂઆતમાં દુઃખી હોય’
વિધર્મીઓ દ્વારા યુવતીઓને લઈ જવા મામલે અશોક રાવલે કહ્યું કે, સમાજમાં આવા બધા પ્રસંગો બનતા હોય છે. સામાન્ય રીતે કોઈ છોકરી કોઈને પ્રેમ કરતી હોય અને તેમને ભૂલેચૂકે વિધર્મી સાથે પ્રેમ થઈ ગયો હોય ને તેને લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે શરૂઆતમાં તો એ દુઃખી જ હોય કે આ અમારું ભંગાણ કરાવે છે. પરંતુ છેવટે અમારો આશય તો સાફ હોય છે એટલે ધીરે ધીરે એમને સમજ પડે છે કે જો આ ન થયું હોત તો થોડું અહિત થઈ જાત.
‘ધર્મ પરિવર્તન કરનારા લોકોને પાછા લાવવા કરોડો ખર્ચીને કામ કરીએ છીએ’
ધર્મ પરિવર્તન કરી ચૂકેલા લોકોને પાછા લાવવા અંગે કહ્યું કે, અમારો ધર્મ પ્રસાર વિભાગ ચાલે છે. ધર્મ પ્રસાર વિભાગમાં વનવાસી ક્ષેત્રોમાં પુષ્કળ કામ ચાલે છે, 12-15 સંસ્કાર શાળાઓ અને છાત્રાલયો ચાલે છે એમાં વનવાસી ક્ષેત્રના લોકોને રાખીએ છીએ. સમાજ દવા અને સેવા એવા કાર્યકમો કરીએ છીએ. ક્રિશ્ચયન મિશનરી આવી વટાળ પ્રવૃત્તિ કરી એમને ક્રિશ્ચિયન બનાવે છે એમને પાછા સ્વધર્મ લાવવા માટે આવા બધા કરોડો રૂપિયાના ખર્ચે કામ કરીએ છીએ અને સમાજ જ તેમાં દાન આપે છે. અમે મોટી સંખ્યામાં કન્વર્ટ થઈને ગયેલા છે એમને પાછા લાવવાનો પ્રયાસ કરીએ છીએ.
‘VHPમાંથી તોગડિયાની એક્ઝિટ બાદ ત્રણ ગણું કામ વધી ગયું’
વિશ્વ હિન્દુ પરિષદમાં છેલ્લાં 4 વર્ષમાં શું પરિવર્તન આવ્યું તે અંગે જણાવ્યું કે, 1964માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ અને 60 વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે. સામાજિક સમરસતા અને ધર્મ પરિવર્તન કરનારાને પાછા લાવવા આ બધા કાર્યક્રમો ચાલે છે. 2018થી ડો. પ્રવીણભાઈ તોગડિયા ગયા બાદ એ કામોમાં શરૂઆતમાં થોડી તકલીફ પડી પણ પછી વિશ્વ હિન્દુ પરિષદના બધા જ કાર્યકરોએ જબરદસ્ત મહેનત કરી. ભૂતકાળમાં આટલું કામ નહોતું પહોંચ્યું તેનાથી ત્રણ ગણું કામ વધી ગયું છે. લગભગ 19000 ગામડામાંથી અમે 15000 ગામો સુધી પહોંચી ગયા છીએ. પ્રશક્ષિણ વર્ગો અને કાર્યકરોની સંખ્યા વધી રહી છે. બજરંગદળના ત્રિશૂળ દીક્ષાના કાર્યક્રમો પુષ્કળ થઈ રહ્યા છે.
‘લવ જેહાદ-લેન્ડ જેહાદના કામ માટે શ્રેષ્ઠીઓ પુષ્કળ ધન આપે છે’
યુવાઓને વિશ્વ હિન્દુ પરિષદમાં જોડવા અંગે કહ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદમાં જે કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય તે મોટાભાગે એગ્રેસિવ સ્વભાવના હોય છે. જેને હિન્દુત્વ પ્રત્યે કંઈ સન્માન છે એવા લોકો આવે છે. ત્રિશૂળ દીક્ષાના માધ્યમથી ઘણા યુવા કાર્યકરો જ આવે છે. બજરંગદળમાં યુવા કાર્યકરોનું 40 વર્ષ સુધી જ મહત્ત્વ હોય છે પછી તો મેઇનસ્ટ્રીમમાં આવી જાય છે. વિશ્વ હિન્દુ પરિષદના 20 જેટલા આયામ છે, જેમાં સેવા વિભાગ, બજરંગદળ, દુર્ગા વાહિની છે આવા અનેક પ્રકારના આયામો છે. સમાજના જે યુવાનની રુચિ જેમાં હોય એ કામ આપીએ છીએ, એકદમ લડાયક હોય એને બજરંગદળમાં લઈએ છીએ. લીગલ સેલમાં વકીલ સામેલ હોય છે. તેઓ ફ્રીમાં સેવા આપે છે. સમાજના શ્રેષ્ઠીઓ લવ જેહાદ કે લેન્ડ જેહાદના કામ માટે પુષ્કળ પ્રમાણમાં ધન આપે છે. આ કોઇ કોમર્શિયલ સંસ્થા નથી, કોઈ ધંધો નથી એટલે આવકનો કોઈ રસ્તો નથી. પરંતુ હિન્દુ શ્રેષ્ઠીઓ અમારી સાથે જોડાયેલા રહે છે અને વર્ષે દહાડે આર્થિક સહયોગ કરતા રહે છે.
મોહનથાળ વિવાદથી ચર્ચામાં આવેલા અશોક રાવલ કોણ છે?
બ્રાહ્મણ એવા અશોક રાવલ દહેગામ પાસેના વડોદરા ગામના છે. તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ ગુજરાત એગ્રો સાથે જોડાયા હતા. જેમાં તેઓ મેનેજર હતા. પહેલેથી જ હિન્દુ વિચારધારા સાથે જોડાયેલા હતા અને 30 વર્ષની ઉંમરે તેઓ સંઘના પ્રચારક મુકુંદરાવજીના સંપર્કમાં આવ્યા હતા. તેઓએ સંઘમાં કર્ણાવતી શહેર બૌદ્ધિક પ્રમુખ, વિભાગ કાર્યવાહ અને અન્ય જવાબદારી નિભાવી છે. તેમના સંતાનોની વાત કરીએ તો એક દીકરો ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે એક દીકરો એન્જિનિયર છે. તેઓ નરેન્દ્ર મોદી સાથે અમદાવાદમાં ખૂબ નજીકની વ્યક્તિ ગણાતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદમાં કામ કરતા હતા અને તેમના પારિવારિક પ્રસંગમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હાજર રહ્યા હતા.
અશોક રાવલ જ્યારે કર્મચારી મંડળમાં સક્રિય હતા ત્યારે તેમણે સરખેજ નજીક એક જગ્યા ખાનગી કંપનીને આપી દેવાના વિરોધમાં આમરણાંત ઉપવાસ કર્યા હતા. જેમાં સરકારે નિર્ણય બદલવો પડ્યો હતો અને આ જગ્યા બાદમાં પોલીસને આપવી પડી હતી. કેશુભાઇ પટેલની સરકાર સમયે તેમણે કરેલા આંદોલન બાદ તેઓ લાઇમ લાઇટમાં આવ્યા હતા. તેમણે અનેક હિન્દુ કાર્યક્રમ અને સંઘમાં મહત્ત્વનો રોલ નિભાવ્યો છે.
‘દીકરીઓ હિંમત કરી સામે આવે તો અમે મદદ માટે તૈયાર’
બજરંગદળના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ જ્વલિત મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે, હવે અમારી સાથે પ્રોફેસર, ડોક્ટર, વકીલ જેવા યુવાનો જોડાઇ રહ્યા છે. અમે મોટા પ્રમાણમાં ત્રિશૂળ દીક્ષાના કાર્યક્રમ યોજ્યા હતા. જેમાં હજારો લોકો જોડાયા હતા. એક સાથે 5 હજારથી વધુ લોકોએ બજરંગદળની ત્રિશૂળ દીક્ષા લીધી હતી. અમારી સાથે જોડાયેલા લોકો હિન્દુત્વ માટે સતત કામ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને હિન્દુ દીકરીઓની મદદ તેમજ લવ જેહાદ જેવા કિસ્સામાં અમે દીકરીઓ પોતે જ હિંમત કરીને સામે આવે તો અમે તેમની મદદ માટે તૈયાર છીએ. આ બધાની સાથે VHP દ્વારા થોડા સમય અગાઉ અમારા કાર્યકરો નવરાત્રિમાં ઘૂસેલા વિધર્મી કાર્યકરો સામે લાલ આંખ કરી હતી. ઘણી હિન્દુ દીકરીઓને વિધર્મીઓ દ્વારા ફસાવવામાં આવે છે તેમને પણ મદદ કરી રહ્યા છીએ. અમારી સાથે વકીલ, પ્રોફેશનલ જોડાયા છે અને તેઓ હિન્દુ ધર્મ માટે અમારી સાથે હાથથી હાથ મિલાવીને કામ કરી રહ્યા છે.
ગુજરાતમાં 10 હજારથી વધુ મહિલાઓ VHP સાથે જોડાયેલી
જ્યારે VHPના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે દિવ્ય ભાસ્કર સાથેની સાથે વાતમાં જણાવ્યું હતું કે,VHPમાં છેલ્લાં ત્રણ વર્ષથી ખૂબ જ ઝડપી ફેરફાર જોવા મળી રહ્યા છે. એક સમયે લોકો બજરંગદળને ગુંડાઓ કહેતા હતા પણ હાલ પરિસ્થિતિ કઇંક અલગ છે. હાલ VHPમાં મહિલાઓ યુવાનો અને પ્રોફેશનલ હજારોની સંખ્યામાં જોડાઇ રહ્યાં છે. ગુજરાતમાં 10 હજારથી વધુ મહિલાઓ જેમાં ડોક્ટર અને પ્રોફેસર પણ સામેલ છે તેઓ જાડાયેલી છે. ત્રણ વર્ષમાં 15 હજાર જેટલા બજરંગદળ સાથે યુવાનો જોડાયા છે અને હાલ VHPની સ્ટ્રેંથ 6 લાખથી વધુ છે. જો પ્રોફેશનલ અને હાઇલી એજ્યુકેટેડ લોકોની વાત કરવામાં આવે તો હાલ 70 જેટલા ડોક્ટર 650 વકીલ 100થી વધુ એન્જિનિયર જોડાયેલા છે. તેના સિવાય પણ એમબીએ અને અન્ય ક્ષેત્રના લોકો પણ વીએચપી બજરંગદળ સાથે જોડાયેલા છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોતાનું ક્લિનિક ધરાવતા ડો.આર.બી. ભદોરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં જણાવ્યુ હતું કે તેઓ મૂળ ડોક્ટર છે અને ઘણા સમયથી પ્રેક્ટિસ કરે છે. મારે ધર્મ માટે કંઇક કરવું જ હતું જે માટે હું વીએચપી સાથે જોડાયો હતો. વીએચપી સાથે જોડાઇને મારે ધર્મનું અધઃપતન ન થાય અને અનેક બદીઓ દૂર કરવા મદદ કરવી છે. મારે ખરેખર કશું યોગદાન આપવું હતું એટલે હું વીએચપી સાથે જોડાયેલો છું. મારે ત્યાં રોજ 100 જેટલા લોકો આવે છે અને તેમાંથી પણ કેટલાકને હું મારા વિચારો સમજાવી શકું તો ઘણું છે.
હાઇકોર્ટના વકીલ નિમેષ વાઘેલાએ જણાવ્યું કે, પ્રવર્તમાન સંજોગો અને ભવિષ્યની સ્થિતિ જોતાં અનેક ઇન્ટેલેક્ચ્યુલ લોકો વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાઈ રહ્યા છે ,આવનારો સમય વિશ્વ હિન્દુ પરિષદની વિચારધારાને મહત્ત્વનો નિર્ણાયક સાબિત કરશે. દરેક વ્યક્તિના વિચારમાં ક્યાંક હિન્દુત્વ છે. ખૂબ ખૂબ નાનો હતો ત્યારથી હિન્દુત્વના ગુણ અને વિચારધારા મારી સાથે જોડાયેલી છે. હું હાઇકોર્ટનો વકીલ છું અને હું જોઈ રહ્યો છું કે વિશ્વ હિન્દુ પરિષદની વિચારધારા એ મહત્ત્વની સાબિત થવાની છે. કોઈ જ્ઞાતિ પહેલાં હું હિન્દુ છું અને અનેક હિન્દુત્વ વિચારધારાએ હંમેશાં લોકોને આપ્યું છે. પોતાના વિશેની ટીકા-ટિપ્પણી પણ હિન્દુ ધર્મ સાંભળે છે અને તે વિશે ચર્ચા પણ કરે છે. સમાધાન ધર્મને એટલે કે વિશ્વ હિન્દુ પરિષદને મારે ઋણ ચૂકવવાનું છે અને અનેક લોકો આવું કરવા તૈયાર પણ છે. આવનારો સમય વિશ્વ હિન્દુ પરિષદનો જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.