ભાસ્કર એક્સક્લૂસિવગર્લફ્રેન્ડે પોલીસને કેવી રીતે સત્યમ સુધી પહોંચાડી?:ગર્લફ્રેન્ડને કહ્યું-'મારો ફોન બંધ કરવો છે, તારું સિમકાર્ડ આપ’ ને પોલીસનું દિમાગ ચકરાવે ચડ્યું

અમદાવાદ24 દિવસ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય
  • કૉપી લિંક

શરીરમાં એક ટાંકણી પણ વાગી નહોતી, પણ આ અકસ્માતમાં બંનેના પગમાં ઇજા થઈ, આપણું શરીર આખું પગ પર ટકેલું છે. હવે આ બન્ને પગ કેટલા મહિને અને કેવી રીતે સાજા થશે? અમે હવે કેવી રીતે ચાલી શકીશું કે મારા પતિ ઓફિસ કેમ જઈ શકશે? ઘણા પ્રોબ્લેમ છે...ભગવાનની દયાથી અમે બચી ગયા. આ શબ્દો છે સોલા રેલવે ઓવરબ્રિજ પાસે BMW(GJ-01-KV-1008)એ, જેને 7 ફૂટ ઊંચે ઉડાવ્યા, તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં મેઘાબેન સિંઘલના.

1 માર્ચ, 2023ના રોજ સાડાનવ વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરમાં આવેલા સોલા રેલવે ઓવરબ્રિજ પાસે BMW કારચાલકે રસ્તે જતાં દંપતીને અડફેટે લીધાં હતાં. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી એક પાસબુક તથા દારૂની બેટલો પણ મળી હતી, જેમાં પાસબુક પર સત્યમ શર્મા નામ લખેલું જોવા મળ્યું હતું. અકસ્માતમાં ગંભીર ઈજા થયા બાદ મેઘનાબેન સિંઘલ(ઉં.વ.40) અને અમિતભાઈ સિંઘલ(ઉં.વ.44) નામના દંપતીને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

આ આખી ઘટના કઈ રીતે બની એ અંગે દિવ્ય ભાસ્કરે અકસ્માતમાં ભોગ બનેલાં મેઘાબેન સિંઘલ અને અમિતભાઈ સિંઘલ સાથે જ્યારે ભાગીને રાજસ્થાન પહોંચેલા બિલ્ડર શ્રીકૃષ્ણ શર્માના પુત્ર સત્યમ સુધી પોલીસ કેવી રીતે પહોંચી એ અંગે જાણવા દિવ્ય ભાસ્કરે ક્રાઈમ બ્રાન્ચના PI એમ.એસ.ત્રિવેદી સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી.

‘હું 7 ફૂટ ઊંચે હવામાં ઊડી ફેંકાઈ ગઈ, પતિના પગ પર ટાયર ફરી વળ્યું’
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મેઘાબેન સિંઘલે એ દિવસના ઘટનાક્રમ અંગે વાત કરતાં જણાવ્યું હતુું કે બાળકોની પરીક્ષા પતી હોવાથી અને હોળીનો તહેવાર નજીક આવતો હોવાથી હું અને મારા પતિ બંને રાત્રે 9:30ની આસપાસ પિચકારી અને કપડાંના ઢગલાની દુકાન હોવાથી મારા છોકરા માટે એ જોવા માટે અને હોળી નિમિત્તે કામવાળાને કપડાં આપવા માટે લેવા ગયાં હતાં. કપડાં અને પિચકારી જોઈને પાછા ફરતાં હતાં, હજુ રોડ ઉપર પહોંચ્યાં નહોતાં એ પહેલાં એક ગાડી આવી અને ડિવાઇડરથી ટકરાઈને મેદાનમાં આવી અને સૌથી પહેલા મને ઉડાવી ને મારા પતિના પગ ઉપરથી ગાડીનું ટાયર ફરી વળ્યું. જેથી અમને બંનેને ઘણી ઇજાઓ થઈ. હું 7 ફૂટ ઊંચે હવામાં ઊડીને બીજી તરફ ફેંકાઈ ગઈ હતી.

હિટ એન્ડ રનમાં ઘાયલ થયેલા અમિતભાઈ સિંઘલ અને તેમનાં પત્ની મેઘાબેન.
હિટ એન્ડ રનમાં ઘાયલ થયેલા અમિતભાઈ સિંઘલ અને તેમનાં પત્ની મેઘાબેન.

‘અમને ઉડાવીને ઊભા કરવા કે બચાવવાને બદલે તે ત્યાંથી નાસી છૂટ્યો’
ઉડાવ્યા બાદ BMWના ચાલકના વર્તન અંગે મેઘાબેને કહ્યું હતું કે ગાડીનો ચાલક અમને ઉડાવીને ઊભા કરવા કે બચાવવાને બદલે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને કારણે આજુબાજુ ભેગા થઈ ગયેલા લોકો તેને પકડવા તેની પાછળ દોડ્યા હતા, પરંતુ તે નાસી છૂટ્યો હતો, ત્યાં મને ભયાનક પીડા થતાં મેં હાજર લોકોને 108ને ફોન કરવા કહ્યું, ત્યાર બાદ 108 આવતાં અમને બંનેને ઝાયડ્સ હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યાં હતાં અને બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

‘મારે 3 મહિના પથારીવશ રહેવાનો વારો આવ્યો, હાડકાં પણ તૂટી ગયાં’
પતિ અને પોતાની પીડા અંગે વાત કરતાં મેઘાબેને જણાવ્યું હતું કે આ અકસ્માતના કારણે મારા પતિના જમણા ઘૂંટણના ભાગમાં જ્યારે મને ડાબા પગના ઘૂંટણના ભાગે ફ્રેક્ચર થયું હતું, જેથી ઓપરેશન કરવું પડ્યું છે. અમારા પગનાં હાડકાં પણ તૂટી ગયાં છે. પારકી મુસીબતને કારણે અમારે ઘણુંબધું સહન કરવું પડી રહ્યું છે. મારા પતિ દોઢ મહિના સુધી ઓફિસ જઈ શકશે નહીં, જ્યારે મારે 3 મહિના પથારીવશ રહેવાનો વારો આવ્યો છે. એને કારણે નાનામાં નાનું કામ કરવા બીજા લોકોની મદદ લેવી પડે છે.

અકસ્માત પહેલાંની તસવીરમાં ખુશખુશાલ દંપતી મેઘાબેન અને અમિતભાઈ.
અકસ્માત પહેલાંની તસવીરમાં ખુશખુશાલ દંપતી મેઘાબેન અને અમિતભાઈ.

‘અમને ઘણુંબધું નુકશાન થયું છે, જે અમે જ જાણીએ છીએ’
મેઘાબેને આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાની માગ કરતાં કહ્યું હતું કે પોલીસ પાસે અમને આશા છે કે આરોપી સામે પોલીસ કડક પગલાં લે અને કડકમાં કડક સજા કરવામાં આવે. જેથી બીજા છોકરાઓને ખબર પડે કે દારૂ પીને ગાડી ના ચલાવાય. આટલી સ્પીડથી ગાડી ના ચલાવી જોઈએ. બ્રિજ ઉપર લખેલું છે કે 40થી વધારે સ્પીડથી ગાડી નથી ચલાવવાની તોપણ એ માણસ 140થી 180ની સ્પીડે ગાડી ડ્રાઈવ કરતો હતો, એટલે આવું બીજા લોકો કરે તો તેમને પણ પાઠ ભણાવવો જોઈએ કે દારૂ પીને ગાડી ના ચલાવી જોઈએ. એને કારણે તેમને તો નુકસાન છે જ પણ બીજા રાહદારીઓને પણ ઘણું નુકસાન છે. ભગવાનની દયાથી અમે બચી તો ગયા છીએ, પણ આ અકસ્માતના કારણે અમારી લાઈફમાં ઘણુંબધું નુકસાન થયું છે, જે અમે જ જાણીએ છીએ.

દંપતીને ઉડાવીને નાસી છૂટ્યા બાદ આરોપી સત્યમ શર્મા ટ્રાફિક-પોલીસ અને સોલા પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. ત્યાર બાદ આ કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો અને ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડીને 24 કલાકમાં જ સત્યમને ઝડપી લીધો હતો. બિલ્ડર પુત્ર સત્યમને ક્રાઇમ બ્રાન્ચે ક્યાંથી અને કેવી રીતે પકડ્યો એ અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI એમ.એસ.ત્રિવેદી સાથે વાત કરી હતી.

સત્યમની ગર્લફ્રેન્ડ અને એક મિત્રોની પાછળ ટીમ લગાવી
ક્રાઈમ બ્રાન્ચના PI એમ.એસ.ત્રિવેદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમને DCP સાહેબે ટાસ્ક આપ્યો હતો કે આ આરોપી ત્રણ કે ચાર દિવસથી પકડાતો નથી. ટ્રાફિક પોલીસ અને સોલા પોલીસ પ્રયત્ન કરી રહી છે પણ આરોપી હાથ લાગ્યો નથી. DCP સાહેબ અમને કીધું કે 24 કલાકમાં આરોપીને આપણે પકડવાનો છે. ત્યારબાદ અમારી 6 ટીમ કામે લાગી અને ટ્રાફિક પોલીસ પાસેથી અમે સત્યમ શર્માનો કોન્ટેક્ટ નંબર અને તેના મિત્રો, ફેમિલિની વિગત લીધી. ત્યાર બાદ સત્યમ શર્માએ અકસ્માત કર્યા પછી સત્યમે જે જે લોકોનો સંપર્ક કર્યો હતો, તે ફેમિલી, મિત્રો અને ગર્લફ્રેન્ડ પર ચાંપતી નજર રાખી હતી અને દરેક લોકો પર નજર રાખવા માટે બે કોન્સ્ટેબલ રાખ્યા હતા, એટલે કોઈપણ ભોગે આ લોકોને સત્યમનો કોન્ટેક્ટ થાય તો તુરંત અમારી પાસે માહિતી આવી શકે. સત્યમ પાસે લિમિટેડ કેશ જ હતી એટલે પૈસા માટે કે પછી ઓનલાઇન પેમેન્ટ માટે તેના મિત્ર કે ફેમિલી કોઈને ફોન કરે તો તુરંત જ તેને ટ્રેક કરી શકીએ.

સત્યમ શર્માનો ફાયરિંગ કરેલો વીડિયો પણ વાઈરલ થઈ ચૂક્યો છે.
સત્યમ શર્માનો ફાયરિંગ કરેલો વીડિયો પણ વાઈરલ થઈ ચૂક્યો છે.

ગર્લફ્રેન્ડે વટાણા વેરી દેતાં પોલીસને હાથવેંત જ છેટો લાગ્યો સત્યમ
PI એમ.એસ.ત્રિવેદીએ સત્યમ ક્યાં ગયો હોઈ શકે એની શંકા પહેલીવાર ક્યારે પડી એ અંગે કહ્યું,આ સાથે જ અમે સત્યમના ચાર-પાંચ મિત્રોને કહ્યું કે તમારે અમને મદદ કરવી પડશે અથવા તો ગુનામાં અંદર જવું પડશે, એટલે સત્યમના ખાસ મિત્રો કોણ કોણ હતા અને કોને કોન્ટેક્ટ કરી શકે એની ડિટેઇલ તેના મિત્રો પાસેથી એક પછી એક મેળવી. જ્યાં પણ તેઓ કહે ત્યાં બે કોન્સ્ટેબલ સાથે રાખીને અમે તપાસ કરતા હતા અને તેના મિત્રો થકી જ ખબર પડી કે તેની એક ગર્લફ્રેન્ડ પણ છે. સત્યમે અકસ્માત પછી તેની ગર્લફ્રેન્ડનો કોન્ટેક્ટ કર્યો હોઈ શકે છે. તે સંભાવનાને આધારે અમે સત્યમની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યા અને તેની પૂછપરછ કરતાં સત્યમની ગર્લફ્રેન્ડ જણાવ્યું કે અકસ્માતનો બનાવ બન્યો એ દિવસે સત્યમ મારા ઘરે આવ્યો હતો અને મારું સિમકાર્ડ માગતો હતો, તેણે મને કહ્યું કે હું રાજસ્થાન જવાનો છું. મારો ફોન બંધ કરવો છે, માટે તારું સિમકાર્ડ આપ, પણ મેં તેને મારું સિમકાર્ડ ના આપ્યું એટલે ત્યાંથી અમને શંકા ગઈ કે રાજસ્થાન ગયો હોઈ શકે છે.

રાજસ્થાનમાં રહેવાની વ્યવસ્થા કોણે કરી?
મિત્રએ કઈ રીતે પોલીસને સત્યમ સુધી પહોંચાડી એ અંગે PI એમ.એસ.ત્રિવેદીએ કહ્યું હતું કે એક પછી એક તેના મિત્રોની પૂછપરછ કરતા હતા ત્યારે અમે નંદુ નામનો સત્યમનો મિત્ર મળ્યો તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે અકસ્માત બાદ સત્યમ શર્મા મને મળ્યો હતો. તેણે મને કહ્યું હતું, 10-15 દિવસ આ માહોલ શાંત થાય ત્યાં સુધી મારે કોઈ ફાર્મહાઉસ કે ખેતર હોય તો રહેવું છે. મારી પાસે લિમિટેડ કેશ જ છે. નંદુએ તેને રાજસ્થાનના એક મિત્રનો કોન્ટેક્ટ કરાવ્યો હતો. રાજસ્થાનની વ્યક્તિ પાસે ફાર્મહાઉસ કે ખેતરમાં રહેવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. જોકે આ રાજસ્થાનની વ્યક્તિએ સત્યમને કહ્યું કે હું તને એ રીતે નહીં રાખું, તને સામાન્ય હોટલ જોઈતી હોય તો તને બતાવું, ઢાબા જેવી હોટલ હતી, તેની વ્યવસ્થા કરી હતી અને ત્યાર બાદ આ નંદુ સત્યમને રાજસ્થાન ઉતારવા ગયો હતો.

રાજસ્થાનમાં પોલીસ પકડમાં આવ્યા બાદ સત્યમ શર્મા(વચ્ચે)
રાજસ્થાનમાં પોલીસ પકડમાં આવ્યા બાદ સત્યમ શર્મા(વચ્ચે)

ઓવર ડ્રિકિંગથી સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
PIએ આગળ જણાવ્યું હતું કે સત્યમ અને તેનો એક મિત્ર મહાવીર ગાડીમાં બેસીને ચાલુ ગાડીએ ડ્રાઇવિંગ દરમિયાન ડ્રિંક કરતા હતા. તેણે પોલીસને કહ્યું હતું કે ગાડીની વધારે સ્પીડ હતી અને વધારે દારૂ પીધો હોવાથી સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. એક્સિડન્ટ કર્યા પછી ગભરાવાથી બે-ત્રણ ડિવાઇડર સાથે પણ તે અથડાયો હતો અને અકસ્માત કર્યા બાદ તે એક દિવસ અમદાવાદમાં જ હતો. તેની ગાડી લઈને મિત્રોના ઘરે તેમજ તથા આમ તેમ ફરતો હતો. આ ઘટનાએ વધારે ચર્ચા જગાવતાં જ તે ડરી ગયો હતો.

ઓફિસ નહીં જઈ શકું તો પૈસામાં તંગી આવશે, બિઝનેસમાં અસર થશે
જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલાં મેઘાબેનના પતિ અમિત સિંઘલે જણાવ્યું હતું કે હું છેલ્લાં 44 વર્ષથી અમદાવાદમાં રહું છું. મારો ઓટોપાર્ટ્સનો બિઝનેસ છે. જો હું મારો બિઝનેસ નહીં કરી શકું તો મને બહુ પ્રોબ્લેમ આવશે. મને ચાલતા દોઢ મહિના જેટલો સમય લાગશે. મારા પગમાં અકસ્માતને કારણે બે સ્ક્રૂ લગાવવામાં આવ્યા છે, જેથી હું મારા પગ જમીન પર નથી મૂકી શકતો. હું આ અકસ્માતના કારણે વ્હીકલ પણ નહીં ચલાવી શકું. અકસ્માતના કારણે હવે મારે બીજા પર થોડા સમય માટે નિર્ભર રહેવું પડશે. મારી ઓફિસ નારોલમાં આવેલી હોવાથી હું ઓફિસ કેવી રીતે જઈશ? મારા બિઝનેસ માટે હું ઓફિસ ના જઈ શકું તો મને બધી બાજુથી તંગી આવશે, પૈસામાં તંગી આવશે, બિઝનેસમાં તેની અસર થશે. આ અકસ્માતના કારણે ઘણો ખર્ચ પણ થઈ ગયો છે. ફાસ્ટ ગાડી ચલાવે તેમનું લાઇસન્સ રદ કરવું જોઈએ, તેમને જિંદગીમાં ક્યારેય પણ લાઈસન્સ ના આપવું જોઈએ.

અકસ્માત પહેલાં મિત્ર સાથે કારમાં દારૂ પીધો
અકસ્માત બાદ FSLના આવ્યા પહેલાં જ પોલીસે કારમાં પ્રવેશી પુરાવા સાથે છેડછાડ કર્યાની લોકમુખે ચર્ચા થઈ રહી હતી. આ સાથે વીડિયોમાં પણ પોલીસ કારમાં બેસી ભાજપનો ખેસ છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. આ ઉપરાંત પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે અકસ્માત થયા પહેલાં આરોપી સત્યમ શર્માએ તેના મિત્ર મહાવીર સાથે કારમાં બેસીને દારૂ પીધો હતો. એ બાદ દારૂના નશામાં કાર ચલાવી સોલાના વેદાંત શ્રીજી લિવિંગ હોમમાં રહેતાં દંપતીને હડફેટે લીધું હતું. આ કેસમાં સોલા પોલીસે, ટ્રાફિક-પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી.

ફાયરિંગ કર્યું, કાર પણ 160થી વધુની સ્પીડે ચલાવી
સત્યમ શર્માના સોશિયલ મીડિયા પરથી અનેક વીડિયો સામે આવ્યા હતા, જેમાં સત્યમ રિવોલ્વર વડે ફાયરિંગ કરી રહ્યો હતો. ગાડીની સ્પીડ 160થી વધુ દેખાઈ રહી હતી. ગાડીમાં પણ સત્યમે સ્ટંટ કર્યા હતા. સમગ્ર સોશિયલ મીડિયા તથા એમાંથી સામે આવેલા વીડિયો મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. વીડિયો અને સોશિયલ મીડિયા અંગે FSL પણ તપાસ કરી રહી છે. વીડિયો અંગેની પૃષ્ટિ થતાં પોલીસ દ્વારા સત્યમ વિરુદ્ધમાં વધુ એક ગુનો નોંધવામાં આવી શકે છે.

તલવાર સાથે દંપતીને અડફેટે લેનારો સત્યમ શર્મા.
તલવાર સાથે દંપતીને અડફેટે લેનારો સત્યમ શર્મા.

લક્ઝુરિયસ લાઇફ જીવે છે સત્યમ
સત્યમની ફેસબુક-ઈન્સ્ટા પ્રોફાઈલ ચેક કરતાં જાણવા મળ્યું કે તે એક આલીશાન જિંદગી જીવે છે, તેની પાસે અનેક કારનું કલેક્શન છે. સત્યમના પોતાની કાર પર સ્ટન્ટ કરતા વીડિયો પણ ફેસબુક પર અપલોડ કર્યા છે. BMW સિવાય તેની પાસે મહિન્દ્રાની SUV, ટોયોટા, હ્યુન્ડાઈ સહિત અનેક લક્ઝુરિયસ કારનું કલેક્શન છે. 2016થી સત્યમ RSS સાથે જોડાયેલો છે.

સત્યમની કારમાં દારૂની બોટલ અને દારૂ ભરેલા ગ્લાસ.
સત્યમની કારમાં દારૂની બોટલ અને દારૂ ભરેલા ગ્લાસ.

IPC 307 મુજબ ગુનો કેમ નહીં?
આરોપી સત્યમ શર્માએ દારૂના નશામાં બેજવાબદારીપૂર્વક કાર હંકારીને પતિ-પત્નીને મોતને ઘાટ ઉતારનો પ્રયાસ કર્યો હોવાનું સ્પષ્ટ થયું છે છતાં ટ્રાફિક-પોલીસે બિલ્ડર પુત્ર સામે IPC 307 હત્યાના પ્રયાસનો ગુનો ન નોંધીને આરોપીને બચાવવા માટે માત્ર સામાન્ય અકસ્માતની ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી. મહત્ત્વનું એ છે કે દારૂ પીધેલી વ્યક્તિનો ટેસ્ટ 48 કલાકમાં કરાવવામાં આવે તો આલ્કોહોલનું પ્રમાણ સામે આવી શકે, પરંતુ બિલ્ડરપુત્ર હોવાથી જાણીજોઈને પોલીસે 96 કલાકે ધરપકડ કરી હતી, જેથી ટેસ્ટ કરાવે તો આલ્કોહોલનું પ્રમાણ ઝીરો આવે.

અન્ય સમાચારો પણ છે...