ભાસ્કર એક્સક્લૂસિવરસપ્રદ છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષની ખુરશીનો ઈતિહાસ:આ રાજાએ આપી હતી ભેટ, ત્રણ લોકો પણ ખુરશી ખસેડી શકતા નથી, એક દિવસ કેમ ગૃહની બહાર મૂકી હતી?

ગાંધીનગર17 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે
  • કૉપી લિંક

વર્ષોથી ગુજરાત વિધાનસભાની એક ખુરશી આપણે જોતા આવી છીએ. આ ખુરશીમાં લાલ રંગની ગાદી લાગેલી છે. જ્યારે ખુરશીની ઉપર અશોક સ્તંભ છે. વિધાનસભા અધ્યક્ષ ગૃહમાં એવા ઊંચા સ્થાન પર બેસે છે કે જ્યાંથી તેઓ આખા ગૃહને પ્રભાવિત કરી શકે છે. તેઓ ડાયસ પર જડેલી વિસ્તૃત કોતરણીવાળી લાકડાની ભવ્ય કલાત્મક ખુરશી પર બેસે છે, જેથી તેમની અધ્યક્ષ તરીકેની ગૃહની કાર્યવાહીના નિયમનની ફરજો બજાવવા માટે આખા ગૃહનું અગ્રીમ દૃશ્ય તેમની નજર સમક્ષ રહે. પરંતુ ક્યારેય તમને સવાલ થયો છે કે આ ખુરશી ક્યાંથી આવી છે? આ ખુરશી અને પાયાની હાઇટ કેટલી છે? આ ખુરશી કેટલી જૂની છે? આ તમામ સવાલોના જવાબ અને ખુરશીનો ઇતિહાસ અને ખુરશી આપનારા મહારાજા કોણ હતા એ અંગે દિવ્ય ભાસ્કર સૌથી પહેલીવાર આ એક્સક્લૂઝિવમાં રિપોર્ટમાં જણાવી રહ્યું છે.

આ ખુરશીનો રસપ્રદ ઇતિહાસ જાણવા માટે દિવ્ય ભાસ્કરે વિધાનસભાનાં જૂનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા સાથે વાત કરી હતી. ખુરશીનો ઇતિહાસ જાણવા માટે સૌથી પહેલા ગુજરાતનો થોડો રાજકીય અને ભૌગલિક ઇતિહાસ જાણવો જરૂરી છે અને આ ઇતિહાસમાં જ ખુરશીના પાયા છે.

સૌરાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અને પહેલા સ્પીકર
આઝાદી પહેલાંના ‘કાઠિયાવાડ’માં નાનાં-મોટાં રજવાડાં હતાં અને વિસ્તારોની મુખ્ય ઓળખ સોરઠ, ઝાલાવાડ, ગોહિલવાડ, હાલાર, અમરેલી અને મધ્ય સૌરાષ્ટ્ર તરીકે રહેતી. પછી સ્વતંત્રતા આવી અને 1952માં સૌરાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચૂંટણી બાદ સરકાર રચાઇ અને ઉછરંગરાય નવલશંકર ઢેબર મુખ્યમંત્રી તો બળવંતરાય મહેતા નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે જામનગર (તાલુકા) સીટ પરથી ચૂંટાયેલા મગનલાલ જોષી વિધાનસભાના સ્પીકર બન્યા. હવે સૌરાષ્ટ્ર વિધાનસભા તો અસ્તિત્વમાં આવી ગઈ અને સરકાર પણ બની ગઈ હતી.

કયા રાજાએ આપી હતી આ ખુરશી?
જ્યારે સૌરાષ્ટ્ર વિધાનસભાની રચના થઈ ત્યારે અધ્યક્ષની ખુરશીનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આ પ્રશ્નનો હલ ધ્રાંગધ્રા નરેશ સર મયૂરધ્વજસિંહજી દ્વારા પોતાના રાજ્યની વિધાનસભા માટે ખાસ તૈયાર કરાવેલી લાકડાની સુંદર ખુરશીનો સૌરાષ્ટ્ર વિધાનસભામાં ઉપયોગ કરવા આપી. ત્યાર બાદ 1 નવેમ્બર 1956ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યનું બોમ્બે સ્ટેટમાં વિલીનીકરણ કરી દેવામાં આવ્યું. સૌરાષ્ટ્રના વિલીનીકરણ સમયે અધ્યક્ષની આ ખુરશી જાહેર બાંધકામ ખાતાને સોંપવામાં આવી હતી.

વિધાનસભા અધ્યક્ષની ખુરશી અને ઇન્સેટમાં ચેર આપનારા ધ્રાંગધ્રાના મહારાજા મયૂરધ્વજસિંહજી.
વિધાનસભા અધ્યક્ષની ખુરશી અને ઇન્સેટમાં ચેર આપનારા ધ્રાંગધ્રાના મહારાજા મયૂરધ્વજસિંહજી.

કયા લાકડામાંથી બનાવી છે ખુરશી? વિધાનસભા અધ્યક્ષની આ ખુરશી સાગના લાકડામાંથી બનાવવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, ખુરશીનું વજન જ એટલું છે કે ત્રણ-ત્રણ લોકોથી પણ આ ખુરશીને ખસેડી શકાતી નથી.

ખુરશીના વિવિધ ભાગોની સાઈઝ

  • ખુરશીની ઊંચાઈ- 66.5 ઇંચ
  • ખુરશી પરની ગાદીનું માપ-25.5 ઇંચ
  • ગાદીની લંબાઈ અને પહોળાઈ - 20 બાય 19 ઇંચ
  • ખુરશીના પાયાની ઊંચાઈ-16 ઇંચ
  • ખુરશી પરના રાષ્ટ્રીય ચિહ્નની ઊંચાઈ-11 ઇંચ
  • ખુરશીમાં ટેકો રાખવાની માટે જગ્યાની ઊંચાઈ- 40.5 ઇંચ

ગુજરાત વિધાનસભાના પહેલા સ્પીકર બેઠા ખુરશી પર
ત્યાર બાદ 1, મે 1960ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું. ભાષા આધારિત વિભાજનમાં ગુજરાતી બોલતા પ્રદેશો એક કરીને રાજ્ય બનાવવામાં આવ્યું. બૃહૃદ મુંબઈના ભાગલા પડવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ-અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ત્યાર બાદ 18 ઓગસ્ટ, 1960ના રોજ બપોરે 1 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં ગુજરાતના પહેલા વિધાનસભા અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા અને તેઓ પણ આ જ ખુરશી પર બેઠા હતા.

ખુરશીની સાથે ગાંધીજીનું તૈલ ચિત્ર પણ ભેટમાં મળ્યું
વિધાનસભા અધ્યક્ષને બેસવા માટે ખુરશી જ્યારે ગુજરાત સરકારને ભેટ મળી તે સમયે ગાંધીજીના એક તૈલચિત્રની પણ ગુજરાત સરકારને ભેટ આપવામાં આવી હતી. આ તૈલચિત્ર સાગનું બનેલું છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના તૈલચિત્રની ગુજરાત વિધાનસભામાં અનાવરણ વિધિ બાદ ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક મળી હતી.

વિધાનસભાની ખુરશી અને પાછળ લગાવવામાં આવેલું ગાંધીજીનું તૈલચિત્ર.
વિધાનસભાની ખુરશી અને પાછળ લગાવવામાં આવેલું ગાંધીજીનું તૈલચિત્ર.

અમદાવાદની નવી સિવિલમાં ચાલતી વિધાનસભાની કામગીરી
મુંબઇ સ્ટેટમાંથી ગુજરાતનું વિભાજન થતાં રાજ્ય કાયમી પાટનગર વગરનું બની ગયું હતું અને અમદાવાદને તેનું કામચલાઉ પાટનગર બનાવવામાં આવ્યું. અમદાવાદ ખાતે નવી સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગના હાલના ઓ.પી.ડી. વિભાગમાં વિધાનસભાની કામગીરી ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડો. જીવરાજ મહેતા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા તથા કલ્યાણજી મહેતા વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા. ગુજરાત વિધાનસભાના પહેલા અધ્યક્ષ કલ્યાણજી મહેતા જ આ જ ખુરશી પર બેસતા હતા.

અમદાવાદથી ગાંધીનગર ખસેડાયું વિધાનસભા ગૃહ
વર્ષ 1971 સુધી રાજ્યના પાટનગરને લગતી તથા વિધાનસભાની કામગીરી અમદાવાદમાં જ થતી હતી. ત્યારબાદ રાજ્યના વહીવટી તંત્રને મહાત્મા ગાંધીના નામથી વસાવવામાં આવેલા શહેર ગાંધીનગર ખાતે વર્ષ 1971માં ખસેડવામાં આવ્યું હતું. અમદાવાદથી ગાંધીનગર ખાતે ખસેડવામાં આવેલી વિધાનસભા માટે જગ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાને કારણે વિધાનસભાને પણ જ્યાં સુધી એનું પોતાનું નવું ભવન બંધાય નહિ ત્યાં સુધી સેક્ટર 17માં આવેલા મધ્યસ્થ ગ્રંથાલયમાં જરૂરી ફેરફારો કરીને વધુ એક વખત કામચલાઉ વ્યવસ્થા તરીકે 11 ફેબ્રુઆરી 1971ના રોજ ખસેડવામાં આવી હતી. આમ, અમદાવાદ ખાતે ચાલતા વિધાનસભા ભવનને ખસેડીને ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યું હતું. ત્યારથી લઈ અત્યાર સુધી એટલે કે 52 વર્ષથી ગાંધીનગરમાં વિધાનસભા ગૃહ કાર્યરત છે અને રાજ્યનો વહીવટ કરી રહ્યું છે.

અમદાવાદની નવી સિવિલમાં ચાલી રહેલા ગૃહમાં 3 ફેબ્રુઆરી 1969ના રોજ સંબોધન કરી રહેલા રાજ્યપાલ શ્રીમન્નારાયણ.
અમદાવાદની નવી સિવિલમાં ચાલી રહેલા ગૃહમાં 3 ફેબ્રુઆરી 1969ના રોજ સંબોધન કરી રહેલા રાજ્યપાલ શ્રીમન્નારાયણ.

એક સમયે ગ્રંથાલયમાં ચાલતી વિધાનસભા
ગ્રંથાલયમાં કામ ચલાઉ રીતે ચાલી રહેલા વિધાનસભા ગૃહને 20 માર્ચ 1978ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. નીલમ સંજીવ રેડ્ડીએ મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલ (સરદાર પટેલના ભાઈ અને એક સમયના પ્રખ્યાત બેરિસ્ટર)ની યાદગીરીમાં તેમના નામના નવા વિધાનસભાના ભવન વિઠ્ઠલભાઈ પટેલ ભવનની આધારશિલા મૂકી હતી. ભવનનું બાંધકામ વર્ષ 1982માં પૂર્ણ થયું હતું અને 8 જુલાઈ 1982ના રોજ તત્કાલીન રાજ્યપાલ શ્રીમતી શારદા મુખર્જીના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું હતું એ સમયથી ગુજરાત વિધાનસભાની કામગીરી એના પોતાના ભવનમાં કરે છે.

વિધાનસભા અધ્યક્ષ બદલાયા પણ ખુરશી એની એ જ
ગુજરાત વિધાનસભાની શરૂઆત થઈ ત્યારથી એક જ ખુરશી પર વિધાનસભા અધ્યક્ષ બેસે છે. વર્ષ 1960થી અત્યાર સુધી એટલે કે વર્ષ 2023 સુધી કુલ 23 જેટલા અધ્યક્ષ વિધાનસભામાં પદ શોભાવી ચૂક્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ તમામ અધ્યક્ષ જે ખુરશી પર બેઠા છે તે ખુરશી તો એ જ છે જે અગાઉ ધ્રાંગધ્રા નરેશ દ્વારા ભેટ આપવામાં આવી છે. જો કે આ ખુરશીઓની જરૂર જણાયે પોલિશ્ડ કરવામાં આવી છે. પરંતુ ગુજરાત વિધાનસભાનાં છેલ્લાં 63 વર્ષથી એક જ ખુરશી અધ્યક્ષને બેસવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

એક દિવસ માટે ખુરશી મહાત્મા મંદિરે લઈ જવાઈ હતી
વર્ષ 2017માં વિધાનસભા ભવનનું રિનોવેશન ચાલી રહ્યું હતુ એ સમયે ગૃહની પણ મરામત કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આ સંજોગોમાં એક દિવસ પૂરતું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિધાનસભા ગૃહ ઊભું કરવામાં આવ્યું હતું. તમામ ધારાસભ્યો માટેની બેઠક વ્યવસ્થા પણ મહાત્મા મંદિર ખાતે હોલમાં ઊભી કરવામાં આવી હતી એ સમયે અધ્યક્ષની ખુરશીને પણ મહાત્મા મંદિર ખાતે લઈ જવામાં આવી હતી. વિધાનસભા ભવનનું મરામત કામ પૂરું થયા બાદ યથાવત્ સ્થિતિમાં ખુરશી ફરીથી રાખવામાં આવી હતી.

વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી.
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી.

ખુરશી ખસી શકે તેમ ન હોવાથી અધ્યક્ષોને અગવડ પડતી
ખુરશીની અનોખી ખાસિયતોને કારણે જ અત્યાર સુધી અધ્યક્ષ પદ શોભાવી ચૂકેલા મોટાભાગના અધ્યક્ષને બેસવા માટે અગવડ ભોગવવી પડતી હતી કેમ કે ખુરશી ખસી શકે તેવી ન હોવાથી અધ્યક્ષ બેસે છે ત્યાં રાખવામાં આવેલા ટેબલને અનુરૂપ થઈ શકતું નહોતું. જો કે અલગ અલગ અધ્યક્ષ પોતપોતાની રીતે એડજસ્ટમેન્ટ કરી અને ગૃહની કાર્યવાહી ચલાવતા હતા. વર્ષ 2018માં અધ્યક્ષપદનું સુકાન સંભાળનારા રાજેન્દ્ર ત્રિવેદીને પણ આ તકલીફ થઈ એટલે ખુરશીને યોગ્ય રીતે બેસવા લાયક કરી શકાય તે માટે શું પ્રયાસો કરવા તે અંતર્ગત વિચારણા કરવા માટે આર એન્ડ બી વિભાગના અધિકારીઓ અને આર્કિટેક્ટને બોલાવ્યા હતા અને ખુરશી કેવી રીતે અધ્યક્ષ ટેબલને અનુરૂપ કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી.

‘મૂળ સ્થિતિમાં ફેરફાર કર્યા વિના હલી શકે તેવી વ્યવસ્થા કરાઈ’
આ અંગે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા અલગ થઈ તે સમયે ધ્રાંગધ્રાના રાજાએ સરકારને આ ખુરશી ભેટ આપી હતી. હાલ સ્પીકર બેસે છે તે ખુરશી ભેટ આપવામાં આવી હતી. ખુરશી ભેટ આપવામાં આવી છે તે જ રીતે તેને મૂકવામાં આવી છે. પરંતુ આ ખુરશી હાલી-ચાલી શકે તેવી નહોતી અને તેની પાછળનાં કારણો એ છે કે તે ખુરશી વજનદાર છે. આ ખુરશી મુકાઈ ત્યારે સ્પીકર સામે 181 ધારાસભ્યો કેવી રીતે બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ આ ખુરશી હાલી-ચાલી શકે તેમ ના હોવાથી આર્કિટેક્ટને બોલાવી તેની મૂળ સ્થિતિમાં ફેરફાર ના થાય તે રીતે થોડી આગળ-પાછળ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખુરશી ખૂબ વિશેષ છે.

વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી.
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી.

ખુરશી નહીં પણ હવે ખુરશીની ગાદી ખસી શકે છે
આર્કિટેક્ટ તેમજ આર એન્ડ બી અને તત્કાલીન વિધાનસભા અધ્યક્ષના પ્રયાસોથી અંતે નક્કી કરવામાં આવ્યું કે, ખુરશી ભારે વજનવાળી હોવાને કારણે તે તો ખસી શકશે નહીં. પરંતુ ખુરશીમાં બેસવા માટેની ગાદી ખસે તેવી વ્યવસ્થા કરી શકાય તેમ છે. આ પ્રકારની વ્યવસ્થા કરવા માટે અંતે ખુરશીમાં બેસવા માટેની સીટ (ગાદી) ખસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવી એટલે ખુરશીની ગાદી નીચે એક ચેનલ (રસોડાનું ફર્નિચર માટે વપરાતી વસ્તુ) ફિટ કરવામાં આવી. આ પ્રક્રિયા બાદ હવે જે વિશેષ ખુરશી પર અધ્યક્ષ બેસે છે તેની સીટ હવે આગળ અને પાછળ ભલે થઈ શકે છે પરંતુ ખુરશી 1 મિ.મી. પણ ખસી શકતી નથી.

‘રાજા વિક્રમાદિત્યના સિંહાસન જેવી આ ખુરશી’
આ અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સંવિધાનની જાળવણી અને પ્રજા હિતના રક્ષણ અને એ પણ વિધાયકોના માધ્યમથી રક્ષણ કરવાની આ જગ્યા છે. તટસ્થતા એનો મુખ્ય આધાર છે. ખાસ કરીને રાજા વિક્રમાદિત્યના સિંહાસન જેવું આ ખુરશીમાં પણ છે કે ત્યાં બેઠા પછી વ્યક્તિમાં તટસ્થતા , ન્યાયપ્રિયતા સહજતાથી આવી જ જાય છે. એ રાજાનો આજે પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે આ ખુરશી ગુજરાત વિધાનસભાને ભેટ આપી છે.

ધ્રાંગધ્રા-હળવદના મહારાજા મયૂરધ્વજસિંહજી મેઘરાજજી III.
ધ્રાંગધ્રા-હળવદના મહારાજા મયૂરધ્વજસિંહજી મેઘરાજજી III.

કોણ હતા ખુરશી આપનારા મયૂરધ્વજસિંહજી
મયૂરધ્વજસિંહજી મેઘરાજજી IIIનો જન્મ મહારાજા સર ઘનશ્યામસિંહજીના ઘરે 3 માર્ચ 1923ના રોજ ધ્રાંગધ્રામાં થયો હતો. તેઓએ પ્રાથમિક શિક્ષણ તેમના વતનમાં જ લીધું હતું અને ત્યાર બાદ તેઓ વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા હતા. 1942માં પિતા ઘનશ્યામસિંહજીના અવસાન બાદ મયૂરધ્વજસિંહજી ધ્રાંગધ્રાના રાજા બન્યા હતા. 1947માં ધ્રાંગધ્રા-હળવદ સ્ટેટને યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડમાં ભેળવી દેવામાં આવ્યું અને તેમનો આ વિસ્તાર સૌરાષ્ટ્રનો હિસ્સો બની ગયો. વર્ષ 1967માં તેઓ સુરેન્દ્રનગર લોકસભા સીટ પરથી સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટાઈને સંસદસભ્ય પણ બન્યા હતા. મહારાજા મયૂરધ્વજસિંહજીનું 1 ઓગસ્ટ, 2010ના રોજ 87ની વયે નિધન થયું હતું.

આ ખુરશી પર કયા કયા અધ્યક્ષ બેસી ચૂક્યા છે?

અધ્યક્ષકાર્યકાળ
કલ્યાણજી મહેતામે,1960થી ઓગસ્ટ-1960
માનસિંહ રાણાઓગસ્ટ,1960થી માર્ચ,1962
ફતેહઅલી પાલેજવાલામાર્ચ,1962થી માર્ચ,1967
રાઘવજી લેઉવામાર્ચ,1967થી જૂન,1975
કુંદનલાલ ધોળકિયાજૂન,1975થી માર્ચ,1977
મનુભાઈ પાલખીવાલા(કાર્યકારી)માર્ચ,1977થી એપ્રિલ-1977
કુંદનલાલ ધોળકિયાએપ્રિલ,1977થી જૂન,1980
નટવરલાલ શાહજાન્યુ-1980થી જાન્યુ-1990
કરશનદાસ સોનેરી(કાર્યકારી)જાન્યુ-1990થી જાન્યુ-1990
બરજોરજી પારડીવાલાજાન્યુ-1990થી માર્ચ-1990
શશીકાંત લાખાણીમાર્ચ,1990થી નવે.1990
મનુભાઈ પરમાર (કાર્યકારી)નવે.1990થી ફેબ્રુઆરી-1991
હિંમતલાલ મુલાણીફેબ્રુઆરી-1991થી માર્ચ,1995
એચ.એલ.પટેલમાર્ચ,1995થી સપ્ટે-1996
ચંદુભાઈ ડાભી (કાર્યકારી)સપ્ટે-1996થી ઓક્ટોબર-1996
ગુમાનસિંહ વાઘેલાઓક્ટો-1996થી માર્ચ-1998
ધીરુભાઈ શાહમાર્ચ-1998થી ડિસે-2002
પ્રો.મંગળદાસ પટેલડિસે.-2002થી જાન્યુ-2008
અશોક ભટ્ટજાન્યુ-2008થી સપ્ટે-2010
પ્રો.મંગળદાસ પટેલસપ્ટે-2010થી ફેબ્રુઆરી-2011
ગણપત વસાવાફેબ્રુ-2011થી ડિસેમ્બર-2012
વજુભાઈ વાળાજાન્યુ-2013થી ઓગસ્ટ-2014
ગણપત વસાવાનવે.-2014થી ઓગસ્ટ-2016
રમણલાલ વોરાઓગસ્ટ-2016થી ફેબ્રુઆરી-2018
રાજેન્દ્ર ત્રિવેદીફેબ્રુઆરી-2018થી સપ્ટેમ્બર-2021
નિમાબેન આચાર્યસપ્ટેમ્બર 2021થી નવેમ્બર-2022
શંકર ચૌધરી20 ડિસેમ્બર-2022થી અત્યાર સુધી
અન્ય સમાચારો પણ છે...