• Gujarati News
  • Dvb original
  • Cases Of Blackmailing From Nude Calls In Corona Increased By 500%; The Network Operates From Small Villages; The Net Extends From Rajasthan To Orissa

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:કોરોનામાં ન્યૂડ કોલ્સના બ્લેકમેઇલિંગ કેસમાં 500%નો વધારો; નાનાં ગામડાંમાંથી ઓપરેટ થાય છે આ નેટવર્ક; રાજસ્થાનથી ઓડિશા સુધી ફેલાયેલી છે જાળ

4 મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક
  • બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયર અવિનાશ બીએસએ બ્લેકમેઇલિંગના આ મામલાથી કટાળીને આત્મહત્યા કરી

કેસ-1
બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયર અવિનાશ બીએસ પર સોશિયલ મીડિયામાંથી એક કોલ આવે છે, જેમાં એક મહિલા ન્યૂડ થઈને વાત કરતી જોવા મળી છે. થોડા દિવસો પછી તે મહિલા પૈસાની માગણી કરવાનું શરૂ કરે છે. પૈસા ન આપવા પર તેને બદનામ કરવાની ધમકી આપવામાં આવે છે. આ વાતથી કંટાળીને અવિનાશ આ વર્ષની 23 માર્ચે સુસાઈડ કરી લે છે.

કેસ-2
ઉત્તરપ્રદેશમાં રામપુરના એક ભાજપના નેતા પર આ વર્ષે 22 એપ્રિલે આ પ્રકારનો અશ્લીલ કોલ આવે છે અને પછી તેમની પાસે પણ પૈસાની માગણી શરૂ થઈ જાય છે. પૈસા ન આપવા પર વીડિયો વાઈરલ કરવાની ધમકી આપવામાં આવે છે. તેઓ 24 મેના રોજ હિંમત કરીને પોલીસને આ અંગે ફરિયાદ કરે છે, તો સમગ્ર મામલો બહાર આવે છે.

આ બંને કેસોમાં એક વાત કોમન છે કે સોશિયલ મીડિયા પર અશ્વીલ કોલ કરીને કોઈ વ્યક્તિનો વાંધાજનક સ્થિતિમાં વીડિયો બનાવી લેવામાં આવે છે અને પછી તેને બ્લેકમેઇલ કરીને પૈસા વસૂલવામાં આવે છે. પોલીસ આ પ્રકારના સાયબર અપરાધને સેક્સટોર્શનનું નામ આપે છે. સેક્સટોર્શન એટલે કે સેક્સસંબધી કોઈપણ વીડિયો કે ચેટ દ્વારા પૈસા વસૂલવા.

આવા કેટલાક મામલાઓ પહેલાં પણ પ્રકાશમાં આવતા હતા. જોકે લોકડાઉન દરમિયાન આવા પ્રકારના મામલાઓ ઝડપથી વધ્યા છે. પોલીસ અધિકારી કહે છે કે આ પ્રકારના અપરાધોના આંકડાઓનું હાલ સંપૂર્ણ રીતે એનેલિસિસ કરવામાં આવ્યું નથી. જોકે સામાન્ય દિવસોની સરખામણીમાં સેક્સટોર્શનના મામલા પાંચ ગણા એટલે કે 500 ટકા વધ્યા છે.

શું હોય છે સેક્ટોર્શન?
સવાલ એ થાય છે કે માત્ર કોઈ અશ્વીલ વીડિયો-કોલ કરવાથી કોઈ વ્યક્તિને બ્લેકમેઇલ કરવાની શરૂઆત કઈ રીતે થાય છે?

પોલીસ અધિકારી આ અંગે જણાવે છે કે સોશિયલ મડિયા પર કોઈ વ્યક્તિ સાથે કઈ રીતે નજીકતા વધારવામાં આવે છે અને પછી તેને કઈ રીતે વીડિયો-કોલ પર આવવાની લાલચ આપવામાં આવે છે. વીડિયો કોલ પર તે માણસ સામે આવવા પર રેકોર્ડેડ પોર્ન વીડિયો એ રીતે ચલાવવામાં આવે છે કે તે લાઈવ જેવો લાગે છે. પોર્ન વીડિયો પ્લે કરવા દરમિયાન કોલ પર સામે આવેલી વ્યક્તિને કપડાં ઉતારવાનું કહેવામાં આવે છે અને પછી તેની સ્ક્રીનને રેકોર્ડ કરી લેવામાં આવે છે. પછી આ જ રેકોર્ડેડ સ્ક્રીન તે વ્યક્તિને મોકલીને બ્લેકમેઇલ કરવામાં આવે છે.

પીડિતા પાસેથી જાણો અપરાધીઓ દ્વારા પૈસા કઈ રીતે વસૂલવામાં આવે છે?
સેક્સટોર્શનનો શિકાર થયેલા યુપીના બીજેપી નેતાના અનુભવ પરથી એને વધુ સારી રીતે જાણી શકાય છે.
મારા ફેસબુક પ્રોફાઈલમાં એક મહિલા હતી. તેણે મને એક છોકરીની ઓળખાણ કરાવી. તેણે મારી સાથે એક-બે દિવસ મેસેન્જર પર એ રીતે વાત કરી કે હું વીડિયો કોલ પર આવવા માટે તૈયાર થઈ ગયો. એક દિવસ 11 વાગ્યાની આસપાસ તે છોકરીએ મને ન્યૂડ વીડિયો કોલ કર્યો. તેણે મારો વીડિયો રેકોર્ડ કરી લીધો. પછી બે દિવસ પછી મારી પાસે પૈસા માગવા લાગી.

પહેલાં તેણે વીસ હજાર રૂપિયા માગ્યા હતા. મેં વિચાર્યું વીસ હજારની વાત છે તો આપી દઉં, પછી મને લાગ્યું કે એક વખત પૈસા આપી દઈશ તો આગળ પણ બ્લેકમેઇલ કરવાનું ચાલુ રહેશે. આ કારણે બીજો કોલ આવવા પર મેં પોલીસને જાણકારી. પોલીસને માહિતી આપ્યા પછી પણ બ્લેકમેઇલરે પૈસા માગવાનું ન છોડ્યું. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી બનીને મને ફોન કરવામાં આવ્યો અને મને ધમકાવવામાં આવ્યો.

એ પછી પણ મેં પૈસા ન આપતાં બ્લેકમેઇલર્સે કહ્યું હતું કે તેમનો વીડિયો યુટ્યૂબ પર મૂકવામાં આવ્યો છે. મને કહેવામાં આવ્યું કે વીડિયો હટાવવા માગો છો તો યુટ્યૂબ કસ્ટરમર કેર પર વાત કરી લો. પીડિતને એક નંબર પણ આપવામાં આવ્યો, જેની પર કોલ કરીને કહેવામાં આવ્યું કે જો વીડિયો હટાવવા માગો છો તો યુટ્યૂબની પ્રોસેસિંગ ફી આપની પડશે.

ઉત્તરપ્રદેશના રામપુરમાં ન્યૂડ કોલ કરીને ભાજપના નેતાને બ્લેકમેઇલ કરનારી એક ગેંગ પકડાઈ છે.
ઉત્તરપ્રદેશના રામપુરમાં ન્યૂડ કોલ કરીને ભાજપના નેતાને બ્લેકમેઇલ કરનારી એક ગેંગ પકડાઈ છે.

બદનામી થવાના ડરથી 90 ટકા કેસ બહાર આવતા નથી
યુપી ભાજપના નેતાની બ્લેકમેઇલિંગના મામલાની તપાસ કરી રહેલા રામપુરના પોલીસ-ઈન્સ્પેક્ટર બ્રજેશ સિંહ જણાવે છે, જ્યારે અમે અપરાધીઓને પકડ્યા તો તેમની પાસેથી અમને ઘણા એવા લોકોની માહિતી મળી, જેમને અપરાધીઓને પૈસા ચૂકવ્યા હતા, જોકે તે પીડિતોના વીડિયો તેમના ફોનમાં હાલ પણ હતા. ભાજપના નેતાએ એ સમયે પોલીસને જાણ કરી દીધી, એવામાં તેમનો કોલ ટ્રેસ કરીને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી, જોકે આવા 90 ટકા કેસમાં પીડિત પોલીસને ફરિયાદ કરતા નથી.

ઘણાં રાજ્યોમાં ફેલાયેલું હોય છે અપરાધીઓનું નેટવર્ક, પકડવું સહેલું નથી
ઉત્તરપ્રદેશ ભાજપના નેતાઓના મામલામાં અપરાધીઓએ સિમ કાર્ડ ઓડિશાના મજૂરોના નામે લીધાં હતાં. જ્યારે કોલ ભરતપુરથી કરવામાં આવી રહ્યો હતો. આ સિવાય કેટલાક લોકો દિલ્હીથી પણ ફોન કરતા હતા.

તપાસ અધિકારી બ્રજેશ સિંહ કહે છે, જ્યારે અમે તપાસ શરૂ કરી હતી ત્યારે તાર રાજસ્થાનના ભરતપુર, ઓડિશા, દિલ્હી અને હરિયાણાના મેવાત સાથે જોડાયેલા હતા. કોલ-કોન્ફરન્સિંગ દ્વારા પીડિતને કહેવામાં આવી રહ્યું હતું. દર વખતે અલગ-અલગ લોકેશન આવી રહ્યું હતું. ક્યારેક ભરતપુર તો ક્યારેક રામપુર. દિલ્હીથી પણ કેટલાક કોલ આવતા હતા. મુશ્કેલી એ હતી કે ક્યાંથી તપાસ શરૂ કરવી.

નકલી દસ્તાવેજો દ્વારા બેંક ખાતાં પણ ખોલવામાં આવ્યાં હતાં. 15 દિવસના પ્રયત્નો પછી પોલીસ માત્ર એક જ નંબર ટ્રેસ કરી શકી. આ પછી પીડિતને કહેવામાં આવ્યું કે તે બ્લેકમેઇલર્સને રોકડ રૂપિયા આપવાની લાલચ આપો, એમાંથી એક યુવક રૂપિયા લેવા માટે દિલ્હી પહોંચ્યો, ત્યારે પોલીસ તેની ધરપકડ કરવામાં સફળ થઈ.

તપાસ અધિકારી બ્રિજેશ સિંહ કહે છે, 'આ કેસના ખુલાસામાં જાણવા મળ્યું કે રામપુરનો એક યુવક સેન્ટ વેચવા રાજસ્થાન ગયો હતો. અહીં આરોપી તેની સાથે સંપર્કમાં આવ્યા હતા અને તેને સેક્સટોર્શન અને સાયબર ક્રાઇમની તાલીમ આપવામાં આવી હતી. ત્યાંથી પરત ફર્યા બાદ તેણે આ છેતરપિંડીની શરૂઆત રામપુરથી કરી હતી. આ ગેંગે બરેલી, ઉત્તરાખંડ, હાપુર અને બીજા ઘણા જિલ્લાઓમાં લોકોને શિકાર બનાવ્યા હતા. પોલીસે કેટલાક પીડિતોનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ તેમણે આગળ આવવાની ના પાડી દીધી.

લોકડાઉનમાં વધી ગયા કેસ
લોકડાઉન દરમિયાન આવા કેસ વધી ગયા છે? આ સવાલ પર ઉત્તરપ્રદેશ પોલીસ હેડ કવાર્ટરમાં તહેનાત એસપી સાયબર ક્રાઈમ ત્રિવેણી સિંહ કહે છે કે 'ચોક્કસપણે લોકડાઉનમાં કેસ વધી ગયા છે. કેટલો વધારો થયો છે એનું વિશ્લેષણ હજી કરવામાં આવ્યું નથી, પરંતુ સમજો કે સાયબર ક્રાઈમ બ્રાંચનાં તમામ સંસાધનો હાલમાં આવા ગુનાઓની તપાસમાં રોકાયેલાં છે.' યુપી પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે આવા મોટા ભાગના ગુનાના સેન્ટર મથુરા, ભરતપુર અને મેવાતમાં છે. દિલ્હી પોલીસના પ્રવકતા ચિન્મય વિસ્વાલ પણ કહે છે કે લોકડાઉન દરમિયાન આ પ્રકારના કેસ વધ્યા છે.

સાયબર ક્રાઇમ નિષ્ણાત પવન દુગ્ગલ કહે છે, 'કોરોના સમયગાળો અને લોકડાઉન સાયબર ક્રાઇમના સુવર્ણ યુગની જેમ ઊભરી આવ્યાં છે. આ પ્રકારના નવા સાયબર ગુનાઓ થઈ રહ્યા છે જે અમે પહેલાં ક્યારેય નહોતા જોયા. 'આનું કારણ એ છે કે કોરોના સમયગાળા દરમિયાન લોકોનું ઓનલાઇન રહેવાનું વધ્યું છે. સંપૂર્ણ લોકડાઉન સમયે અમે બધાએ 24 કલાક ડેટાનો ઉપયોગ કર્યો. આ ડેટાનો ઉપયોગ ગુનો કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે.

ટેક એક્સપર્ટ નહીં, ગામડાંમાંથી ઓછા શિક્ષિત લોકો દ્વારા ચાલતી ગેંગ
યુપી અને દિલ્હી પોલીસ બંનેના અધિકારીઓનું માનવું છે કે ભરતપુર અને મેવાત આ ગુનાના ગઢ હોવાનું જણાઇ રહ્યું છે. યુપી પોલીસની સાયબર શાખાના અધિકારી કહે છે, 'આ ધંધો એક લઘુ ઉદ્યોગની જેમ ચલાવવામાં આવી રહ્યો છે. હજારો યુવાનો તેની સાથે સંકળાયેલા છે. ગેંગ યુવાનોને ગુના કરવાની તાલીમ પણ આપી રહી છે. તેમાંના મોટા ભાગના ઓછા શિક્ષિત લોકો છે, જે ગામડાંમાંથી ઓપરેટ કરે છે.

સાયબર નિષ્ણાત પવન દુગ્ગલ કહે છે, 'સેક્સટોર્શન હવે લઘુ ઉદ્યોગ બની ગયો છે. પહેલાં વિદેશમાં આવા ગુનાઓ બનતા હતા, હવે તેઓ નગરો તરફ વળ્યા છે. કોરોનાકાળમાં લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા લોકો સાયબર ક્રાઇમ અને સેક્સટોર્શન તરફ આગળ વધી રહ્યા છે, કારણ કે તેના દ્વારા તેમણે સરળ રૂપિયા મળે છે.

મની ટ્રેલ પકડવું સરળ નથી હોતું
પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ ધંધો ઘણા સ્તરોમાં ચાલે છે. બનાવટી દસ્તાવેજોથી ખાતા ખોલાવતા લોકો જુદા જુદા હોય છે, કોલ કરનાર લોકો અલગ હોય છે અને પછી વસૂલાત કરનારા લોકો પણ અલગ હોય છે.

યુપીની સાયબર શાખાના એસપી ત્રિવેણી સિંહનું કહેવું છે કે 'રૂપિયા એવા ખાતામાં લેવામાં આવે છે જે કેટલીકવાર રિક્ષાચાલકો કે મજૂરોના નામે ખોલવામાં આવેલાં હોય છે. જ્યારે પોલીસની ટીમ તેમની પાસે પહોંચે છે તો જાણવા મળે છે કે તેમણે હજાર-પાંચસો રૂપિયાની લાલચમાં તેના ખાતાની માહિતી ગુનેગારોને આપી દીધી હતી. કેટલાકને ખબર પણ નથી હોતી કે તેમના અકાઉન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

ટ્રાન્ઝેક્શન થતાંની સાથે જ ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરે છે. પછી એ રૂપિયા વોલેટમાં પહોંચાડે છે. તેઓ એક રીતે ટ્રાન્ઝેક્શનને મલ્ટિલેયરિંગ કરી દે છે, જેથી અંતમાં રૂપિયા ક્યાં ગયા એ ખબર જ ન પડે. દિલ્હી પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અકાઉન્ટ ખોલવા માટે ઝારખંડ, છત્તીસગઢ અથવા ઓડિશાના દૂરના વિસ્તારોના લોકોનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં પોલીસ સરળતાથી પહોંચી શકે નહીં.

શું આ પ્રકારના ગુનાને અટકાવવા માટે નિષ્ફળ છે પોલીસ
આ સવાલ પર સુપ્રીમ કોર્ટના વકીલ અને સાયબર નિષ્ણાત વિરાગ દુપતા કહે છે કે 'આ પ્રકારના રેકેટમાં નકલી આધાર કાર્ડ બનાવવામાં આવે છે, એના આધારે સિમકાર્ડ લેવામાં આવે છે, ત્યાર બાદ નકલી બેન્ક અકાઉન્ટ ખોલાવવામાં આવે છે અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવવામાં આવે છે. આનો અર્થ એ છે કે પોલીસ, તંત્ર, નિયમનકારી નેટવર્ક, બધા તેમની સંબંધિત જવાબદારીઓમાં નિષ્ફળ થઈ રહ્યાં છે, કારણ કે નીચેથી લઈને ઉપર સુધી છેતરપિંડી થઈ રહી છે જે રોક-ટોક વિના જ ચાલી રહી છે.

પવન દુગ્ગલનું કહેવું છે કે સાયબર એવિડેન્સ કેવી રીતે કલેક્ટ કરવામાં આવે છે, ડેટાને કઈ રીતે પ્રોસેસ કરવામાં આવે છે. ડેટાને ક્યાંથી લેવાના છે, આ એવી મૂળભૂત વાતો છે જે દરેક પોલીસકર્મીને શીખવવાની જરૂર છે, પરંતુ હજી સુધી આવું થઈ શક્યું નથી.'

સેક્સટોર્શનની જાળમાં ફસાઈ ગયા છો તો શું કરવું?
પ્રથમ સ્ટેપ: સાયબર નિષ્ણાત પવન દુગ્ગલ જણાવે છે કે 'સૌથી પહેલા તો એ અકાઉન્ટની લિંક અથવા નંબર સેવ કરી લો, કારણ કે એની મદદથી પોલીસ તે આઇપી એડ્રેસ સુધી પહોંચી શકે છે, જ્યાંથી બ્લેકમેઇલર્સ ઓપરેટ કરી રહ્યા છે.

બીજું સ્ટેપ: યુપી પોલીસની સાયબર શાખાના એસપી ત્રિવેણી સિંહનું કહેવું છે કે જો તમે 'સેક્સટોર્શનના શિકાર થયા છો, તો તાત્કાલિક લોકલ સાયબર સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. આવા કિસ્સાઓમાં ફરિયાદીની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવે છે. બ્લેકમેઇર્સ નંબર બદલી-બદલીને ફોન કરે છે, પોલીસને આ બધા જ નંબરની સંપૂર્ણ વિગતો જણાવો.'

ત્રીજું સ્ટેપ: સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા કહે છે, ઘાણી વખત પોલીસ પીડિતને જ સવાલ-જવાબ કરે છે. એવા સવાલોથી પરેશાન ન થવું, પણ એફઆઇઆર દાખલ કરાવવા પર ભાર આપો. આવા કેસમાં આઇટી એક્ટ, છેતરપિંડી (કલમ 420) અને આઇપીસીની અન્ય કેટલીક કલમોમાં કેસ દાખલ કરી શકાય છે. પોલીસ પાસેથી FIRની નકલ જરૂરથી લેવી. જો પોલીસની કાર્યવાહીમાં જરા પણ નરમ વલણ દાખવવામાં આવે તો તરત જ કોઈ વકીલની મદદ લેવી.