તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેટા સ્ટોરી:લોકોને મારુતિ કરતાં કિયા, ટાટા મોટર્સ, મહિન્દ્રા અને હ્યુન્ડાઇ વધારે પસંદ આવી રહી છે, સવા વર્ષમાં માર્કેટ શેર 10% ઘટ્યો

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • આ જ સમયમાં કિયાનો માર્કેટ શેર લગભગ બમણો થઈ ગયો
  • ટાટા અને મહિન્દ્રાની હિસ્સેદારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો

કોરોના આવ્યા બાદ ઓટોમોબાઇલ સેક્ટરની ગતિ જે ધીમી પડી હતી એ હવે ફરી રફતાર પકડી રહી છે. જોકે છેલ્લા 20 મહિનામાં માર્કેટનો સિનારિયો બદલાતો જોવા મળી રહ્યો છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં માર્કેટ લીડર ગણાતી મારુતિ સુઝુકી અત્યારે બજાર પરથી પોતાની પકડ ગુમાવી રહી છે. મારુતિએ છેલ્લા 15 મહિનામાં આશારે 10% જેટલો માર્કેટ શેર ગુમાવ્યો છે. એની સામે હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ, મહિન્દ્રા અને કિયાના માર્કેટ શેરમાં નોંધપાત્ર વધારો થયો છે.

દિવ્ય ભાસ્કરે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (FADA)ની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટાનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું કે મારુતિ સુઝુકીનો બજારહિસ્સો જાન્યુઆરી 2020માં 51.42% અને જૂન 2020માં 52.34% હતો, એ ઓગસ્ટ 2021માં 43% થયો છે.

એન્ટ્રી લેવલ કાર માર્કેટની ખરાબ સ્થિતિની અસર
FADAના પ્રમુખ વિંકેશ ગુલાટીએ મારુતિના ઘટતા શેર અંગે કહ્યું હતું કે કોરોના આવ્યા બાદ ભારતમાં SUV ગાડીઓની માગ વધી છે. આ સેગમેન્ટમાં મારુતિ સુઝુકીની પ્રેઝન્સ ઓછી છે. બીજી તરફ, મધ્યમ વર્ગને કોરોનામાં ફટકો પડતાં એન્ટ્રી લેવલ કારનું માર્કેટ ઘણું ઘટી ગયું છે. એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં મારુતિ સ્ટ્રોંગ પ્લેયર છે અને તેના કારણે જ છેલ્લા એક-દોઢ વર્ષમાં મારુતિનો માર્કેટ શેર સતત ઘટી રહ્યો છે. કંપની નવા મોડલ સાથે આવી રહી છે, પણ કંપની ફરી 50% કે એની આસપાસ પહોંચી શકશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.

નવી જનરેશનને ટેક કાર વધુ પસંદ છે
વિંકેશ ગુલાટીએ જણાવ્યું હતું કે મારુતિની સરખામણીએ કિયા, હ્યુન્ડાઇ અને મહિન્દ્રા સહિતની કંપનીઓની ગાડીઓમાં છેલ્લા થોડા સમયથી ટેક્નોલોજી વધુ સારીઆવી રહી છે. નાની અને SUV કારમાં પણ હાઇ એન્ડ કારની ફીલિંગ આવે એવી ટેકનોલોજી આવી છે, એને કારણે આજના યંગ ગ્રાહકોને આવી ટેક ગાડી વધુ પસંદ છે, જેને કારણે નવી જનરેશનના ગ્રાહકો અન્ય કંપનીઓ તરફ વળ્યા છે. કિયા કે હ્યુન્ડાઇના પ્રમાણમાં મારુતિમાં ટેકનોલોજી ઓછી હોય છે.

ટાટા મોટર્સને નવી સ્ટ્રેટેજીનો લાભ થયો
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ બિઝનેસના પ્રેસિડેન્ટ શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે પેસેન્જર વ્હીકલ માર્કેટમાં આમરી 'ન્યૂ ફોરએવર' રેન્જ બેસ્ટ-ઇન-ક્લાસ સેફ્ટી, સ્ટાઇલિશ ડિઝાઇન અને ડ્રાઇવિંગ પ્લેઝર માટે ગ્રાહકોને પસંદ આવી રહી છે. આ સિવાય માર્કેટિંગ, ચેનલ પાર્ટનરના નફામાં વધારો, સ્પર્ધાત્મકતા માટે અમુક મોડલના ભાવ રિવાઇઝ કરવા સહિતની કામગીરીને કારણે અમને માર્કેટમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમે ડિજિટલ અને હાઇપર લોકલ માર્કેટ પર ફોકસ કરી રહ્યા છીએ. આ બધી પ્રવૃત્તિઓને કારણે પેનડેમિકમાં પણ અમારું વેચાણ માસિક સ્તરે સતત વધી રહ્યું છે.

20 મહિનામાં કિયાનું માર્કેટ ઝડપી વધ્યું
FADAના ડેટા જોઈએ તો કોરોના પહેલાંની સરખામણીએ કોરોના બાદ અત્યારે કિયાનો માર્કેટ શેર ઘણો જ વધારે છે. જાન્યુઆરી 2020માં કિયાનો બજારહિસ્સો 3.38% હતો. લોકડાઉન બાદ બજારો જ્યારે નોર્મલ થયાં ત્યારે જૂન 2020માં એનો હિસ્સો 3.80% રહ્યો હતો. ત્યાર બાદથી કિયાના માર્કેટ શેરમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઓગસ્ટ 2021ના આંકડા મુજબ પેસેન્જર કાર માર્કેટમાં એનો હિસ્સો 5.49% છે, જાણકારોના મતે.

ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની સ્થિતિમાં સુધારો
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા મુજબ, ઓટો ઈન્ડસ્ટ્રીમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘણો જ સુધારો જોવા મળ્યો છે. એપ્રિલ-ઓગસ્ટ 2020 દરમિયાન 3.07 લાખ કારનું વેચાણ થયું હતું. એની સામે એપ્રિલ-ઓગસ્ટ 2021માં 5.75 લાખ કારનું વેચાણ થયું છે. આ સમય દરમિયાન ભારતથી ગાડીઓની નિકાસ પણ બમણી થઈ છે. SIAMના ડેટા મુજબ એક્સપોર્ટ 78,366 કારથી વધીને 1.47 લાખ કાર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...