ગ્રાઉન્ડ રિપોર્ટજોશીમઠમાં જમીન ધસી પડવાનો 11મો દિવસ:કરોડોના મકાન આંખ સામે તૂટી રહ્યાં છે; તેની સામે અમુકને માત્ર 5 હજારની મદદ

22 દિવસ પહેલા

ઉત્તરાખંડના જોશીમઠના લગભગ 100 પરિવારોએ માથેથી છત ગુમાવી છે. હવે વરસાદ-હિમવર્ષા તેમની પરીક્ષા લઈ રહી છે. 2 જાન્યુઆરીની રાતે ઘરમાં તિરાડો પડી હતી, જે હાલ 11 દિવસ પછી વધી રહી છે.

વરસાદના કારણે ઘટ તૂટી જવાનું જોખમ વધ્યું છે. વહીવટી તંત્રએ ચેતવણી પણ આપી છે. લોકો પોતાના કરોડોના ઘટ તૂટતા જોઈ રહ્યા છે. મદદના નામે સરકાર તરફથી માત્ર 5 હજારનો ચેક મળ્યો છે.

11 જાન્યુઆરીની રાતે જોશીમઠમાં વરસાદ શરૂ થયો. શહેરથી લગભગ 5 કિમી ઉપર હિમવર્ષા પણ થઈ. ઘરોની તિરાડમાં વરસાદનું પાણી જશે, તો તૂટી જવાનું જોખમ પણ વધી જશે.

હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જોશીમઠમાં પણ વાદળછાયું વાતાવરણ છે, 11 જાન્યુઆરીની રાત્રે હળવો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જોશીમઠમાં પણ વાદળછાયું વાતાવરણ છે, 11 જાન્યુઆરીની રાત્રે હળવો વરસાદ પડ્યો હતો.

12 જાન્યુઆરીની સવારે રસ્તામાં સામાન ભરેલા લોડિંગ આવતા-જતા દેખાયા. શંકરાચાર્ય મઠ આસપાસ તિજોરી, પલંગ, ગેસ સિલિન્ડર, ગાદલા, બેગ લઈને લોકો ભાગતા દેખાયા. કોઈ સરકાર તરફથી આપેલા રૂમમાં જઈ રહ્યા હતા, તો કોઈ સંબંધીના ઘરે.

લાગતું હતું કે બધું બરાબર થઈ જશે, પરંતુ હવે આશા સમાપ્ત થઈ રહી છે
મનોહરબાગમાં રહેતી નીલમ પરમાર રેડક્રોસ હાઉસની બહાર બેઠેલી જોવા મળી હતી. મેં પૂછ્યું-છેલ્લા 11 દિવસમાં શું બદલાયું છે?

જવાબ મળ્યો- શરૂઆતમાં એવું લાગતું હતું કે બધું સામાન્ય છે, સારું થઈ જશે. જ્યારે રાત્રે (11 જાન્યુઆરી) વરસાદ પડ્યો, ત્યારે તે બધું બેસી ગયું (ઇશારાથી ઘરની તિરાડો બતાવી). અમે પોલિથીન વડે બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાણી તિરાડોમાં વહી ગયું. ઘરની નીચે એક વિશાળ પથ્થર છે. અમે વિચારતા હતા કે અમારું ઘર પથ્થર પર ઊભું છે, તે ક્યાંય જશે નહીં. હવે તળિયે ખાડો છે.

મેં પૂછ્યું- વરસાદને કારણે તકલીફ કેટલી વધી છે? પ્રશ્ન સાંભળીને નીલમનો ચહેરો ઉદાસ થઈ ગયો. કહ્યું- વરસાદે ચિંતા વધારી દીધી છે. ઘરમાં ઘણો બધો સામાન છે. ધાબે રાખ્યો હતો, બધો ભીનો થઈ ગયો. તમે મને કહો કે ઘરે શું છોડવું અને સાથે શું લઈને જવું. ઘરમાં દરેક વસ્તુ જરૂરી છે.

11 દિવસમાં તિરાડ કેટલી વધી, સરકાર તરફથી શું મદદ મળી?
નીલમે કહ્યું કે-તિરાડ દૂર ખેતરથી થઈને ઘર સુધી ફેલાઈ ગઈ. ઘરની બંને બાજુ તિરાડ છે. સરકાર લોકોને કેમ્પમાં શિફ્ટ કરાવી રહી છે.

4-5 દિવસ પહેલા મુખ્યમંત્રી આવ્યા હતા, મને નથી ખબર તેમણે શું કહ્યું. મારા ઘરમાં 35 રૂમ છે. સરકાર તરફથી રહેવા હાલ 2 રૂમ મળ્યા છે. પરિવારમાં 8 સભ્યો છે. બાળકોનું વિચારો, તે કેવી રીતે ભણશે. દિવસ-રાત અમે મોતના મુખમાં જઈ રહ્યા છે.

મેં સવાલ કર્યો-શું આટલું મોટું મકાન હોમ સ્ટે માટે બનાવ્યું હતું? નીલમે તરત જ કહ્યું-ના, પોતાના રહેવા માટે બનાવ્યું હતું. આ ઘર અમારું સપનું હતું. હવે ધૂળમાં ફેરવાઈ ગયું

આટલો સામાન ક્યાં લઈ જઈ રહ્યા છો? જવાબમાં નીલમની બાજુમાં ઉભેલી ગીતા પરમારે કહ્યું કે અમે ભાડે રૂમ લીધા છે.

સરકારે કંઈ આપ્યું નથી?
સરકારે કહ્યું કે મેડમ તમારા ઘર પર રેડ ક્રોસ લાગેલા છે. તમે અહિંયા ન રહો. તમારા જીવને જોખમ છે. માત્ર કહ્યું કે જતા રહો.

પછી નીલમે કહ્યું-ભાઈ, તેમને 4 હજાર રૂમના આપવામાં આવી રહ્યા છે. ઘરનો સામાન ક્યાં જશે. હાલ 10 રૂમમાં સામાન ભરેલો છે. એક રૂમમાં કેવી રીતે ગોઠવાશે. તમે અમને જણાવો.

ત્યાર પછી ગીતા પરમાર સાથે વાતચીત શરૂ કરી. તે કહે છે-અમારું 20 રૂમનું ઘર છે અને પરિવારમાં 8 લોકો છે. સરકારે એક રૂમ આપ્યો છે. 8 લોકો તેમાં રહે છે. ખાવાનું બનાવવાની કોઈ સગવડ નથી. એક જ વોશરૂમ છે. ત્યાં માત્ર રાત પસાર કરવા જઈ રહ્યા છે, જેથી રાતે કંઈ થાય તો જીવ બચી જાય. જ્યાં રોકાયા છે, તે જગ્યા પણ સુરક્ષિત નથી.

વરસાદ થશે તો શું થશે?
ગીતાનો જવાબ હતો- હાલ તો વરસાદ ઓછો છે. જો વરસાદ અને હિમવર્ષા થઈ તો ભયંકર હોનારત સર્જાશે. અમે તે વિશે વિચારી પણ નથી શકતા. સરકારે સમય બગાડ્યો છે. સરકારને અંદાજ પણ નથી કેવી હોનારત સર્જાશે.

હાલ તો મીડિયા છે, સંબંધી પણ આવી રહ્યા છે. ત્યાર પછી અમે એકલા પડી જઈશું. 11 દિવસ થઈ ગયા છે, હોટલમાં કેટલા દિવસ રહીશું. હવે બોલી-બોલીને થાકી ગયા. કેટલા દિવસ બોલીશું, કેટલા દિવસ રડીશું. અમે ડિપ્રેશનમાં જતા રહ્યા છીએ.

ત્યાર પછી મનોહરબાગમાં રજની નૌટિયાલના ઘરે પહોંચ્યા. રજની પ્રાઈવેટ સ્કૂલમાં કામ કરે છે. ઘરમાં ત્રણ લોકો છે. 4 રૂમનું મકાન છે.

મેં પૂછ્યું - સરકારે રહેવા માટે જગ્યા આપી છે, તે કેટલી મોટી છે? રજની કહે છે - ગેસ્ટ હાઉસમાં એક રૂમ છે. તે પણ થોડા દિવસો માટે આપ્યો છે.

તે પોતાનું ઘર બતાવવાનું શરૂ કરે છે. દીવાલ બતાવતા કહે છે-પહેલા અહિંયા વાળ બરાબર તિરાડ હતા. હવે તિરાડ આખા ઘરમાં છે અને વધી ગઈ છે.

રજની પોતાનું રસોડું બતાવે છે. ત્યાં ઘર એક તરફ નમેલું છે. રજની કહે છે કે તમે કાલે આવજો તિરાડ હજુ મોટી મળશે. ઉપર કેટલાક મકાન છે, જે હાઇ રિસ્ક ઝોનમાં છે. અમારું ઘર નીચે છે. ઉપરના મકાન પડશે તો અમારા ઉપર જ આવશે.

આ પછી હું સરકાર દ્વારા સ્થાપિત રાહત કેન્દ્ર પર પહોંચ્યો. અહીં મને હેમલતા રાવત મળી. માઉન્ટ વ્યૂમાં ઘર, પણ ખાલી કરવું પડ્યું. પરિવારમાં 8 લોકો છે. માત્ર એક ઓરડો મળ્યો. 3 બેડ, વોર્ડરોબ અને સોફા મૂક્યા પછી રૂમમાં જગ્યા જ બચી ન હતી. બાકીનો સામાન સંબંધીઓના ઘરે રાખવામાં આવ્યો છે. હેમલતા 3 જાન્યુઆરીથી અહીં છે. બે પૌત્રો ભણે છે. દીકરાની રાશનની દુકાન છે. વહુની તબિયત ખરાબ છે, તે દેહરાદૂનમાં છે.

હેમલતા કહે છે- હું અહીં એકલી છું. મેં કમાયેલા બધા પૈસા ઘર પાછળ ખર્ચ્યા. અહીં ખાવા-પીવાની સુવિધા ઉપલબ્ધ છે. જીવવા માટે થોડી મદદની જરૂર છે. હવે બધું બાળકો પર છે કે તેઓ કેવી રીતે જીવશે અને તેઓ શું કરશે.

હું હેમલતાના પ્રશ્નો લઈને બહાર આવ્યો, કારણ કે તેમના જવાબો કોઈની પાસે નથી.

રસ્તામાં મહેશ્વરી તેની પીઠ પર ભારે બેગ અને હાથમાં બે બેગ લઈને જોવા મળી હતી. મહેશ્વરી પાસે 8 રૂમનું ઘર છે. પરિવારમાં 5 લોકો છે. સરકારે એક ઓરડો આપ્યો હતો, તેમાં સામાન પણ નહતો. તેથી જ તેણે તેની વ્યવસ્થા બીજા ઘરમાં કરી. મહેશ્વરી પોલિટિકલ સાયન્સમાં MA કરી રહી છે.

સરકાર પર ફરિયાદ વિશે મહેશ્વરી કહે છે-સરકારે કંઈ તો કર્યું છે, સરકાર પણ કેટલું કરશે. આટલું મોટું જોશીમઠ શહેર છે. સરકાર કરતાં લોકની વધારે ભૂલ છે.

આંચકો લાગ્યો અને ઘરની દિવાલ તૂટી, ખેતરમાં રાત વિતાવી
બાંકેલાલ અને કલાપી દેવી ઘર છોડીને 10 દિવસથી ગુરુદ્વારામાં રહે છે. બાંકેલાલ કહે છે- 2જી તારીખે જોરદાર આંચકો આવ્યો અને ઘરની દીવાલ તૂટી પડી. અમે બીજા રૂમમાં હતા. ત્યાર બાદ ખેતરમાં ગયા હતા. ત્યાં રાત વિતાવી. અગાઉ એક નાનકડી તિરાડ હતી, 2જીએ એટલી બધી થઈ ગઈ કે માણસો બહાર દોડી આવ્યા.

પરિવારમાં 6 લોકો છે. 6 રૂમનું ઘર હતું. આ તો અમારે સરકારને કહેવું છે કે કાં તો અમારું મકાન બનાવો અથવા મકાનની કિંમત અમને આપો. હજુ સુધી કંઈ મળ્યું નથી. 5000નો ચેક મળ્યો હતો. હવે ગુરુદ્વારામાં રહીએ છીએ. જો અહીંથી હટાવવામાં આવશે તો ભાડા પર રહીશું. કોઈ કામ પણ નથી.

અન્ય સમાચારો પણ છે...