તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Nirve, A Brilliant Tailor From Ahmedabad, Discovered An Asteroid With The Help Of A Laptop Provided By A Neighbor, NASA Also Lauded The Achievement.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સક્લૂસિવ:દરજીકામ કરતા અમદાવાદના તેજસ્વી વિદ્યાર્થી નીરવે પાડોશીએ અપાવેલા લેપટોપની મદદથી લઘુગ્રહ શોધ્યો, NASAએ પણ સિદ્ધિને બિરદાવી

19 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
 • કૉપી લિંક
 • નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા પછી દરજીકામ અને બીજી નોકરી કરીને બી.એસ.સી. કરી રહેલા નીરવની ધગશ સામે આર્થિક અભાવો પણ ઝાંખા પડ્યા
 • વિશ્વભરના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ માટે નાસા દ્વારા ચાલતા ગાઇડેડ એજ્યુકેશન પ્રોગ્રામના માધ્યમથી નીરવે ઉલ્કાપિંડની ઓળખ કરી નાસાનું સર્ટિફિકેટ મેળવ્યું

ગુજરાતના વિદ્યાર્થીઓ બેઝિક સાયન્સ અને સંશોધન પ્રત્યે ઉદાસીન હોય છે એવી કાયમી માન્યતા વધુ એક ગુજરાતી વિદ્યાર્થીએ ખોટી પાડી છે. અમદાવાદની એમ.જી.સાયન્સ કોલેજમાં જિયોલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા નીરવ વાઘેલાએ અવકાશમાં તરતી અસંખ્ય ઉલ્કાઓ પૈકી એકની ઓળખ કરી બતાવી છે. તેણે ઓળખેલી ઉલ્કા અંગે હવે અમેરિકાની પ્રસિદ્ધ અવકાશ સંસ્થા નાસા (NASA) વિસ્તૃત સંશોધન કરશે. રસપ્રદ બાબત એ છે કે પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ હોવા છતાં પાડોશીએ અપાવેલા લેપટોપનો ઉપયોગ કરીને નીરવે આ સિદ્ધિ મેળવી છે.

અઘરો ટાસ્ક બે મહિનામાં પૂર્ણ કર્યો
અમેરિકાની અવકાશ સંસ્થા નાસાની પેટાસંસ્થા જેટ પ્રપલ્ઝન લેબોરેટરી ખગોળવિજ્ઞાનના સંશોધનક્ષેત્રે વિશ્વભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તક આપતી હોય છે. વર્ષમાં બેવાર અપાતી આ તકમાં નાસા પોતે લીધેલી અવકાશની તસવીરોમાં દેખાતા ઉલ્કાપિંડ ઓળખવા વિદ્યાર્થીઓને ચેલેન્જ આપે છે. વિદ્યાર્થીઓએ તસવીરોના આધારે અવકાશનો અભ્યાસ કરીને ઉલ્કાપિંડનાં કદ, આકાર, બનાવટનો પ્રકાર, અવકાશમાં સ્થાન સહિતની વિગતો પૂરી પાડવાની હોય છે. ઉલ્કાની ઓળખ સ્પષ્ટ બન્યા બાદ નાસા એ અંગે વિશેષ સંશોધન હાથ ધરે છે. ઉલ્કાપિંડ પૃથ્વી માટે હાનિકારક છે કે કેમ એ જાણવાનો આ સંશોધનનો મુખ્ય હેતુ હોય છે. નીરવે આ ટાસ્ક માત્ર બે મહિનામાં પૂરો કર્યો હતો.

પિતાના અવસાન પછી દરજીકામ કરીને ખર્ચમાં મદદરૂપ થતો નીરવ આર્થિક અભાવો સામે ઝૂક્યો નથી.
પિતાના અવસાન પછી દરજીકામ કરીને ખર્ચમાં મદદરૂપ થતો નીરવ આર્થિક અભાવો સામે ઝૂક્યો નથી.

કઈ રીતે આ ટાસ્ક પૂરો કર્યો?

 • NASA દ્વારા અપાયેલી 200થી વધુ તસવીરોનું તેણે ઝીણવટપૂર્વક પૃથક્કરણ (Analysis) કર્યું.
 • ન ઓળખાયેલા ઉલ્કાપિંડોને સાંકેતિક નામ આપવામાં આવ્યા હોય છે. નીરવે પોતાને મળેલી તસવીરોમાંથી PPGUpj નામના લઘુગ્રહને અભ્યાસ માટે પસંદ કર્યો.
 • તમામ તસવીરોનું તેણે ડિજિટલ ઈમેજ પ્રોસેસિંગના સોફ્ટવેરની મદદથી સતત બે મહિના સુધી બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને એની સંબંધિત વિગતોનો ચાર્ટ તૈયાર કર્યો.
 • પોતે મેળવેલી માહિતી તેણે નાસાને નિશ્ચિત ફોર્મેટમાં પૂરી પાડી, જેને નાસાએ સ્વીકારી. એટલું જ નહિ, આ ટાસ્ક સફળતાપૂર્વક પાર પાડવા બદલ તેને સર્ટિફિકેટ પણ આપ્યું.
એમ.જી સાયન્સ કોલેજના નીરવને નાસા ઉપરાંત ઈસરોના પણ 20થી વધુ પ્રમાણપત્રો મળી ચૂક્યા છે.
એમ.જી સાયન્સ કોલેજના નીરવને નાસા ઉપરાંત ઈસરોના પણ 20થી વધુ પ્રમાણપત્રો મળી ચૂક્યા છે.

મન હોય તો માળવે જવાય તેનું ઉદાહરણ એટલે નીરવ

ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે અત્યાધુનિક સગવડો કે સંસાધનો જોઈએ એવી માન્યતા સામે નીરવ બહુ રસપ્રદ ઉદાહરણ પૂરું પાડે છે. તે 7મા ધોરણમાં હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. બહુ નાની વયથી જ માતા અને બહેનને સંભાળવાની જવાબદારી તેના પર આવી ગઈ હતી. બાળપણથી જ તે ઘરઘરાઉ દરજીકામમાં માતાને મદદ કરતો હતો. કોલેજમાં પ્રવેશ લીધા બાદ ખાનગી કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરીને આવક વધારવા પ્રયાસ કરતો હતો. વિજ્ઞાનમાં તેની રુચિ હતી, પરંતુ એ માટે તેની પાસે મોંઘાં ઉપકરણો કે સંસાધનો વસાવવાની ક્ષમતા ન હતી. જોકે સંશોધન અને અભ્યાસની ધગશ હોવાથી એકપણ અભાવને તેણે આડે આવવા દીધા નથી. પાડોશીએ અપાવેલા લેપટોપની મદદથી તેણે આ સંશોધન કર્યા છે. નાસાના સર્ટિફિકેટ અગાઉ તે ઈસરો દ્વારા વિદ્યાર્થીઓ માટે ચાલતાં સંશોધન માટેનાં 20 જેટલાં સર્ટિફિકેટ કોર્સ કરી ચૂક્યો છે. નીરવની ધગશ જોઈને હવે તેના ત્રણ મિત્રો પણ ખગોળ સંશોધનમાં રસ ધરાવતા થઈ ચૂક્યા છે.

નાસાની વેબસાઈટના માધ્યમથી દુનિયાભરના તેજસ્વી વિદ્યાર્થીઓ ખગોળ સંશોધનોમાં ભાગ લઈ રહ્યા છે. આ રીતે તમે પણ તેમાં સામેલ થઈ શકો છો.
નાસાની વેબસાઈટના માધ્યમથી દુનિયાભરના તેજસ્વી વિદ્યાર્થીઓ ખગોળ સંશોધનોમાં ભાગ લઈ રહ્યા છે. આ રીતે તમે પણ તેમાં સામેલ થઈ શકો છો.

તમે પણ આવા સંશોધન કરી શકો છો, પૂછો નીરવને...

નીરવ કહે છે, ગુજરાતના કોઈપણ ખૂણે રહેતો વિદ્યાર્થી ખગોળવિજ્ઞાન સંબંધિત આવાં સંશોધનોમાં ભાગ લઈ શકે છે અને પોતાની ક્ષમતાની ધાર કાઢી શકે છે. આવાં સંશોધનોમાં કઈ રીતે ભાગ લઈ શકાય એ અંગે દિવ્ય ભાસ્કરના વિદ્યાર્થી વાચકોને ટિપ્સ આપતાં તેણે કહ્યું હતું કે

 • નાસાની જેટ પ્રપલ્ઝન લેબની વેબસાઈટ www.jpl.nasa.gov/edu માં માર્સ મિશન અને વિશ્વભરના તેજસ્વી વિદ્યાર્થીઓને સંશોધન માટે આમંત્રિત કરતો વિભાગ છે.
 • નાસાના દાવા પ્રમાણે, આ વિભાગના માધ્યમથી દુનિયાભરના 4,60,712 જેટલા તેજસ્વી અને ધગશ ધરાવતા વિદ્યાર્થીઓ વિવિધ ખગોળ સંશોધનો કરી રહ્યા છે.
 • સંશોધનો માટે આવશ્યક ડેટા અને અન્ય વિગતો નાસા પૂરી પાડે છે. આ ઉપરાંત ખગોળવિજ્ઞાનના વૈશ્વિક નિષ્ણાતો સાથે સવાલ-જવાબના સેશન્સ પણ બહુ જ માહિતીપ્રદ અને ઉપયોગી હોય છે.
 • આગામી 18 ફેબ્રુઆરીથી માર્સ મિશન અંતર્ગત સંશોધનની નવી વિન્ડો ઓપન થઈ રહી છે. રસ ધરાવનારા વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકે છે.

નિરવે ડિજિટલ ડેટાના માધ્યમથી બે મહિનામાં કરી લઘુગ્રહની શોધ
શોધ : આસ્ટેરોઈડ (લઘુગ્રહ)
વિશેષતા : ગ્રહ અને ઉલ્કા વચ્ચેનો આ ઉપગ્રહ છે જે કાર્બનનાે બનેલાે છે. જ્યાં માનવ વસાહત શક્ય નથી.
કઈ રીતે કર્યું રિસર્ચ : નાસાએ આપેલા ડિજિટલ ડેટામાંથી તેની ઓળખ કરી. જેમાં અવકાશમાં ભ્રમણ કરતી અનેક ઉલ્કાઓ, ખડકો વગેરેમાંથી તેની શોધ કરી.
નાસા શું કરશે: આ રિસર્ચને સર્ટિફિકેટ લેટર અાેફ રીકમન્ડેશન આપ્યું, સ્પેસ એજન્સીને કામ આવે તે રીતે નાસા તેના પર રિસર્ચ કરશે.

મૈત્રી મહેશ્વરી, નિરવ વાઘેલા અને મુંજાલ મહેતાએ મળીને કરી 3 પ્રીલિમિનરી ઉપગ્રહની શોધ
શાેધ : 3 પ્રીલિમિનરી ઉપગ્રહ
વિશેષતા : આ ગ્રહ કાર્બનબેઝ છે જ્યાં હ્યુમન હેબિટેશન નથી. જેનો રેડિએસ્ટ 20.6 કિમીનો છે. સેટેલાઈટ ઈમેજમાં તેનાે સિગ્નલ ટૂ નાેઈસ રેસીઓ (એસએનઆર) 8.6નો છે.
કઈ રીતે કર્યું રિસર્ચ : સાેફ્ટવેર થકી નાસાના ડેટા પરથી રિડક્શન કર્યું. બધા ઈમેજ સેપ્રેટ કરી તેમાં બીજા સ્ટારને અલગ પાડ્યા અને ઈમેજ કેપ્ચર કરી જે નાનાે ડાેટ મૂવમેન્ટ કરતાે હતો તેનો રિપાેર્ટ તૈયાર કરી આપ્યો.
નાસા શું કરશે: ઉપગ્રહના અપાયેલા કોર્ડિનેટ પરથી રિસર્ચ કરશે. તેનાથી પૃથ્વીને આવનાર સમય માટે શું તકલીફ થશે, આ ઉપગ્રહ શેનાથી બનેવાે છે તેને લઈને પણ રિસર્ચ કરવામાં આવશે.

આદિત્ય ધરૈયા, દીપ પટેલ અને નિરવ વાઘેલાએ મળીને કર્યું એસ્ટ્રોઇડ પર રિસર્ચો
શોધ : એસ્ટ્રાેઈડ
વિશેષતા : સુરજને ફરતે કેટલા સમયમાં ચક્કર લગાવે છે. જેનાે ત્રિજ્યા 21.2 કિમીનાે છે. સિગ્નલ ટુ નાેઈસ રેસીઓ (એસએનઆર) 4.95નાે છે.
કઈ રીતે કર્યું રિસર્ચ : એસ્ટ્રાેમેટ્રીકા સાેફ્ટવેરનો ઉપયાેગ કરી નાસા તરફથી મળેલા ડિજિટલ ડેટા પરથી રિસર્ચ કર્યું. અલગ અલગ ઈમેજને ઓબ્ઝર્વ કરી એક ફાઈનલ રિપાેર્ટ બનાવી સબમિટ કર્યો.
નાસા શું કરશે : 6 મહિના સુધી સ્ટડી કરશે. લઘુગ્રહ જો રિસર્ચને યાેગ્ય હશે તાે તેને કાયમી કરી તેના પર રિસર્ચ વધારવામાં આવશે. તેની વિશેષતા વગેરે ચકાસશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો