ભાસ્કર એક્સક્લૂસિવગુજરાતની ચૂંટણી ગમે ત્યારે જાહેર થશે?:ધનતેરસ અગાઉ તમામ 182 વિધાનસભા સીટ ખૂંદી વળવા ગુજરાત ભાજપને સૂચના

ગાંંધીનગર2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે એવાં એંધાણ વ્યક્ત થઈ રહ્યાં છે. દરેક રાજકીય પક્ષ ચૂંટણી મોડમાં આવી ગયો છે ત્યારે ભાજપે માત્ર 10 દિવસમાં જ, એટલે કે ધનતેરસ અગાઉ જ રાજ્યની તમામ વિધાનસભા ખૂંદી વળવા માટે મોટું આયોજન શરૂ કર્યું છે.

પાંચ યાત્રા કાઢી 182 વિધાનસભા સીટ કવર કરવા આયોજન
ગુજરાતની કુલ 182 વિધાનસભા સીટ ખૂબ જ ટૂંકા ગાળામાં આવરી લેવા માટે ભાજપ સંગઠન આયોજન કરીને પાંચ જેટલી વિવિધ યાત્રા કાઢવા રણનીતિ કરી રહ્યું છે. ગુજરાતમાં ઝોન મુજબ આ યાત્રા કાઢવામાં આવશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા આદિવાસી વિસ્તાર માટે આયોજન કરવામાં તંત્ર કામે લાગ્યું છે.

અમિત શાહ યાત્રાનો પ્રારંભ કરાવશે, અન્ય કેન્દ્રીય નેતૃત્વ પણ હાજર રહેશે
રાજ્યની તમામ 182 વિધાનસભા સીટ માટે જ્યારે વિવિધ યાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારે આ તમામ યાત્રા દરમિયાન કેન્દ્રીય નેતૃત્વ હાજર રહીને યાત્રાની શરૂઆત કરાવશે. બીજી તરફ યાત્રાના સમાપન સમયે પણ કેન્દ્રીય નેતાઓ હાજર રહેશે એ પ્રકારનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય નેતાઓની હાજરી અંગે મંજૂરી મળ્યા બાદ આ અંગેની સત્તાવાર જાહેરત સંગઠન કરશે.

37 વિધાનસભામાં મહિલા સંમેલનો પણ યોજાશે
મહિલા મોરચા દ્વારા પણ મહિલાલક્ષી સમસ્યા જાણવા તથા મહિલાલક્ષી સરકારી યોજનાના લાભ લોકો સુધી પહોંચ્યા હોવાનો પ્રચાર કરવા માટે મહિલા સંમેલનોનાં આયોજન હાથ ધરવામાં આવ્યાં છે. ગુજરાતની 182 વિધાનસભા સીટ પૈકી 37 વિધાનસભા સીટ પર મહિલા સંમેલનો યોજવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મંત્રીઓને પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પૂરાં કરવા સૂચના અપાઈ
ગત રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે તારીખ 15 ઓક્ટોબર અગાઉ તમામ પ્રકારનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમો પૂરા કરવામાં આવે. આમ, ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

આદિવાસી વિસ્તારની 28 વિધાનસભા સીટ માટે યાત્રા
આ યાત્રા ઉનાવાથી કાઢવામાં આવશે. રાજ્યના તમામ આદિવાસી વિસ્તારો આવરી લેતી આ યાત્રા અંબાજી ખાતે પૂરી કરવામાં આવશે. આ યાત્રાની અંદરથી મળતી માહિતી પ્રમાણે, આદિવાસી વિસ્તાર પ્રભાવિત 28 વિધાનસભા સીટ આવરી લેવામાં આવશે.

દ્વારકાથી પોરબંદર સુધી 22 વિધાનસભા સીટ માટે યાત્રા
દ્વારકાથી શરૂ થનારી આ યાત્રાનું પોરબંદર ખાતે સમાપન કરવામાં આવશે. આ યાત્રામાં મળતી માહિતી પ્રમાણે, વિધાનસભાની કુલ 22 જેટલી સીટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેતી આધારિત આ વિસ્તારમાં કૃષિલક્ષી માહિતીને આધારે પ્રચાર કરવામાં આવશે.

ઝાંઝરકાથી સોમનાથ સુધી 26 વિધાનસભા સીટ માટે યાત્રા
આસ્થાના પ્રતીક સમા ઝાંઝરકા ખાતેથી ભાજપની શરૂ થનારી આ ત્રીજી યાત્રા સોમનાથ સુધી જશે. આ યાત્રાની અંદરથી મળતી માહિતી પ્રમાણે, 26 વિધાનસભા સીટ આવરી લેવામાં આવી છે. આ વિસ્તારો પણ એવા છે, જે ખેતી આધારિત છે. આમ, ખેતીલક્ષી સરકારી અને સંગઠનની કામગીરી મુદ્દે આ વિસ્તારમાં યાત્રા મારફત પ્રચાર કરવામાં આવશે.

બહુચરાજીથી માતાના મઢ સુધી 40 વિધાનસભા સીટ માટે યાત્રા
ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારને આવરી લેતી આ યાત્રા ધાર્મિક આસ્થાના પ્રતીક બહુચરાજી ખાતેથી શરૂ કરવામાં આવશે. આ યાત્રાનું સમાપન માતાના મઢ (કચ્છ) ખાતે કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, આ યાત્રાની અંદર ઉત્તર ગુજરાતની (3 આદિવાસી સીટ સિવાય) તમામ તેમજ કચ્છની 9 સીટ સહિત કુલ 40 વિધાનસભા સીટને આવરી લેવામાં આવશે.

મધ્ય ગુજરાત સહિતની 66 વિધાનસભા સીટ માટે યાત્રા
મધ્ય ગુજરાત તથા આસપાસના વિસ્તારોમાં આવેલી અલગ અલગ 66 જેટલી સીટ માટે વધુ એક યાત્રા કાઢવામાં આવશે. આમ, અલગ અલગ કુલ પાંચ જેટલી યાત્રા કાઢી રાજ્યની તમામ વિધાનસભા સીટને ખૂબ જ ટૂંકા સમયમાં આવરી લેવા માટે સગંઠન આયોજન કરી રહ્યું છે.

સરકારની યોજના અને ભાજપનાં કામનો પ્રચાર કરાશે
ભાજપ સંગઠન દ્વારા આગામી સમયમાં કાઢવામાં આવનારી યાત્રાનો હેતુ ભાજપ દ્વારા, સરકાર દ્વારા જે પણ લોકહિતાર્થે યોજનાઓ લાગુ કરવામાં આવી, લોકો માટે જે કામ કરવામાં આવ્યાં છે, લોકો સુધી યોજનાના લાભ પહોંચાડ્યા છે એ તમામ અંગેનો પ્રચાર અને પ્રસાર આ યાત્રા મારફત કરવામાં આવશે.

અગાઉ પણ અનેક યાત્રા કાઢવામાં આવી છે
એવું નથી કે ચૂંટણી અગાઉ આ પ્રથમ યાત્રા કરવામાં આવતી હોય. અગાઉ પણ વિકાસયાત્રા, એકતાયાત્રા, આદિવાસી ગૌરવયાત્રા વગેરે શીર્ષક હેઠળ યાત્રાઓ કાઢીને મતદારોને રીઝવવા માટે ભાજપે પ્રયાસ કર્યા હોવાના અનેક દાખલા છે.

અન્ય સમાચારો પણ છે...