• Gujarati News
  • Dvb original
  • BJ Medical College’s Microbiology Lab, Gujarat's First Corona Testing Lab, Where Health Worker Still Doing Since 8 February 2020. About 100 Health Worker Worked And Tested More Than 2 Lakh Test

જ્યાં સૌથી પહેલા કોરોના ઓળખાયો:અમદાવાદની આ લેબમાં સૌપ્રથમ કોરોના ટેસ્ટ થયો હતો, 404 દિવસથી એકપણ રજા વગર અહીં કામ ચાલે છે

અમદાવાદ7 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • બી.જે. મેડિકલ કોલેજની માઇક્રોબાયો લેબમાં 13 મહિનામાં 2.13 લાખ સેમ્પલના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે
  • કાર્યરત કર્મચારીઓમાં 90 ટકા મહિલાઓ છે છતાં રવિવાર કે જાહેર રજા કે તહેવારોની રજા પણ અહીં રાખવામાં આવી નથી

ચીનના વુહાનમાં ડિસેમ્બર, 2019થી ઘાતક બનેલો કોરોનાવાયરસ ભારતમાં જાન્યુઆરીમાં અને ગુજરાતમાં ગત વર્ષે 18 માર્ચે પ્રવેશ્યો હતો. જોકે વાયરસના ટેસ્ટિંગનું કામ એ પહેલાં 8 ફેબ્રુઆરીથી જ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં શરૂ થઈ ગયું હતું. ત્યારથી લઈને આજસુધી આ લેબ એકપણ દિવસની રજા રાખ્યા વગર અવિરત કામગીરી કરી રહી છે. અહીં કોરોના વાયરસ વિશે થયેલા ટેસ્ટ અને તારણોના આધારે જ વિવિધ વેક્સિન બની છે.
8મી ફેબ્રુઆરીએ શરૂ થયેલી લેબ અવિરત કાર્યરત
રાજ્યમાં વર્ષ 2020, 19 માર્ચે પહેલો કિસ્સો કોરોના પોઝિટિવ આવ્યો હતો, જે અગાઉ જ બી.જે મેડિકલ કોલેજમાં 8મી ફેબ્રુઆરીથી કોરોના ટેસ્ટિગ માટેની લેબની શરૂઆત થઇ ચૂકી હતી. સૌથી મહત્ત્વપૂર્ણ અને રોચક વાત એ છે કે જ્યારથી કોરોના ટેસ્ટિગ માટે લેબની શરૂઆત થઇ ત્યારથી આજસુધી લેબ બંધ નથી કરાઇ, એટલે કે 24 કલાક ધમધમતી રહી છે અને સેમ્પલના ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સૌથી પહેલા માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર, ટેક્નિશિયન, રેસિડન્ટ ડોકટરના 35 જેટલા સ્ટાફ સાથે લેબ શરૂ થઇ હતી. પછી જેમ જેમ કોરોનાના કેસ વધ્યા તેમ તેમ અન્ય વિભાગમાંથી કર્મચારીઓની મદદ લઈને ટેસ્ટિંગની ઝડપ વધારવામાં આવી છે.

બી.જે. મેડિકલ કોલેજની લેબમાં સેમ્પલની ચકાસણીની કામગીરી.
બી.જે. મેડિકલ કોલેજની લેબમાં સેમ્પલની ચકાસણીની કામગીરી.

અત્યારસુધી બી.જે. મેડિકલ લેબમાં 2,13,000થી વધુ ટેસ્ટ થયા
રાજ્યમાં સૌથી પહેલી કોરોના ટેસ્ટિંગની લેબ તરીકે બી.જે. મેડિકલ કોલેજે અત્યારસુધી 2 લાખ 13 હજારથી વધુ સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું છે. શરૂઆતના 3 મહિના સુધી રાજ્યમાં જ્યાં-જ્યાં સેમ્પલ લેવાતાં એનાં ટેસ્ટિંગ માટે બી.જે. મેડિકલ કોલેજમાં મોકલવામાં આવતાં હતાં. કેટલાક કોમ્પ્લિકેટેડ રિપોર્ટ્સને ખરાઈ માટે પુણે મોકલવામાં આવતા હતા. બી.જે. મેડિકલ કોલેજના ડિન અને માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. પ્રણય શાહનું કહેવું છે કે બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, પ્લેગની કામગીરીમાં મેળવેલો અનુભવ અમને કોરોના ટેસ્ટિંગની કામગીરીમાં બહુ જ ઉપયોગી સાબિત થયો છે.

ટેસ્ટિંગનાં ઉપકરણોથી સજ્જ માઇક્રોબાયોલોજીની લેબોરેટરી.
ટેસ્ટિંગનાં ઉપકરણોથી સજ્જ માઇક્રોબાયોલોજીની લેબોરેટરી.

મંજૂરી મળેલી દેશની કુલ બે લેબ પૈકીની એક અમદાવાદમાં

ગત વર્ષે જાન્યુઆરી માસમાં દેશભરમાં કોરોનાનો પહેલો કિસ્સો સામે આવ્યા બાદ પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સિવાય દેશભરમાં માત્ર બે સ્થાન પર ICMRએ કોરોના ટેસ્ટિંગ માટેની લેબને પરવાનગી આપી હતી. એમાં સિવિલ હોસ્પિટલ સંલગ્ન બી.જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગ અને મેઘાલયના શિલોંગની નેઇગ્રીહમ્સ હોસ્પિટલને ટેસ્ટિંગ માટે પરવાનગી આપવામાં આવી હતી. દુનિયા આખીય કોરોનાને સમજવા લાગેલી હતી, ત્યારે બી.જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના અનુભવી ટેક્નિશિયન, પ્રોફેસરોએ ટેસ્ટિંગ માટેના પડકારને સ્વીકાર્યો હતો.

સેમ્પલ ટેસ્ટિંગ કરી રહેલી મહિલા આરોગ્યકર્મી.
સેમ્પલ ટેસ્ટિંગ કરી રહેલી મહિલા આરોગ્યકર્મી.

શરૂઆતના 2 મહિના બાદ અન્ય સરકારી હોસ્પિટલમાં અપાઇ ટેસ્ટિંગની પરવાનગી
આરંભિક 2 મહિના સુધી રાજ્યભરમાં માત્ર બી.જે. મેડિકલ કોલેજમાં કોરોનાં સેમ્પલના રિપોર્ટની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે કોરાનાનો હાહાકાર વધતાં રાજ્ય સરકારે અન્ય 5 સરકારી હોસ્પિટલમાં ટેસ્ટિંગની વ્યવસ્થા કરી. ICMRની પરવાનગી બાદ આરોગ્ય વિભાગ અને બી.જે. મેડિકલના માઇક્રોબાયોલોજીના નિષ્ણાતોએ અન્ય 5 હોસ્પિટલના સ્ટાફને માર્ગદર્શન આપી તૈયાર કર્યા. કોરોના પીક પર આવતો ગયો તેમ તેમ જીમર્સ મેડિકલ કોલેજ અને ખાનગી લેબમાં પણ ટેસ્ટિંગની પરવાનગી આપવામાં આવી હતી. રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલ માટે બી.જે. મેડિકલ કોલેજમાં ક્વોલિટી કંટ્રોલ લેબ તરીકે કામગીરી સંભાળી, એટલે કે રાજ્ચના અન્ય વિસ્તારનાં કેટલાંક સેમ્પલ બી.જે. મેડિકલમાં ખરાઇ માટે મોકલવામાં આવતાં.

કોરોનો ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાતી બાયો સેફટી કેબિન.
કોરોનો ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાતી બાયો સેફટી કેબિન.

લેબમાં ફરજ બજાવતા ડિન સહિત 35 કર્મચારી થઈ ચૂક્યા હતા સંક્રમિત
બી.જે. મેડિકલ કોલેજની કોરોના લેબમાં અત્યારસુધી ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી કુલ 35 કર્મચારીને કોરોના સંક્રમણ ચૂક્યું હતું, જેઓ સાજા થઇ ફરી કામ પર પરત ફર્યા અને આજે પણ અડીખમ રહી કામ કરી રહ્યા છે. લેબમાં શરૂઆતી દિવસોમાં 100 ટેસ્ટ કર્યા બાદમાં સંખ્યામાં થયો હતો વધારો. માઇક્રોબાયોલોજીની લેબમાં પહેલો કેસ અમદાવાદની નિયોમી શાહ અને સુરતનાં રીટાબેનનો ટિટેક્ટ થયો હતો. પ્રારંભિક દિવસોમાં એટલે ફેબ્રુઆરીમાં 13 ટેસ્ટ કર્યા, જે બાદ 1 માર્ચથી 15 માર્ચ સુધી 70 ટેસ્ટ અને બાકીના દિવસ 15 દિવસ, એટલે કે માર્ચ અંત સુધી 700 સેમ્પલના ટેસ્ટિંગ કરવામાં આવ્યા, જે બાદ સેમ્પલના ટેસ્ટિંગ સંખ્યામાં વધારો જોવા મળ્યો.

અન્ય સમાચારો પણ છે...