બિહારના રેલવે સ્ટેશન પર અચાનક જ તામિલનાડુથી આવનારા મજૂરોની ભીડ વધવા લાગી હતી. તામિલનાડુનાં શહેરોમાં બિહારના મજૂરો પર હુમલાનો દાવો કરનાર વીડિયો વાઇરલ થવા લાગ્યા હતા. એવું કહેવાય છે કે આ હુમલો હિંદી બોલવા પર કરવામાં આવી રહ્યો છે.
એવી ખબરો ફેલાઈ હતી કે તામિલનાડુના તિરુપ્પુર અને શિવકટમાં બિહારના મજૂરોને મારવામાં આવી રહ્યા છે. મેં આ હુમલાઓની સત્ય હકીકત જાણવા માટે તામિલનાડુથી બિહાર આવી ગયેલા અને હજુ પણ તિરુપ્પુરમાં રહેલા મજૂરો સાથે વાત કરી હતી. આમાં જે કહાની જાણવા મળી, તે ભાષાના વિવાદ કરતાં તો પેટની વધુ છે.
તામિલનાડુમાં કામ કરનારા લોકોએ આ હુમલાઓ પાછળ જે કહાની જણાવી એ વાંચો...
અમે જે કામ માટે 700 રૂપિયા લઈએ છીએ એ માટે તેઓ 1000 રૂપિયા માગે છે
'પરિવારનું ભરણપોષણ કરવા માટે અમે હજારો કિલોમીટર દૂરથી આવીએ છીએ. 2000 રૂપિયાનું ભાડું, 4 દિવસ ટ્રેનમાં મુસાફરી કરીને, ભૂખ્યા તરસ્યા રહીને, 6 રાજ્ય પાર કરીને અમે તામિલનાડું પહોંચીએ છીએ. જો બિહારમાં જ અમને કામ મળી જાય, તો તો શું જોઇતું હતું!'
આ શબ્દો છે બિહારના મોકામાના સંદીપ કુમારના. સંદીપ તામિલનાડુના તિરુપ્પુરમાં છેલ્લાં 10 વર્ષથી રહે છે. મેં તેનું નામ પૂછ્યું કે બિહારના લોકો પર હુમલાઓ કેમ થઈ રહ્યા છે, આવું સાંભળતા જ તેને ગુસ્સો તામિલનાડુના લોકો પર ઓછો, પોતાની સરકાર પર વધુ આવ્યો હતો.
તેણે કહ્યું હતું કે 'અસલી મુદ્દો રોજગારનો છે. બિહારથી અમે અહીં કામ શોધવા આવીએ છીએ, અહીં જેટલું મળે છે, તેને લઈને જ કામ કરીએ છીએ. લોકલ લોકો મજૂરી માગે છે. હું સ્ટીલ કંપનીમાં કામ કરું છું. રોજના 700 રૂપિયા મળે છે. ત્યાંના લોકો આ જ કામ માટે 1000 રૂપિયા માગી રહ્યા છે.'
તો શું આ જ કારણથી તમારા પર હુમલાઓ થઈ રહ્યા છે? તો જવાબ મળ્યો કે 'જુઓ કંઈ ને કંઈ તો ચાલ્યા જ કરે છે. ત્યાંના લોકો અમારાથી ચિડાય છે, કારણ કે અમે તેમના રાજ્યમાં જઈને ઓછા પૈસામાં કામ કરીએ છીએ. જોકે એવું તો નથી કે અમને મારી જ રહ્યા છે. હું તો અહીં જ છું અને પરત ફરવાનો પણ નથી.'
પછી સંદીપ થોડા અચકાતા બોલે છે કે 'જો બિહારમાં કંપનીઓ હોત, તો અમને આટલે દૂર કોઈ દિવસ આવવું જ ના પડત. હું પટનામાં જ કામ કરતો હોત. પણ પૈસા એટલા ઓછા મળે છે કે તેનાથી ઘર ચાલે તેમ નથી. બિહારના મુકાબલે તામિલનાડુમાં સારા પૈસા મળે છે, તો અમે અહીં આવી ગયા છીએ.'
શું તમારા પર ક્યારેય આવો હુમલો થયો છે, અથવા અહીંના લોકો સાથે ઝઘડો થયો છે. જવાબ મળ્યો કે 'ના, જો ત્યાં હોત તો આટલા દિવસો સુધી જીવતો ના હોત. હા, જ્યારે અમે ઓછા પૈસામાં કામ કરીએ છીએ, તો લોકો ચોક્કસપણે અમારાથી નારાજ થશે.
સ્થાનિક લોકો સમયસર કામ પર આવે છે અને જાય છે, અમે ઓછા પૈસામાં લાંબા સમય સુધી રહીએ છીએ
તિરુપ્પુરમાં ટાઇલ્સ વર્કર કાર્તિક કુમાર 2010થી અહીં છે. હુમલાઓ વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે 'આખો હોબાળો કામનો છે. તમે સોશિયલ મીડિયામાં જોશો. ત્યાંના લોકો આંદોલન કરી રહ્યા છે. અમને કામની જરૂર છે તેમને ઉત્તર ભારતીયો અહીં જોઈતા નથી.'
'એ પણ સાચું છે કે જો અમારા રાજ્યમાં કંપનીઓ હોત, તો બહારના લોકોને કામ મળે અને અમને ના મળે તો અમે પણ આંદોલન કર્યું હોત.'
ત્યાંના લોકો અને તમારી કામ કરવાની રીતમાં શું તફાવત છે? તો તે કહે છે કે 'તામિલનાડુના લોકો કામ કરે છે તો ઘડિયાળ જોઈને જ આવે છે. જો તેમનો સમય સાંજે 5:15 વાગ્યે પૂરો થઈ જાય તો તેઓ નીકળી જાય છે. અમે કામ કરતા રહીએ છીએ. અમે 8:30 સુધી પણ કામ કરીએ છીએ. તેઓ વધુ પૈસા માગે છે. અમે ઓછા પૈસામાં કામ કરીએ છીએ. એ અમારી મજબૂરી છે. બે રૂપિયા ઓછામાં કામ મળે તો પણ કરવું પડે છે.
'અમને અહીં કામ મળતું નથી, તેથી અમે બીજી જગ્યાએ જઈએ છીએ'
બિહારના સિકંદરામાં રહેતો કાર્તિક કહે છે કે 'અમે તામિલનાડુમાં 200-400 રૂપિયા ઓછામાં કામ કરીએ છીએ. અહીં કામ મળે તો ઓછા પૈસામાં કામ કરીએ. આ પૈસાનો ઉપયોગ અમારા રાજ્યની પ્રગતિ માટે થવો જોઈએ. જેથી બિહાર આગળ વધે. અમે મહેનતુ લોકો છીએ. અમારા પરિવારને સારી રીતે રાખવા માગીએ છીએ, પણ શું કરીએ, આ મહેનત બીજાં રાજ્યોમાં જઈને કરવી પડે છે.
હું કંઈક પૂછું તે પહેલાં કાર્તિક કુમાર વચ્ચે પડીને કહે છે, 'તામિલનાડુના મુખ્યપ્રધાન સ્ટાલિનના જન્મદિવસ પર, અમારા નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ જાય છે અને કેક ખવડાવે છે. અમારી સુરક્ષા વિશે એક શબ્દ પણ બોલવામાં આવતો નથી. ન તો તેઓ અને ન તો અમારા મુખ્યમંત્રી નીતિશ કુમારે એક શબ્દ પણ બોલતા નથી. તેમને કહો કે અમે અહીં આવીએ છીએ કારણ કે અમને ત્યાં કામ મળતું નથી. કામ મળે તો અમારે ત્યાં ક્યાં જવું જ છે?'
જ્યારે કાર્તિક કુમારને હુમલાના વાઇરલ વીડિયો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે 'અમે તેને ફેસબુક પર જોયો હતો. અમને ઘણું ખરું સાંભળવું પડે છે, પરંતુ આવું કંઈ નથી થયું.'
શું તમારી નજીકના કોઈની હત્યા કે ઝઘડો થયો છે? તેણે જવાબ આપ્યો કે, ત્યાં રાજસ્થાની, ગુજરાતી, બિહારી લોકોની દુકાનો પણ છે. તમિલનાડુના લોકોએ હિન્દીમાં લગાવેલાં બેનરો પણ ફાડી નાખ્યા હતા. તે લોકો કહે છે કે જો તમારે અહીં કામ કરવું હોય તો તમિલ લખો અને બોલો.'
આ પછી તે વધુમાં કહે છે કે 'તમિલો અમારાથી નારાજ છે કારણ કે અમે ત્યાં કામ કરવા જઈએ છીએ. અમે કામ વધુ કરીએ છીએ, પૈસા ઓછા લઈએ છીએ. તેઓ કરેલા કામ પ્રમાણે પૈસા લે છે.'
'અમને પૂછે છે કે તમે ઓછા પૈસામાં કેમ કામ કરો છો'
બિહારના તિરુપ્પુરથી જમુઈ પરત ફરેલા અજીત કુમારે કહ્યું હતું કે, 'અમે ટાઈલ્સ અને પથ્થરોનું કામ કરીએ છીએ. અમે પટનામાં પણ કામ કર્યું, પરંતુ ત્યાં પૈસા નહોતા. એટલે બહાર કામ કરવાનું નક્કી કર્યું. ત્યાં અમને રોજના 600 રૂપિયા મળે છે. ત્યાંના લોકોને આ કામ માટે 800 રૂપિયા મળે છે. તેઓ મને પૂછે પણ છે કે તમે લોકો ઓછા પૈસામાં કામ કરો છો. તો અમે કહીએ છીએ કે શું કરીએ, અમે આટલા દૂર આવ્યા છીએ, તો કામ તો કરવું પડે ને!'
તમે પહેલાં ક્યાં કામ કર્યું છે? તો કહ્યું કે 'પંજાબ, આંધ્રપ્રદેશ અને બીજાં ઘણાં રાજ્યોમાં કામ કર્યું છે. બિહારમાં કોઈ કામ નથી એટલે બીજે ક્યાંક કરવા જવું પડે છે.' તો શું ત્યાં પણ એવું જ થાય છે? જવાબ મળ્યો, 'ના, ત્યાં બહુ થયું નથી. પરંતુ લોકો કોઈપણ રીતે ચિડાઈ જાય છે. અમે ત્યાં જઈશું તો તેમનું કામ જતું રહેશે.'
અજીત કહે છે, 'અમે 8-9 મહિનાથી તિરુપ્પુરમાં રહેતા હતા. પહેલીવાર આવો હોબાળો થયો છે. શું ક્યારેય તમારી સાથે તેઓએ ઝઘડો કર્યો છે? તો જવાબ મળ્યો, 'ના તે અમારી સાથે નથી થયું, પણ વીડિયોમાં જોયું છે ખરું.'
આ વીડિયો ક્યાંથી મળ્યો? તો જવાબ મળ્યો કે 'ફેસબુક અને વોટ્સએપ પર મળ્યો છે.'
શું તમને બિહારમાં જ કામ કરવાની તક મળી જાય, તો જશો? તો કહ્યું કે 'હા, કેમ ના જઈએ, અમે ખુશી-ખુશીથી જઈશું. અમે જેટલા પૈસામાં અહીં કામ કરીએ છીએ, ત્યાં થોડા ઓછા પૈસામાં પણ કામ કરવા મળી જાય, તો પણ વાંધો નથી, પોતાના ઘરમાં રહીને પણ કામ કરીશું.'
હિન્દી બોલવાના કારણે હુમલાનો દાવો
તામિલનાડુના તિરુપ્પુર અને શિવકટ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તાર છે. સ્ટીલ, કપડાં અને માર્બલ-ટાઈલ્સની ઈન્ડસ્ટ્રી છે. બિહાર, રાજસ્થાનના લોકો અહીં મોટી સંખ્યામાં મજૂરી માટે આવે છે. છેલ્લા એક સપ્તાહથી બિહારના મજૂરો અચાનક તેમના રાજ્યમાં પાછા ફરવા લાગ્યા હતા.
તેમણે કહ્યું હતું કે ઉત્તર ભારતીયો પર હુમલા થઈ રહ્યા છે. હિન્દી બોલવા માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. હત્યા પણ કરવામાં આવી રહી છે. તેના મોબાઈલમાં લોહીથી લથબથ ઘણા વીડિયો છે.
બિહાર સરકારે અધિકારીઓની એક ટીમ તામિલનાડુ મોકલી
બિહાર સરકારે આ મુદ્દો વિધાનસભા અને વિધાન પરિષદમાં જોરશોરથી ઉઠાવ્યો હતો. નાણામંત્રી વિજય કુમાર ચૌધરીએ આને બિહારના લોકોનું અપમાન ગણાવ્યું હતું. હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તામિલનાડુમાં તપાસ ટીમ મોકલી છે.
તામિલનાડુમાં હિન્દી ભાષાને લઈને વિવાદ 86 વર્ષ જૂનો છે
તામિલનાડુમાં પહેલું હિન્દી વિરોધી આંદોલન 1937માં શરૂ થયું હતું. આ આંદોલન 3 વર્ષ સુધી ચાલ્યું હતું. ત્યાંના લોકો શાળાઓમાં હિન્દી ભાષાને ફરજિયાત બનાવવાના વિરોધમાં હતા. જ્યારે આ ચળવળને દબાવવાનો પ્રયાસ થયો ત્યારે બે લોકોનાં મોત થયાં અને 1000થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 1940માં કોંગ્રેસ સરકારના રાજીનામા પછી, મદ્રાસના બ્રિટિશ ગવર્નર લોર્ડ એર્સ્કીને ફરજિયાત હિન્દી શિક્ષણનો આદેશ પાછો ખેંચી લીધો હતો.
દ્રવિડ કઝગમ અને પેરિયારે 1946-50 દરમિયાન હિન્દી વિરુદ્ધ આંદોલન કર્યું હતું. ત્યારે પણ સરકારે શાળાઓમાં હિન્દીને ફરજિયાત ભાષા તરીકે દાખલ કરી ત્યારે તેનો વિરોધ થયો હતો. સરકારના આ પગલાને વિરોધીઓ રોકવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ 1948થી સૌથી મોટું હિન્દી વિરોધી આંદોલન શરૂ થયું હતું.
સરકાર અને આંદોલનકારી લોકો વચ્ચે સમજૂતી થઈ હતી. સરકારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી બંધ કરી દીધી અને તેમણે 26 ડિસેમ્બર 1948ના રોજ આંદોલન પાછું ખેંચ્યું હતું. અંતે, સરકારે 1950-51ના સેશનથી હિન્દીને વૈકલ્પિક વિષય બનાવ્યો હતો.
26 જાન્યુઆરી 1965ના રોજ, મદ્રાસ રાજ્યમાં હિન્દી વિરોધી આંદોલન ઉગ્ર બન્યું. તમિલનાડુના વિદ્યાર્થીઓએ એક સંગઠન બનાવ્યું અને હિન્દી વિરોધી આંદોલન શરૂ કર્યું હતું. આ વિરોધ પછીથી રમખાણોમાં ફેરવાઈ ગયો અને લગભગ 70 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા.
17 નવેમ્બર 1986ના રોજ, તામિલનાડુની પાર્ટી ડીએમકેએ નવી શિક્ષણ નીતિનો વિરોધ કર્યો હતો. આમાં હિન્દી શીખવવાની પણ જોગવાઈ હતી. ડીએમકે નેતા કરુણાનિધિ સહિત 20 હજાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 21 લોકોએ આત્મહત્યા કરી હતી. કરુણાનિધિને 10 અઠવાડિયાની સજા ફટકારવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.