ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ગુજરાતના સિનિયર IAS કે.રાજેશને આવી ગઈ હતી CBI રેડની ગંધ? 4 દિવસથી કોમ્પ્યુટર વર્ક માટે કેટલાંક લોકો ઘરે આવતા

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. રાજેશને ત્યાં CBI ત્રાટકી
  • એક વર્ષ પહેલાં ACBને ફરિયાદ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહ થઈ નહોતી
  • ગુજરાતના સિનિયર IASની CBI દ્વારા ધરપકડ
  • પૂર્વ સરકારના એક સિનિયર નેતાનો કે. રાજેશ પર હાથ હોવાની ચર્ચા

ગુજરાત સામાન્ય વહીવટ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કનકીપતિ રાજેશ (કે રાજેશ)ની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે વચેટિયા તરીકે કામ કરતાં રફીક મેમણની પણ ધરપકડ કરવામાં આવી છે. બંનેને અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પહેલાં ગુરૂવારની મોડી રાત્રે CBIએ કે રાજેશની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. બંદૂકના લાઇસન્સની પરવાનગીમાં લાંચ અને સરકારી જમીન પ્રાઈવેટ વ્યક્તિઓને પધરાવ્યા સહિતની 20થી વધુ ફરિયાદ કર્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન ગાંધીનગર, સુરેન્દ્રગર, સુરત ઉપરાંત આંધ્રપ્રદેશના રાજામુંદ્રીમાં તેમના નિવાસસ્થાને હાથ ધરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, પ્રત્યેક અરજદાર પાસેથી કલેક્ટર કે. રાજેશ દ્વારા કુલ 5 લાખની લાંચ માગવામાં આવતી, જેમાં 4 લાખની રોકડ અને 1 લાખના ચેક પેટે લેતા હતા. આ અંગે ફરિયાદી મથુર સાકરિયા સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી, જેમાં તેમણે ચોંકાવનારા આરોપ મૂક્યા હતા.

IAS અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ કેસમાં સહ આરોપી તરીકે ઝડપાયેલા રફીક મેમનને CBI કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. જેમાં આરોપી મેમણના કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ એજન્સી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે રફીક મેમણના વકીલ આફતાબ હુસૈન અન્સારી દ્વારા દલિલ કરવામાં આવી કે, આ કેસમાં રફીક મેમણનો કોઈ રોલ નથી, જે પણ લાયસન્સ ઇસ્યુ કરવા બાબતે જે પણ લેવડદેવડ થઈ છે, તેમાં કલેકટરની ભૂમિકા મહત્વની હતી, તેમ છતાં પહેલા કલેકટરની ઘરપકડ કરવામાં આવેલ નહોતી તે અંગે સીબીઆઈ કોર્ટ તપાસ કરનાર અધિકારીના વલણ સામે અણગમો વ્યક્ત કર્યો હતો. તપાસ કરનાર એજન્સીએ મેમણના ઘરે તપાસ કરતાં કોઇપણ આધાર ભૂત પુરાવા નથી મળ્યા. કેસ મુખ્ય આરોપી કે રાજેશને CBI કોર્ટ સમક્ષ આવતીકાલે સાંજે રજૂ કરવામાં આવશે.

વાંચોઃ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશની CBI દ્વારા ધરપકડ, લાંચ અને ખોટી રીતે લાભ કરાવવા મુદ્દે કેન્દ્રીય એજન્સીની મોટી કાર્યવાહી

કે રાજેશને CBI રેડની ગંધ આવી ગઈ હતી?
કે રાજેશ હાલ ગાંધીનગરના સેક્ટર-8 સ્થિત જે ખાનગી મકાનમાં ભાડે રહે છે તે મકાનમાં છેલ્લાં 3થી 4 દિવસથી મોડી સાંજથી વહેલી સવાર સુધી અવારનવાર કેટલાંક લોકોની અવરજવર રહેતી હતી. ઘરમાં કામ કરવા માટે સંકળાયેલા લોકોના કહેવા મુજબ જે લોકો ઘરમાં આવતાં હતા કે કમ્પ્યુટર વર્ક કરી અને વહેલી સવારે ચાલ્યા જતાં હતા. આ ઉપરથી લાગે છે કે સીબીઆઈની રેડ થવાની ગંધ કે રાજેશને થોડાં દિવસ અગાઉ જ આવી ગઈ હતી.

ફરિયાદીનો ચોંકાવનારો આરોપ - કે. રાજેશ પોતાનાં કપડાં લઈ આપવાનું કહેતા
આ આખાયે કેસમાં સુરેન્દ્રનગરના કેરાળા ગામના ફરિયાદી મથુર સાકરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે રોકડા અને ચેકથી નાણાં આપ્યા હતા, એમ છતાં પણ જ્યારે તેમને પોતાના માટે કપડાંની ખરીદી કરવી હોય તોપણ તેઓ અમને એ લઈ આપવા માટે કહેતા હતા. આમ, નાણાંથી પણ અમારે એક વખત વ્યવહાર થયો હોવા છતાં બીજી રીતે પણ અવારનવાર ભોગવવાનો વારો આવી ચડતો હતો.

માલિશ માટે 3 કિલો તલનું તેલ માગ્યું હતું
સુરેન્દ્રનગરના ચૂડાના કુડલા ગામના નિવાસી અમરસંગ રાઠોડ નામના ફરિયાદી, જેઓ મગફળી, તલ પકવતા ખેડૂત છે. તેમણે પણ બંદૂક માટે પરવાનો લેવા અરજી કરી હતી. જે-તે સમયે કે. રાજેશ દ્વારા પરવાના અંગે નકારાત્મક અભિપ્રાય આપતાં અમરસંગ રાઠોડ અપીલ માટે ગૃહ વિભાગમાં ગયા હતા. આ સમયે ફરિયાદીના વ્યવસાય સંબંધી માગણી કરી શરીર પર તેલ માલિશ કરવા માટે 3 કિલો તલના તેલની માગણી કરી હતી. જો તલનું તેલ આપવામાં આવશે તો તાત્કાલિક ધોરણે જ પરવાનો આપવામાં આવશે, એવા એફિડેવિટ સાથેની ફરિયાદ અમરસંગ રાઠોડ દ્વારા એસીબી સમક્ષ કરવામાં આવી હતી.

80 લાખથી વધુની રોકડની લાંચ લીધી
સુરેન્દ્રનગરના તત્કાલીન જિલ્લા ક્લેક્ટર કે. રાજેશ દ્વારા બંદૂકના પરવાના આપતી વખતે લાંચ લેવા બાબતે 20 કરતાં વધુ ફરિયાદીએ એફિડેવિટ સાથે ફરિયાદ કરી હતી, જેમાં પ્રત્યેક અરજદાર પાસેથી કુલ 5 લાખની લાંચ માગવામાં આવતી હતી. એમાં 4 લાખની રોકડ પ્રત્યેક અરજદાર પાસેથી લેવાતી હતી. આમ, 20 કરતાં વધુ ફરિયાદીની ફરિયાદને આધારે જોઈએ તો કે. રાજેશ દ્વારા રૂ. 80 લાખથી વધુ રોકડ રકમની લાંચ લેવાઈ છે.

ચેક પેટે પણ કે. રાજેશ રકમ લેતા હતા
બંદૂકના પરવાના આપતી વખતે ચોક્કસ રકમ ચેકના માધ્યમથી લેવાતી હતી. ચેકથી લેવાયેલી રકમનો જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વિકાસ માટે ફંડ તરીકે વપરાશ કરાતો હતો. આમ, પ્રત્યેક અરજદારને બંદૂકનો પરવાનો લેવા માટે રોકડ તથા ચેક એમ બે તબક્કે રકમ ચૂકવવી પડતી હતી.

અધિક મુખ્ય સચિવે કહ્યું- રાજ્ય સરકારના નિર્ણય બાદ જ CBIએ કાર્યવાહી કરી છે
સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે જ્યારે પણ આ પ્રકારની કાર્યવાહી થતી હોય ત્યારે રાજ્ય સરકારનો કોઈપણ પ્રકારનો ફાળો નથી હોતો. રાજ્ય સરકારને મળેલી ફરિયાદને આધારે જો એમાં તથ્ય જણાય તો રાજ્ય સરકાર સીબીઆઈને આ ફાઈલ સોંપશે.

અઢી મહિના પહેલાં CBIને કેસ સોંપાયો હતો
પૂર્વ સરકારમાં કે. રાજેશ સામે થયેલી ફરિયાદો અન્વયે વર્તમાન સરકારે કાર્યવાહી કરવા માટે તખતો તૈયાર કર્યો હતો. કે. રાજેશ સામે થયેલી ઢગલો ફરિયાદો મુદ્દે અઢી મહિના અગાઉ જ સીબીઆઈને સમગ્ર કેસ સોંપ્યો હતો. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ જ કોઈ રાજ્યમાં સીબીઆઈ કાર્યવાહી કરી શકતી હોય છે.

CBIની દખલગીરી બાદ રાજ્ય સરકારની જવાબદારી નથી રહેતી
કોઈપણ અધિકારી કે પછી મહત્ત્વના વિવાદાસ્પદ મુદ્દા પર રાજ્ય સ્તરે અવલોકન કરવામાં આવતું હોય છે. અધિકારી અંગે થયેલી ફરિયાદ સૌપ્રથમ સામાન્ય વહીવટ વિભાગ ખાતે તપાસાય છે, ત્યાર બાદ જે-તે અધિકારી સામેની ફાઈલ મુખ્યમંત્રી સમક્ષ રાખવામાં આવે છે. મુખ્યમંત્રી કાર્યાલય સ્તરેથી ફરિયાદમાં તથ્ય જણાયા બાદ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કરાય છે. એક વખત સીબીઆઈ કાર્યવાહી શરૂ કરે છે ત્યાર બાદ રાજ્ય સરકારની કોઈ જ જવાબદારી રહેતી નથી.

ACBને પણ ફરિયાદ થઈ હતી, પણ કોઈ કાર્યવાહી ન થઈ
એવું નથી કે આ ફરિયાદ માત્ર રાજ્ય સરકારને જ કરાઈ હતી. સરકારી કર્મચારીઓ સામે કામ કરતી એસીબીમાં પણ અનેક ફરિયાદ કરાઈ હતી. તત્કાલીન એસીબી ડાયરેક્ટર કેશવ કુમારને નામજોગ ઉદ્દેશીને પણ 3 માર્ચ 2021ના રોજ 22 પાનાંની એફિડેવિટ સાથેની ફરિયાદ કરાઈ હતી, પરંતુ એસીબી દ્વારા આ ફરિયાદો અંગે કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી.

પૂર્વ સરકારના એક સિનિયર નેતાનો કે. રાજેશ પર હાથ હતો
જોકે પૂર્વ સરકારના એક સિનિયર નેતાનો હાથ કે. રાજેશ પર હોવાને કારણે તેમનો આબાદ બચાવ થતો રહ્યો હતો. જોકે સરકાર બદલાઈ અને એની પોલિસી પણ બદલાઈ એટલે કે રાજેશ સામેની ફરિયાદો અન્વયે કાર્યવાહી કરવાની શરૂઆત થઈ છે.

CBI આકરાં પગલાં લેશે
સીબીઆઈ દ્વારા કે રાજેશ સામે થયેલી તપાસમાં તેમનાં ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન, ઓફિસ તેમજ સુરેન્દ્રનગર ખાતે તપાસ હાથ ધરાઈ હતી. અનેક દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. સીબીઆઈની કાર્યવાહીમાં જો તથ્ય જણાશે તો તે એ કેસમાં ક્રિમિનલ કેસ દાખલ કરી શકે છે. જોકે રાજેશ સામે ક્રિમિનલ કેસ દાખલ થાય છે તો તેમની ધરપકડ પણ થઈ શકે છે.

કે. રાજેશના ફોન બંધ થઈ ગયા
દિવ્ય ભાસ્કર દ્વારા સમગ્ર કિસ્સામાં આક્ષેપિત અધિકારી કે. રાજેશ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. હાલ કે. રાજેશ મળતી માહિતી પ્રમાણે પોતાના મૂળ વતન આંધ્રપ્રદેશ ખાતે છે અને રજા પર છે. કે. રાજેશનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમનો ફોન બંધ આવી રહ્યો છે.

કે. રાજેશનું ગૃહ વિભાગમાં પ્રમોશન થતાં વિવાદ થયો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે. રાજેશ સામે બંદૂકના પરવાના આપવામાં લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો, ત્યારે પૂર્વ સરકારે જે-તે સમયે તેમને મળી રહેલા પ્રમોશનમાં ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરી તરીકે હવાલો સોંપ્યો હતો. જે મુદ્દાનો આક્ષેપ હતો એ જ વિભાગમાં વડા તરીકે પૂર્વ સરકારે પ્રમોશન આપતાં મોટો વિવાદ સર્જાયો હતો, જેના પરિણામે માત્ર 24 કલાકમાં જ કે. રાજેશની બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગમાં બદલી કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...