તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદ મોહમ્મદ ફૈઝલે કહ્યું:ગૌ માંસ ખાવું એ અમારો બંધારણીય અધિકાર, પ્રશાસક પ્રફુલ્લ પટેલને હટાવવામાં આવે; તેમનો BJP પણ વિરોધ કરે છે

નવી દિલ્હી8 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક
  • લક્ષદ્વીપ ડેવલપમેન્ટ ઓથોરિટી લાવવાની જે કોશિશ કરાઈ રહી છે એનાથી લોકોને લાગે છે કે તેમની જમીન જોખમમાં છે

સામાન્ય રીતે શાંત દરિયાકિનારા માટે જાણીતુ લક્ષદ્વીપ સમાચારોથી દૂર જ રહે છે. જોકે એ બે સપ્તાહથી સમાચારોમાં છે. એ પાછળનું કારણ છે ત્યાંના પ્રશાસક પ્રફુલ્લ પટેલે તાજેતરમાં ઉઠાવેલાં પગલાં. દમણ-દીવ અને દાદરા-નગરહવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલને ડિસેમ્બર 2020માં લક્ષદ્વીપનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યારથી તેમણે બીફ પર પ્રતિબંધ લગાવી દીધો છે, દારૂ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે, નવી ડેવલપમેન્ટ ઓથોરિટીને અધિકાર આપ્યા છે અને એક સખત કાયદો પસાર કર્યો છે. આ કાયદા મુજબ કોઈને પણ એક વર્ષ સુધી જામીન વગર જેલમાં નાખી શકાય છે.

તેમની વિરુદ્ધ અહીંના લોકા રસ્તા પર આવી ગયા છે. તેમને એ વાતનો ડર છે કે તેમની જમીન, તેમના અધિકાર, રહેણીકરણી અને સંસ્કૃતિ ખતરામાં છે. ઉલ્લેખનીય છે કે 70 હજારની વસતિ ધરાવતા લક્ષદ્વીપમાં 96 ટકા મુસલમાન છે. આ તમામ મુદ્દાઓને લઈને દૈનિક ભાસ્કરે લક્ષદ્વીપના સાંસદ પીપી મોહમ્મદ ફૈઝલ સાથે વાતચીત કરી છે. વાંચો વાતચીતના કેટલાક મુખ્ય અંશ...

સવાલઃ હંમેશાં શાંતિપૂર્ણ રહેનાર લક્ષદ્વીપ અચાનક શા માટે ચર્ચામાં આવી ગયું, એવું શું થઈ રહ્યું છે?
જવાબઃ લક્ષદ્વીપ એવી જગ્યા છે જ્યાં લોકો શાંતિથી રહે છે. અહીંની દેશભક્તિ અને મહેમાનોની કરવામાં આવતી આગતાસ્વાગતા જાણીતી છે. હવે આ નાનો ટાપુ સમાચારોમાં છે. એનું કારણ માત્ર ત્યાંના નવા પ્રશાસક પ્રફુલ્લ પટેલ છે. તેઓ જે પ્રકારના કાયદાઓ લાવવાની કોશિશ કરી રહ્યા છે, તેની વિરુદ્ધ લોકો રસ્તાઓ પર આવી ગયા છે.

સવાલઃ આ કાયદો કે પ્રસ્તાવ લાવતાં પહેલાં શું કોઈ પ્રતિનિધિ સાથે ચર્ચા કરવામાં આવી, કોઈ બેઠક કે વાતચીત થઈ?
જવાબઃ હું અહીંનો સાંસદ છે. મને પણ આ વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી. જ્યારે આ અંગેનો ડ્રાફટ પબ્લિશ થયો ત્યારે મને ખ્યાલ આવ્યો. જે રીતે અહીંના આમ લોકોને આ અંગે ખ્યાલ આવ્યો, એ જ રીતે મને પણ જાણવા મળ્યું. પંચાયતના પ્રતિનિધિઓને પણ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ કાયદો એકતરફી છે.

સવાલઃ જોકે પ્રશાસનનો આ તર્ક છે કે હજી આ માત્ર પ્રસ્તાવ જ છે, એ પછી એનો વિરોધ શા માટે થઈ રહ્યો છે?

જવાબઃ લોકશાહી પ્રક્રિયામાં પ્રી-લેજિસ્લેટિવ કન્સલ્ટેશન(કાયદો બનાવવામાં આવે એ પહેલાં ચર્ચા)નો સિદ્ધાંત હોય છે. લક્ષદ્વીપમાં કોઈની પણ સાથે આ પ્રસ્તાવો વિશે કોઈ વાત કરવામાં આવી નથી અને આ સિવાય કોઈ મત પણ લેવામાં આવ્યો નથી. સાંસદ કે જિલ્લા પંચાયત સાથે પણ આ અંગે ચર્ચા કરાઈ નથી. જે ડ્રાફટ પબ્લિશ થયો છે એ માત્ર અંગ્રેજી ભાષામાં છે, ત્યાંના લોકોની માતૃભાષામાં નથી. લક્ષદ્વીપના મોટા ભાગના લોકો મલયાલમ બોલે છે. ડ્રાફટમાં શું છે એનો અનુવાદ કર્યા વગર સ્થાનિક લોકો કઈ રીતે સમજશે?

સવાલઃ મહામારીના સમયે આટલી ઝડપથી શા માટે કાયદો લાવવામાં આવી રહ્યો છે?
જવાબઃ સૌથી મોટો મુદ્દો એ છે કે લક્ષદ્વીપ ડેવલપમેન્ટ ઓથોરિટી લાવવાની જે કોશિશ કરાઈ રહી છે, એનાથી લોકોને લાગે છે કે તેમની જમીન ખતરામાં છે. પ્રશાસન ઓથોરિટીના લોકોને જમીન છીનવવાનો અધિકાર આપી રહ્યું છે. આ કારણે લોકોમાં ડરનો માહોલ છે.

સવાલઃ તમે ડ્રાફટની ભાષા, ટાઈમિંગ અને નિયત પર સવાલ ઉઠાવી રહ્યા છો, જોકે પ્રશાસનનો તર્ક છે કે એ વિકાસ માટે ખૂબ જરૂરી છે?
જવાબઃ વિકાસનો વિરોધ કોણ કરે છે. સવાલ એ છે કે વિકાસ માટે ગુડા એક્ટની શી જરૂરિયાત છે. વિકાસ માટે એનિમલ કન્ઝર્વેશન રેગ્યુલેશનની શી જરૂરિયાત છે? જ્યાં દારૂ બંધ છે, ત્યાં દારૂ વેચવાની શી જરૂરિયાત છે. આ બધું વિકાસ માટે નથી. વિકાસ કરવો હોય તો પ્રશાસન લક્ષદ્વીપના ઉદ્યોગ સાહસિકોને પોતાની જમીન પર પર્યટન વિકાસની મંજૂરી આપે. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી પરવાનગી માગી રહ્યા છે, જોકે મળી રહી નથી.

સવાલઃ તો પછી પ્રશાસનના આ પગલાં શા માટે ઉઠાવી રહ્યું છે? એનો હેતુ શું છે?
જવાબઃ આ સમજવા માટે આપણે દમણ અને દીવ જવું પડશે. પ્રફુલ્લ પટેલે જે ત્યાં કર્યું છે એ અહીં કરવાની કોશિશ કરી રહ્યા છે. ત્યાં તેમણે લોકોને નોકરીઓમાંથી કાઢ્યા છે, કોન્ટ્રેક્ટ પર કામ કરી રહેલા લોકોના કોન્ટ્રેક્ટ સમાપ્ત કર્યા છે. 90 આદિવાસીનાં ઘર તોડીને, સ્કૂલને જેલ બનાવીને તેમને જેલમાં નાખ્યા છે.

સવાલઃ શું તમને લાગે છે કે આ ફેરફારના બીજા કોઈ કારણ પણ હોઈ શકે છે?
જવાબઃ મને એવું લાગે છે કે આ બધા પાછળ પ્રફુલ્લ પટેલનાં ખાનગી હિતો સંકળાયેલાં છે. તેઓ પોતાની પસંદના કોન્ટ્રેક્ટર લાવવા માગે છે. લક્ષદ્વીપના નાના-મોટા કોન્ટ્રેક્ટર, હવે આ શરતો અને નિયમો અંતર્ગત કોઈ કામ કરી શકશે નહિ. અમને લાગી રહ્યું છે કે તે પોતાની પસંદગીના કોન્ટ્રેક્ટર કે કોર્પોરેટ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે આ નિયમ લાવી રહ્યા છે. લક્ષદ્વીપમાં ઘણાં એવાં દ્વીપ છે જ્યાં કોઈ જ રહેતું નથી. તેમની નીતિ પોતાના મળતિયાઓને આ જમીન આપવાની પણ હોઈ શકે છે.

સવાલઃ જે નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે એની લક્ષદ્વીપના વાતાવરણ અને ઈકોલોજી પર શું અસર થઈ શકે છે?
જવાબઃ મોટું નુકસાન થઈ શકે છે. લક્ષદ્વીપ કોરલથી બનેલું છે. વિશ્વની સૌથી નાજુક ઈકોલોજી છે. જો તેને યથાવત્ ન રખાઈ તો આ દ્વીપનો નાશ થઈ જશે. અહીં 15 મીટર પહોળા રસ્તા બનાવવા અને ખનન કરવાની યોજના બનાવાઈ રહી છે. જો આમ થયું તો લક્ષદ્વીપ રહેશે જ નહિ. સુપ્રીમ કોર્ટ પહેલા જ લક્ષદ્વીપને લઈને ગાઈડલાઈન નક્કી કરી ચૂકી છે. આ રિપોર્ટ બનાવવામાં એક વર્ષ લાગ્યું હતું. ભારત સરકારે એનો સ્વીકાર કર્યો અને ગેજેટમાં નોટિફાઈ કર્યું, આઈ ડ્રાફટ એની વિરુદ્ધ છે. તે લક્ષદ્વીપને સંપૂર્ણ રીત બરબાદ કરશે.

સવાલઃ આ નવા કાયદાઓની સામાન્ય લોકોના જીવન પર શું અસર થઈ શકે છે?
જવાબઃ જ્યારે આઈલેન્ડ જ નહીં રહે તો ત્યાંના લોકો ક્યાં રહેશે. જો આ કાયદો લાગુ થયો તો જમીન ઓથોરિટીની પાસે જતી રહેશે. જે જગ્યા ઓથોરિટીને જોઈશે એ લઈ લેવામાં આવશે. લોકોને ત્યાંથી હટાવી દેવામાં આવશે. એને કારણે લોકોમાં ડર છે. તેમને ડર છે કે જે પણ નાની-મોટી જમીન તેમની પાસે છે એ પણ છીનવાઈ જશે. આ કારણે તેઓ દેખાવો કરી રહ્યાં છે.

સવાલઃ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે લક્ષદ્વીપમાં કેટલીક મસ્જિદોને પણ તોડવામાં આવી રહી છે?
જવાબઃ શરૂઆતમાં એવો રિપોર્ટ આવ્યો હતો કે પ્રશાસક હાઉસની પાસેની એક મસ્જિદને હટાવવામાં આવશે. પ્રફુલ્લ પટેલ આવ્યા પછી ત્યાંના કલેક્ટરે મસ્જિદના મુતવલ્લીને બોલાવીને પૂછ્યું હતું કે શું મસ્જિદ અને કબ્રસ્તાનને હટાવીને બીજી કોઈ જગ્યાએ પહોંચાડી શકાશે? જોકે સવાલ એ છે કે શું આ પૂછવાની વાત છે? આ ચીજ એવી છે કે તેના વિશે કોઈ વિચારી પણ ન શકે. પ્રફુલ્લ પટેલ પ્રથમ પ્રશાસક નથી. આ પહેલાં તો કોઈએ મસ્જિદ અને કબ્રસ્તાનને લઈને કોઈ ફરિયાદ કરી નથી. જોકે હાલ કોઈ મસ્જિદને તોડવામાં આવી નથી.

સવાલઃ બીફ બેનને લઈને તમારું શું કહેવું છે?
જવાબઃ લક્ષદ્રીપમાં લોકો આટલાં વર્ષોથી બીફ ખાઈ રહ્યા છે. આ અમારી ઈટિંગ હેબિટ અમારો બંધારણીય અધિકાર છે. ઈટિંગ હેબિટમાં દખલગીરી કરવાની કોશિશ છે. અહીં બાળકોના મિડ ડે મીલમાંથી નોનવેજ આઈટમને દૂર કરવામાં આવી રહી છે. આ અમારા બંધારણીય અધિકારો પર ઈજા છે. આ યોગ્ય નથી.

સવાલઃ તમે આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. તેમની સાથે શું વાત થઈ, શું ભરોસો મળ્યો?
જવાબઃ અમિત શાહની સાથે અમે લાંબી ચર્ચા કરી છે, ગુડા એક્ટ, એનિમલ એક્ટ, પંચાયત નિયમો અને વિવાદાસ્પદ ડેવલપમેન્ટ ઓથોરિટીના મુદ્દા તેમની સમક્ષ ઉઠાવ્યા છે. તેમણે ભરોસો આપ્યો છે કે આમાંથી કોઈને પણ આમ જ પાસ કરવામાં આવશે નહિ. લક્ષદ્વીપના લોકો, પંચાયતના સભ્યો અને સંસદ સભ્યોની સાથે ચર્ચા કરીને જ કાયદો પસાર કરવામાં આવશે. એવો કોઈપણ કાયદો પસાર કરવામાં આવશે નહિ, જે લક્ષદ્વીપના લોકોના હિતમાં નથી.

સવાલઃ હવે આગળની રણનીતિ શું છે
જવાબઃ અમે સેવ લક્ષદ્વીપ ફોરમ શરૂ કર્યું છે. તેમાં બીજેપી સહિત લક્ષદ્વીપની તમામ પાર્ટીઓ સામેલ છે. અમે સોમવારે હંગર સ્ટ્રાઈક કરી, જેમાં સમગ્ર લક્ષદ્વીપ સામેલ રહ્યું. આ સિવાય દેશ અને વિશ્વમાં રહી રહેલા લક્ષદ્વીપના લોકોએ 12 કલાકની ભૂખહડતાળ કરી છે. જ્યાં સુધી પ્રફુલ્લ પટેલને પરત બોલાવવામાં આવશે નહિ ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ જ રહેશે. લક્ષદ્વીપને એવા પ્રશાસકની જરૂરિયાત છે, જે ત્યાંના લોકોને સમજી શકે, અહીંના પ્રતિનિધિઓનું સન્માન કરે. પ્રફુલ્લ પટેલે જે પણ આદેશ પસાર કર્યો છે એ પરત નહિ લેવાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલતો રહેશે.