બ્લેકબોર્ડપતિ જેલમાં ન જાય, તેથી દિયર સાથે સંબંધ બનાવવા પડ્યા:બનેવી જોડે હલાલાનો ઈનકાર કર્યો તો તલાક આપ્યા; આ કેવો ત્રણ તલાકનો કાયદો

એક મહિનો પહેલાલેખક: દીપ્તિ મિશ્રા

ટ્રિપલ તલાકનો કાયદો લાગુ થયાને ત્રણ વર્ષ થઈ ગયાં છે, પરંતુ આ પ્રકારના તલાકનો અંત આવ્યો નથી. પતિને જેલ જતા બચાવવા માટે મહિલાઓએ ક્યારેક દિયર સાથે તો ક્યારેક બનેવી સાથે હલાલા કરવા પડે છે. આ પછી પણ તેનો પતિ તેને રાખવા તૈયાર નથી. ઘણી સ્ત્રીઓની હાલત અડધી વિધવા જેવી થઈ ગઈ છે. ન તો તે તેના પતિ સાથે રહી શકે છે અને ન તો તેને કોઈ ભરણપોષણ મળતું.

આજે બ્લેકબોર્ડ સિરીઝમાં આવી જ મહિલાઓની કહાની. પહેલા આ કિસ્સો વાંચો...
“મેં લગ્ન કર્યા ત્યારે હું 18 વર્ષની હતી. બે-ત્રણ મહિના પછી પતિએ મારઝૂડ અને ગાળાગાળી શરૂ કરી. શાકમાં મીઠું-ઓછું હોય તો મારવામાં આવે છે, મરચું વધુ હોય તો મારવામાં આવે છે. ન તો મને મારા પિયર જવાની મંજૂરી આપવામાં આવી કે ન તો મારા પરિવારના સભ્યોને અહીં આવવા દેવાતા. એવું લાગતું હતું કે મારપીટ જ નાસ્તો છે, મારપીટ જ ભોજન છે. એમ છતાં હું સહન કરતી રહી.

આ રીતે અઢાર મહિના વીતી ગયા. એક દિવસ પતિએ તેને તલાક, તલાક, તલાક કહીને ઘરની બહાર કાઢી મૂકી. ત્યારે પુત્રી માત્ર 7 મહિનાની હતી. હું રડતાં કરગરી તો કહ્યું કે હવે હલાલા થશે, તો જ તું મારી સાથે રહી શકીશ. સંબંધ બચાવવા માટે હું હલાલા માટે તૈયાર થઈ. પતિએ દિયરને બોલાવ્યો અને કહ્યું કે આની સાથે તું હલાલા કર. જે રાતે દિયરે મારી સાથે સંબંધ બાંધ્યો, હું ત્યારે ખૂબ રડી. ખૂબ ખરાબ ફીલ થયું. ખુદથી ઘૃણા થવા લાગી. ન કોઈની સાથે વાત કરતી, ન ખાઈ શકતી, પણ શું કરું. સંબંધ બચાવવા માટે આ જ એક રસ્તો હતો. ત્રણ મહિના સુધી દિયરનો જુલમ સહન કરતી રહી.

માર્ચ 2017માં પતિ સાથે બીજા નિકાહ કર્યા. હું ખુશ હતી કે હવે બધું સારું થઈ જશે, પરંતુ તેઓ વધુ ને વધુ મારપીટ કરવા લાગ્યા. જ્યારે હું મારા સાસુને ફરિયાદ કરતી તો તે કહેતી કે કંઈ વાંધો નહીં, પુરુષો હંમેશાં મારતા હોય છે. અહીં દીકરી પણ મોટી થઈ રહી હતી. તેના માટે મારે દરરોજ મારપીટનો સામનો કરવો પડતો હતો.

બે વર્ષ પછી તેઓ મારા પર દહેજ માટે દબાણ કરવા લાગ્યા. તેણે કહ્યું કે તારા પિતા પાસેથી પૈસા માગ. મેં અગાઉ સમજાવ્યું કે તેઓ પહેલેથી જ દેવાંમાં ડૂબેલા છે. પૈસા આપી શકશે નહીં. એને કારણે ફરી એક દિવસે પતિએ તલાક આપ્યા.

જ્યારે મેં મારા પિયર જવાનો પ્રયાસ કર્યો, ત્યારે મને જવા દેવામાં આવી ન હતી. તેમને લાગ્યું કે હું ત્યાં જઈને પોલીસમાં ફરિયાદ કરીશ. પતિએ કહ્યું કે ફરી નાના ભાઈ સાથે હલાલા કર. પછી હું તને રાખીશ. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. દિયરે ત્રણ મહિના સુધી મારી સાથે સંબંધ ચાલુ રાખ્યા. આ પછી મેં મારા પતિ સાથે ફરી નિકાહ તો કર્યા, પરંતુ મને તરત જ મારા પિયર મોકલી દેવામાં આવી.

થોડા દિવસ પિયરમાં રહ્યા બાદ જ્યારે પતિ પાસે જવા માગતી હતી ત્યારે તેણે ના પાડી હતી. હું રોજ આવવાની વાત કરવા લાગી ત્યારે એક દિવસ ફોન પર તેણે તલાક, તલાક, તલાક કહ્યું. હું સ્તબ્ધ થઈ ગઈ. મારા હાથમાંથી ફોન પડી ગયો. રડતાં રડતાં મેં તેમને ફરી ફોન કર્યો તો તેમણે મને તેમના બનેવી સાથે હલાલા કરવાની વાત શરૂ કરી.

હું ચીડાઈ ગઈ, મેં ગુસ્સામાં કહ્યું કે તમે વારંવાર મારી સાથે આવું કેમ કરો છો? આના પર તેણે કહ્યું કે તું એને જ લાયક છો. જો તારે રહેવું હોય તો આમ જ રહેવું પડશે. હું તને મારી પત્ની નથી માનતો.’

આ કહાની છે યુપીના રાયબરેલીની રહેવાસી રઝિયા બાનોની. પતિથી વારંવાર તલાકથી પરેશાન 26 વર્ષીય રઝિયાએ તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

તે આઠ દિવસ સુધી સતત પોલીસ સ્ટેશને ધક્કા ખાધા. ત્યા રબાદ પોલીસે તેના પતિની ધરપકડ કરી હતી. પતિ છેલ્લા 8 મહિનાથી જેલમાં છે. રઝિયા પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. તે તેના પિતા સાથે કોઈક રીતે રહે છે.

રઝિયા બાનો તેના બાળક સાથે.
રઝિયા બાનો તેના બાળક સાથે.

આ પછી હું રાયબરેલીથી 571 કિમી દૂર પહોંચી બુલંદશહેર. અહીં હું શોએબા અંસારીને મળી. 38 વર્ષીય શોએબા તેની 17 વર્ષની પુત્રી સાથે રહે છે.

શોએબાના લગ્ન 18 વર્ષ પહેલાં મેરઠના નાસિર અંસારી સાથે થયા હતા. તેના પતિએ ફોન પર તલાક તલાક તલાક કહીને બીજા લગ્ન કરી લીધા હતા. શોએબા છેલ્લા આઠ મહિનાથી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહી છે. ન તો પતિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી કે ન તો કોઈ કેસ નોંધવામાં આવ્યો.

શોએબા કહે છે, 'સાસરાના ઘરે ત્રણ-ચાર મહિના સુધી બધું બરાબર હતું. પતિ હિમાચલના ધર્મશાલામાં રહેતો હતો અને હું મેરઠમાં રહેતી હતી. તે ક્યારેય અહીં આવતા નહીં કે મને તેની પાસે બોલાવતા નહીં. 6-6 મહિનાથી ફોન પર વાત કરતા નહોતા. એકવાર જ્યારે હું જીદ કરીને મારા સાળા સાથે ધર્મશાલા ગઈ ત્યારે તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા.

દીકરી સાથે એટલી ગંદી રીતે વાત કરી કે મેડમ, હું તમને કહી પણ નહીં શકું. 9મા દિવસે તે માતા-પુત્રીને નદી કિનારે મૂકીને ચાલ્યો ગયો હતો.

થોડા દિવસો પહેલાંની જ વાત હતી. દીકરીએ તેના વ્હોટ્સએપ પર નવી મહિલા સાથે ડીપી જોયો. તેણે સ્ક્રીનશોટ પણ લીધો અને મને બતાવ્યો. પહેલા તો મને વિશ્વાસ ન થયો. લાંબો સમય વિચારતી રહી, રડતી રહી. પછી તેમને કોલ કર્યો. મારો અવાજ સાંભળતાં જ તેણે ત્યાંથી તલાક, તલાક, તલાક કહી દીધું.

તમે જ મને કહો કે આ ઉંમરે હું સમજદાર દીકરી સાથે ક્યાં જાઉં. મોટી બહેનના પતિએ પણ તેને તલાક આપીને છોડી દીધી હતી. નાની બહેનના પતિનું અવસાન થયું. હવે લોકો પણ મને ખોટી નજરથી જુએ છે. ટોણા મારે છે. પોલીસમાં ગઈ, પરંતુ 8 મહિના સુધી કોઈ કાર્યવાહી ન થઈ, એક વખત પણ પતિની પૂછપરછ પણ કરવામાં આવી નહીં. મને કહો કે મારે કોની મદદ માગવી?’ હિમાચલમાં રહેતી શોએબાના પતિ સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેમની સાથે વાત ન થઈ શકી.

એના પછી હું બુલંદશહરના એએસપી આકૃતિ શર્માને મળી. તેમણે કહ્યું કે હું કેસનો અભ્યાસ કરીને તમને ફોન પર જણાવીશ. બીજા દિવસે જ્યારે મેં ફોન કર્યો તો તેમણે કહ્યું કે થોડીવારમાં હું તમને અપડેટ આપું છું. તેના પછી મેં અનેકવાર ફોન કર્યા, પરંતુ તેમણે કોઈ રિપ્લાય ન આપ્યો.

38 વર્ષની શોઇબા કહે છે કે તેના પતિએ બીજા લગ્ન કર્યા છે. પોલીસ તેમને મદદ કરતી નથી.
38 વર્ષની શોઇબા કહે છે કે તેના પતિએ બીજા લગ્ન કર્યા છે. પોલીસ તેમને મદદ કરતી નથી.

મારી બીજી મુલાકાત ઉત્તરપ્રદેશના મેરઠની રહેવાસી અશફિયા સાથે થઈ. અશફિયાના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. તેનો પતિ પોતે કાયદાના ડરથી તલાક આપતો નથી. તે અશફિયા સાથે ક્રૂર વર્તન કરે છે, જેથી તે તેને તલાક આપી દે.

અશફિયા કહે છે, 'ઘણી વખત પતિએ મને તલાક આપવા કહ્યું હતું. શરૂઆતમાં, મેં તેમની વાતને હળવાશથી લીધી. બાદમાં તેમણે માર મારવાનું શરૂ કર્યું. આ પછી પણ જ્યારે હું તલાક આપવા રાજી ન થઈ તો તેણે મારા હાથ-પગ બાંધી દીધા અને માર માર્યો. મોઢામાં કપડું નાખ્યું. ગળામાં ફાંસો નાખીને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. એ પછી તેઓ એવું વિચારીને ચાલ્યા ગયા કે હું મરી ગઈ છું.

મેં પંચાયત બોલાવી, જેમાં પતિએ મારા પરિવારના સભ્યોની માફી માગી હતી અને કહ્યું હતું કે તેઓ સારી રીતે રહેશે. થોડા દિવસો પછી તેઓ ઘરમાંથી ગાયબ રહેવા લાગ્યા. તેઓ ક્યારેક આવતા તો પણ થોડા સમય પછી કોઈ ને કોઈ બહાનું કાઢીને જતા રહેતા.

એક વખત રાત્રે જ્યારે મેં આનું કારણ પૂછ્યું ત્યારે બે-ત્રણ વાર થપ્પડ મારી હતી. હું કંઈ સમજી શકું એ પહેલાં તેમણે અલમારી પર મારું માથું અથડાવ્યું. હું લથડિયું ખાઈને પડી ગઈ. તેમણે લાતો અને મુક્કાઓનો વરસાદ શરૂ કર્યો. જ્યારે હું જોરથી ચીસો પાડવા લાગી, ત્યારે તેમમે મારા મોંમાં ડૂચો માર્યો. હાથ-પગ બાંધીને આખા ઓરડામાં ઘસડી. ગળું દબાવ્યું.

હું બે અઠવાડિયાં માટે હોસ્પિટલમાં દાખલ હતી. સાસુ અને સસરા હાલત જોવા આવ્યાં નહોતાં. પોલીસ તરફથી પણ કોઈ મદદ મળી નહિ.’

38 વર્ષની અશફિયા કહે છે, ન તો મને તલાક મળ્યા અને ન તો મને ભરણપોષણ મળતું
38 વર્ષની અશફિયા કહે છે, ન તો મને તલાક મળ્યા અને ન તો મને ભરણપોષણ મળતું

પોલીસની સામે ફરી જાય છે અથવા સમાધાન કરી લે છે
સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાકનો કેસ લડનાર વકીલ અર્ચના પાઠક કહે છે, “કાયદો બન્યા પછી ટ્રિપલ તલાકના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ અટક્યો નથી. જાગૃતિના અભાવે મુસ્લિમ મહિલાઓ એનો ઉપયોગ કરી શકતી નથી.’

મહિલાઓ એફઆઈઆર કરાવે તો પુરુષો ભાગી જાય છે. પોલીસ પણ તેમને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી કરતી નથી. તલાક પછી જ્યારે આરોપીઓ પોલીસના હાથે પકડાય છે ત્યારે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરી જાય છે અથવા સમાધાન કરે છે.

રાત્રે તલાક અને જેલથી બચવા સવારે કરાવે છે હલાલાઃ મહિલા કાર્યકર
મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે કામ કરતી ડૉ. સમીના બેગમ પણ ટ્રિપલ તલાકથી પીડિત છે. તેણે બેવાર લગ્ન કર્યા. પહેલા પતિએ બે વર્ષ પછી તલાક લીધા અને બીજા પતિએ 6 મહિના પછી તલાક આપી દીધા. સમીનાએ 2012માં ટ્રિપલ તલાક અને હલાલા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. ત્યારથી તે મુસ્લિમ મહિલાઓ માટે કામ કરી રહી છે.

તેણી કહે છે, 'ટ્રિપલ તલાકના કેસ સતત આવી રહ્યા છે. પહેલા પુરુષો તલાક આપે છે અને પછી જેલમાં જવું પડતું નથી, તેથી તેઓ બળપૂર્વક હલાલા કરાવે છે. મહિલાઓ તેમના સન્માન અને બાળકો માટે મૌન રહે છે. સોમાંથી માત્ર એક મહિલા હલાલા વિરુદ્ધ બોલી શકે છે. મહિલાઓની હાલત અડધી વિધવા જેવી થઈ ગઈ છે. ન તો તે કાયદેસર રીતે તલાક લઈ શકે છે અને ન તો તેને તેના પતિ પાસેથી ભરણપોષણ મળતું.

જેલમાં જવાથી બચવા પતિ પત્નીને તલાક આપ્યા વિના છોડી દે છે
એક વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ટ્રિપલ તલાક કાયદો લાગુ થયા બાદ ટ્રિપલ તલાકના કેસમાં 80 ટકાનો ઘટાડો થયો છે. જોકે મુસ્લિમ કાર્યકરો આ સાથે સહમત નથી.

હૈદરાબાદમાં શાહીન વુમન્સ રિસોર્સ એન્ડ વેલ્ફેર એસોસિયેશન ચલાવતી જમીલા એક મીડિયા રિપોર્ટમાં કહે છે, 'નવા કાયદાના ડરથી પુરુષો મહિલાઓને તલાક આપ્યા વિના છોડી દે છે, જેથી તેમને જેલમાં ન જવું પડે.

અમે હૈદરાબાદમાં 2106 ઘરનો સર્વે કર્યો, 683 ઘરમાં પતિઓએ તલાક લીધા વિના મહિલાઓને ત્યજી દીધી હતી. મોટા ભાગના કિસ્સાઓમાં પતિને ખબર હોતી નથી કે તે ક્યાં છે.

ટ્રિપલ તલાક કાયદો શું છે?
મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) બિલ ઓગસ્ટ 2019માં લોકસભા અને રાજ્યસભા બંને દ્વારા પસાર થયા બાદ કાયદો બન્યું હતું. આ અંતર્ગત મુખ્ય જોગવાઈઓ કરવામાં આવી છે-

  • ટ્રિપલ તલાક એટલે કે તલાક-એ-બિદ્દતને રદબાતલ અને ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી.
  • પોલીસ વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે.
  • ત્રણ વર્ષ સુધીની કેદની જોગવાઈ.
  • મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે, પરંતુ પીડિત મહિલાનો પક્ષ સાંભળવામાં આવશે ત્યારે જ જામીન આપવામાં આવશે.
  • પીડિત મહિલા પતિ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે છે
  • તેની રકમ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે.
  • પીડિત મહિલા સગીર બાળકોને પોતાની સાથે રાખી શકે છે.