'સમાજ જીવનમાં ‘શિક્ષક’ એક એવી વ્યક્તિ છે, જેની પાસેથી સમાજની અસીમ અપેક્ષાઓ છે. શિક્ષકની નજરમાં વિદ્યાર્થીને એક આદર્શ માનવ બનાવવાનું સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. તેણે એવા વિદ્યાર્થીઓ ઘડવાના છે, જેમાં શરીરમાં શક્તિ, હૃદયમાં ભક્તિ, વૃત્તિમાં વિજય અને સ્વભાવમાં અનુશાસન હોય'- આ શબ્દો છે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં અભ્યાસ કરાવતા શિક્ષક નીલમભાઈ પટેલના. કોરોનાકાળમાં શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ થતાં નીલમભાઈ પટેલ બાળકોને છેલ્લા વર્ષ કરતાં વધુ સમયથી શેરી શિક્ષણ આપી રહ્યા છે. શેરી શિક્ષણ આપતી વખતે નીલમભાઈ પટેલ વિદ્યાર્થીઓને અઘરા લાગતા શબ્દો અને ગણિતના દાખલા લખેલાં કપડાં પહેરે છે, જેથી વિદ્યાર્થીઓને સરળતાથી ગણિત અને ભાષાના અઘરા શબ્દો યાદ રહી જાય..
વિદ્યાર્થીઓ ભૂલી ન જાય એ માટે પ્રયાસ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના હરિનગર પ્રાથમિક શાળાના શિક્ષક નીલમભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી, પરંતુ સરકારના આદેશ મુજબ ઓનલાઈનથી લઈને શેરી શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેથી મેં અનુભવ્યું કે બાળકો અઘરા શબ્દો અને ગણિતના દાખલા વાંચન બાદ પણ ભૂલી જતાં હોય છે, જેથી તેમને શેરી શિક્ષણ દરમિયાન અઘરી વસ્તુ સરળતાથી યાદ રહી જાય એ માટે આ પ્રયોગ કરવાનું વિચાર્યું હતું.
કપડાને જ બનાવી દીધું બોર્ડ
નીલમભાઈએ કહ્યું હતું કે શેરી શિક્ષણ દરમિયાન દરેક જગ્યાએ બોર્ડ હોય એ જરૂરી નથી. શાળામાં કિલકિલાટ કરતાં બાળકોને માટે મેં મારાં કપડાં પર જ બધું લખી નાખ્યું, જેથી હું કંઈ બીજું ભણાવતો હોય ત્યારે પણ બાળકોની નજર સતત મારા પર કે મારાં કપડાં પર હોય તો વિદ્યાર્થીઓ આસાનીથી તેમને અઘરા લાગતા શબ્દો અને ગણિતના દાખલા જોઈ શકે છે, જેથી આ પ્રયોગ બાળકોને પણ ગમ્મતભર્યો લાગે છે.
શિક્ષકનાં કપડાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં
નીલમભાઈ પટેલે બાળકોને ભણાવવા માટે પોતાનાં કપડાં પર જ મૂળાક્ષરો, હિન્દી, ગુજરાતી શબ્દો , સરવાળા - બાદબાકીની પ્રક્રિયા પેઇન્ટિંગ કરીને જાય છે, જેથી બાળકો તેમનાં કપડાં પરનું લખાણ જોઈને શિક્ષણકાર્ય કરે છે. અત્યારે શાળાઓ બંધ હોવાથી સરકાર દ્વારા વર્ચ્યુઅલ કલાસ, હોમ લર્નિંગ અને ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે. તેવામાં નીલમભાઈ પટેલ દ્વારા આપવામાં આવતા આ અનોખા શેરી શિક્ષણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
શાળા શરૂ ન થાય ત્યાં સુધી આ રીતે શિક્ષણ અપાશે
શિક્ષક નીલમભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીનો બાર મહિના જેટલો સમય થવા આવ્યો છે. શાળામાં કિલકિલાટ કરતાં બાળકો નથી. સરકાર બાળકોના શિક્ષણની ચિંતા કરી હોમ લર્નિંગ,વર્ચ્યુઅલ ક્લાસ, વીડિયા લિંક દ્વારા શિક્ષણ નવતર પ્રયોગો હાથ ધરી શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં સુધી શાળાઓ ચાલુ ના થાય ત્યાં સુધી શેરી શિક્ષણ આપવાનું જણાવ્યું છે. શિક્ષકો શેરીએ શેરીએ જઇ શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે મેં મારા રોજબરોજનાં પહેરાતાં કપડાં પર સરવાળા, બાદબાકી,ગુણાકાર, અઘરા પડતા મૂળા અક્ષરો જેવા કે ક્ષ, જ્ઞ ,તથા જોડિયા શબ્દો મારા ઝભ્ભા પર લખી બાળકોને ગમત સાથે જ્ઞાન આપવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે.
વાલીઓ પણ પ્રયાસને બિરદાવે છે
શેરી શિક્ષણ આપવા જતી વખતે નીલમભાઈ પટેલ પોતાનાં કપડાં પર જે રીતે લખાણ કરીને અભ્યાસ કરાવે છે એ અંગે વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે શિક્ષક દ્વારા અમારાં બાળકો માટે થઈને જે મહેનત કરવામાં આવે છે એ સરાહનીય છે. અમારા વિદ્યાર્થીઓમાં આ રીતથી ઘણો ફેર પડ્યો છે. વિદ્યાર્થીઓને પણ આ પ્રયાસને પગલે ઘણું યાદ રહી જાય છે. ગણિતના દાખલાઓ પણ હવે વિદ્યાર્થીઓ માટે આસાન બન્યા છે. નીલમભાઈ પટેલ દ્વારા થતી મહેનતને અમે બિરદાવીએ છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.