એક નાનકડો સવાલ છે
ફુગ્ગો ફોડવાનો ખર્ચ કેટલો થાય?
તમે કહેશો કે એમાં ખર્ચો શું કરવાનો. એક ટાંકણી કે નખ મારો, એટલે વાત પતે.
પણ અમેરિકાની સરકારે એક ફુગ્ગો ફોડવા પાછળ 10 લાખ ડોલર એટલે લગભગ 8 કરોડ 27 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, કારણ કે ફુગ્ગો જ કંઈક એવો હતો. 200 ફૂટ ઊંચો ને 120 ફૂટ પહોંળો. આ ફુગ્ગાનું ચીન કનેક્શન નીકળ્યું, એટલે અમેરિકાની આખી સરકાર ધંધે લાગી ગઈ. ત્રણેક દિવસની તપાસ બાદ અમેરિકાની સરકાર એ નિષ્કર્ષ સુધી પહોંચી ગઈ કે ચીનથી ઊડીને આવેલો ફૂગ્ગો, કોઈ સામાન્ય 'ગેસ બલૂન' નથી. આ સ્પાય બલૂન છે, જેને અમેરિકાની જાસૂસી માટે મોકલવામાં આવ્યું છે.
4 ફેબ્રુઆરી 2023, શનિવાર
સ્થળ- વ્હાઈટ હાઉસ, અમેરિકા
સમય- સવારના 9 વાગ્યાની આસપાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ માટે એ દિવસ ખૂબ અસામાન્ય હતો. જે સ્થળેથી અમેરિકાની સરકારમાં સર્વોચ્ચ પદે આસીન વ્યક્તિ રહે છે એ ઈમારતમાં ટૂંક સમયમાં યોજાવા જઈ રહેલી આ મિટિંગમાં શું ચર્ચા થવાની છે એની બહારની દુનિયાને જરા પણ જાણ કરી શકાય એમ ન હતી. અમેરિકાના રક્ષા વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને બીજા ડિફેન્સ એક્સપર્ટ કેટલાક મહત્ત્વના દસ્તાવેજ સાથે વ્હાઈટ હાઉસ પહોંચવા લાગ્યા હતા. તમામ લોકો વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિની ઓફિસની નજીક આવેલા એક રૂમમાં પહોંચ્યા. થોડા જ સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ આવી આવ્યા અને હાઈલેવલ બેઠક શરૂ થઈ. મુદ્દો હતો અમેરિકાના એરસ્પેસમાં ઊડી રહેલું ચીનનું સ્પાય બલૂન.
અમેરિકાએ અઠવાડિયા સુધી સ્પાય બલૂનનું મોનિટરિંગ કેમ કર્યું?
પશ્ચિમ તરફથી આવેલા સ્પાય બલૂન પર અમેરિકાની 28 જાન્યુઆરીથી જ નજર હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ એરફોર્સ અને નેવીને આ સ્પાય બલૂનનું સતત મોનિટરિંગ કરવાનો આદેશ આપી રાખ્યો હતો. જાસૂસી બલૂન પહેલા અમેરિકા, પછી કેનેડા અને ત્યાર બાદ ફરીથી અમેરિકાના એરસ્પેસમાં ઘૂસ્યું હતું. સાત દિવસનો સમય થઈ ચૂક્યો હતો. આખા વિશ્વની નજર અમેરિકા તરફ હતી.
અમેરિકામાં જ ચર્ચા એવી થવા લાગી કે જો બાઈડનને બદલે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો ચીનના સ્પાય બલૂન અંગે નિર્ણય લેવામાં એક અઠવાડિયાનો સમય વેડફ્યો ન હોત, પરંતુ જો બાઈડનની સરકાર આ સ્પાય બલૂનનું સતત મોનિટરિંગ કરી રહી હતી. ડર હતો કે ઉતાવળે નિર્ણય લેવામાં કંઈક એવું ન થઈ જાય કે અમેરિકા પર આખા વિશ્વની જનતા હસવા લાગે, પણ 4 ફેબ્રુઆરીએ જો બાઈડને બોલાવેલી બેઠકનો એકમાત્ર ઉદ્દેશ હતો કે આ સ્પાય બલૂન પર આજે આર-પારનો નિર્ણય લઈ જ લેવો છે.
બાઇડને સહી કરી ને અમેરિકાનું મિશન શરૂ થયું
અમેરિકન મીડિયાના રિપોર્ટ મુજબ, બાઈડનની અધ્યક્ષતાવાળી મિટિંગમાં દેશની ગુપ્ત માહિતી, પરમાણુ હથિયારનાં સ્થળ, વિદેશનીતિ અને અમેરિકન નાગરિકોની સુરક્ષા અંગેના ઘણા સવાલો, પડકારો અને પ્રત્યાઘાત મુદ્દે ચર્ચા થઈ. મિટિંગમાં નક્કી થયું કે ચીને છોડેલા સ્પાય બલૂનના વળતા જવાબ રૂપે એવાં પગલાં લેવાં જોઈએ, જેની વિશ્વભરમાં કોઈએ કલ્પના પણ ન કરી હોય. આખરે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક ઐતિહાસિક નિર્ણય લીધો. સ્પાય બલૂન રહેણાક વિસ્તારથી દૂર જાય અને કોઈને નુકસાન ન કરે એવા સ્થળે પહોંચે ત્યારે એને મિસાઈલથી તોડી પાડવામાં આવે. રાષ્ટ્રપતિ બાઈડને ડિફેન્સને લગતી એક ફાઈલ પર સહી કરી અને આ સાથે જ અમેરિકાના સુરક્ષાદળોને સત્તાવાર રીતે સ્પાય બલૂનને તોડી પાડવાની મંજૂરી મળી ગઈ. રાષ્ટ્રપતિ તરફથી ઓર્ડર મળ્યો એટલે અમેરિકાની વાયુસેનાએ મોરચો સંભાળી લીધો. આ સમયે સ્પાય બલૂન અમેરિકાના પૂર્વ વિસ્તારમાં આવેલા વર્જિનિયાની આસપાસ ઊડી રહ્યું હતું. સૌથી પહેલા અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને આદેશ અપાયા કે સ્પાય બલૂનની આસપાસના અમુક કિલોમીટરના વિસ્તારમાં જે પણ પેસેન્જર અને કાર્ગો વિમાન ઊડતાં હોય એને ડાઇવર્ટ કરો અને બીજાં વિમાનોનું આવાગમન પણ એ વિસ્તાર તરફ ન થવું જોઈએ. અમેરિકાનું આખું તંત્ર એક મોટા મિશન પર આગળ વધી પડ્યું હતું.
ગણતરીના કલાકોમાં જ પૂર્વીય અમેરિકા તરફનો હવાઈ વિસ્તાર ખાલી થઈ ગયો. સામાન્ય વિમાનોની અવરજવર બંધ થઈ. કેટલાક અમેરિકન મીડિયાના રિપોર્ટ મુજબ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ આવું બીજી વખત બન્યું, જ્યારે અમેરિકાના એરસ્પેસ મુદ્દે આટલા ગંભીર નિર્ણયો લેવાયા હોય.
સ્થળ- લેંગલેય એરફોર્સ બેઝ, વર્જિનિયા, USA
તારીખ- 4 ફેબ્રુઆરી 2023
બપોરના સમયે અમેરિકાની વાયુસેનાના બે F-22 રેપ્ટર ફાઈટર જેટે ઘુઘવાટા સાથે ઉડાન ભરી. લક્ષ્ય હતું ચીનના સ્પાય બલૂનને મિસાઈલ છોડીને તોડી પાડવાનું. અમેરિકાના F-22 રેપ્ટર ફાઈટર જેટ ક્લોઝ રેંજ ડોગફાઈટિંગ માટે ખૂબ પ્રસિદ્ધ છે. આ વિમાનને એક પાઇલટ પણ ઉડાડી શકે છે. 2 હજાર 414 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડવાની ક્ષમતા ધરાવતાં બન્ને ફાઈટર જેટમાં હવાથી હવામાં અને હવાથી જમીન પર અચૂક નિશાન સાધી શકે એવી 8-8 મિસાઈલ લોડ કરવામાં આવી હતી.
અમેરિકાની વાયુસેનાએ બનાવેલી રણનીતિના ભાગરૂપે જો એક ફાઈટર જેટની મિસાઈલ સ્પાય બલૂનને નિશાન બનાવતા ચૂકી જાય, તો બીજું ફાઈટર જેટ ઓપરેશન પાર પાડશે. અમેરિકાના સ્થાનિક સમયે એટલે કે બપોરના 2 વાગીને 39 મિનિટે F-22 રેપ્ટર ફાઈટર જેટમાંથી પહેલી જ મિસાઈલ છોડવામાં આવી. માત્ર ચાર સેકન્ડમાં જ મિસાઈલ સ્પાય બલૂનની આરપાર થઈ ગઈ. થોડી જ વારમાં સ્પાય બલૂનનો કાટમાળ જમીન તરફ પડતો જોવા મળ્યો.
અમેરિકા ચીનને સ્પાય બલૂનનો કાટમાળ પણ નહીં આપે
ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકા પર ઊડેલા બલૂનને માત્ર હવામાનની જાણકારી માટે ઉડાડ્યો હોવાનો ખુલાસો આપ્યો છે. સાથે એ પણ કહ્યું કે ભૂલથી આ બલૂન અમેરિકાના એરસ્પેસમાં દાખલ થઈ ગયું હતું. તો સામા પક્ષે અમેરિકાના રક્ષા મંત્રાલય તરફથી જનરલ ગ્લેન વાનહેર્કએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે 'ચીનના સ્પાય બલૂનનું કદનું 200 ફૂટ હતું. સાઉથ કેરોલિનાના તટીય વિસ્તારમાં અમેરિકન ફોર્સ હજુ પણ સ્પાય બલૂનના કાટમાળની શોધખોળમાં લાગેલી છે, પરંતુ સ્પાય બલૂનનો કાટમાળ ચીનને પરત સોંપવામાં નહીં આવે.'
અમેરિકામાં ચીનના જાસૂસી બલૂનની આજે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. અમેરિકાની સરકારે જાસૂસી બલૂન મુદ્દે લીધેલાં પગલાંના ઘટનાક્રમને માત્ર ચીન જ નહીં, વિશ્વના ઘણા દેશોની સરકારોએ ખૂબ જ બારીકાઈથી જોયો, પરંતુ આ ઘટના બાદ ચીનના જાસૂસી બલૂનનું ભારત સાથે પણ એક કનેક્શન હોવાની ચર્ચા શરૂ થઈ છે.
આંદામાનમાં પણ દેખાયું હતું રહસ્યમય બલૂન!
ડિસેમ્બર, 2021
આંદામાન નિકોબાર ટાપુ, ભારત
આ વાત એ સમયગાળાની છે, જ્યારે ભારતીય વાયુસેના, એરફોર્સ અને આર્મીની સંયુક્ત લશ્કરી કવાયત્ આંદામાન-નિકોબાર ટાપુ પર ચાલી રહી હતી, જેમાં આર્મ ફોર્સ સ્પોશિયલ ઓપરેશન ડિવિઝન (AFSOD) તથા મરીન કમાન્ડો (MARCOS)એ અત્યાધુનિક હથિયારો સાથે યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ જ સમયગાળામાં આંદામાન-નિકોબાર ટાપુ પર એક રહસ્યમય બલૂન જોવા મળ્યું હતું.
તારીખ- 6 જાન્યુઆરી 2022
સ્થળ- પોર્ટ બ્લેયર, આંદામાન-નિકોબાર ટાપુ, ભારત
અચાનક એક દિવસ પોર્ટ બ્લેયરના આકાશમાં સફેદ રંગની ગોળ વસ્તુ ઊડતી દેખાઈ. લોકો અચરજમાં મુકાયા અને રહસ્યમય વસ્તુના વીડિયો અને ફોટો પાડવા લાગ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચા થવા લાગી કે આખરે આકાશમાં ઊડી રહેલી આ વસ્તુ છે શું?
આંદામાન-નિકોબાર ટાપુ પર આવેલી મીડિયા સંસ્થા 'આંદામાન શિખા'એ 6 જાન્યુઆરી 2022ના રોજ એક રિપોર્ટ વેબસાઈટ પર પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, આકાશમાં ઊડી રહેલી બલૂન જેવી આ વસ્તુ એટલી ઊંચાઈએ હતી કે ક્યારેક કેટલાંક વાદળ પણ એની નીચેથી પસાર થઈ જતાં હતાં. આ જ કારણે અજાણી વસ્તુ અંગે લોકોના મનમાં અનેક સવાલો ઊઠવા લાગ્યા. લગભગ ત્રણથી ચાર દિવસ સુધી રહસ્યમય રીતે બલૂન પોર્ટ બ્લેયરના આકાશ પર મંડરાતું રહ્યું હતું. હાઈ રિઝોલ્યુશન કેમેરાથી જ્યારે તેના ફોટો અને વીડિયો લેવામાં આવ્યા તો આશ્ચર્યજનક ખુલાસો એ થયો કે બલૂનની નીચે કાળા રંગની આઠ પેનલ લગાવેલી હતી.
'આંદામાન શિખા'ના રિપોર્ટ મુજબ, જે-તે સમયે હવામાન વિભાગે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ, ભારતીય હવામાન વિભાગે આવું કોઈપણ પ્રકારનું બલૂન હવામાં છોડ્યું ન હતું. ત્યાર બાદ ભારતીય સેનાના આંદામાન-નિકોબાર કમાન્ડ(ANC)ને શંકાસ્પદ બલૂન અંગે સવાલ કરવામાં આવ્યો. જે-તે સમયે આંદામાન-નિકોબાર કમાન્ડના PROએ પણ રહસ્યમય બલૂનનું કનેક્શન ભારતીય સેના સાથે હોવાની વાતથી ઈનકાર કરી દીધો હતો. જોકે સ્થાનિક પોલીસની ટીમે શંકાસ્પદ બલૂન અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થઈ ગયો છતાં પણ આજ સુધી કોઈ સત્તાવાર નિવેદન સરકાર તરફથી આવ્યું નથી.
પોર્ટ બ્લેયર પર જોવા મળેલા બલૂન પર શંકા વધવાનાં આ રહ્યાં કારણો
અમેરિકાના ડિફેન્સ એક્સપર્ટ એચ.આઇ.સટને પણ દાવો કર્યો છે કે 'ચીને અમેરિકાની જેમ જ ડિસેમ્બર 2021થી લઈને જાન્યુઆરી 2022 સુધી સ્પાય બલૂન દ્વારા ભારતીય સૈન્ય બેઝની જાસૂસી કરી હતી. આ સમયે જ ભારતીય આર્મી, વાયુસેના અને એરફોર્સના જવાનો આંદામાન-નિકોબારમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યા હતા.'
અમેરિકાના આકાશમાં ઊડેલા રહસ્યમય બલૂને જાસૂસીની દુનિયાના ઘણા કિસ્સા તાજા કરી દીધા છે. કદાચ તમારા મનમાં પણ સવાલ ઊઠ્યો હશે કે આ જાસૂસી બલૂન કામ કેવી રીતે કરે છે?, જો ખરેખરમાં આ બલૂન ચીને ઉડાડ્યો હોય તો એને કંટ્રોલ કઈ રીતે કરવામાં આવતો હશે?, ચીન અને અમેરિકા વચ્ચે હજારો કિલોમીટરનું અંતર છે, તો આ બલૂન ઊડતું-ઊડતું કેવી રીતે અમેરિકા સુધી જ પહોંચ્યું?, અન્ય કોઈ દેશ તરફ કેમ ન ઊડવા લાગ્યું?
તમારા મનમાં ઊઠી રહેલા સવાલોના જવાબ આ રહ્યા.
સવાલ- સ્પાય બલૂન કેવી રીતે ઊડે છે?
સ્પાય બલૂનમાં હિલિયમ અથવા હાઈડ્રોજન ગેસ ભરવામાં આવે છે. આ ગેસ વાતાવરણની હવા કરતાં હલકા હોય છે. ચીને જાસૂસી બલૂનની અંદર પણ બીજું એક બલૂન મૂક્યું હતું, જેમાં સામાન્ય હવા ભરી હતી, એટલે દબાણના કારણે આ ગેસ બલૂનને ઉપરની તરફ ખેંચી જાય છે.
સવાલ- સ્પાય બલૂનની ઊંચાઈ કેવી રીતે વધારી-ઘટાડી શકાય?
એરોસ્ટાર અને નાસાની વેબસાઈટ પરથી મળેલી કેટલીક જાણકારી મુજબ, સ્પાય બલૂન અપર સ્ટ્રેટોસ્ફિયર ઝોનમાં ઊડે છે, એટલે જમીનની સપાટીથી 40 કિલોમીટરની ઊંચાઈની આસપાસનો વિસ્તાર. આવા સ્થાને બે પ્રકારની હવાના મિશ્રણના કારણે બલૂન ઉપર-નીચે થઈ શકે છે. બલૂનમાં ઈન્ફ્લેશન અને ડિફ્લેશન વાલ્વ પણ હોય છે. આ ઉપરાંત એક કમ્પ્રેસર પણ લગાવવામાં આવે છે.
સવાલ- બલૂન કોઈ ચોક્કસ દિશામાં કેવી રીતે આગળ વધે છે?
સામાન્ય રીતે આવા બલૂનની દિશા અને ગતિ હવામાન પર જ આધાર રાખે છે છતાં પણ કેટલાક અંશે એને કંટ્રોલ કરી શકાય છે. અમેરિકાની સરકાર સ્પાય બલૂનના કાટમાળને શોધીને તેના વિશ્લેષણમાં લાગી છે. હાલના તબક્કે મળેલી માહિતી મુજબ, આ સ્પાય બલૂનની નીચેના ભાગે પ્રોપેલર લગાવવામાં આવ્યા હતા, જેના મારફત બલૂનને નક્કી કરેલી દિશામાં આગળ લઈ જઈ શકાય. ક્યારેક બલૂનમાં નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવે છે, જેથી બલૂનને જમીન પરથી જ ઓપરેટ કરી શકાય.
સવાલ- બલૂનથી જાસૂસી કેવી રીતે થઈ શકે?
બલૂનના નીચેના ભાગે સોલર પેનલ લગાવવામાં આવે છે. મધ્ય ભાગમાં કેમેરા, રડાર, સેન્સર અને કોમ્યુનિકેશન માટેનાં સાધનો લગાવવામાં આવતાં હોય છે. પ્રાથમિક તબક્કે મળેલી માહિતી મુજબ અમેરિકાએ તોડી પાડેલા બલૂનની સાથે સોલર પેનલ જોડાયેલી હતી, જેનાથી વિવિધ ઈલેક્ટ્રોનિક્સ સાધનોને ઊર્જા મળતી હશે. જાસૂસી બલૂન 80 હજારથી 1 લાખ 20 હજાર ફૂટ એટલે કે 24થી 37 કિલોમીટરની ઊંચાઈએ ઊડી શકે છે. આટલી ઊંચાઈથી ઘણા કિલોમીટર સુધીના વિસ્તારને કેમેરામાં કેદ કરી શકાય છે. હાઈ રિઝોલ્યુશન કેમેરા રાતના સમયની પણ સારી ક્વોલિટીની તસવીરો આપે છે. આવા કેમેરાને કોમ્પ્યુટરની મદદથી ઝૂમ ઈન, ઝૂમ આઉટ પણ કરી શકાય છે. બીજા વિશ્વયુદ્ધ સમયે સોવિયત યુનિયને બલૂનથી જાસૂસી કરી હતી.
સવાલ- સેટેલાઈટના બદલે બલૂનથી જાસૂસી કેમ?
આધુનિક સમયમાં સેટેલાઈટની મદદથી પૃથ્વીના કોઈપણ વિસ્તારની માહિતી મેળવી શકાય છે, પરંતુ સેટેલાઈટ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે, સાથે પૃથ્વીનું પણ ધરીભ્રમણ અને સૂર્ય ફરતે પરિક્રમણ ચાલુ હોય છે, એટલે સેટેલાઈટને કોઈ એક ચોક્કસ સ્થાને બીજી વખત આવવા માટે 90 મિનિટનો સમય લાગી શકે છે. આ કારણે જે-તે વિસ્તારની તસવીર કે વીડિયો માટે ઘણી મુશ્કેલી આવતી હોય છે. ક્યારેક વાદળને કારણે પણ પૃથ્વીનો કોઈ વિસ્તાર સ્પષ્ટ નથી દેખાતો. જ્યારે સ્પાય બલૂન કોઈ એક સ્થાને ઘણા લાંબા સમય સુધી ઊડી શકે છે અને સ્પષ્ટ તસવીરો પણ લઈ શકે છે. બલૂનથી જાસૂસીના બીજા પણ કેટલાક ફાયદા છે, જે નીચે આપ્યા છે.
અમેરિકાના એરસ્પેસમાં ઘૂસેલા સ્પાય બલૂનની ટાઇમલાઇન
-28 જાન્યુઆરી 2023, શનિવાર
અમેરિકન સેનાના નોર્ધર્ન કમાન્ડને પહેલીવાર જાસૂસી બલૂનની ગતિવિધિ અંગે જાણકારી મળી. આ સમયે એ અમેરિકાના એરસ્પેસમાં અલૂશન ટાપુ ઉડાન ભરી રહ્યું હતું.
-30 જાન્યુઆરી 2023, સોમવાર
જાસૂસી બલૂન કેનેડા તરફ આગળ વધી ગયું. અમેરિકાએ સત્તાવાર રીતે દાવો કર્યો કે બલૂન પર સોલર પેનલ અને કેમેરા લાગેલા છે, જેનો ઉપયોગ જાસૂસી માટે થઈ રહ્યો છે.
31 જાન્યુઆરી 2023, મંગળવાર
-જાસૂસી બલૂને અમેરિકાના એરસ્પેસમાં ફરી પ્રવેશ કર્યો. અમેરિકાના ઈદાગોમાં જાસૂસી બલૂનને ટ્રેક કરવામાં આવ્યું હતું. આ જ દિવસે જાસૂસી બલૂન અંગે અમેરિકન સેનાના અધિકારી જનરલ માર્ક મિલેએ રાષ્ટ્રપતિ જો બાઈડનને જાણ કરી હતી.
1 ફેબ્રુઆરી 2023, બુધવાર
-જાસૂસી બલૂન અમેરિકાના બિલિંગ મોન્ટાના વિસ્તાર પર ઊડતું રહ્યું, જેને કારણે પેન્ટાગની ચિંતા વધી ગઈ, કારણ કે આ જ વિસ્તારમાં મલ્મસ્ટ્રોમ એરફોર્સ બેઝ આવેલું છે, જ્યાં અમેરિકા ખંડની બહાર જઈ શકે એવી બેલિસ્ટિક મિસાઈલનું ઓપરેટિંગ કરવાનું કંટ્રોલ સેન્ટર છે. અમેરિકાએ સત્તાવાર રીતે કહ્યું હતું કે આ જાસૂસી બલૂન ચીને મોકલ્યું છે.
2 ફેબ્રુઆરી 2023, ગુરુવાર
-જાસૂસી બલૂન મધ્ય અમેરિકાના અનેક વિસ્તારો પરથી પસાર થયું.
3 ફેબ્રુઆરી 2023, શુક્રવાર
-ચીનના વિદેશ મંત્રાલયે ખુલાસો આપ્યો કે અમેરિકાના આકાશમાં ઊડતું બલૂનનું કામ હવામાનની જાણકારી એકઠી કરવાનું છે. માત્ર કેટલીક ખામીને કારણે ભૂલથી અમેરિકા તરફ જતું રહ્યું છે.
4 ફેબ્રુઆરી 2023, શનિવાર
-જો બાઈડને જાસૂસી બલૂન તોડી પાડવાના આદેશ આપ્યા. અમેરિકાની વાયુસેનાના F-22 ફાઇટર જેટે બલૂન તોડી પાડ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.