• Gujarati News
  • Dvb original
  • At The Age Of 4, He Left His Mother's Company And Dropped Out Of Std. 8; Today, She Is Making The Lives Of 22,000 Women Brighter With Her Skills

ખુદ્દારીની વાત:4 વર્ષની વયમાં માતાનો સાથ છૂટ્યો, ધો.8થી અભ્યાસ છૂટ્યો; આજે પોતાના હૂન્નરથી 22 હજાર મહિલાઓનું જીવન ઉજ્જવળ બનાવી રહ્યા છે

નવી દિલ્હી8 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
રૂમાએ પોતાના દાદી પાસેથી બાળપણમાં જ સિલાઈ અને ભરતકામનું કામ શીખેલું હતું. શરૂઆતમાં તેઓ ચાદર પર ભરતકામ કરીને ગામમાં લોકોને આપતા હતા - Divya Bhaskar
રૂમાએ પોતાના દાદી પાસેથી બાળપણમાં જ સિલાઈ અને ભરતકામનું કામ શીખેલું હતું. શરૂઆતમાં તેઓ ચાદર પર ભરતકામ કરીને ગામમાં લોકોને આપતા હતા

રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી રૂમા દેવી, નામ જેટલું નાનું કામ એટલું જ મોટું. જેમની સામે દરેક મોટી ઉપલબ્ધિ નાની પડી જાય. 4 વર્ષના હતા ત્યારે માતાએ વિદાય લીધી, પિતાએ બીજા લગ્ન કરી લીધા અને કાકા પાસે રહેવા છોડી દીધા. ગરીબીની ગોદમાં ઉછરતા રૂમાને રમવાની વયમાં રમકડાંના સ્થાને મોટા મોટા માટલા મળ્યા, જેને માથા પર રાખીને તેઓ દૂરથી પાણી ભરી લાવતા હતા. ધો. 8થી અભ્યાસ છૂટી ગયો અને 17 વર્ષની વયમાં લગ્ન.

પ્રથમ સંતાન થયું એ પણ બીમારીનો ભોગ બની ગયું. રૂમાની સામે મુશ્કેલીઓનો પહાડ હતો, બધુ વિખેરાઈ ગયું હતું પરંતુ તેમણે હિંમત તૂટવા ન દીધી. ખુદના જોરે ગરીબી સામે લડવાનું નક્કી કરી લીધું અને ઘરેથી જ હેન્ડીક્રાફ્ટનું કામ શરૂ કર્યુ. આજે તેઓ ખુદ એક ફેશન બ્રાન્ડ છે. દેશવિદેશમાં ખ્યાતિ છે અને 22 હજાર મહિલાઓના જીવનને ઉજ્જવળ બનાવી રહ્યા છએ. આજની ખુદ્દારીની વાતમાં વાંચો રૂમા દેવીના શૂન્યથી શિખર સુધી પહોંચવા સુધીની દાસ્તાન...

અંદર તૂટી ગઈ હતી, મનમાં થતું કે આત્મહત્યા કરી લઉં
​​​​​​​
ભાસ્કર સાથેની વાતચીતમાં 32 વર્ષની રૂમા દેવી કહે છે કે લગ્ન પછી પણ મુસીબતો ઓછી થઈ રહી નહોતી. બાળકને આર્થિક તંગીના કારણે અમે બીમારીથી બચાવી ન શક્યા. ત્યારે મને મોટો સેટબેક લાગ્યો હતો. અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી, જીવનથી પરેશાન હતી. એમ થતું કે આત્મહત્યા કરી લઉં. આવી જિંદગીનો શો મતલબ જ્યારે પોતાની જરૂરિયાતો પણ પૂરી ન કરી શકીએ.

પરંતુ રૂમાએ ખુદને સંભાળ્યા. નક્કી કર્યુ કે મુશ્કેલીઓની સામે હાર માનવાના બદલે તેની સાથે લડવાનું છે. તેમણે દાદી પાસેથી સિલાઈ વગેરે કામ શીખેલું હતું. આ કામને આગળ વધારવાનો પ્લાન કર્યો. તેઓ સોઈ દોરાથી કુશન અને ભરતકામવાળી બેગ તૈયાર કરીને એ યુવતીઓને આપવા લાગ્યા જે પ્રથમવાર સાસરે જતી હતી. ધીમે ધીમે રૂમાનું કામ વધવા લાગ્યું, પરંતુ મુશ્કેલી એ હતી કે તેમની પાસે ન તો પૈસા હતા કે ન તો પૂરતા સંસાધનો. સિલાઈ મશીન ખરીદવા માટે પણ તેમની પાસે પૈસા નહોતા

​​​​​​​100-100 રૂપિયા એકઠા કરીને સિલાઈ મશીન ખરીદ્યું
તેના પછી રૂમાએ 2006માં 10 મહિલાઓની સાથે મળીને એક સ્વયં સહાયતા સમૂહ બનાવ્યો. તમામ મહિલાઓએ 100-100 રૂપિયા રોકીને એક હજાર રૂપિયામાં સિલાઈ મશીન ખરીદ્યું. સંસાધનની થોડીઘણી વ્યવસ્થા તો થઈ ગઈ. પરંતુ મુશ્કેલી એ હતી કે 10 મહિલાઓ માટે કામ ક્યાંથી મળશે? તેઓ જે હેન્ડીક્રાફ્ટ તૈયાર કરશે, તેને કોણ ખરીદશે, માર્કેટ ક્યાં મળશે?

રૂમાએ 10 મહિલાઓ સાથે 2006માં પોતાની સફર શરૂ કરી હતી, આજે તેમની સાથે 22 હજાર મહિલાઓ જોડાયેલી છે.
રૂમાએ 10 મહિલાઓ સાથે 2006માં પોતાની સફર શરૂ કરી હતી, આજે તેમની સાથે 22 હજાર મહિલાઓ જોડાયેલી છે.

આ દરમિયાન રૂમાને જાણકારી મળી કે બાડમેરમાં ગ્રામીણ વિકાસ ચેતના સંસ્થામાં હેન્ડીક્રાફ્ટ તૈયાર કરવાનું કામ થાય છે અને મોટાભાગનું કામ ત્યાં મહિલાઓ જ કરે છે. રૂમા પોતાના ગ્રૂપની કેટલીક મહિલાઓને લઈને ત્યાં પહોંચી. અગાઉ તો સંસ્થાના અધિકારીઓએ કોઈ ખાસ મહત્વ ન આપ્યું. તેમને લાગ્યું કે આ લોકો એમ જ આવી ગયા છે.

રૂમાએ પોતાના કામ અંગે જાણકારી આપી, વિનંતી કરી તો તેમને સંસ્થા તરફથી સેમ્પલિંગનું કામ મળ્યું. ત્રણ દિવસના ઓર્ડરને રૂમા અને તેમની સખીઓએ એક રાતમાં જ પુરું કરી દીધું. બીજા દિવસે જ્યારે તેઓ સંસ્થામાં ફરી પહોંચ્યા તો અધિકારીઓને લાગ્યું કે આમનાથી કામ નહીં થઈ શકે, એટલે આટલી જલદી પાછી આવી છે પરંતુ જ્યારે તેમને ખબર પડી કે રાતે જાગીને આ મહિલાઓએ કામ પુરું કર્યું છે તો તેઓ ખૂબ પ્રભાવિત થયા. અને પછી એક પછી એક તેમને સેમ્પલિંગના ઓર્ડર મળવા લાગ્યા.

પુરૂષો ઈચ્છતા નહોતા કે તેમના ઘરની મહિલાઓ કામ કરે

​​​​​​​

રૂમા અલગ-અલગ શહેરોમાં સ્ટોલ લગાવીને પોતાની કારીગરીનું પ્રદર્શન કરતા હતા અને તેમના દ્વારા માર્કેટિંગ કરતા હતા
રૂમા અલગ-અલગ શહેરોમાં સ્ટોલ લગાવીને પોતાની કારીગરીનું પ્રદર્શન કરતા હતા અને તેમના દ્વારા માર્કેટિંગ કરતા હતા

રૂમા અને તેમની સાથે કામ કરનારી મહિલાઓ હેન્ડીક્રાફ્ટ તૈયાર કરતી અને લોકલ માર્કેટમાં તેને સપ્લાઈ કરતી હતી. તેના પછી તેમણે પ્રદર્શન લગાવીને પણ પોતાની પ્રોડક્ટ્સ વેચવાનું શરૂ કર્યુ. રૂમા કહે છે કે અગાઉ તો મોટાભાગની મહિલાઓ કામ માટે તૈયાર થતી નહોતી. ઘરના પુરૂષો ઈચ્છતા નહોતા કે તેમના પરિવારની મહિલાઓ કામ કરે. અમે તેમને ખૂબ સમજાવ્યા અને સાથે લીધા. એ મહિલાઓને ટ્રેનિંગ આપી, કામ શીખવ્યું. આ રીતે ધીમે ધીમે મહિલાઓની સંખ્યા પણ વધવા લાગી. 2010 સુધી પાંચ હજારથી વધુ મહિલાઓ અમારા સમૂહ સાથે જોડાઈ ગઈ.

કામ વધ્યું તો દિલ્હી જેવા મોટા શહેરોમાં સ્ટોલ લગાવવાનું શરૂ કર્યુ
રૂમા દેવી કહે છે કે અમારી સાથે જ્યારે સારી એવી સંખ્યામાં મહિલાઓ જોડાઈ ત્યારે પ્રોડક્શન પણ સારૂં થવા લાગ્યું. ત્યારે અમને લાગ્યું કે હવે રાજસ્થાનની બહાર માર્કેટની શોધ કરવી જોઈએ. કેટલાક લોકોએ કહ્યું કે દિલ્હી જાઓ સારો રિસ્પોન્સ મળશે. પરંતુ મુશ્કેલી એ હતી કે અમે ન તો ભણ્યા હતા કે ન તો ક્યારેય મોટા શહેરોમાં ગયા હતા. ઉપરથી ભાષાની સમસ્યા. અમને ત્યારે હિન્દી કે ઈંગ્લિશ આવડતી નહોતી. માત્ર ગામની બોલી અને મારવાડીમાં વાત કરતા હતા.

શ્રીલંકા, અમેરિકા, જર્મની સહિત અનેક દેશોમાં આયોજિત ફેશન શોમાં રૂમા સામેલ થઈ ચૂક્યા છે અને લોકોની પ્રશંસા મેળવી ચૂક્યા છે.
શ્રીલંકા, અમેરિકા, જર્મની સહિત અનેક દેશોમાં આયોજિત ફેશન શોમાં રૂમા સામેલ થઈ ચૂક્યા છે અને લોકોની પ્રશંસા મેળવી ચૂક્યા છે.

પરંતુ હવે કામ વધારવું હતું તો નક્કી કર્યુ કે દિલ્હી જઈશું. જે મુશ્કેલી આવશે તે જોઈ લઈશું. બાળપણથી જ મુશ્કેલીઓમાં જ જીવીએ છીએ. રૂમા કહે છે કે ત્યાં અમે સ્ટોલ લગાવ્યા. દુકાન પર આવનારી મહિલાઓને લાગતું હતું કે આ ગામડેથી આવી છે. મોટાભાગની મહિલાઓ જો કે અમને સપોર્ટ કરી રહી હતી અને અમારા હેન્ડીક્રાફ્ટની પ્રશંસા કરી. ત્યારે અમે 15-20 હજારનું વેચાણ કર્યુ હતું.

તેઓ કહે છે કે મેં ક્યાંય મારા કામની ટ્રેનિંગ લીધી નથી. જે કંઈપણ શીખ્યું એ કામ કરતા જ શીખ્યું છે. લોકોની ડિમાન્ડ અને ફેશન ટ્રેન્ડ પ્રમાણે અમે હંમેશા કંઈક નવું કરવાની કોશિશ કરતા રહીએ છીએ.

10 મહિલાઓ સાથે સફર શરૂ થઈ, આજે 22 હજાર મહિલાઓ જોડાયેલી છે
તેના પછી રૂમા દેવીનો કાફલો વધતો ગયો. તેઓ એક પછી એક શહેરમાં પ્રદર્શન લગાવતા ગયા. અનેક ફેશન શોમાં પણ તેમણે ભાગ લીધો. 2011માં દિલ્હી ફરીથી ગયા. આ વખતે જબરદસ્ત માર્કેટિંગ થયું અને લગભગ 11 લાખ રૂપિયાનું વેચાણ તેમણે કર્યું. તેના પછી રૂમાએ પાછું વળીને જોયું નથી. ભારતની બહાર પણ અનેક દેશઓમાં તેઓ ગયા. તેમણે અમેરિકા, મલેશિયા, જર્મની, સિંગાપોર, શ્રીલંકા સહિતના ડઝનબંધ દેશોમાં પોતાના પ્રદર્શન યોજ્યા અને લોકોની પ્રશંસા મેળવી.

આજે રૂમાની સાથે 22 હજારથી વધુ મહિલાઓ જોડાયેલી છે. જેઓ પરંપરાગતથી લઈને મોડર્ન સુધી સાડીઓ, દુપટ્ટા, કુર્તા, કર્ટેન્સ સહિત સેંકડો ફેશન પ્રોડક્ટ તૈયાર કરી રહીછે. કોરોના આવ્યા પછી તેમણે rumadevi.com નામથી એક ઈકોમર્સ વેબસાઈટ તૈયાર કરી છે, જ્યાં તેઓ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. જે સંસ્થા સાથે જોડાઈને રૂમાએ કામ કરવાનું શરૂ કર્યુ હતું, આજે તેઓ ત્યાંના અધ્યક્ષ પણ છે. અને લગભગ 1.5 કરોડ રૂપિયા તેમની સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર છે.

તેઓ કહે છે કે અમે લોકો દેશભરમાં અલગ અલગ શહેરોમાંથી રૉ મટિરિયલ લાવીએ છીએ. પછી અમારી સાથે જોડાયેલી મહિલાઓ તેમાંથી પ્રોડક્ટ તૈયાર કરે છે. તેના પછી મહિલાઓ ખુદ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. જે મહિલાઓની પ્રોડક્ટ વેચાતી નહોતી કે જે ખુદ સક્ષમ નહોતી તેમના માટે પોતાના પ્લેટફોર્મ દ્વારા તેમનું માર્કેટિંગ અમે કરીએ છીએ. આ સાથએ જ ડિમાન્ડ અને ઓર્ડર પ્રમાણે અમે ખુદ પણ મહિલાઓ પાસેથી પ્રોડક્ટ ખરીદી લઈએ છીએ.

2018માં નારી શક્તિ સન્માન, 2019માં KBCની હોટ સીટ પર મળ્યું સ્થાન

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રૂમા દેવીને નારી શક્તિ સન્માનથી સન્માનિત કરી રહ્યા છે. રૂમાને વર્ષ 2018ના આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રૂમા દેવીને નારી શક્તિ સન્માનથી સન્માનિત કરી રહ્યા છે. રૂમાને વર્ષ 2018ના આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

રૂમા દેવીને આ કામ માટે અનેક સન્માન મળી ચૂક્યા છે. જ્યોતિરાવ ફૂલે યુનિવર્સિટી જયપુરમાંથી તેમને પીએચડીની માનદ ઉપાધિ મળી છે. 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંજે તેમને નારી શક્તિ સન્માનથી નવાજ્યા હતા. તેઓ 2019માં અમિતાભ બચ્ચનની સાથે કેબીસીમાં હોટ સીટ પર પણ બેસી ચૂક્યા છે અને ઈનામ પણ જીતી ચૂક્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પેનલિસ્ટ તરીકે પણ સામેલ થઈ ચૂક્યા છે. આ સાથે જ શ્રીલંકા, નેધરલેન્ડ જેવા દેશોએ પણ તેમને સન્માનિત કર્યા છે.