જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ધુળેટીની રાત્રે સલીમ હબીબ સાંધ નામના યુવાનની ગોળીઓ ધરબી દઈ હત્યા કરવામાં આવી હતી. સલીમની હત્યા બાદ તુરંત જ દોડતી થયેલી પોલીસને પણ જાણવા મળ્યું હતું કે, અંદાજે 11 વર્ષ પહેલાં વાડલા ફાટક નજીક અબ્દુલ સાંધની હત્યા કરવામાં આવી હતી. તેમાં આરોપી તરીકે સલીમ સાંધ ઝડપાયો હતો. આ ઘટના સમયે આરોપી લતીફ માત્ર 12 વર્ષનો હતો. પરંતુ પિતાની હત્યાના ગુનેગારને મારી નહીં નાખું ત્યાં સુધી ઉઘાડા પગે ફરીશ તેવા શપથ લીધા હતા.
બે પરિવારનું ‘બદલાપુર’
મૃતક સલીમના કાકાનો દીકરો જુસબ અને હત્યારા લતીફના પિતા અબ્દુલ બંને માસિયાઈ ભાઈ થાય છે. તેમજ અબ્દુલ જ્યાં સલીમની હત્યા થઈ તે રવની ગામના જ જમાઈ હતા. સલીમે હત્યારા લતીફના પિતા અબ્દુલની અને ભાડેર ગામના એક પટેલની પણ હત્યા કરી હતી. આમ આખી આ હત્યાના મૂળ પારિવારિક ઝઘડો અને વર્ષોના વેરમાં રોપાયેલા હતા.
આ હત્યાકેસમાં બાપના મોતનો બદલો અને મૃતક સલીમના પરિવારના મોટાભાગના સભ્યોનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. દિવ્ય ભાસ્કરે આ આખો કેસ સમજવા માટે મૃતક સલીમના પિતા હબીબભાઈ, વંથલી પોલીસ સ્ટેશનના મહિલા PSI સોનારા, LCB PSI જે.જે.ગઢવી સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે બે પરિવાર વચ્ચે ચાલી આવતા વેરથી લઈ બદલો લેવા માટે લીધેલા શપથ અંગેની સિલસિલેવાર વિગતો જણાવી હતી.
સામેની ગાડીને જવા દેવા ગાડી ધીમી કરી તો સામેથી ગોળીઓ છૂટી
આ અંગે દિવ્ય ભાસ્કરે રવની ગામના સરપંચ અને મૃતક સલીમના પિતા હબીબભાઈ સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે સલીમ 9 વાગ્યાની આસપાસ વાડીએ જતો હતો. પાદરના વળાંકથી વાડી તરફ એક રસ્તો જાય છે. ત્યાં એક ગાડી સામેથી આવતી હશે. (એ જોઈને) સલીમને થયું કે એને પહેલા જવા દઉં. એણે પોતાની ગાડી ધીમી કરી. (પરંતુ સામેની ગાડી) સીધી આવીને એ તો ફાયરિંગ કરવા લાગ્યા. એક ભાગિયાવાળો એની સાથે હતો. ફાયરિંગ ચાલુ થયું એટલે બીક લાગતા એ ભાગી ગયો.
લતીફના પિતાએ જીપની ઠોકર મારીને શરૂ થયું વેર
હબીબભાઈએ આગળ જણાવ્યું કે, અમારે 10-12 વર્ષથી વાંધો ચાલતો આવતો હતો. જુસબભાઈને લતીફના પિતા અબ્દુલ, એના ભાઈ કાળો અને એનો છોકરો એમ ત્રણ જણાએ જીપની ઠોકર મારી ભાગી ગયા હતા. એ દિવસથી અમારે વાંધો પડ્યો છે. પછી અબ્દુલને મારી નાખ્યો અને સમાધાન થઈ ગયું. અબ્દુલને મારવામાં અમારા છોકરા જ હતા. તેમણે 8 જણાનાં નામ આપ્યાં હતાં. એ પછી તો બધા છોકરા જેલમાં ગયા, ત્યાંથી છૂટીને આવ્યા પછી અમારે સમાધાન થયું. સમાધાનમાં દાદા સિરાજી શાહની દરગાહ (ધનફૂલિયા)માં 5000 માણસ ભેગા થયા હતા. અમારા બધા મોટા સૈયદ આવ્યા હતા. દરગાહમાં દાદાને છોળ ચડાવવામાં બધા ભેગા હતા.
પરિવાર વચ્ચે લગ્નમાં આવવા જવાનો વહેવાર હતો
હબીબભાઈએ બન્ને પરિવાર વચ્ચેના કનેક્શન અંગે જણાવ્યું કે, કાળો (લતીફના મોટા બાપા) અમારા ગામના સાળા થાય. જુસબ અને અબ્દુલ બંને માસિયાઈ ભાઈ થાય છે. એ અબ્દુલને ત્યાં જતો આવતો હતો. જ્યારે જુસબ મારા ભાઇનો દીકરો ભત્રીજો થાય છે. સમાધાન થયું એ પછી લતીફ અને તેનો પરિવાર અમારા ઘરે આવતા જતા અને વહેવાર પણ કરતા હતા. લગ્નમાં પણ આવ્યા હતા. સમાધાન થયું એટલે મારો દીકરો તો વાડીએ આવવા જવાનો. કોઈ કામ હોય તો બહાર જાય નહીં તો વાડીએ જ જવાનું. ત્યાં ભાગિયાઓ પાસે કામ કરાવતો હોય.
‘હું એને કહીશ કે આપણું સમાધાન થઈ ગયું છે’
લતીફના પિતાની હત્યા અંગે હબીબભાઈએ કહ્યું કે, લતીફના મોટા બાપા કાળા મુસા અને એનો દીકરો અયુબ કર્તાહર્તા હતા. તે સમયે લતીફ 12 વર્ષનો હશે. એના મોટા બાપાએ જવાબદારી લીધી હતી. લતીફ નહોતો આવ્યો. એના મોટા બાપાએ કીધું કે આ મારી જવાબદારી છે અને તે મારા ભાઇનો દીકરો છે. હું એને કહીશ કે આપણું સમાધાન થઈ ગયું છે. પરંતુ આ (સલીમની હત્યા) કરાવ્યું છે એના મોટા બાપાએ જ. છોકરાને શું ખબર પડે? એ અબજો કરોડોપતિ છે. સલીમ પર અબ્દુલના મર્ડરનો એક જ ગુનો હતો. મારા પરિવારમાં કોઈ વ્યક્તિ કોઈપણ ગુનામાં નથી. જુસબ સાથે તમે ક્યારેય કામ કર્યું છે એ પ્રશ્ન પૂછતાં એમણે કહ્યું કે કોઈ દિવસ નહીં. જિંદગીમાં ય નહીં.
બે વર્ષથી વેર વાળવાની ફિરાકમાં હતો ને એ દિવસ આવી ગયો
આ અંગે વંથલી પોલીસ સ્ટેશનના મહિલા PSI સોનારાએ સલીમની હત્યા અને તેની કરેલી રેકી અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે,
એમના કૌટુંબિક ઝઘડા ચાલતા હોય છે એવું ધ્યાને આવ્યું છે. લતીફના પિતાનું મર્ડર કરવામાં સલીમ હતો. જ્યારે સલીમનું મર્ડર લતીફે કર્યું. લતીફ ટીકર ગામનો છે. જ્યારે સલીમ રવની ગામનો હતો. આ ઘટના રવની ગામે ધુળેટીની રાત્રે ગૌશાળા અને ST બસ સ્ટેન્ડની સામે સવા નવ વાગ્યાની આસપાસ બની હતી. આરોપી લતીફના પિતા અબ્દુલભાઈ સાંધનું મર્ડર સલીમે વર્ષ 2012માં કર્યું હતું. એ પછી લતીફ એના પિતાની હત્યાનું વેર વળવાની દિશામાં હતો. છેલ્લાં 2 વર્ષથી એ સતત આ દિશામાં પ્રયત્ન કરતો હતો કે હું કઈ રીતે સલીમનું મર્ડર કરું? આ દરમિયાન લતીફને ખબર પડી કે સલીમ વાડીએ રાતવાસો કરવા એક જ રસ્તેથી રોજ જાય છે. અગાઉથી પ્લાનિંગ કરીને પરફેક્ટ સમયે સલીમના બાઇક સાથે પોતાનું બાઇક અથડાવી સલીમને નીચે પછાડી એની પર ફાયરિંગ કર્યું. એ વખતે સલીમ દોડીને ગ્રામ પંચાયત તરફ ગયો તો ત્યાં એની પર ફાયરિંગ કરી મર્ડર કરી નાખ્યું. સલીમને સાત ગોળીઓ વાગી હતી. લતીફે સલીમના ગામના પાદરે જઇ તેની હત્યા કરી છે.
‘મારા બાપાના મર્ડરમાં મારું સમાધાન નથી’
મહિલા PSIએ કૌટુંબિક ઝઘડાઓ અંગે કહ્યું કે, અબ્દુલનું મર્ડર થયું ત્યારે એના મોટાભાઈના દીકરા ઐયુબ કારાએ પોલીસ ફરિયાદ કરી હતી, ત્યારે લતીફ 12 વર્ષનો હતો. મેં એવું સાંભળ્યું છે કે એ વખતે આ લોકોને સમાધાન થયું હતું. તેનો કોઈ ઓફિશિયલ કોર્ટ ઓર્ડર કે જજમેન્ટ મેં વાંચ્યું નથી. પરંતુ લતીફ સમાધાનમાં નહોતો બેઠો. એણે એવું કહ્યું હતું કે 'મારા બાપાના મર્ડરમાં મારું સમાધાન નથી.' પરંતુ એની ઉંમર નાની હતી એટલે એના મોટા બાપા અને તેના દીકરાએ સમાધાન કરાવ્યું હતું. અબ્દુલનું મર્ડર થયા પછી કોઈ બબાલ આ લોકોને થઈ નહોતી પણ એ પહેલાં એમને કૌટુંબિક ઝઘડા ચાલતા હતા.
વાડીમાં પ્લાન ઘડ્યો ને મામાના દીકરા પાસે વોચ રખાવી હત્યાના પ્લાનિંગ અંગે વાત કરતા PSI સોનારાએ કહ્યું કે, લતીફ સલીમની હત્યાનું પ્લાનિંગ કરતો હતો ત્યારે લતીફે ફોઇના દીકરા મુસ્તાકને વાત કરી હતી કે, મારે મારા પિતાની હત્યાનું વેર લેવું છે એટલે મુસ્તાકે પણ કહ્યું હતું કે 'મામાના મોતનો બદલો લેવામાં હું પણ તારી મદદ કરીશ.’ એ રીતે કાવતરામાં મુસ્તાક પણ સામેલ થયો. તેની સાથે રવની ગામમાંથી ટીપ આપનાર સગીર વયનો શખસ સતત સલીમ પર વોચ રાખીને લતીફને જાણ કરતો. એ ક્યારથી કાવતરામાં સંડોવાયો તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. લતીફે હત્યાનું આખું પ્લાનિંગ પોતાની વાડીમાં કર્યું હતું. તેણે રવની ગામમાં રહેતા પોતાના મામાના દીકરા પાસે વોચ રખાવી હતી. જેનું ઘર સલીમના ઘરની નજીક જ આવેલું છે. ત્યાર પછી સલીમ પોતે પણ રવની ગામે આવી ગયો હતો. અમુક મિનિટો રાહ જોઈ. આ દરમિયાન મામાના દીકરાએ ફોન કર્યો કે સલીમ ઘરેથી નીકળ્યો છે. સલીમ નીકળ્યો એટલે એની બાઇકને પછાડીને ફાયરિંગ કર્યું. આગળ સલીમ દોડીને ભાગ્યો તો ત્યાં પણ ફાયરિંગ કર્યું. એમણે પહેલેથી રેકી કરી હતી કે ઘરેથી નીકળતા આટલી જ વાર લાગે છે.
કુખ્યાત જુસબ ગેંગ અંગે મહિલા PSI સોનારાએ જણાવ્યું કે, સલીમ જુસબ ગેંગનો માણસ હતો. સલીમ સામે લતીફના પિતા અબ્દુલની હત્યાના ગુના ઉપરાંત બીજા ગુનાઓ પણ હતા. અબ્દુલની હત્યામાં સલીમ અને તેના પિતા હબીબભાઈ ઉપરાંત અન્ય આરોપીઓ પણ સામેલ હતા. એ વખતે રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો દાખલ થયો હતો, એટલે તમામ આરોપીઓનો સરખો રોલ હતો. જુસબ મૃતક સલીમના પિતા હબીબભાઈના કાકાનો દીકરો થાય છે.
લતીફના પરિવારમાં કોણ કોણ છે અને શું કામ કરતો હતો?
‘જ્યારે લતીફના પરિવારમાં એની મમ્મી એક જ છે. એની બહેન લગ્ન કરીને સાસરે રહે છે. લતીફ પોતે પણ મા સાથે મળીને ખેતી કામ કરતો હતો. જો કે એની સામે પણ પ્રોહિબિશનનો એક ગુનો છે. જેમાં તે લગભગ 10 બોટલમાં પકડાયો હતો. મર્ડર કર્યા પછી લતીફ અને મુસ્તાક સીધા ઘરે જતા રહ્યા હતા. ભાગવા જાય એ પહેલાં જ LCBએ એમને ઝડપી લીધા હતા. આ ગુનાહિત કાવતરું છે, એટલે હજુ બીજા આરોપીઓ પણ પકડાવાની શક્યતા છે. હથિયાર ક્યાંથી લાવ્યો એ તપાસ બાકી છે. મહિલા PSI સોનારાએ વધુમાં કહ્યું હતું કે, આ બનાવ સવા નવ વાગ્યે બન્યો હતો. જ્યારે એક્ઝેક્ટ 9.30 વાગ્યે જાણ થતાં તુરંત જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. લતીફ અને એના ફોઈના દીકરા મુસ્તાકની અટકાયત કરી છે. એમના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ ઉપરાંત બનાવ સ્થળેથી ખાલી અને જીવતાં મળીને 16 કાર્ટિસ મળ્યાં છે. જ્યારે હત્યામાં વપરાયેલું હથિયાર સહિત બીજા મળીને કુલ 25 કાર્ટિસ કબજે કરવામાં આવ્યાં છે.’
પિતાની હત્યાનો બદલો લેવા રાખી હતી બાધા
જ્યારે LCB PSI જે.જે.ગઢવીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હત્યા થતાં જ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરિવારના કોઈની ઉપર આક્ષેપ નહોતા. બીજી તરફ સલીમ સાંધ અને એનો પરિવાર ક્રિમિનલ હિસ્ટ્રી સાથે જોડાયેલો છે. એમના દુશ્મનો ક્યારે કયા હોય અથવા હત્યા કોણે કરી એ આઇડિયા નહોતો આવતો. ગણતરીના સમયમાં સસ્પેક્ટનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. લતીફ સહિત 5 થી 7 સસ્પેક્ટ હતા એ બધાને ઉપાડી પૂછપરછ શરૂ કરી દીધી હતી. પહેલેથી લતીફ સસ્પેક્ટ હતો કારણ કે જે તે સમયે એના પિતાનું સલીમ સહિતના બધાએ મર્ડર કર્યું હતું. લતીફે હત્યાનો બદલો ન લે ત્યાં સુધી વગર ચંપલે ચાલવાની બાધા રાખી હતી.
શાતિર દિમાગનો હત્યારો, મર્ડર બાદ વાડીમાં જઈ સૂઇ ગયો
LCB PSIએ લતીફની આગવી ઢબે પૂછપરછ કરતા કેવી રીતે ગુનો સ્વીકાર્યો તે અંગે કહ્યું કે, ક્રાઇમ બ્રાન્ચે શોધખોળ કરતા લતીફ મળી ગયો અને તેની ઊલટ તપાસ કરવામાં આવી. પહેલા તો એણે સ્વીકાર્યું જ નહીં કે મેં હત્યા કરી છે. એ સમયે શંકા ન જાય તે રીતે એકદમ સરળતાથી જવાબ આપતો હતો. રવનીથી ટીકર ગામ 25 થી 30 કિલોમીટર થાય છે. ફાયરિંગ કરીને લતીફ અને મુસ્તફા કંઈ બન્યું જ ના હોય તેમ ટીકર ગામમાં આવેલી પોતાની વાડીમાં જઈને સૂઈ ગયા હતા. શરૂઆતમાં પૂછપરછ કરી ત્યારે લતીફ કહેતો કે અમારે સમાધાન થઈ ગયું છે. એવું કંઈ નથી. હું શું કામ મારું?
‘હું ભવિષ્યમાં ગમે તેને ઓછા કરી નાખીશ’
‘આ કેસમાં ટેક્નિકલ એનાલિસિસ કરતાં અમને એક ફોન નંબર મળી આવ્યો. જે રવની ગામમાં રહેતા લતીફના સગીર ભાઈનો હતો. એના આધારે ક્રોસ સવાલો કર્યા, તેનો મોબાઈલ ઘટનાસ્થળે જ એક્ટિવ હતો. આ બધું જોતાં છેવટે પોતે હત્યા કર્યાનું લતીફે સ્વીકાર્યું હતું. પોલીસે લતીફની વાડીમાંથી પિસ્તોલ વગેરે કબજે કર્યાં હતાં. આ દરમિયાન SP રવિતેજા પણ સવારે 4 વાગ્યા સુધી ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર રહ્યા હતા. પોલીસ પાસે એવી માહિતી હતી કે, એના પિતાની હત્યા વખતે એના મોટા બાપા અને અન્યોએ ભેગા થઈને સમાધાન કરી લીધું હતું. પરંતુ લતીફે સમાધાન નહોતું કર્યું અને કહ્યું હતું કે 'હું ભવિષ્યમાં ગમે તેને ઓછા કરી નાખીશ.'
હત્યાના દિવસે એક સગીર સલીમની પળેપળની માહિતી આપતો હતો
સલીમની રેકી કરવા અંગે LCB PSIએ જણાવ્યું કે, સગીરે મૃતક સલીમની ફોન ચાલુ રાખીને રેકી કરી હતી. આ સગીર તમામ માહિતી લતીફને આપતો હતો. જ્યારે લતીફ અને મુસ્તાક બંને 8 વાગ્યાથી જ રવની ગામમાં આવી ગયા હતા. તે બંને નંબર વગરની બાઇક લઈને આવ્યા હતા. સલીમે ઘોડા રાખ્યા હતા. એ માટે ખાવાનું લઈ જાય એ તેનું રૂટિન કામ હતું.
લતીફના પિતા અબ્દુલે રવની ગામમાં ફાયરિંગ કર્યું
ઘણાં વર્ષો પહેલાં કોઈ બબાલ થતાં લતીફના પિતા અબ્દુલે રવની ગામમાં આવીને ફાયરિંગ કર્યું હતું અને માથાકૂટ કરી હતી એવું જાણવા મળ્યું છે. પરંતુ એ બાબત હજુ રેકોર્ડ પર ક્યાંય મળી નથી. એ ઝઘડાનું પણ કદાચ સમાધાન થયું હતું. પરંતુ પાછળથી હુસેન, સલીમ અને બાકી બધાએ ભેગા થઈને અબ્દુલને વાડલા ફાટક પાસે વંથલી પોલીસ સ્ટેશનની હદમાં મારી નાખ્યો હતો.
મોટાબાપા એ બાંધીને રાખ્યો પણ...
લતીફના પરિવાર અંગે LCB PSI કહે છે કે, એવું પણ જાણવા મળ્યું કે લતીફના પિતા અબ્દુલ પોતે ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો હતો. જો કે લતીફની કોઈ હિસ્ટ્રી નહોતી. લતીફના પિતા અબ્દુલ રવનીના જમાઈ છે અને તે પણ માથાભારે હતો. જ્યારે અબ્દુલનો મોટો ભાઈ વેપાર કરે છે. જો કે એ ગુનાહિત માનસિકતા ધરાવતા નથી. તેમણે જ અત્યાર સુધી બધાને બાંધી રાખ્યા હતા, કે આપણે કોઈ ખૂનખરાબા નથી કરવા. પરંતુ લતીફ નાનપણથી જ મગજમાં ઠાંસીને બેઠો હતો કે 'બાપનો બદલો લેવો છે.' લતીફનું નાનું મકાન છે. આર્થિક પરિસ્થિતિ ઘણી ખરાબ છે. જ્યારે હત્યામાં સાથ આપનાર મુસ્તાક માળિયા તાલુકાના જામવાડી ગામનો છે.
જ્યારે સલીમે જીવણ પટેલની હત્યા કરી કાકાની હત્યાનો બદલો લીધો
‘હબીબ, અલ્લારખાં, ઈસ્માઈલ અને મુસા નામના ચાર ભાઈ છે. જેમાં હાલમાં જેની હત્યા થઈ તે સલીમ સાંધ હબીબનો પુત્ર છે. જ્યારે નામચીન ગુનેગાર જુસબ અલ્લારખાંનો પુત્ર છે. ત્રીજા ભાઈ ઇસ્માઈલનો પુત્ર અમીન પણ હિસ્ટ્રીશિટર છે. લતીફના પિતા અબ્દુલ અને જુસબ અલ્લારખાં બંને માસિયાઈ ભાઈ હતા. સલીમ પોતે જુસબના કાકાનો દીકરો છે. જ્યારે ચોથા ભાઈ મુસાનું ભાડેરના એક પટેલે મર્ડર કર્યું હતું. જેનો બદલો લેવા અમીન, સલીમ અને જુસબે તથા અન્યોએ ભેગા થઈ ભાડેરના જ જીવણભાઈ પટેલનું મર્ડર કરી નાખ્યું હતું.’
‘સલીમને હાર્ડકોર ગુનેગાર કહી શકાય. મૃતક સલીમ લતીફના પિતા અબ્દુલ તથા ભાડેર ખાતે એક પટેલના મર્ડરમાં પણ સામેલ હતો. બીજા મારામારીથી લઈને અન્ય 10 થી 15 ગુનામાં પણ સંડોવાયેલો હશે. સલીમ તથા તેના પરિવાર સામે જૂનાગઢ તાલુકા, વંથલી, રાજકોટ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા માણાવદર સહિતનાં પોલીસ સ્ટેશનોમાં મારામારી, હુમલા, હથિયાર તથા પ્રોહિબિશન અને મર્ડર સંબંધિત ઘણા ગુનાઓ નોંધાયેલા હતા. કેટલાક ગુનાઓમાં સલીમ તથા જુસબ સંયુક્ત રીતે સામેલ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જુસબ અલ્લારખાંને ATSની 4 મહિલા PSI એ બોટાદનાં જંગલોમાંથી ઝડપી લીધો હતો, ત્યારથી તે જેલમાં છે.’
શું હતો ભાડેર મર્ડર કેસ?
રાજકોટના પાટણવાવ પોલીસની હદમાં આવતા ભાડેર ગામે 4 જુલાઈ, 2018ના રોજ જીવણભાઈ પટેલ નામના વ્યક્તિની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જીવણભાઈ પટેલને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકનાં પરિવારજનોએ હત્યારાઓ ના પકડાઈ ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. બનાવની ગંભીરતા જોતાં કેસ CID ક્રાઇમને સોંપવામાં આવ્યો હતો. એ સમયે રાજકોટ પોલીસે અમીન સાંધ, રહીમ સાંધ અને રઘુવીરસિંહ વાઘેલાની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.