મોંઘવારી:આગામી તહેવારોમાં કપડાંની ખરીદી મોંઘી પડશે, કપાસના ભાવ આસમાને જતાં 35-40% ભાવવધારો સંભવ

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • છેલ્લા 6-8 મહિનામાં કપડાંના ભાવમાં 30% જેવો વધારો થયો છે

એક મહિના બાદ તહેવારોની મોસમ શરૂ થશે અને જો આ સમયે તમે નવાં કપડાં ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ઊંચા ભાવ દેવા માટે તમારે અત્યારથી જ તૈયારી રાખવી પડાશે. કાપડ માટે કોટન એટલે કે કપાસના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગત વર્ષે જે કોટન રૂ. 15,000-23,000 પ્રતિ ગાંસડી (170 કિલોની એક ગાંસડી)ના ભાવે વેચાઈ રહ્યું હતું એ અત્યારે રૂ. 50,500 કરતાં પણ ઊંચા ભાવે વેચાય છે. એને કારણે ગાર્મેન્ટના ઉત્પાદકોની પડતર ઘણી જ ઊંચી થઇ ગઈ છે. આ બધાને કારણે રેડીમેડ કપડાં હોય કે કાપડ, બધામાં ભાવવધારો થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં હજુ વધુ ભાવ વધશે. વેપારીઓ અને ઉત્પાદકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે કોટન, ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતો મોંઘી થવાથી કપડાંના ભાવમાં 35-40% ભાવવધારો થવાની પૂરી સંભાવના છે.

ગાર્મેન્ટમાં ઓલરેડી 30-35% ભાવ વધી ચૂક્યા છે
ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ વિજય પુરોહિતે કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી કોટનની સાથે સાથે યાર્ન અને લૂમ્સમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે, જેને કારણે ગાર્મેન્ટમાં ઓલરેડી 30-35% ભાવ વધી ચૂક્યા છે. આની સીધી અસર પ્રોડક્શન કોસ્ટ પર પણ આવી છે. અત્યારે કોઈ ડિમાન્ડ ન હોવાથી ઉત્પાદકોએ પ્રોડક્શન 25-30% જેટલું ઘટાડી નાખ્યું છે. જે પ્રકારે ભાવ વધી રહ્યા છે એને કારણે પ્રોડક્શન કોસ્ટ ઘણી ઊંચી આવી રહી છે. માર્જિન્સને પણ અસર થઈ રહી છે, એ જોતાં તહેવારોના સમયમાં કપડાં મોંઘાં હશે તો ઘરાકીને પણ અસર થશે.

ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી
સ્પાન એપરલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નમન ખંધારે જણાવ્યું હતું કે પ્યોર કોટન અત્યારે સોના જેવું થઈ ગયું છે. બીજી તરફ, લોજિસ્ટિક કોસ્ટ પણ વધી છે, એને કારણે ઓવરઓલ પ્રોડક્શન મોંઘું પડી રહ્યું છે અને એની સામે બિઝનેસ વધી નથી રહ્યો. ગાર્મેંન્ટ્સમાં જોઈએ તો છેલ્લા 6-8 મહિનામાં જ 50% જેવો ભાવ વધી ગયો છે. વેપારીઓ પાસે જૂનો સ્ટોક્સ પડ્યો હતો એ ક્લિયર થઈ ગયો છે અને હવે નવો માલ લેવા જાય તો એને મોંઘું પડે છે, એટલે રિટેલર્સ પણ હવે ભાવવધારો કન્ઝ્યુમર્સને પાસ કરી રહ્યા છે. આ લેવલે બિઝનેસ સસ્ટેનેબલ નથી. ખાસ કરીને પ્યોર કોટનમાં તો બહુ મુશ્કેલી વધી છે એ જોતાં આવનારા તહેવારોમાં કપડાંના ભાવ ઘણા ઊંચા હશે.

પ્રતીકાત્મક ફોટો.
પ્રતીકાત્મક ફોટો.

ભાવ વધશે તો ઘરાકીનું વોલ્યુમ ઘટશે
ઓનલાઈન માર્કેટ અંગે વાત કરતાં વિયર્ડો વેન્ચર્સના ધવલ આહીરે જણાવ્યું હતું કે કોટનના ભાવ બમણા થઈ ગયા એટલે રો-મટીરિયલ્સના ભાવ પણ ઘણા વધ્યા છે. રિટેલમાં 30% જેવો ભાવ વધી ગયો છે અને આગળ જતાં પણ મટીરિયલ્સ પ્રમાણે ભાવ વધારવા પડે એવી અમારી સ્થિતિ છે. તહેવારોની સીઝનમાં કપડાં મોંઘાં હશે તો એની સીધી અસર વોલ્યુમ પર પડશે. અત્યારની સ્થિતિમાં એક જ ચોઈસ છે કે અમે ભાવ વધારી અને ઘરાકી ઘટે અથવા અમારા માર્જિન નીચા કરીએ. એપરલ બિઝનેસમાં માર્જિન આમ પણ નીચા હોય છે, એટલે એક હદથી વધારે ઘટાડો કરવો રિટેલર્સ માટે શક્ય ન પણ બને.

વર્કિંગ માર્જિન જાળવવું મુશ્કેલ બન્યું
નંદન ટેરીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોનક ચિરીપાલે કહ્યું હતું કે કપાસ અને લોજિસ્ટિકના ઊંચા ભાવને કારણે વર્કિંગ માર્જિન જાળવવું દિવસે ને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. અમે કપાસના ઊંચા ભાવની કટોકટીનો પણ સામનો કરી રહ્યા છીએ, શિપિંગ લોજિસ્ટિક્સના ઊંચા ભાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનને પણ ફટકો પડ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોના રોગચાળાને કારણે વૈશ્વિક વેપાર પણ પ્રભાવિત થયો છે, જેને કારણે ગ્રાહકોની ખરીદ પદ્ધતિમાં ફેરફાર થયો છે. ભારત, અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં પાકની નિષ્ફળતા, ચીન અને ઉઝબેકિસ્તાનના અમુક વિસ્તારોમાંથી આવતા કપાસ પરના પ્રતિબંધને કારણે કપાસના વર્તમાન સંકટમાં વધારો થયો છે.

કેમ વધી રહ્યા છે કોટનના ભાવ?
કેડિયા સ્ટોક્સ એન્ડ કોમોડિટીઝ રિસર્ચના અજય કેડિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે સારા વાવેતર બાદ સીઝનની શરૂઆતમાં કપાસનું ઉત્પાદન સારું થવાની ધારણા હતી. પ્રતિકૂળ હવામાન અને પાકમાં રોગ લાગુ થવાથી બુકસની આવતા કોટનનું ઉત્પાદન અગાઉના 380 લાખ ગાંસડી (170 કિલોની એક ગાંસડી)ના અંદાજની સામે હવે 320 લાખ ગાંસડી થવાની ધારણા છે. બીજી તરફ, સ્થાનિક મિલોની ડિમાન્ડ પણ ઘણી સારી રહી હતી અને એક્સપોર્ટ માગ પણ ઊંચી રહેતાં કોટન સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. સ્ટોક ઓછો છે અને નવા કપાસને આવતાં ત્રણ મહિના જેવો સમય લાગશે, એ જોતાં કોટનના ભાવમાં ઓર વધારો થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...