તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Anil Ambani's Company Reliance Aviation Benefited, All Those Involved In The Deal Will Be Summoned Before A Judge: Mansoor

રાફેલ સોદામાં કરપ્શનની ફ્રાંસમાં તપાસ:અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એવિએશનને લાભ અપાયો, ડીલમાં સામેલ તમામ લોકોને જજની સમક્ષ બોલાવાશેઃ મંસૂસ

18 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક

ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલા રાફેલ વિમાન સોદામાં ભ્રષ્ટાચારના આરોપોની ફ્રાંસમાં શરૂ થયેલી ન્યાયિક તપાસની ઈનસાઈડ સ્ટોરીના પ્રથમ હિસ્સામાં તમે ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ યૉન ફિલિપીન સાથેની વાતચીત વાંચી. ફિલિપીન યૉનની રાફેલ ડીલમાં કરપ્શન વિશે છપાયેલા રિપોર્ટના આધારે જ ફ્રાંસમાં ભ્રષ્ટાચાર અને આર્થિક અપરાધો વિરુદ્ધ કામ કરનારા NGO ‘શેરપા’એ ફ્રાંસની જાહેર અભિયોજન સેવા (પીએનએફ)માં આ સોદામાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે.

ફ્રાંસની સરકારી તપાસ એજન્સી (પીએનએફ)એ ‘શેરપા’ના તમામ આરોપોનો સ્વીકાર કરીને 14 જૂનના રોજ તપાસ શરૂ કરી દીધી છે. દૈનિક ભાસ્કરે આ સમગ્ર મામલાને વિસ્તારથી સમજવા માટે ફરિયાદ કરનારા NGO ‘શેરપા’ના લિટિગેશન અધિકારી શૉનેજ મંસૂસ સાથે પણ વાતચીત કરી. વાંચો, સમગ્ર વાતચીત...

સવાલઃ સૌપ્રથમ હું આપની પાસે એ સમજવા ઈચ્છીશ કે ‘શેરપા’ આ સંરક્ષણ સોદા વિરુદ્ધ ફ્રાંસની ભ્રષ્ટાચારવિરોધી એજન્સીમાં ફરિયાદ શા માટે કરી?
જવાબઃ 2018માં અમને ભારતમાં રાફેલ ડીલના મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરવા અંગે જાણ થઈ હતી. અમે પણ આ મામલે જાણકારી મેળવવાનું શરૂ કર્યુ તો અમને ખ્યાલ આવ્યો કે શંકા કરવાના નક્કર કારણો છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. તેમાં ફ્રાંસની કંપની સામેલ હતી અને આ સંવેદનશીલ મામલો સંરક્ષણ સોદા સાથે સંકળાયેલો હતો. અમે નક્કી કર્યુ કે ભારતમાં સિવિલ સોસાયટી અને પત્રકાર આ મામલો જે રીતે ઉઠાવી રહ્યા છે એ રીતે જ તેને ફ્રાંસમાં પણ ઉઠાવવામાં આવે. ભ્રષ્ટાચારના કોઈપણ મામલાના બે પક્ષ હોય છે. અમે ફ્રાંસવાળા પક્ષ પર ફોકસ કર્યુ.

સવાલઃ ફ્રાંસમાં ન્યાયપાલિકાએ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી દીધી છે. અમે અહીં કોઈ રીતે ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છીએ? શું આ રાજકીય પ્રભાવના અયોગ્ય ઉપયોગનો પણ મામલો છે?
જવાબઃ અમે નિશ્ચિત રીતે હવે કોઈ આરોપ લગાવી શકીએ નહીં, કેમકે હવે બધુ જજની સામે છે, પરંતુ અમે આ સોદાની આસપાસ થયેલી લેવડદેવડમાં શંકાના કારણોને રેખાંકિત કર્યા છે. અમે એ લોકોની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે જે ડીલને પ્રભાવિત કરી શકે એવા લોકો અને અધિકારીઓની નજીક હતા. અમને લાગે છે કે તપાસ શરૂ કરવા માટે આ પૂરતા કારણો છે.

સવાલઃ આ તપાસના કેન્દ્રમાં કોણ હશે? તમને શું લાગે છે કોણ કોણ જજની સામે હાજર થઈ શકે છે?
જવાબઃઅમને લાગે છે કે આ ડીલમાં સામેલ તમામ લોકોને જજની સમક્ષ બોલાવવામાં આવશે અને તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે. અમે માત્ર લોકો પર જ ફોકસ કરતા નથી. અમે ઈચ્છીએ છીએ કે કંપનીની જવાબદારી પણ નક્કી કરવામાં આવે. કંપનીની ભૂમિકા અને તેની સમગ્ર સંરચના શંકાના ઘેરામાં છે. અમે ‘શેરપા’માં એ જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર ઘણીવાર સિસ્ટમનો હિસ્સો હોય છે. તેમાં માત્ર લોકો સામેલ હોતા નથી પરંતુ સિસ્ટમ અને કંપનીઓ પણ સામેલ હોય છે. દસૉના મધ્યસ્થી કમિશન અને અનિલ અંબાણીની રિલાયન્સ એવિએશનને લાભ પહોંચાડવાની વાત અમારી ફરિયાદમાં છે. અમે ઈચ્છીએ છીએ કે તપાસના ઘેરામાં આ કંપનીઓ પણ હોય.

સવાલઃ ભ્રષ્ટાચારના આ મામલાની તપાસ ફ્રાંસના રાષ્ટ્રીય હિતોને પણ પ્રભાવિત કરી શકે છે. આના વિશે તમે શું કહેશો?
જવાબઃ અમે અહીં સંરક્ષણ સોદાની વાત કરી રહ્યા છીએ. તેમાં સામેલ કંપની દસૉ ફ્રાંસની અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમે જાણીએ છીએ કે આ પ્રકારના મોટા સંરક્ષણ સોદા રાજકીય એજન્ડાથી પણ પ્રભાવિત થાય છે. રાફેલ સોદામાં પણ આ જ બન્યું છે. આ સમજૂતી ફ્રાંસની સરકાર અને ભારતની સરકાર વચ્ચે થઈ છે. આ વાતને નકારવાનું કોઈ કારણ નથી કે આવા મામલાઓમાં રાષ્ટ્રીય હિત પણ દાવ પર હોય છે પરંતુ રાષ્ટ્રીય હિતોની આડમાં કોઈ ગુનાહિત ભૂલને ઢાંકી શકાય નહીં.

સવાલઃ આ તપાસની ફ્રાંસના ભવિષ્યના સંરક્ષણ સોદાઓ પર શું અસર પડી શકે છે?
જવાબઃ અમે આશા રાખીએ છીએ કે આ સમગ્ર મામલો, જે 2018માં અમારી પ્રથમ ફરિયાદથી શરૂ થયો હતો અને અત્યારે તપાસ સુધી પહોંચ્યો છે, તેનો નિર્ણય ફ્રાંસમાં ભ્રષ્ટાચારની રોકથામ માટે સ્થાપિત તંત્રની નિષ્ફળતાઓને પણ સામે લાવશે. સંરક્ષણ સોદા વિશે જાહેરમાં વધુ જાણકારીઓ ઉપલબ્ધ હોતી નથી. અમને લાગે છે કે આ મામલાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ મજબૂત તંત્રની આવશ્યકકા અંગે પણ વાત થશે.

સવાલઃ શું તમને લાગે છે કે આ તપાસથી રાફેલ જેટ પણ સવાલોનાં ઘેરામાં આવી ગયું છે?
જવાબઃ હું જાણતી નથી કે આ સવાલનો જવાબ કઈ રીતે આપવો, પરંતુ આ મામલાનું મુખ્ય બિંદુ એ જ છે કે આ ડીલમાં જે કંઈ બન્યું છે, તેમાં ભ્રષ્ટાચારની શંકાના નક્કર કારણો છે. અમને લાગે છે કે તેની અત્યાર સુધી તપાસ ન થઈ શકવાના કારણો રાજકીય છે. અમે સમજી શકતા નથી કે અત્યાર સુધીની તેની કોઈ તપાસ શા માટે ન થઈ.

સવાલઃ શું તમને લાગે છે કે તેમાં સરકારો સામેલ છે અને જનતાની સામે સંપૂર્ણ સત્ય નહીં આવી શકે?
જવાબઃ સંભવતઃ સમગ્ર સત્ય સામે નહીં આવે. જ્યારે અમે આ શરૂ કર્યુ ત્યારે અમે જાણતા હતા કે દરેક જવાબદારીને નિશ્ચિત કરી નહીં શકાય, પરંતુ વધુ પારદર્શિતા લાવવાની માગ વધી રહી છે. અમે જોયું છે કે ફ્રાંસમાં સ્કેન્ડલમાં ફસાયેલા રાજનેતાઓની વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે. અમે જાણીએ છીએ કે તપાસનો માર્ગ મુશ્કેલ છે પરંતુ અમને આશા છે કે તેમાં પરિણામ મળશે. અત્યાર સુધીં અમને સારા સંકેતો મળી રહ્યા છે.

સવાલઃ ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેની તપાસ શરૂ કરવા માટે પૂરતા પુરાવા નથી. શું તમને લાગે છે કે ભારતમાં પણ આ મામલાની તપાસ થવી જોઈએ?
જવાબઃ આ મારા માટે જટિલ સવાલ છે, કેમકે હું ભારતની કાનૂની વ્યવસ્થાને બરાબર જાણતી નથી. હું અત્યારે ભારતની ન્યાય વ્યવસ્થા પર મારૂં મંતવ્ય વ્યક્ત નહીં કરૂં.

સવાલઃ તમને ભારતમાં પોતાના સહયોગીઓ અને સૂત્રો પાસેથી કેવા પ્રકારનો સહયોગ મળ્યો?
જવાબઃ ફ્રાંસમાં આ મામલાને મજબૂત કરવામાં અમને ભારતના કાર્યકર્તાઓનો ભરપૂર સહયોગ મળ્યો છે. ભારતમાં એ લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ એવી જ રીતે કામ કરી રહ્યા હતા, જે રીતે અમે ફ્રાંસમાં કરી રહ્યા છીએ. એ સારી વાત હતી કે ભારતના લોકોએ પણ રાષ્ટ્રીય હિતોથી આગળ વધીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ પુરાવા મેળવ્યા અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની કોશિશ કરી. અમે અમારા ભારતીય સાથીઓનાં નામ નહીં લઈએ કેમકે અમે તેમની સુરક્ષા અંગે ચિંતિત છીએ.

જવાબઃ ફ્રાંસની ન્યાયિક વ્યવસ્થામાં અમારું પ્રથમ કદમ હતું માત્ર ફરિયાદ કરવાનું જેથી આ મામલો આર્થિક અભિયોજક સમક્ષ ઉઠાવી શકાય. અમે વિસ્તૃત ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભ્રષ્ટાચારની શંકા સાથે સંકળાયેલા પૂરતા દસ્તાવેજો હતા. અમે એ પણ જણાવ્યું હતું કે અમે કયા બિંદુઓ પર તપાસ ઈચ્છીએ છીએ.

સ્પષ્ટ રીતે ફ્રાંસની ન્યાય વ્યવસ્થામાં જાહેર અભિયોજક રાજકીય સત્તાના પ્રભાવમાં રહ્યા છે. તમામ પુરાવા પછી પણ તેમણે તપાસ શરૂ ન કરવાનો નિર્ણય લીધો. રાફેલ સોદા વિશે પ્રકાશ ફેંકવાનો આ અમારો પ્રથમ પ્રયાસ હતો. તેના પછી અમે ફરીથી ફરિયાદ કરી, આ વખતે અમે સ્વતંત્ર જજ નિયુક્ત કરાવવામાં સફળ રહ્યા.

સવાલઃ તમને શું લાગે છે, આ મામલે ચાર્જશીટ ક્યાં સુધી દાખલ થઈ શકે છે, મામલાને અંજામ સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગી શકે છે?
જવાબઃ કેટલો સમય લાગશે એ અંદાજ લગાવવો મુશ્કેલ છે. અમને લાગે છે કે તેમાં અનેક વર્ષો લાગી શકે છે, ઓછામાં ઓછું એક વર્ષ તો લાગશે જ, આ મામલે અનેક પક્ષ છે. ફ્રાંસને ભારત સાથે પણ સહયોગ કરવાની જરૂર પડશે. અમે એ જાણીએ છીએ કે આ મામલો થોડા સપ્તાહો કે મહિનાઓમાં સમાપ્ત નહીં થાય. પરંતુ ન્યાયિક તપાસ શરૂ થવી ખુદ એક સારા સમાચાર છે. અમે આશા કરીએ છીએ કે ભારત તપાસમાં સહયોગ આપશે.

સવાલઃ શું ભારતીય પણ ફ્રાંસની અદાલતમાં હાજર થઈ શકે છે?
જવાબઃ અમે આ મામલે કંઈ ન કહી શકીએ. અમારા માટે આ અનુમાન લગાવવું મુશ્કેલ છે. કેટલાક વ્યૂહાત્મક કારણોથી અમારી ફરિયાદ એક્સ-(નામ ન લીધું) વિરુદ્ધ હતી, કેમકે અમે ઈચ્છીએ છીએ કે આ મામલે જજ સૌની જવાબદારી નક્કી કરે. એ લોકોની પણ જેમના વિશે અમે ખૂબ નક્કર પુરાવા નથી લઈ શક્યા. અમને વિશ્વાસ છે કે જજ તમામ જવાબદાર લોકોને બોલાવશે.

સવાલઃ અનેકવાર બીનસરકારી સંગઠનો પર નિહિત સ્વાર્થ અંતર્ગત એજન્ડા ચલાવવાનો આરોપ પણ લાગે છે. આ અંગે આપ શું કહેશો?
જવાબઃ અમને લાગે છે કે આ અત્યંત નબળો તર્ક છે. જો રાજકીય કારણોથી પણ ભ્રષ્ટાચાર ઉજાગર કરાઈ રહ્યો છે તો એ થવું જોઈએ. શેરપાની ફરિયાદમાં કોઈ રાજકીય એજન્ડા નથી. અમે માત્ર એક જ સંદેશ આપવા માગીએ છીએ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ મજબૂત થાય.

સવાલઃ જો ભ્રષ્ટાચાર થયો છે તો ક્યાંકને ક્યાંક ભારતના લોકોના ટેક્સના પૈસા ગયા છે. ભારતના લોકોને તમે શું કહેવા માગશો?
જવાબઃ હું સૌપ્રથમ ભારતના લોકોનો આભાર વ્યક્ત કરવા માગું છું. રાફેલ સોદાની આ તપાસ ભારતના લોકોના સહયોગ વિના સંભવ નહોતી. ભારતમાં આ સોદાની આસપાસ કાયદાકીય સવાલો ઉઠાવાયા છે, તેનાથી અમને મજબૂતી મળી છે.