ગુજરાતના ખેડૂતો હવે પોતાની આવક ડબલ અને ત્રણ ગણી કરવા માટે સક્રિય થયા છે અને ખેતીની પદ્ધતિમાં બદલાવ કરીને પ્રગતિશીલ ખેડૂતોએ એમાં સફળતા પણ મેળવી છે. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામના પ્રગતિશીલ ખેડૂત રજનીભાઈ નાકરાણીએ પહેલા ગ્રીન હાઉસ અને હવે નેટ હાઉસની ખેતી દ્વારા કાકડીનું વાવેતર કરીને સોનેરી સફળતાનો સ્વાદ ચાખ્યો છે. તેમને આ વર્ષે એક એકર જમીનમાં કાકડીના વાવેતર થકી 18 લાખની આવકની આશા છે.
ગ્રીન હાઉસ બાદ નેટ હાઉસ પદ્ધતિથી ખેતી શરૂ કરી
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામમાં ખેડૂત રજનીભાઈ મધુભાઈ નાકરાણીએ હાલમાં એક એકર જમીનમાં નેટ હાઉસ પદ્ધતિ દ્વારા કાકડીનું વાવેતર કર્યુ છે. તેમણે ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા પાણીએ પ્રથમ વર્ષે જ આશરે 30થી 40 ટન ઉત્પાદન મળવાની આશા છે. નેટ હાઉસ ખેતી વિશે માહિતી આપતાં ખેડૂત રજનીભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે મે 10 વર્ષ પહેલાં ગ્રીન હાઉસ પદ્ધતિથી ખેતી શરૂ કરી હતી. મારા મિત્રએ ઈઝરાયેલમાં ગ્રીન હાઉસ નિહાળ્યા બાદ આ પદ્ધતિથી ખેતી કરવા માટે મને સૂચન કર્યું હતું. ત્યાર બાદ અમે પુણે, બેંગ્લુરુ સહિતના વિસ્તારોમાં કાર્યરત ગ્રીન હાઉસની મુલાકાત લીધી હતી અને એના વિશે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતા. એ પછી અમે અમારા ખેતરમાં ગ્રીન હાઉસ પ્રોજેક્ટ કર્યો હતો. અમે ગ્રીન હાઉસની ખેતીમાં તાઉતે વાવાઝોડા સુધી કાકડીના ઉત્પાદનમાં ઘણી સફળતા મેળવી હતી. ત્યાર બાદ નેટ હાઉસનો આ પ્રથમ પ્રોજેક્ટ છે.
નેટ હાઉસ પદ્ધતિ માટે 21 લાખનો ખર્ચ થયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેટ હાઉસ તૈયાર કરવા માટે બાગાયત વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની 65 ટકા જેટલી સહાય મળી છે. ખેતી માટે થતા ખર્ચ સામે પહોંચી વળવામાં આ સહાય થકી અમને આર્થિક રીતે મદદ મળી છે. એક એકરમાં 4,000 ચોરસફૂટના બે નેટ હાઉસ તૈયાર કર્યા છે. આ નેટ હાઉસમાં કાકડીના કુલ 18,000 વેલા વાવ્યા છે. નેટ હાઉસના આ પ્રોજેક્ટ પાછળ થયેલા કુલ ખર્ચ વિશે રજનીભાઈએ ઉમેર્યું હતું કે એક એકરના બે નેટહાઉસ તૈયાર કરવા આશરે 21 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. એ પૈકી કેન્દ્ર સરકારની 50 ટકા અને રાજ્ય સરકારની 15 ટકા એમ કુલ મળીને 65 ટકા એટલે કે 16 લાખ રૂપિયાની સબસિડી આ ખેતી માટે મેળવી છે.
20 ટકા પાણીમાં ખેતી થઈ શકે છે
ખેડૂત રજનીભાઈ આગળ ઉમેરે છે કે જો કોઈ ખેડૂત નેટ હાઉસ પદ્ધતિથી કાકડી વાવે તો તેને પારંપરિક પદ્ધતિ કરતાં ઘણા ઓછા પાણીની જરૂર રહે છે. ફક્ત 20 ટકા પાણીમાં જ વધુ સારી રીતે આ ઉત્પાદન મેળવી શકાય છે. યોગ્ય માવજત રાખવાથી નેટ હાઉસના ઉત્પાદનને સુરક્ષિત રાખી શકાય અને ફૂગ સહિતના અન્ય પ્રશ્નો ઉદ્દભવે એ પહેલાં જ ડામી શકાય છે.
કાકડીનું 40 ટનનું ઉત્પાદન મળે તો 18 લાખની આવક થાય
કાકડીની ખેતી પરંપરાગત ખેતી સામે પડકારજનક વિકલ્પ હોઈ શકે કે નહીં? આ સવાલના જવાબમાં ખેડૂત રજનીભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે આધુનિક ઢબની આ ખેતીની સરખામણીએ પરંપરાગત ખેતીની જણસોનાં ઉત્પાદન અને આવકમાં ઘણું અંતર જોવા મળી શકે છે. આ વર્ષે જો અમે 40 ટન જેટલું ઉત્પાદન મેળવીએ તો રૂ.18 લાખની અંદાજિત આવક થઈ શકે છે. જે અન્ય પાકમાં આટલી જમીનમાં આવું ક્યારેય શક્ય નથી. કાકડીની ખેતીમાં થતી આવકમાં 50 ટકા રકમનો ખર્ચ થાય છે.
28થી 30 જેટલા ખેડૂતોને સહાય મળી
રક્ષિત ખેતી એટલે કે ગ્રીન હાઉસ અને નેટ હાઉસ દ્વારા ખેતી કરવા માગતા ખેડૂતો માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય વિશે વિગત આપતાં નાયબ બાગાયત નિયામક કુલદીપ સોજીત્રાએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં રક્ષિત ખેતી એટલે કે ગ્રીન હાઉસ અને નેટ હાઉસની ખેતી કરતા 28થી 30 જેટલા ખેડૂતોને સહાય આપવામાં આવી છે. ખેડૂતો મુખ્યત્વે કેપ્સિકમ, કાકડી, સ્ટ્રોબેરી અને પર્પલ કોબીજની ખેતી પણ આ પદ્ધતિ અપનાવીને કરતા હોય છે.
રજનીભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ખેતી પદ્ધતિને લીધે ઓફ સીઝનમાં પણ સારુંએવું ઉત્પાદન મેળવી શકાય છે. કોઈપણ ખેડૂત અરજદાર કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માગતા હોય તો 'આઈ ખેડૂત' પોર્ટલ પરથી અરજી કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા બાગાયત કચેરી, અમરેલીનો સંપર્ક કરી શકે છે. અમરેલી જિલ્લાના ખેડૂતો માટે બરવાળા બાવીશીના પ્રગતિશીલ ખેડૂત રજનીભાઈ નાકરાણી પ્રેરણાનું ઉદાહરણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.