કાશ્મીરમાં ગુજરાતી આઇસક્રીમ:અમરેલીની કંપનીએ કાશ્મીરમાં આઇસક્રીમનું વેચાણ શરૂ કર્યું, નેપાળમાં પણ નિકાસ ચાલુ કરી

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • ટૂંક સમયમાં અમદાવાદના બગીચાઓમાં પાર્લર શરૂ કરશે
  • 35 વર્ષ પહેલાં એક નાની દુકાનમાં શરૂ થઈ હતી કંપની

ગુજરાતમાંથી કોઈ કાશ્મીર ફરવા ગયું હોય અને તેને આઇસક્રીમ ખાવાની ઈચ્છા થાય તો ત્યાં પણ હવે તેમને ગુજરાતમાં જ બનેલો આઇસક્રીમ ખાવા મળશે. અમરેલી શહેરની આઇસક્રીમ કંપની શીતલ કૂલ પ્રોડક્ટ્સ લિમિટેડે કાશ્મીરમાં પુલવામા અને શ્રીનગરમાં 400થી વધુ દુકાનોમાં વેચાણ શરૂ કર્યું છે. મેનેજિંગ ડિરેક્ટર ભૂપતભાઇ ભૂવાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમે ધીમે ધીમે આગામી એક કે બે વર્ષમાં સમગ્ર કાશ્મીરમાં અમારું વેચાણ શરૂ કરવાનો ટાર્ગેટ રાખીએ છીએ.

કાઠમંડુ અને પોખરામાં આઇસક્રીમની નિકાસ શરૂ કરી
ભૂપતભાઈએ જણાવ્યું હતું કે અમે 1 મેના રોજ નેપાળમાં પણ નિકાસ કરવાની શરૂઆત કરી છે. નેપાળના કાઠમંડુ અને પોખરા ડિસ્ટ્રિક્ટમાં આઇસક્રીમ મોકલવાની શરૂઆત કરી છે. હાલમાં અમરેલીથી 2 કન્ટેનર આઇસક્રીમ નેપાળ સપ્લાય કરવામાં આવ્યો છે. નેપાળ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં પણ આઇસક્રીમની નિકાસ કરવામાં આવે છે. હાલ અમારા ટોટલ બિઝનેસમાં નિકાસનો શેર ખૂબ જ ઓછો છે, પણ અમે આવનારાં અમુક વર્ષોમાં નિકાસ વધારવા પર ફોકસ કરી રહ્યા છીએ.

નેપાળમાં નિકાસ માટે આઇસક્રીમ ટ્રકને રવાના કરતા શીતલ કૂલ કંપનીની બીજી પેઢી હાર્દિક અને કેવલ ભૂવા.
નેપાળમાં નિકાસ માટે આઇસક્રીમ ટ્રકને રવાના કરતા શીતલ કૂલ કંપનીની બીજી પેઢી હાર્દિક અને કેવલ ભૂવા.

અમદાવાદ કોર્પોરેશનના બગીચામાં પાર્લર બનાવશે
ભૂપતભાઈએ કહ્યું હતું કે અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તેમના હસ્તકના 50 ગાર્ડનમાં આઇસક્રીમ આઉટલેટ શરૂ કરવાની મંજૂરી મળી છે. આમાંથી 10 ગાર્ડનમાં આ મહિનાના અંત સુધીમાં પાર્લર શરૂ થઈ જશે. અમદાવાદ ઉપરાંત અમે સુરત અને રાજકોટ કોર્પોરેશન પાસે પણ ગાર્ડનમાં આઉટલેટ શરૂ કરવાની મંજૂરી માગી છે. થોડા સમયમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મંજૂરી મળી જવાની અપેક્ષા છે.

અમરેલી બસ સ્ટેન્ડ સામે નાની દુકાનમાં થઈ હતી શરૂઆત
ગુજરાતના સૌરાષ્ટ્રના નાના શહેર અમરેલીમાં આજથી 35 વર્ષ પહેલાં ભૂવા પરિવારના ચાર ભાઈઓમાંથી સૌથી મોટા દીકરા જગદીશભાઈ ભૂવાએ બસ સ્ટેન્ડ સામે શીતલ પાન પાર્લર અને સોડા શોપ નામથી દુકાન શરૂ કરી હતી. એમાં હાથે બનાવેલા આઇસક્રીમ અને લસ્સીનું વેચાણ શરૂ કર્યું હતું. વર્ષ 1997માં જગદીશભાઈનું અવસાન થયું અને ત્યાર બાદ તેમના નાના ભાઈ ભૂપતભાઈએ વર્ષ 2000માં કંપનીની બાગડોર સંભાળી હતી. એક નાનકડી દુકાનમાંથી શરૂ થયેલી કંપની આજે રૂ. 325 કરોડથી વધુનું ટર્નઓવર કરતી કંપની બની ગઈ છે.

ટીમ ન હોવાથી ભાઈઓ જ રિટેલ શોપ પર જતા
ભૂપતભાઈએ પોતાના ધંધાના શરૂઆતના સંઘર્ષના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે આઇસક્રીમ વેચવાની શરૂઆત કરી એ દિવસોમાં અમારી પાસે સ્ટાફ ન હતો, એટલે અમે ભાઈઓ જ પ્રોડક્ટ્સ સાથે રિટેલ શોપમાં વેચાણ માટે જતા હતા અને ગ્રાહકો સાથે વાત કરી તેમનો અભિપ્રાય મેળવતા હતા. આ રીતે અમે અમારી પ્રોડક્ટમાં સુધારો કરતા આવ્યા છીએ. એ દિવસોમાં અમે 15-18 કલાક કામ કરતા હતા. આ ઉપરાંત અમારી પાસે અમારા પોતાના વાહન ન હોવાથી ટ્રાન્સપોર્ટનો વધારાનો ખર્ચ અમારા માટે વધારાનો બોજ હતો, પણ આ બધું કરવું જરૂરી હતું, કેમ કે અમારી સ્પર્ધા મોટી કંપનીઓ સાથે હતી.

શીતલ આઇસક્રીમની પ્રોડક્ટ્સ સાથે ભૂપતભાઈ, દિનેશભાઇ અને સંજીવભાઈ.
શીતલ આઇસક્રીમની પ્રોડક્ટ્સ સાથે ભૂપતભાઈ, દિનેશભાઇ અને સંજીવભાઈ.
અન્ય સમાચારો પણ છે...