શેરબજારમાં લિસ્ટ થનારી લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) વીમા ક્ષેત્રની ચોથી કંપની છે. અગાઉ HDFC, ICICI પ્રુડેન્શિયલ અને SBI લાઈફ ઈન્શ્યોરન્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયેલી છે અને આ કંપનીઓએ અત્યાર સુધીમાં રોકાણકારોને સારું વળતર આપ્યું છે. દિવ્ય ભાસ્કરે લાઈફ ઈન્શ્યોરન્સ સેક્ટરની લિસ્ટેડ કંપનીઓના ડેટા ચકાસતા જાણવા મળ્યું કે લિસ્ટિંગ ઉપર LICએ રોકાણકારોને સૌથી વધુ નુકસાન કરાવ્યું છે. જ્યારે ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સમાં ઈન્વેસ્ટર્સને માત્ર 1.50%ની ખોટ ગઈ હતી. જોકે, બાદમાં બધા જ સ્ટોક્સના ભાવ સારા પ્રમાણમાં વધી ગયા હતા. હવે જોવાનું રહે છે કે LICમાં આગળ શું થશે?
HDFC લાઇફમાં સૌથી વધુ લિસ્ટિંગ ગેઈન
નવેમ્બર 2017માં HDFC લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડનો રૂ. 8,695 કરોડનો પબ્લિક ઇશ્યૂ આવ્યો હતો. રૂ.290 પ્રતિ શેરની ઓફર પ્રાઇસ સામે આ શેર રૂ. 311 પર લિસ્ટ થયો હતો. આ રીતે આ શેરમાં રોકાણકારોને 7.24% લિસ્ટિંગ ગેઈન થયો હતો. આ સિવાય SBI લાઈફ ઇન્શ્યોરન્સના રૂ. રૂ. 8,400 કરોડના IPOમાં રૂ. 700ની ઓફર પ્રાઇસની સામે આ શેરનું લિસ્ટિંગ રૂ. 733.30 પર થયું હતું અને રોકાણકારોને 4.75%નો લાભ થયો હતો.
જીવન વીમાના શેર્સમાં રોકાણકારો લાંબાગાળે ફાયદામાં રહ્યા
લિસ્ટિંગ સમયે લાભ થયો હોય કે ના થયો હોય પણ લાઈફ ઈન્શ્યોરન્સ સેક્ટરની કંપનીઓએ આગળ જતાં રોકાણકારોને લાભ જરૂર કરાવ્યો છે. HDFC લાઈફનો શેર લિસ્ટિંગથી આજ દિવસ સુધીમાં 78.45% ઉપર આવ્યો છે. તેવી જ રીતે ICICI પ્રુડેન્શિયલ લાઇફમાં રોકાણકારો લિસ્ટિંગથી અત્યાર સુધીમાં 53.50%નો લાભ કમાયા છે. SBI લાઈફમાં રોકાણકારોને આજદિન સુધીમાં 45.15%નો ફાયદો થયો છે.
LIC પણ લાંબાગાળે ફાયદાકારક સાબિત થશે
બજાર સાથે જોડાયેલા લોકો જણાવે છે કે, આજે LICનું લિસ્ટિંગ ભલે ડિસ્કાઉન્ટમાં થયું હોય પણ આગળ જતાં તેમાં ઈન્વેસ્ટર્સને ફાયદો થશે. માર્કેટ એક્સપર્ટના મતે ફિક્સ ડિપોઝીટની જેમ 3 ત્રણથી પાંચ વર્ષ માટે હોલ્ડ કરવાથી આ શેરમાં પણ નોંધપાત્ર વળતર મળવાની અપેક્ષા છે. કોવિડ બાદ લાઈફ ઈન્શ્યોરન્સને લઈને લોકોમાં જાગરૂકતા આવી છે જે લાંબા ગાળે સેક્ટરને બહેતર દેખાવ કરવા સક્ષમ બનાવશે. LIC આ સેક્ટરની સૌથી મોટી કંપની છે એટલે સૌથી વધુ લાભ પણ તેણે જ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.