• Gujarati News
  • Dvb original
  • 'Amitabh Said Wow Kya Test Hai' As He Put It In His Mouth, The Uttarayan Patter, The Owner Explained The Step by step Process.

ભાસ્કર એક્સક્લૂસિવચંદ્રવિલાસના ચટાકેદાર ઊંધિયાનો મેકિંગ VIDEO:'અમિતાભે મોઢામાં મૂકતાં જ કહ્યું, વાહ ! ક્યા ટેસ્ટ હૈ', ઉત્તરાયણમાં રીતસર પડાપડી થાય, માલિકે સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ સમજાવી

15 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

ઉત્તરાયણ હોય એટલે અમદાવાદ જ નહિ, પણ આખું ગુજરાત ઊંધિયામય થઈ જાય છે. આ દિવસે પતંગરસિયાઓ વહેલી સવારથી જ રંગબેરંગી પતંગોથી આકાશને શણગારી દે છે. ક્યાંક ડીજેના તાલે તો ક્યાંક કાપ્યો છે....અને લપેટ..લપેટની બૂમો પાડતા નજરે પડે છે, પણ જો જમવાની વાત આવે એટલે તેમની થાળીમાં અન્ય કોઈ વાનગીઓ હોય કે ન હોય, પરંતુ ઊંધિયું તો જોવા મળે જ. આમ તો ઊંધિયું એ મૂળ તો સુરતની વાનગી છે, જેની ઓળખ હવે માત્ર સુરત જ નહીં, પરંતુ દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે, પણ જો તમે અમદાવાદમાં ઉત્તરાયણની મજા માણતાં હોવ અને જો ઊંધિયાનો સાચા અર્થમાં ટેસ્ટ માણવો હોય તો ચંદ્રવિલાસના ઊંધિયાને કઈ રીતે ભૂલી શકાય. આ સાંભળીને કદાચ તમે વિચારમાં પડી ગયા હશો, પણ હા... આ એ જ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ જેનાં ફાફડા- જલેબી તમારી દાઢે વળગેલાં છે.

ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ છેલ્લાં 122 વર્ષથી ચાલી રહી છે, પરંતુ એનાં ફાફડા-જલીબીની સાથે સાથે છેલ્લાં 100 વર્ષથી તેના ઊંધિયાનો ટેસ્ટ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે તેમની ચોથી પેઢી એટલે કે માલવ જોષી સાથે વાતચીત કરીને ચંદ્રવિલાસનું ફેમસ ઊંધિયું કઈ રીતે બને છે એની સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ જાણી છે. તેના મેકિંગનો વીડિયો દ્વારા અમે આપને સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ બતાવી રહ્યા છે, જેથી આપ પણ આપના ઘરે આ પ્રોસેસને ફોલો કરીને ચટાકેદાર ઊંધિયું જાતે બનાવી શકો છો.

'ઊંધિયું બનાવતા પહેલાં આટલું તૈયાર કરી લો'
માલવભાઈ જોષીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આમ તો લોકો અલગ અલગ રીતે ઊંધિયું બનાવતા હોય છે, પણ અમે ઊંધિયામાં નાખવામાં આવતી તમામ શાકભાજીને તળીને નાખીએ છીએ, જેની સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસસ જણાવું તો પહેલા રતાળુ, રવૈયાં, બટાટા, શક્કરિયાં, ગાજરને બરાબર રીતે સાફ કરીએ છીએ, એ પછી એને બે-ત્રણ વાર ચોખ્ખા પાણામાં ધોઈ નાખીએ છીએ. ધોયેલી તમામ શાકભાજીને અમે 10થી 15 મિનિટ સુધી તેલમાં તળીને તૈયાર કરીએ છીએ. તેલમાં તળવા પાછળનું મુખ્ય કારણ એ જ છે કે જો તમે શાકભાજીને બાફીને ઊંધિયું બનાવો તો એનો ટેસ્ટ લાંબા સમય સુધી બરકરાર રહેતો નથી, જેથી અમે આ શાકભાજીને પહેલાં તળી નાખીએ છીએ, જેથી એ લાંબા સમય સુધી ટેસ્ટી અને ચટાકેદાર રહે છે. આ દરમિયાન સુરતી પાપડી, તુવેરના દાણાને પણ 10થી 15 મિનિટ સુધી બફાવા દઈએ છીએ, એટલે ઊંધિયું બનાવતાં પહેલાં સૌથી પહેલા અમે આટલી પ્રોસેસ કરીએ છીએ.

શાકભાજી તળાયા પછીની પ્રોસેસ
આ પ્રોસેસ થઈ ગયા પછી ગેસ ઉપર કડાઈ મૂકીએ છીએ, જેમાં તેલને લગભગ 5થી 10 મિનિટ સુધી ગરમ થવા દઈએ છીએે. એ બાદ એમાં લીલાં મરચાંની પેસ્ટ સાથે ગરમ મસાલો, મરચું, મીઠું, ખાંડ, હળદર અને અમે જાતે તૈયાર કરેલા સિક્રેટ મસાલાને મિક્સ કરીને તેનો વઘાર કરીએ છીએ. એ પછી એ તેલ અને પેસ્ટનું 5 મિનિટ સુધી બરાબર મિશ્રણ ન થાય ત્યાં સુધી એને હલાવતા રહીએ છીએ. એ બાદ તળીને તૈયાર કરેલી તમામ શાકભાજીને એમાં ઉમેરી દઈએ છીએ. એને લગભગ 20 મિનિટ સુધી બરાબર મિશ્રણ કરીને ઊકળવા દઈએ છીએ. એને કારણે જે વધારાના પાણીનો ભાગ હોય એ પણ દૂર થઈ જાય છે. એ પછી જે મેથીનાં મૂઠિયાં તૈયાર કર્યાં છે એને નાખીએ છીએ અને છેલ્લે એમાં ઉપરથી સમારેલાં ધાણા નાખીએ છીએ. લો તૈયાર થઈ ગયું તમારું મનગમતું ચંદ્રવિલાસનું ઊંધિયું.

100 વર્ષ પહેલાં રેસ્ટોરન્ટમાં ઊંધિયાની શરૂઆત થઈ
માલવ જોષીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ મૂળ રાજસ્થાનના ઉદયપુરના છે. આજથી 122 વર્ષ પહેલાં એટલે કે 1900ની સાલમાં મારા દાદા ચીમનલાલ જોષીને નસીબ અજમાવવાનો વિચાર આવતાં તેમણે અમદાવાદની વાટ પકડી હતી. એ બાદ તેમણે તેમના મિત્રો સાથે મળીને રિચી રોડ પર ચાની શરૂઆત કરી હતી. એ પછી ધીરે ધીરે અહીંની ચાનો ચસકો લોકોને લાગવા લાગ્યો. એ સમયે દાદાએ શરૂ કરેલી ચા તો ફેમસ થઈ ગઈ, પણ પછી તેમણે કંઈક અલગ કરવાનું વિચાર્યું. આ દરમિયાન તેમને ફાફડા-જલેબી શરૂ કરવાનો વિચાર આવ્યો ને તેમણે એ બનાવવાના શ્રી ગણેશ કર્યા. અહીંનાં ફાફડા-જલેબીનો ટેસ્ટ લોકોને ખૂબ જ પસંદ પડ્યો. ચાથી શરૂ થયેલી ચંદ્રવિલાસની સફરે ફાફડા-જલેબીનું કોમ્બિનેશન આપ્યું. એટલું જ નહીં, ઊંધિયામાં પણ સિક્કો જમાવ્યો.

'અમિતાભ બચ્ચને કહ્યું, વાહ ક્યા ટેસ્ટ હૈ'
માલવભાઈએ જણાવ્યું હતું કે ચંદ્રવિલાસની જેમ જેમ નામના થવા લાગી એમ એમ અહીં સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીસ પણ ફાફડા-જલેબીનો ટેસ્ટ માણવા આવતા હતા. આ સાથે જ તેઓ અહીંના ઊંધિયાનો પણ ટેસ્ટ માણતા હતા. એ સમયે અમિતાભ બચ્ચને ફાફડા-જલેબી સાથે અમારા ઊંધિયાનો પણ ટેસ્ટ કર્યો હતો. ટેસ્ટ કરતાંની સાથે જ અમિતાભ બચ્ચને કહ્યું કે વાહ... ક્યાં ઊંધિયા હૈ એવું કહ્યું હતું.

ચંદ્રવિલાસનું ઊંધિયું એકદમ નેચરલ રીતે તૈયાર થાય
તેમણે કહ્યું હતું કે ઘણા લોકો ઊંધિયું ગ્રીન દેખાય એ માટે કલરનો ઉપયોગ કરતા હોય છે, પરતું અમે જે નેચરલ મસાલા અને અમારા સિક્રેટ મસાલા છે એનો જ ઉપયોગ કરીએ છીએ, જેને કારણે અમારું ઊંધિયું એકદમ નેચરલ રીતે તૈયાર કરીએ છીએ. એને કારણે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે. જ્યારે અમે ઊંધિયું બનાવવાની શરૂઆત કરી હતી એ સમયે લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે અમારું ઊંધિયું તીખું બનાવતા હતા, પણ હવે લોકો એટલું તીખું નથી ખાતા, જેને કારણે તીખું મરચું પણ ઉપયોગમાં નથી લેતા.

'માત્ર ઉત્તરાયણ જ નહીં, બારેમાસ મળે છે ઊંધિયું'
માલવ જોષીએ જણાવ્યું હતું કે ફાફડા-જલેબીની સાથે ઊંધિયું બનાવવાની રેસિપી અમને વારસામાં મળી છે. અમારે ત્યાં ફાફડા-જલેબીની સાથે ઊંધિયું બારેમાસ ગ્રાહકો માગે છે, પણ મોટા ભાગના ગ્રાહકો એવા છે, જે માત્ર ને માત્ર ઉત્તરાયણમાં જ ચંદ્રવિલાસનું ઊંધિયું ખાવાનું પસંદ કરે છે. આ દિવસે ઘણા લોકો પોતાના ઘરે જ ઊંધિયું બનાવી લેતા હોય છે, પરંતુ સોસાયટીના લોકો જ્યાં મોટા પ્રમાણમાં ધાબા ઉપર એકત્રિત થતા હોય અથવા તો સોસાયટીના તમામ લોકો એકત્રિત થઈને સામૂહિક ભોજન કરતા હોય તો એવી સ્થિતિમાં અમને ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર મળે છે.

'દિલ્હી, મુંબઈ સહિત અનેક રાજ્યોમાં લોકો ઊંધિયું મગાવે'
તેમણે છેલ્લે કહ્યું હતું કે અમારા ત્યાં અનેક ગ્રાહકો દૂર દૂરથી આવે છે, જેના કારણે હવે અમારા ઊંધિયાના ચાહકો માત્ર અમદાવાદમાં કે ગુજરાતમાં જ નહીં, પરંતુ દિલ્હી, મુંબઈ જેવાં શહેરોમાં પણ છે. તે લોકો પોતાનાં સ્વજનો પાસેથી અમારું ઊંધિયું મગાવી રહ્યા છે.

ચંદ્રવિલાસના ઊંધિયાના 1 કિલોનો ભાવ 440 રૂ
આજથી 100 વર્ષ પહેલાં જ્યારે ઊંધિયું બનાવવાની શરૂઆત થઈ હતી, એ સમય અલગ હતો, પરંતુ ધીરે ધીરે સમયની સાથે મોંઘવારી પણ વધતી ગઈ છે. એને કારણે આજે ચંદ્રવિલાસનું ઊંધિયું 440 રૂ કિલો મળી રહ્યું છે. ઉત્તરાયણના દિવસે લોકો રીતસરની પડાપડી કરે છે.

ઉત્તરાયણમાં તો 500 કિલો ઊંધિયું બને
માલવ જોષીએ જણાવ્યું કે સામાન્ય દિવસોમાં પણ અમારા ત્યાં ઊંધિયાનું ચલણ છે, જેને કારણે અમે 15થી 20 કિલો ઊંધિયું તૈયાર કરીએ છીએ, પરંતુ વર્ષમાં એકવાર ઉત્તરાયણ આવતી હોવાથી આ દિવસે લોકોમાં ઊંધિયું હોટ ફેવરિટ હોય છે. એને કારણે અમારા ત્યાં અમે 500 કિલોથી વધુ ઊંધિયું બનાવીએ છીએ. આ સાથે જ લોકો અમારી જલેબી અને લીલવાની કચોરી પણ લઈ જાય છે.

અનેક સેલિબ્રિટીના ટેસ્ટનું ઠેકાણું હતું ચંદ્રવિલાસ
ચંદ્રવિલાસની જેમ જેમ નામના થવા લાગી એમ એમ સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીસ પણ અહીં ટેસ્ટ માણવા માટે આવતા હતા. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કિશોર કુમાર, અમિતાભ બચ્ચન અને અસરાનીથી લઈને અનેક સેલિબ્રિટી અહીં આવી ચૂક્યા છે.

'અમિત શાહે અહીં જ નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે તમે ભાજપનું ભવિષ્ય છો'
માલવભાઈ જોષી ચંદ્રવિલાસ સાથે જોડાયેલા કેટલાક પ્રસંગોને વાગોળતા કહે છે કે અમને એવી પણ વાત જાણવા મળી છે કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પણ ન હતા ત્યારે તેઓ અનેક વખત અહીંની મુલાકાતે આવતા હતા. એકવાર અહીં બેસીને જ અમિત શાહે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે તમે ભાજપનું ભવિષ્ય છો. જોકે એ સિવાય પણ અનેક નેતાઓ અહીંનાં ફાફડા-જલેબીનો ટેસ્ટ માણવા આવતા હતા.

અન્ય સમાચારો પણ છે...