ભાસ્કર ઇનડેપ્થપોલીસ બનવાનું સપનું જોનારી કેવી રીતે બની ડ્રગ્સ-ક્વીન:મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી અમીને પોલીસ જ ભરતીની ટ્રેનિંગ આપતી, એક જ યુવાન સાથે બબ્બે લગ્ન અને બબ્બે ડિવોર્સ

રાજકોટ21 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • કૉપી લિંક

ઓક્ટોબર, 2021માં મીડિયામાં એક સમાચાર આવ્યા હતા કે રાજકોટ પોલીસે ડ્રગ્સ એડિક્ટ યુવતીને નશામાંથી મુક્ત કરાવી પોલીસ ભરતીની તૈયારીઓ માટે દત્તક લીધી. આ યુવતીની પોલીસે એક સપ્તાહ સુધી ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવતાં તે નોર્મલ બની અને તેને મહિલા પોલીસ દ્વારા PSIની ભરતીની તૈયારી કરાવવામાં આવે છે. તે દિવસ-રાત પ્રેક્ટિસ કરી ગ્રાઉન્ડ પર પરસેવો વહાવે છે. માત્ર એટલું જ નહીં, તેણે પોલીસ બનવાનું મન બનાવીને પોલીસ ભરતીનું ફોર્મ પણ ભરી દીધું છે.

એક સમયે કહ્યું હતું ‘SOG મારાં ફેમિલી-ફ્રેન્ડ્સ છે’
પોલીસે દત્તક લઈ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી ત્યારે આ યુવતીએ જણાવ્યું હતું કે હું પોલીસની ખૂબ આભારી છું, SOG મારા ફેમિલી-ફ્રેન્ડ્સ છે. મેં બહારની દુનિયા સાથે કોઈ જ સંપર્ક રાખ્યા નથી. હું હવે પોલીસ ફોર્સમાં જોડાવાનું પ્લાનિંગ કરી રહી છું.

ડ્રગ્સ-માફિયાઓનું નેટવર્ક તોડવા કર્યો હતો નિર્ધાર
પોલીસ સમક્ષ આ યુવતીએ નિર્ધાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે ડ્રગ્સ-માફિયાઓનું નેટવર્ક તો તોડશે જ, પરંતુ તેના પરિચયમાં જે નશાના બંધાણી છે એ તમામને ડ્રગ્સના નશામાંથી મુક્ત કરાવીને સમાજમાં વટભેર રહી શકે એવા પ્રયાસ કરશે અને જિંદગીની નવી ઇનિંગ શરૂ કરશે.

પોલીસ ભરતીની ટ્રેનિંગ દરમિયાન ડાબી તરફ અમી ચોલેરા.
પોલીસ ભરતીની ટ્રેનિંગ દરમિયાન ડાબી તરફ અમી ચોલેરા.

સવા વર્ષમાં જ ફરી ડ્રગ્સના રવાડે ચડી
ઓક્ટોબર, 2021ના રોજ મીડિયામાં ચમક્યાના સવા વર્ષ બાદ, એટલે કે 1 ફેબ્રુઆરી, 2023માં ફરી આ યુવતી અંગે એક સમાચાર આવે છે કે રાજકોટ શહેર SOGએ MD ડ્રગ્સના જથ્થા સાથે નામચીન ડ્રગ્સ-પેડલર યુવતી અમી ચોલેરા (ઉં.વ.23)ની ધરપકડ કરી છે. પોલીસે અમી પાસેથી 12.36 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી અમીની જિંદગીમાં અનેક વળાંકો આવ્યા
મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી અને ડ્રગ્સથી મુક્ત થયા બાદ પોલીસ ફોર્સમાં જોડાવાનું સપનું સેવનારી અમી ચોલેરા કઈ રીતે રાજકોટની સૌથી નાની વયની ડ્રગ્સ-પેડલર બની તેની કહાનીમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યાં છે. અમી કઈ રીતે યુવાઓને ડ્રગ્સની લત લગાવતી એ અંગે દિવ્ય ભાસ્કરે રાજકોટ ACP(ક્રાઇમ) ભરત બસિયા સાથે વાતચીત કરી હતી.

બોયફ્રેન્ડે ઓફર કરેલો ગાંજો ચાખ્યો ને જિંદગી નર્ક બની
માત્ર 16 વર્ષે પહેલીવાર બોયફ્રેન્ડ આકાશે ઓફર કરેલો ગાંજો ચાખ્યો અને તેણે જિંદગીને નર્ક બનાવવા તરફ પહેલું ડગ માંડ્યું. અમીએ માત્ર ફન ખાતર ગાંજો તો ચાખી લીધો હતો, પણ ત્રણથી ચાર દિવસમાં જે તેને નશાની લત લાગી ગઈ. ત્યાર બાદ તેની અંગત જિંદગીમાં પણ એટલા જ વળાંકો આવ્યા અને ડ્રગ્સના નશામાં ડૂબતી ગઈ. ગાંજો ચાખ્યા બાદ તો તે એમડી ડ્રગ્સના ઇન્જેક્શન પણ લેવા લાગી.

અંડર 19ના પૂર્વ ક્રિકેટરના પ્રેમમાં પડી
અમી ચોલેરાના પિતાનું નામ દિલીપભાઈ ચોલેરા છે, પરંતુ તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. અમી રાજકોટના કરણપરા વિસ્તારમાં રાજહંસ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે એ-7 નંબરના બ્લોકમાં રહે છે. ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએશન કરી રહેલી અમીનો સહપાઠી આકાશ નામના યુવાનના પરિચયમાં આવી અને આ પરિચય સમય જતાં પ્રેમસંબંધોમાં બદલાયો. આકાશે જ તેને પહેલીવાર નશાની લત લગાડી. ત્યાર બાદ અમીએ એપ્રિલ, 2018માં અંડર 19 ક્રિકેટ રમી ચૂકેલા આકાશને જીવનસાથી બનાવ્યો, પરંતુ આ લગ્નજીવન માત્ર 10 જ દિવસ સુધી ચાલ્યું અને બન્નેના છૂટાછેડા થઈ ગયા. બાદમાં ફરી ચારેક માસ બાદ આકાશ અને અમીએ લગ્ન કરી લીધાં હતાં અને 2020માં ફરી છૂટાછેડા લીધાં હતાં. આમ, અમીએ આકાશ સાથે બે-બેવાર લગ્ન અને બે-બે વાર ડિવોર્સ લીધા.

તાજેતરમાં ડ્રગ્સ સાથે ઝડપાયા બાદ પોલીસ જાપતામાં રહેલી અમી.
તાજેતરમાં ડ્રગ્સ સાથે ઝડપાયા બાદ પોલીસ જાપતામાં રહેલી અમી.

પરિવારે અમીનો સાથ છોડતાં મિત્રો સાથે હોટલમાં રહેતી
અમી ડ્રગ્સની પાકી બંધાણી થઈ ગઈ હોવાથી તેના પિયરપક્ષના લોકોએ તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા, જેથી પતિ સાથે છૂટાછેડા બાદ અમી હોટલમાં તેમજ મિત્રો સાથે રહેતી હતી.

શેતાન દિમાગથી ડ્રગ્સનું નેટવર્ક ગોઠવતી
આકાશ સાથે છૂટાછેડા બાદ અમીની મુલાકાત રાજકોટની મહિલા પેડલર સુધા ધામેલિયા સાથે થતાં ડ્રગ્સ એડિક્ટની સાથે સાથે તે પોતે પણ ડ્રગ્સ-પેડલર પણ બની ગઈ હતી અને પોતે પણ ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. તે કોલેજિયન યુવાનોને ટાર્ગેટ બનાવવા લાગી. કોલેજિયનોને સોફ્ટ ટાર્ગેટ બનાવતી અમી દિલીપભાઈ ચોલેરા (ઉં.વ.23) પોલીસ પકડથી દૂર હતી અને શાતિર દિમાગથી ડ્રગ્સ વેચાણ કરતી હતી. અમીને પકડવા માટે ચાર મહિનાથી પોલીસે આકાશપાતાળ એક કર્યા હતા, પરંતુ તે દર વખતે પોલીસને હાથતાળી આપી દેતી હતી.

પોલીસ પાસેથી આબાદ રીતે છટકી જતી
પોલીસને એક સમયે પગેરું મળ્યું હતું, જેમાં અમી રાજકોટ શહેરની કેટલીક જાણીતી કોલેજ ઉપરાંત હાઇવે પરથી કોલેજિયનને ટાર્ગેટ બનાવતી હોવાનું સામે આવ્યું હતું. આ પછી છૂપી રીતે પોલીસે અમી પર વોચ ગોઠવતી હતી અને કોલેજિયન યુવાનની જ મદદ લઇ અમી સુધી પહોંચવા પ્લાન ઘડી કાઢ્યો હતો. ચાર મહિના સુધી સતત વોચ રાખી પોલીસે ચારથી પાંચ વખત તેને ચેક પણ કરી હતી. જોકે એમાં પણ અમી આબાદ રીતે છટકી જતી હતી.

આ મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ગોથે ચડતી
અમી એટલી શાતિર હતી કે તે પોતે પોલીસ પકડથી મોટા ભાગે દૂર રહેતી હતી. કોઈ પુરાવા ન મળે એ માટે અમી તેમના ગ્રાહકને MD ડ્રગ્સની પડીકી બનાવીને વેચતી હતી. એમાં તે 1 ગ્રામ પડીકીના રૂપિયા 2500 લેતી હતી. જોકે કોઈપણ ગ્રાહક જ્યારે ડ્રગ્સ લેવા આવે ત્યારે તે તેને હાથોહાથ ડ્રગ્સ આપતી ન હતી, પરંતુ પોતે પહેલા કોઈ એક જગ્યા પર પહોંચી ડ્રગ્સની પડીકી બોક્સ જેવી વસ્તુમાં કે અન્ય કોઈ જગ્યાએ સંતાડી દેતી હતી. બાદમાં ગ્રાહક આવે તો તેની પાસેથી રૂપિયા મેળવી બાદમાં ત્યાંથી પોતે નીકળી જતી હતી અને થોડે દૂર જઈ તે ગ્રાહકને વ્હોટ્સએપ કોલ કરી આ જગ્યા પર માલ પડેલો છે, લઈ લેજો, કહી ફોન મૂકી દેતી હતી.

પોલીસે અમીને ડ્રગ્સ છોડાવી પોલીસ ભરતીની ટ્રેનિંગ માટે દત્તક લીધી હતી.
પોલીસે અમીને ડ્રગ્સ છોડાવી પોલીસ ભરતીની ટ્રેનિંગ માટે દત્તક લીધી હતી.

જેને દત્તક લીધી હતી તેની જ પોલીસે ધરપકડ કરી
જોકે આખરે 31.01.2023ના રોજ રાજકોટ શહેર SOG પીઆઇ જે.ડી. ઝાલાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની ચોક્કસ બાતમીના આધારે મહિલા પોલીસને સાથે રાખી રેસકોર્સ બાલભવનના ગેટથી અંદર પ્રમુખસ્વામી પ્લેનેટોરિયમ બહાર અમી દિલીપભાઇ ચોલેરાને પકડી પાડી અંગઝડતી લેતાં તેની પાસેથી અલગ અલગ પડીકીમાં કુલ 1.23 લાખ કિંમતનો 12.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળ્યો હતો. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ તેમજ એક્ટિવા, મોબાઈલ સહિત કુલ 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો. આમ, જે પોલીસે અમીને દત્તક લીધી હતી તેને જ તેની ધરપકડ કરવી પડી હતી.

ડ્રગ્સનું વજન કરવા સાથે વજનકાંટો પણ રાખતી
પોલીસે રેસકોર્સમાં જ્યારે અમીને પકડી ત્યારે તે એક્ટિવા(GJ03 LS4749) ઉપર આવી હતી. તેની પાસેથી 12.36 ગ્રામ ડ્રગ્સ સાથે એક નાનો વજન કાંટો પણ મળ્યો હતો. પોલીસનું અનુમાન છે કે અમી વજન કરીને નશાખોર લોકોને ડ્રગ્સ આપતી હશે.

MD ડ્રગ્સ ફ્રૂટના વેપારી પાસેથી લાવતી
પોલીસે FSLની મદદ લેતાં અમી પાસેથી મળી આવેલી પડીકી મેફેડ્રોન ડ્રગ્સની હોવાનું સામે આવ્યું અને તે પોતે આ કોની પાસેથી લાવતી હતી તેમજ કોને આપતી હતી એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. એમાં તેણે પોતે MD ડ્રગ્સ ફ્રૂટના વેપારી જલાલબાપુ પાસેથી ખરીદ કરતી હોવાની કબૂલાત આપતાં પોલીસે તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જલાલ આ જથ્થો પોરબંદરના કોઈ શખસ પાસેથી લેતો હોવાનું અમીએ રટણ કર્યું હતું, જેથી એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસ સમક્ષ ડ્રગ્સ-માફિયાઓનું નેટવર્ક તોડવા નિર્ધાર કર્યો હતો.
પોલીસ સમક્ષ ડ્રગ્સ-માફિયાઓનું નેટવર્ક તોડવા નિર્ધાર કર્યો હતો.

‘ડ્રગ્સનું સેવન ન કરું તો પગ ધ્રૂજે છે અને આંચકી આવે છે’
એક સમયે તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે અમીએ એવું પણ રટણ અધિકારીઓ સમક્ષ કર્યું હતું કે‘ સર, હું ધીમે ધીમે ડ્રગ્સની આદત છોડવા કોશિશ કરી રહી છું, પણ છોડી શક્તિ નથી. હા, ઓછું જરૂર થયું છે. પહેલાં હું રોજ ડ્રગ્સનું સેવન કરતી હતી, હવે અઠવાડિયામાં એકથી બે વખત એનું સેવન કરું છું. હું ડ્રગ્સનું સેવન ન કરું તો મુશ્કેલી થાય છે. હાથ-પગ ધ્રૂજવા લાગે છે અને આંચકી આવવા લાગે છે અને જીભ થોથરાવા લાગે છે, પરંતુ હવે હું ક્યારેય આ વસ્તુ નહિ કરું, આ મારી છેલ્લી ભૂલ છે’

20 જેટલા કોલેજિયન સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ કર્યો
આશ્ચર્યની વાત તો એ છે કે અમી MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા બાદ તપાસ કરતાં 20 જેટલા કોલેજિયન તેના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેમાં 10થી 12 યુવાનો અને 8 જેટલી યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ દરેક કોલેજિયન યુવક-યુવતીની સાથે સાથે પોલીસે તેનાં માતા-બાપને બોલાવી તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું અને આવા નશાનું સેવન ન કરવા સમજણ આપી હતી.

રાજકોટમાં 100માંથી 80 વિદ્યાર્થી ડ્રગ્સની ચુંગાલમાં
અમીએ જણાવ્યું હતું કે ડ્રગ્સની આખી ચેઈન છે, જેમાં માલેતુજાર પરિવારોનાં બાળકો પણ સામેલ છે. સ્કૂલ અને કોલેજ મળીને કુલ 100માંથી 80 વિદ્યાર્થી ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા છે.

યુવાનો સાથે સંબંધ વિકસાવી હોટલમાં લઈ જતી
રાજકોટ ACP(ક્રાઇમ) ભરત બસિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમી ચોલેરા ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને સ્નેપચેટ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ કરતી હતી. એમાં તે ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મદદથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાંક શહેરોના મોટા ઘરના તેમજ ઉદ્યોગપતિઓનાં દીકરા-દીકરીઓને ટાર્ગેટ બનાવતી હતી. એટલું જ નહીં, સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા યુવાનો સાથે સંબંધો વિકસાવી તેમને હોટલમાં લઈ જતી હતી અને ત્યાં નશાના રવાડે ચડાવતી હતી. રેડ બૂલ જેવા એનર્જી ડ્રિન્ક તેમજ સોફ્ટ ડ્રિન્કમાં MD ડ્રગ્સ ભેળવીને પીધા પછી વધુ મજા આવશે, એવી લાલચ આપી યુવાનોને નશામાં ગળાડૂબ કરી દેતી હતી.

ખાનગી હોટલમાં ક્રિકેટર સાથે ઝડપાઈ
વર્ષ 2021 દરમિયાન રાજકોટમાં યુવા ક્રિકેટરની માતાએ મહિલા ડ્રગ- પેડલર સુધા ધામેલિયા સામે આક્ષેપ કર્યા હતા અને તેનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડી ગયો હોવાનું જણાવ્યું હતું. આ પછી પોલીસે રાજકોટના રેસકોર્સ રોડ પર આવેલી એક ખાનગી હોટલમાં રેડ કરતાં અમી ચોલેરા અને મહિલાનો પુત્ર મળી આવ્યાં હતાં. આ દરમિયાન અમી પાસેથી ડ્રગ્સનું સેવન કરવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે અમી વિરુદ્ધ NDPS એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નશો કરવા કોઈપણ સમાધાન કરવા તૈયાર હોય છે યુવતીઓ
ન માત્ર યુવાનો, પરંતુ શહેરમાં અનેક યુવતીઓ છે, જે માદક પદાર્થનું સેવન કરી રહી છે. એટલું જ નહીં, આવા માદક પદાર્થની પાક્કી બંધાણી બની છે. જો દરરોજ નશો કરવા ન મળે તો આવી યુવતીઓની માનસિક હાલત ખરાબ થાય છે અને નશો કરવા માટે કોઇપણ હદે સમાધાન કરવા તૈયાર થઈ જાય છે. આવી યુવતીઓની મજબૂરીનો અન્ય લોકો લાભ પણ ઉઠાવતા હોય છે.

રાજકોટમાં છે કુલ 20 ડ્રગ-પેડલર
રાજકોટ શહેરમાં મુખ્ય 20 ડ્રગ-પેડલર છે, જેમાંથી 14 પેડલર્સ હાલ જેલમાં સજા કાપી રહ્યા છે, જેમાં મુખ્ય નવ પેડલર્સ હાલ જેલમાં બંધ હોવાનું પોલીસસૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

પોલીસ અને પરિવારનો ભરોસો તોડ્યો
જે રીતે અમીએ પોલીસનો ભરોસો તોડ્યો હતો એ જ રીતે પોતાના પરિવારનો પણ ભરોસો તોડ્યો હતો. અગાઉ પણ પરિવારજનોએ અમી સાથે કોઈ સંબધં ન હોવાનું જણાવ્યું હતું. અત્યારે પણ અમી પરિવારથી અલગ રહેતી હોવાનું પોલીસે જણાવ્યું છે. આમ, પોલીસે જેને દત્તક લઈ સુધારવાનો મોકો આપ્યો તે અમી ફરી ડ્રગ્સ વેચતાં પકડાઈ છે. આ પ્રકરણે ખાસ કરીને પોલીસબેડામાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...