એક્સક્લૂઝિવ:અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW ટેકઓવર કરી, ભુજનો પ્લાન્ટ શરૂ કરવા ટ્રાઇટન રૂ. 400-600 કરોડ રોકશે

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • ભુજમાં આવેલા આ પ્લાન્ટમાં ટ્રાઇટન ઇલેક્ટ્રિક ટ્રક બનાવશે
  • બંધ પડેલા પ્લાન્ટને જૂન-જુલાઈ સુધીમાં શરૂ કરવાની યોજના

થોડા સમય પહેલા અમેરિકન ગુજરાતી હિમાંશુ પટેલની કંપની ટ્રાઈટને ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટ્રક બનાવવાની જાહેરાત કરી હતી. ટ્રકના ઉત્પાદન માટે કંપનીએ ફડચામાં ગયેલી એશિયા મોટર વર્કસ (AMW)ને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી બિડિંગ કરીને ખરીદી લીધી છે. દિવ્ય ભાસ્કર સાથે અમેરિકાથી ટેલિફોનિક વાત કરતાં હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, દેવામાં ડૂબેલી AMWના ભુજ પ્લાન્ટને અમે બેન્કર્સ પાસેથી એક્વાયર કર્યો છે. આ પ્લાન્ટમાં શરૂઆતમાં અમે રૂ. 200 કરોડ અને બાદમાં રૂ. 300-400 કરોડનું રોકાણ કરીશું.

ભુજમાં AMW પ્લાન્ટની મુલાકાતે ગયેલા હિમાંશુ પટેલ અને તેમની ટીમ.
ભુજમાં AMW પ્લાન્ટની મુલાકાતે ગયેલા હિમાંશુ પટેલ અને તેમની ટીમ.

જૂન-જુલાઇમાં પ્લાન્ટ ફરી શરૂ કરી દેવાની યોજના
હિમાંશુ પટેલે કહ્યું કે, AMWનો પ્લાન્ટ છેલ્લા 2-3 વર્ષથી બંધ હાલતમાં છે. હવે અમે તેણે એક્વાયર કર્યો છે ત્યારે તેને જૂનના અંત સુધીમાં અથવા જુલાઇ સુધીમાં ફરી શરૂ કરી દેવાનો અમારો પ્લાન છે. આ સાથે જ પ્લાન્ટના તમામ પૂર્વ કર્મચારીઓને અમે ફરીથી નોકરી પર પણ રાખીશું. બેન્કોના કોન્સટોરિયમ પાસેથી NCLT મારફત ખરીદેલી આ કંપનીમાં અમે આગામી દિવસોમાં અંદાજે રૂ. 500-600 કરોડનું રોકાણ કરીશું. પ્લાન્ટના એકવિઝેશન માટે રૂ. 210 કરોડ રોકવામાં આવ્યા છે.

AMWમાં વાર્ષિક 50,000 ટ્રક બની શકે છે
અનિરુદ્ધ ભૂવાલકાએ 2002માં ગુજરાતમાં ભુજ નજીક એશિયા મોટર વર્ક્સ (AMW)ની સ્થાપના કરી હતી. AMWના આ પ્લાન્ટની વાર્ષિક 50,000 વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા હતી. કંપની ટ્રકની સાથે સાથે ટિપર્સ, ટ્રેક્ટર ટ્રેલર, માઇનિંગ ટ્રક, કોંક્રિટ મિક્સર ટ્રક વગેરેનું પણ ઉત્પાદન કરતી હતી. આ ટ્રક મુખ્યત્વે માઇનિંગ સેક્ટર્સમાં વધુ વપરાતા હતા. ખુબજ ટૂંક ગાળામાં AMWનો માર્કેટ શેર 25% જેવો થઈ ગયો હતો. જોકે 2012 પછી માઇનિંગમાં આવેલા પ્રતિબંધોના પગલે અને અપેક્ષા મુજબનું વેચાણ ન થવાથી કંપની ખોટ કરતી થઈ ગઈ હતી અને આખરે તેણે નાદારી નોંધાવી હતી.

AMW પર કઈ બેન્કનું કેટલું દેવું?

બેન્કરકમ (રૂ. કરોડમાં)
બેન્ક ઓફ ઈન્ડિયા665
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા404.45
બેન્ક ઓફ બરોડા216.40
IDBI બેન્ક900
ઇન્ડિયન ઓવરસિસ બેન્ક694.35
પંજાબ નેશનલ બેન્ક395.28
JM ફાઇનાન્શિયલ76.83
યુકો બેન્ક380
ટોટલ3,734

પ્રોજેકટમાં રૂ. 12,000 કરોડથી વધુનું રોકાણ આવશે
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા હિમાંશુ પટેલે કહ્યું કે, અમારા આ ઇ-ટ્રક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અમે અંદાજે રૂ. 2500-3000 કરોડનું રોકાણ કરીશું. આ ઉપરાંત અમારી સાથે જોડાનાર અન્ય કંપનીઓ રૂ. 8000-9000 કરોડનું રોકાણ કરશે. આ રીતે આ પ્રોજેકટમાં રૂ.12,000 કરોડનું રોકાણ આવશે. આ પ્રોજેક્ટના કારણે અમારા પ્લાન્ટમાં 2,000થી વધુ અને અમારી સાથે જોડાણ કરનારી અન્ય કંપનીઓમાં અંદાજે 3,000 લોકોને રોજગારી મળશે.

દિવાળી સુધીમાં ભારતની પહેલી ઇલેક્ટ્રિક ટ્રક લોન્ચ થઈ જશે
પટેલે જણાવ્યું હતું કે આ ટ્રકનો પ્રોટોટાઈપ અમેરિકામાં તૈયાર છે. અમે ત્યાં એનું ટ્રાયલ રન પણ કરેલું છે, જે સફળ રહ્યું હતું. ભારતમાં પણ તેને લગતી મંજૂરીઓ મેળવી અને આ વર્ષે દિવાળી સુધીમાં ટ્રક લોન્ચ કરી દેવાની અમારી યોજના છે. પ્રારંભિક તબક્કે અમને દેશમાં જ રૂ. 25,000-30,000 કરોડનો બિઝનેસ મળવાની અપેક્ષા છે. અમારું ફોકસ શરૂના વર્ષોમાં ભારતીય માર્કેટ જ રહેશે. ત્યારબાદ અમે નિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું.

હાઇવે પર 2 લાખ EV ચાર્જિંગ પોઇન્ટ ઊભા કરશે
ટ્રક મોટાભાગે હાઇવે પર વધુ રહેતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી કંપની દેશભરમાં આશરે 2 લાખ જેટલા ચાર્જ પોઇન્ટનું નેટવર્ક પણ બનાવશે. હિમાંશુ પટેલે કહ્યું કે, નેટવર્ક ઉભું કરવા અમે અમારી પોતાની કેપેસિટીની સાથે સાથે અન્ય 15 જેટલા સર્વિસ પ્રોવાઇડર્સ સાથે પણ જોડાણ કર્યું છે. આમ કરવાથી નેટવર્ક ઝડપી રીતે બનશે. ટ્રકમાં જ એવી સગવડતા હશે કે બેટરી ઓછી થાય તો ડ્રાઈવરને નજીકના ચાર્જિંગ સ્ટેશનની માહિતી મળી રહેશે.

કોણ છે હિમાંશુ પટેલ?
મૂળ ગુજરાતના આણંદ પાસે આવેલા બોરસદના વતની હિમાંશુ પટેલ લગભગ દોઢ દાયકાથી અમેરિકામાં ઈલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર સાથે જોડાયેલા છે. તેમણે ટ્રાઈટન સોલર અને ટ્રાઈટન EV એમ બે કંપનીઓ બનાવેલી છે. ટ્રાઈટન સોલર એ પાવર સ્ટોરેજ અને બેટરીનું કામ કરે છે જ્યારે ટ્રાઈટન EV ઇલેક્ટ્રિક કાર અને ટ્રકનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત કોંગ્રેસમેન પીટ સેશન્સે ભારતીય અમેરિકન હિમાંશુ બી પટેલને તેમના ક્રિપ્ટો ટેકનિકલ વર્કિંગ ગ્રુપ માટે તેમના મુખ્ય આર્થિક વિકાસ અને ઊર્જા માળખાકીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.