તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • 'BJP Has Always Got The Votes Of Gujaratis But Has Not Provided Basic Facilities, We Will Provide That' Says Kejriwal In An Exclusive Interview

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવિંદ કેજરીવાલનો એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુ:'ભાજપે કાયમ ગુજરાતીઓના મત મેળવ્યા છે, પણ પ્રાથમિક સુવિધાઓ આપી નથી; એ અમે આપીશું'

10 દિવસ પહેલાલેખક: ધૈવત ત્રિવેદી
  • કૉપી લિંક
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિવ્ય ભાસ્કર સાથેની વિશેષ મુલાકાતમાં ગુજરાતમાં આમઆદમી પાર્ટીની મોજૂદગી વિશે ખૂલીને ચર્ચા કરી
  • ગુજરાતમાં અસરકારક શાસક પણ નથી અને વિપક્ષ પણ નથી, ભાજપ અને કોંગ્રેસ પરસ્પર સાઠગાંઠથી જ રાજકારણ રમે છેઃ કેજરીવાલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોવા છતાં આ વખતે એનું મહત્ત્વ પણ આગવું ગણાય છે. ભાજપની એકહથ્થું સર્વોપરિતાને પડકાર આપવા આ વખતે કોંગ્રેસ ઉપરાંત આમઆદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પણ મેદાનમાં છે. આમઆદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી અને પ્રચારમાં પણ આક્રમકતા દાખવી છે. દિલ્હીથી નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. જનઆંદોલનમાંથી નીપજેલી આમઆદમી પાર્ટી ગુજરાતના મતદારો સમક્ષ દિલ્હી મોડલનું ઉદાહરણ ધરે છે અને એ દિલ્હી મોડલનો ચહેરો છે આમઆદમી પાર્ટીના સ્થાપક-સંયોજક અરવિંદ કેજરીવાલ. દિલ્હી વિધાનસભામાં સળંગ સફળતાઓ મેળવીને કાર્યક્ષમ વહીવટની ચર્ચા જગાવી ચૂકેલા અરવિંદ કેજરીવાલ સૌપ્રથમ વખત ગુજરાતમાં પૂરી તાકાતથી ઝુકાવી રહ્યા છે; ત્યારે ગુજરાતની સમસ્યાઓ વિશે તેમની ધારણા શું છે? તેમની પાસે શું નિરાકરણ છે? ગુજરાતના મતદાતાઓનાં દિલમાં જગ્યા બનાવવા માટે તેમની પાસે કયા મુદ્દાઓ છે વ. અંગે દિવ્ય ભાસ્કરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વિશેષ વાતચીત કરી હતી.

દિવ્ય ભાસ્કરઃ ગુજરાત એ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું હોમ સ્ટેટ છે. ભાજપ અહીં ત્રણ દાયકાથી અપરાજય છે. એવી સ્થિતિમાં અહીં ચૂંટણીમાં ઝુકાવવું અઘરું નથી લાગતું?
કેજરીવાલઃ એમાં મુશ્કેલ કે સરળ એવો કોઈ મુદ્દો જ અપ્રસ્તુત છે. આખો દેશ જાણે છે કે છેલ્લાં છ વર્ષ દરમિયાન આમઆદમી પાર્ટીએ દિલ્હીમાં જે કામો કર્યાં છે એ દરેક સાધારણ જનતાને સીધી અસર કરનારાં છે. સાધારણ વ્યક્તિની જરૂરિયાતો શું હોય? તેનાં બાળકોને સારું શિક્ષણ મળે, સસ્તા દરે વીજળી મળે, પાણી મળે, સારી હોસ્પિટલમાં સારવાર મળે. આ દરેક સુવિધાઓ આમઆદમી પાર્ટીની સરકારે દિલ્હીની જનતાને આપી છે.
હવે ગુજરાતની વાત કરું. ગુજરાતના લોકો પણ મને મળતા હોય છે; ત્યારે તેઓ કહેતા હોય છે કે તમે જેવું કામ દિલ્હીમાં કર્યું એવું ગુજરાતમાં પણ થવું જોઈએ. અમને પણ 24 કલાક મફત વીજળી કેમ ન મળે? અમારાં બાળકો પણ સારી સ્કૂલમાં ભણે, અમને પણ સારી સરકારી હોસ્પિટલમાં સારવાર મળવી જોઈએ. ગુજરાતના લોકોના આવા અભિપ્રાયો પછી અમે નક્કી કર્યું કે હવે ગુજરાતમાં આમઆદમી પાર્ટી જનતાનો અવાજ બનીને આવશે અને દરેક ચૂંટણીમાં ઝુકાવશે.
અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમે ઝુકાવ્યું છે. વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે તેમાં પણ અમે ઉમેદવારી કરીશું, પરંતુ આ ચૂંટણી આમઆદમી પાર્ટી નહિ, ગુજરાતની જનતા જ આમઆદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.

ગુજરાતની રાજનીતિમાં આજ સુધી કદી ત્રીજો પક્ષ ફાવ્યો નથી. કેશુભાઈ અને શંકરસિંહ જેવા દિગ્ગજોના પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે. એવા સંજોગોમાં આમઆદમી પાર્ટી માટે તક હોવાનું તમને કયા આધારે લાગે છે?

તમે ત્રીજા પક્ષની વાત કરો છો, પણ ગુજરાતમાં 2 નહિ, એક જ પક્ષ છે. ભાજપ અને કોંગ્રેસ બંને એક જ પક્ષ તો છે. તો પછી આમઆદમી પાર્ટી ત્રીજો પક્ષ હોવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. હાલ તો કોંગ્રેસ પક્ષના હોવાનું એક જ કારણ છે કે એ ભાજપને ધારાસભ્યો સપ્લાઇ કરતી રહે, જેથી ભાજપની સત્તા અને સંખ્યાબળ જળવાઈ રહે. એ બંને પક્ષો આપસી સાઠગાંઠ કરીને જ રાજકારણ રમ્યા કરે છે, જેને લીધે ગુજરાતમાં કોઈ અસરકારક વિપક્ષ રહ્યો જ નથી. જો વિપક્ષ જ નથી તો ગુજરાતની જનતાને કોઈ વિકલ્પ જ કેવી રીતે મળી શકે? ગુજરાતમાં આ પહેલીવાર એવું બન્યું છે કે આમઆદમી પાર્ટી પૂરી મજબૂતીથી લોકો સમક્ષ એક વિકલ્પ તરીકે આવી છે. એટલી જ મજબૂતીથી અમે ચૂંટણી પણ લડી રહ્યા છીએ. મને સંતોષ છે કે ગુજરાતની જનતાએ પણ આમઆદમી પાર્ટીમાં વિશ્વાસ દર્શાવ્યો છે અને તેનું સ્વાગત થઈ રહ્યું છે. જે પ્રકારે અમારા ઉમેદવારોને આવકાર મળી રહ્યો છે એ દર્શાવે છે કે ગુજરાતની જનતા આમઆદમી પાર્ટી સાથે મક્કમતાથી ઊભી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આમઆદમી પાર્ટીએ ગુજરાતમાં જે પ્રચાર-અભિયાન ચલાવ્યું એમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સંજયસિંઘ, આતિશીજી જેવા નેતાઓએ પણ ભાગ લીધો હતો. એ દરેક સભા, રોડ-શોને મળેલો પ્રતિસાદ સ્વયંભૂ હતો. જે લોકો ભાજપના ચુસ્ત સમર્થક હતા એ પણ કહી રહ્યા છે કે હવે પરિવર્તન થવું જોઈએ. છેલ્લાં 25 વર્ષથી કોઈ એક જ પક્ષનું એકહથ્થું વર્ચસ્વ શા માટે રહ્યું? કારણ કે લોકો પાસે કોઈ વિકલ્પ ન હતો, પણ હવે એ વિકલ્પ છે અને એ અમે છીએ.

ગુજરાત એ ભાજપ માટે હિન્દુત્વની લેબોરેટરી છે. વોટબેન્કની રાજનીતિથી માંડીને ચૂંટણી મુદ્દાઓ સહિતની દરેક બાબત પહેલા ગુજરાતમાં ચકાસવામાં આવે છે. હવે તો કોંગ્રેસ પણ પોતાનો જનાધાર બચાવવા સોફ્ટ હિન્દુત્વ અપનાવવા મજબૂર બની છે. તો શું આમઆદમી પાર્ટી પણ ગુજરાતમાં દિલ્હીથી કંઈક અલગ રંગ બતાવશે?

આ સવાલના જવાબમાં હું ગુજરાતના હિન્દુ પરિવારોને એક સાદો સવાલ પૂછવા માગીશ. શું તમારાં બાળકો માટે ગુજરાતમાં સારી સુવિધાયુક્ત સરકારી શાળાઓ છે? ના, નથી. શું ગુજરાતના હિન્દુ પરિવારોને ગુજરાતની ભાજપ સરકાર સરકારી હોસ્પિટલોમાં સારી સારવાર આપી શકી છે? ના, નથી આપી શકી. તમે કદાચ મારી વાતમાં વિશ્વાસ નહિ કરો, પરંતુ દિલ્હીમાં આટલા હિન્દુ પરિવારો રહે છે; એ પૈકી કોઈક તો તમારા પરિચયમાં હશે જ. તેમને જ પૂછી જુઓ કે કેજરીવાલે સારી આરોગ્ય સેવાઓ આપી છે? કેજરીવાલના શાસનમાં શિક્ષણનો સ્તર સુધર્યો છે? કેજરીવાલે મફત વીજળી-પાણી આપ્યાં છે? સારા રસ્તાઓ આપ્યા છે? શું આ બધી સગવડોની હિન્દુ પરિવારોને આવશ્યકતા નથી હોતી? જે વિકાસ અમે દિલ્હીના હિન્દુ પરિવારો માટે કર્યો એ અમે ગુજરાત માટે પણ કરીશું. ભાજપે ગુજરાતની જનતાના મત તો લીધા છે, પણ વિકાસ નથી આપ્યો. જે અઢી-ત્રણ દાયકાથી નથી આપી શક્યા એ હવે શું આપવાના હતા?

દિલ્હીની તમારી સરકારની વાત હોય એટલે શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં થયેલા સુધારાની બહુ વાતો થાય છે. આ ક્ષેત્રમાં ગુજરાત ઊણું ઊતરતું હોય એમ તમને લાગે છે? કઈ રીતે?

કેટલાક દિવસો પહેલાં નવસારીના અમુક લોકો મને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ જ્યારે પણ સરકારી હોસ્પિટલોમાં જાય ત્યારે 2-3 કલાક પછી માંડ વારો આવે છે. હોસ્પિટલોનું તંત્ર જ સાવ ખાડે ગયેલું હોય છે. નાછૂટકે મોંઘીદાટ પ્રાઈવેટ હોસ્પિટલોમાં જવું પડે છે. એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે સારા એજ્યુકેશન માટે પણ પ્રાઈવેટ સંસ્થાઓ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પ્રાઈવેટ સ્કૂલોની ફી એટલી ઊંચી છે કે મધ્યમવર્ગે ખેંચાઈ રહેવું પડે છે. પૈસા દીધા વગર એડમિશન નથી મળતું. સારું શિક્ષણ અને સારી આરોગ્ય સેવા એ દરેકનો હક છે. ગુજરાતનાં ગામડાં હોય કે શહેર હોય, દરેકને એ અધિકાર મળવો જ જોઈએ. આ પ્રાથમિક સુવિધાઓમાં અમે સુધારો કરવા માગીએ છીએ. દિલ્હીમાં પણ અમે આ જ કર્યું છે અને ગુજરાતમાં પણ એ જ કરીશું. તમે અમદાવાદના છો, પાટણના છો કે જૂનાગઢમાં રહો છો, તમને તમારી આસપાસ આ બધી જ શ્રેષ્ઠ સ્તરની સુવિધાઓ મળવી જ જોઈએ. રાજનીતિમાં આ જ અમારું લક્ષ્ય છે; એ જ અમારો ઉદ્દેશ છે.

ગુજરાતના રાજકારણમાં પાટીદાર ફેક્ટર નિર્ણાયક મનાય છે. આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પાટીદાર છે. કેટલાક દિવસ પહેલાં ઊંઝા ખાતે મળેલી પાટીદારોની સમન્વય બેઠકમાં તેઓ અન્ય પાટીદાર નેતાઓની સાથે જોવા મળ્યા હતા. તો શું આમઆદમી પાર્ટી પાટીદાર સમાજને આગળ કરીને ચૂંટણી જીતવા ઈચ્છે છે?

આખો દેશ જાણે છે કે આમઆદમી પાર્ટી સમાજના દરેક વર્ગ, દરેક સ્તરના સાધારણ લોકોથી બનેલો પક્ષ છે અને દરેક માટે કામ કરે છે. આમઆદમી એ દેશની એકમાત્ર પાર્ટી છે, જે કામની રાજનીતિ કરે છે, નામની નહિ. જે કોઈ વ્યક્તિ ઈમાનદારીથી મહેનત કરીને જનતા માટે કામ કરવા માગે છે એ દરેકનું અમારા પક્ષમાં સ્વાગત છે. અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીદાર આંદોલનની નીપજ છે એ ખરું, પણ સમાજનો દરેક વર્ગ અમારી સાથે જોડાયો છે. વેપારી, નોકરિયાત, બૌદ્ધિક વર્ગ, શિક્ષકો, પત્રકારો વ. જે કોઈ ગુજરાતના હિતમાં કામ કરવા ઈચ્છે છે એ સૌ આમઆદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.

2017માં હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર એ ત્રણ એવા યુવા નેતાઓ હતા જેમણે પરિવર્તનનું આહ્વાન કર્યું હતું અને પહેલીવાર ભાજપની બેઠક સંખ્યા બે આંકડામાં લાવી દીધી હતી. તો શું આમઆદમી પાર્ટી પણ આ ત્રિપુટીનો સાથ લેવાનું પસંદ કરશે? અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તો અગાઉ પણ આપના પ્રવક્તા રહી ચૂક્યા છે. તેમને પક્ષમાં ફરી પાછા લાવશો?

મેં અગાઉ કહ્યું એમ, ગુજરાતના હિતમાં ઈમાનદારીથી કામ કરવા ઈચ્છતા દરેકનું પક્ષમાં સ્વાગત છે. જ્યારે અમે દિલ્હીમાં પહેલીવાર ચૂંટણીમાં ઝુકાવ્યું ત્યારે અમારા પક્ષમાં કોઈ મોટા નેતા જોડાવા ઈચ્છતા ન હતા. અમારા દરેક ઉમેદવાર જનસાધારણમાંથી આવેલા લોકો જ હતા. કોઈ શિક્ષક હતા તો કોઈ ગૃહિણી હતી. એક યુવાન તો એવો હતો જે UPSCની તૈયારી માટે દિલ્હી આવ્યો હતો અને AAPનો ઉમેદવાર બન્યો હતો. એ દરેક લોકો ચૂંટણી જીતી ગયા હતા. ચૂંટણી આશાઓ, અપેક્ષાઓના દમ પર લડાય છે અને એ અમે ગુજરાતમાં પણ જગાવી રહ્યા છીએ. જ્યારે આશા, અપેક્ષા ઊભી થશે ત્યારે ગુજરાતનોય છેવાડાનો સરેરાશ માણસ, જેણે જિંદગીમાં કદી રાજકારણમાં આવવાનું સપનુંય જોયું નહિ હોય, તે ચૂંટણી પણ લડશે અને જીતશે પણ ખરો. બસ, અમે આ પ્રકારની રાજનીતિનું સમર્થન કરીએ છીએ. દરેક ચૂંટણીમાં સરેરાશ ગુજરાતી માણસ ચૂંટણીનો ચહેરો હોવો જોઈએ, નહિ કે કોઈ એક વ્યક્તિવિશેષ. ગુજરાતમાં વિવિધ આંદોલનમાંથી નીકળેલા યુવાઓએ ખૂબ સારું કામ કર્યું છે અને લોકોમાં જાગૃતિ લાવવામાં સફળ રહ્યા છે, પણ હજુય ગુજરાતમાં અનેક સમસ્યાઓ છે. આંદોલનમાં જોડાયેલા દરેક યુવાનેતાઓ અમારી સાથે જોડાવા ઈચ્છે તો તેમનું સ્વાગત છે. અમે એ દરેક લોકોનું સ્વાગત કરીએ છીએ, જે નવા પ્રગતિશીલ ગુજરાતને ઝંખતા હોય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો