કોંગ્રેસમાંથી ગઈકાલે રાજીનામું આપી દીધા બાદ હાર્દિક પટેલે આજે અમદાવાદમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને પોતાની વ્યથા રજૂ કરી હતી. એમાં તેણે કોંગ્રેસને બરોબરની આડેહાથ લીધી હતી. જોકે હવે પછી કઈ પાર્ટીમાં જોડાશે એ અંગે હાર્દિક પટેલે કોઈ ફોડ પાડ્યો નહોતો. બીજી તરફ, 'મિશન હાર્દિક પટેલ' (કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આગામી સમયમાં ભાજપમાં જોડાવવા અંગે) હરિદ્વારના એક આશ્રમમાં પાર પાડવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાર્દિક પટેલ આગામી સમયમાં PM મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન ભાજપમાં જોડાય એવી સંભાવના છે. એટલું જ નહીં, પોતાની સાથે કોંગ્રેસના ઓછામાં ઓછા ચાર નારાજ સભ્યોને પણ ભાજપમાં લઈ જાય એવી સંભાવના છે. હાર્દિક પટેલના નજીકના ગણાતા અને રાજસ્થાનમાં ગુર્જર આંદોલન સાથે સંકળાયેલા એક નેતાએ તેમજ PAASના એક નેતાએ ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્ય તરફ ઈશારો કર્યો હતો.
કોંગ્રેસના જે વર્તમાન ધારાસભ્યો પાર્ટીથી નારાજ છે એમાં મધ્ય ગુજરાતની આદિવાસ અનામત બેઠકના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. આ એમએલએ છેલ્લા કેટલાય સમયથી જાહેર કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સંપર્કમાં છે તેથી તેઓ બીજેપીમાં આગામી સમયમાં જોડાઈ શકે એવી સંભાવના છે. બીજું કારણ એ છે કે આ નેતાના પરિવારના સભ્યનું નામ એક મર્ડર કેસમાં ઊછળ્યું હતું, જેમાંથી રાહત મેળવવા પણ કોંગ્રેસના આ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે એ ચર્ચા ચાલી રહી છે.
બીજી તરફ, ઉત્તર ગુજરાતના એક પટેલ નેતા વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનની હવાને કારણે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી જીતી ગયા હતા. જોકે આ વખતે પાટીદાર આંદોલનની હવા નથી અને આ સીટ પર કોંગ્રેસના જીતવાના ચાન્સ ખૂબ ઓછા છે. આ જ કારણસર આ ધારાસભ્યે ભાજપની કંઠી પહેરવાનો નિર્ણય કરી લીધો છે.
બનાસકાંઠા વિસ્તારની કોંગ્રેસના ફાળે જતી એક સીટના ધારાસભ્ય પણ છેલ્લા કેટલાય સમયથી પાર્ટીની કામગીરીથી નારાજ છે, સાથે-સાથે વિસ્તારની પ્રજાનાં કામ કોંગ્રેસના ધારાસભ્ય હોવાને કારણે યોગ્ય રીતે પૂરાં ના થતાં હોવાના બહાના હેઠળ ભાજપમાં જોડાવવા ખેવના ધરાવી રહ્યા છે.
સૌરાષ્ટ્રના છેવાડે આવેલી વિધાનસભાના કોંગ્રેસી પાટીદાર ધારાસભ્ય પણ છેલ્લા એક વર્ષથી તરફડિયાં મારીને પાર્ટી બદલવા માટે આંટાફેરા કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમનો મેળ પડ્યો નથી. જોકે થોડા દિવસ અગાઉ એક જાહેર કાર્યક્રમમાં આ ધારાસભ્ય મુખ્યમંત્રીને પગે પણ લાગ્યા હતા. જોકે રાજકીય વાતાવરણ ગરમાતાં તેમણે ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપ્યો હતો, પણ હાર્દિક પટેલ સાથે તેઓ હાથમાં કમળ પકડે એવી શક્યતા પૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.