અમદાવાદના હાથીજણ પાસે આવેલી DPS-ઇસ્ટ, હિરાપુર સ્કૂલની માન્યતાને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. DPS હાથીજણ સ્કૂલે પ્રાથમિક વિભાગ શરૂ કરવા માટે કરેલી અરજીને પ્રાથમિક શિક્ષણ નિયામકે ફગાવી દીધી છે અને ફરથી 1 લાખનો દંડ ફટકાર્યો છે. હાથીજણ વિસ્તારમાં નિત્યાનંદ સ્વામીના આશ્રમના કારણે વિવાદમાં આવેલી DPS-ઇસ્ટ સ્કૂલના સંચાલકો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી અને વાલીઓને અંધારામાં રાખીને માન્યતા હોવાનો દાવો કરી રહ્યાં હતા. જોકે હવે શિક્ષણ વિભાગ અને સ્કૂલ સંચાલકો વચ્ચે ચાલેલી લાંબી કાયદાકીય લડત અને દસ્તાવેજી કાર્યવાહી બાદ પ્રાથમિક સ્કૂલ શરૂ કરવા માટે કરેલી અરજીને ફગાવી દીધી છે. આ મામલે DivyaBhaskarએ સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્ક કરવા માટે પ્રયાસો કર્યા હતા. જો કે તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
આશરે 400 વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર
શિક્ષણ વિભાગને અંધારામાં રાખીને નવા શૈક્ષણિક વર્ષ 2021થી સ્કૂલ પરવાનગી ન હોવા છતાં સ્કૂલ ચાલુ રાખી હતી, જેથી સ્કૂલ સંચાલકોની અનિયમિતતા અને સરકારી નિયમોના ઉલ્લઘંન બદલ માન્યતા માટેની અરજી રદ કરી દીધી છે. આમ સ્કૂલ સંચાલકોની ભૂલને કારણે અંદાજે 400 વિદ્યાર્થીઓનું ભણતર જોખમમાં મુકાયું છે.
2020માં જિલ્લા શિક્ષણ વિભાગે 50 લાખનો દંડ ફટકાર્યો હતો
હાઇકોર્ટના આદેશ બાદ 2020-મે મહિનામાં સ્કૂલ સામે ફરીથી તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી. જેમાં જિલ્લા શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા, જે સંતોષકારક ન જણાતા ઓક્ટોબર 2020માં જિલ્લા શિક્ષણ વિભાગે સ્કૂલની માન્યતા રદ કરી રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો હતો. આ નિર્ણયની સામે પણ સ્કૂલ સંચાલકોએ શિક્ષણ વિભાગમાં અપીલ કરી હતી. જોકે શિક્ષણ વિભાગે આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. સાથે-સાથે સંચાલકોને નવેસરથી સ્કૂલ શરૂ કરવા માટેનો વિકલ્પ આપ્યો હતો. જે સંદર્ભે ફેબ્રુઆરી 2021માં જિલ્લા કક્ષાએ નવી સ્કૂલ માટેની અરજી કરવામાં આવી હતી.
નિયમોનું પાલન ન થતાં માન્યતા ન આપી
પ્રાથમિક શિક્ષણ નિયામકે સ્કૂલના ભૂતકાળના આચરણ અને કરેલી ભૂલ તથા વારંવાર સરકારી નિયમોના ભંગ બદલ નવેસરથી સ્કૂલ શરૂ કરવાની અરજીને સ્વીકારી નથી. મહત્વની વાત એ છે કે સ્કૂલને શૈક્ષણિક વર્ષ 2019-20 સુધી ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ સંચાલકોએ નવેસરથી સ્કૂલ શરૂ કરવા અરજી કરી હોવાના દાવા સાથે સ્કૂલ ચાલુ રાખી હતી, જે મામલે પ્રાથમિક શિક્ષણ નિયામકે ગંભીરતાથી નોંધ લીધી છે. આ સાથે જ સંચાલકોને રૂ. 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.