મોંઘું પાણી:દરરોજ 62 લાખની કિંમતનું 145 કરોડ લિટર પાણી વાપરે છે અમદાવાદીઓ, ચોંકાવનારા આંકડા

એક વર્ષ પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • કૉપી લિંક

ઉનાળાની શરૂઆતના સમયમાં જ પાણીનો કકળાટ દર વર્ષની માફક શરૂ થઈ ગયો છે. હાલ માહિતી પ્રમાણે, ગુજરાતના એક જ ડેમમાં પાણી રહ્યું છે. બીજા ડેમો ખાલી થઇ ગયા છે. આમ છતાં કેટલાક નાગરિકો દ્વારા પાણી વેડફવામાં આવતું હોવાનું ક્યાંક ક્યાંક જોવા મળે છે. એમાંય વળી અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદના નાગરિકોને નર્મદાનું પાણી આપવામાં આવે છે. આ પાણી મેળવવા બદલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષેદહાડે 225 કરોડથી વધુ રકમ સરકારને ચૂકવે છે. મહિને 18 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવે છે. જ્યારે રોજના 62 લાખથી વધુ રકમ ચૂકવવાની થાય છે. આ આંકડા ચોંકાવનારા છે. એમાંય પાણીનો દુરુપયોગ કરનારા માટે આંખો ખોલનારા છે.

પાણીના ટીપા ટીપાની કિંમત છે અને પાણી પૈસે વેચાશે એવી કહેવત છે. આ કહેવત અમદાવાદ શહેરના કિસ્સામાં સાચી સાબિત થઇ છે. પ્રત્યેક નાગરિકને નાહવા-ધોવા સહિત પીવા માટે રોજનું 150 લિટર પાણી જોઇએ. પ્રત્યેક પરિવારમાં પાંચ સભ્યની ગણતરી કરીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 750 લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે હાલમાં કેટલીક સોસાયટીઓ અથવા તો ફેકટરીઓ પોતાના બોર બનાવીને પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ સમગ્ર શહેરીજનોને પાણી પહોંચાડવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ તથા સિંચાઇ વિભાગ પાસેથી પાણી મેળવે છે. એ બદલ તેમને દર વર્ષે રકમ ચૂકવવામાં આવે છે.

પાણી આપવામાં પણ ઉત્તરોત્તર વધારો થયો
બંને વચ્ચે થયેલા કરારો પ્રમાણે, પ્રત્યેક એક હજાર લિટરે પાણીની રકમ નક્કી કરવામાં આવે છે. એ પ્રમાણે 2021-22માં પ્રત્યેક પ્રત્યેક એક હજાર લિટરના 4.18 રૂપિયા હતા. એ વધીને 2022-23માં પ્રત્યેક પ્રત્યેક એક હજાર લિટરના 4.60 રૂપિયા ચૂકવવાના રહેશે. દર વર્ષે એમાં 10 ટકાનો વધારો થાય છે. ગત 2021-22ના વર્ષમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 226 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આજથી પાંચ વર્ષ પહેલાં 2016-17માં શહેરીજનોને દરરોજ 704 એમ.એલ.ડી. પાણી પૂરું પાડવામાં આવતું હતું. એની સામે 2021-22માં દરરોજનું સરેરાશ 1450 એમ.એલ. ડી. પાણી પૂરું પાડવામાં આવે છે.

પાણી પેટે ચૂકવાતી દૈનિક 18 લાખની રકમ આજે 62 લાખે પહોંચી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે દર વર્ષે જુદી જુદી રકમ ચૂકવાય છે. વર્ષ 2016-17માં પ્રત્યેક 1 હજાર લિટરે પાણી મેળવવા બદલ 2.59 રૂપિયા લેખે વર્ષે 67 કરોડ ચૂકવ્યા હતા, એટલે કે અંદાજ પ્રમાણે, દરરોજના સરેરાશ 18 લાખ અને મહિને 5.58 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે 2017-18માં પ્રત્યેક 1 હજાર લિટરે 2.85 રૂપિયા લેખે દરરોજના 26 લાખ અને મહિનાના 7.83 કરોડ, 2018-19માં પ્રત્યેક 1 હજાર લિટરે 3.14 રૂપિયા લેખે દરરોજના 36 લાખ અને મહિનાના 10.83 કરોડ ચૂકવ્યા હતા. તો 2019-20માં 3.45 રૂપિયા લેખે દરરોજના 43 લાખ અને માસિક 13 કરોડ તથા 2020-21માં પ્રત્યેક 1 હજાર લિટરે 3.80 રૂપિયા લેખે દરરોજના 50 લાખ અને માસિક 15.25 કરોડ રકમ ચૂકવવામાં આવી હતી, જે 2021-22માં પ્રત્યેક 1 હજાર લિટરે રકમ 4.18 રૂપિયા થતાં દરરોજના 62 લાખ અને માસિક 18.83 લાખની સરેરાશ રકમ ચૂકવવાની થઇ હતી અને વર્ષે 226 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

દૈનિક વપરાશ વધીને 1484 એમએલડી પર પહોંચ્યો
છેલ્લાં છ વર્ષની સ્થિતિ તપાસીએ તો 2016-17માં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરેરાશ 704.213 એમ.એલ.ડી. પાણી મેળવતા હતા, જે 2017-18માં વધીને 899.418 એમ.એલ.ડી. મેળવતા હતા. તો 2018-19માં 1138.742 એમ.એલ.ડી. અને 2019-20માં 1240.670 એમએલડી, 2020-21માં 1316.956 તથા 2021-22માં 1484.008 એમ.એલ.ડી. પાણી મેળવતા હતા.

226 કરોડના ખર્ચ સામે પાણીવેરા પેટે 176 કરોડ મળ્યા
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દરરોજ શહેરીજનોને પાણી આપવામાં આવે છે. એ બદલ નાગરિકો પાસેથી દર વર્ષે ઉઘરાવવામાં આવતા ટેક્સમાં પાણીવેરો પણ વસૂલવામાં આવે છે. શહેરીજનો દ્વારા ગત 2021-22માં પાણીવેરાની રકમ ભરવામાં આવી હતી.

ત્રણ કેનાલમાંથી અમદાવાદને પાણી મળે છે
અમદાવાદ શહેરના નાગરિકોને જાસપુર-ધોળકા બ્રાન્ચ કેનાલમાંથી 400 એમ.એલ.ડી., કોતરપુર મેઇન કેનાલમાંથી 850 એમ.એલ.ડી. અને શેઢી કેનાલમાંથી 200 એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે. મતલબ કે રોજનું શહેરીજનોને 1450 એમ.એલ.ડી. પાણી અપાય છે. લિટર પ્રમાણે ગણતરી કરીએ તો પ્રત્યેક એમ.એલ.ડી. એટલે 1 કરોડ લિટર પાણી થાય છે. 1450 એમએલડી એટલે 145 કરોડ લિટર પાણી અમદાવાદીઓને અપાતું હોવાનું કોર્પોરેશનનાં સૂત્રોએ જણાવ્યું છે.

176 કરોડ રૂપિયા પાણીવેરા પેટે મળે છે: પ્રદીપ દવે
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની રેવન્યુ કમિટીના વાઇસ-ચેરમેન પ્રદીપ દવેએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે ટેક્સ ઉઘરાવવામાં આવે છે. એમાં પાણીવેરો 33 ટકા વસૂલવામાં આવે છે. 2021-22માં શહેરીજનોએ ભરેલા ટેક્સમાંથી 176.18 કરોડ રૂપિયા જ પાણીવેરા પેટે કોર્પોરેશનને મળ્યા હતા.

દર વર્ષે એપ્રિલમાં 10 ટકાનો વધારો થાય છે: જતીન પટેલ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીના ચેરમેન જતીન પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે પ્રજાને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે કોર્પોરેશન દ્વારા તબક્કાવાર જરૂરી પુરવઠો મેળવાઈ રહ્યો છે. 2021-22માં પ્રત્યેક એક હજાર લિટરના 4.18 રૂપિયા લેખે 226 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. દર વર્ષે એપ્રિલમાં જૂના ભાવમાં 10 ટકા વધારો કરવામાં આવે છે. જેથી પ્રજાએ પાણીનો જરૂરી ઉપયોગ અવશ્ય કરવો જોઇએ, પરંતુ એનો વેડફાટ ના થાય એ જોવા પણ અપીલ કરી છે.