• Gujarati News
  • Dvb original
  • Ahmedabadi Youth Lost His Leg In An Accident And Dreamed Of Joining The Police, Struggled A Lot To Become The Country's First 'para Stand Up Comedian'

પોઝિટિવ સ્ટોરી:અમદાવાદી યુવાને અકસ્માતમાં પગ ગુમાવ્યો ને પોલીસમાં જવાનું સ્વપ્ન રોળાયું, ખૂબ સ્ટ્રગલ કરીને દેશનો પહેલો 'પેરા સ્ટેન્ડ અપ કોમેડિયન' બન્યો

અમદાવાદએક મહિનો પહેલાલેખક: રાજેશ વોરા

હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું. નાનપણથી મારું એક જ સ્વપ્ન હતું, પોલીસમાં જવાનું અને દેશ સેવા કરવાનું. હું ભણવામાં એવરેજ સ્ટુડન્ટ હતો. ધો.10 અને 12માં મારું રિઝલ્ટ ડિસ્ટિંક્શન હતું, પણ કોલેજમાં હું બહુ ભણતો નહીં. કોલેજમાં મારાં બે જ કામ હતાં. થિયેટર કરવાનું અને GPSC ક્લાસ 1 અને 2ની પરીક્ષાની તૈયારી કરવાનું. GPSCની પરીક્ષા ખેંચાઈ એટલે પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું ફોર્મ ભર્યું. એ વખતે શારીરિક કસોટી પહેલાં લેવાતી અને લેખિત પછી. શારીરિક કસોટીનો પહેલો તબક્કો પાસ કર્યો અને પછી મને એક ગોઝારો અકસ્માત નડ્યો અને જાણે મારાં તમામ સપનાં ચકનાચૂર થઈ ગયાં. આ શબ્દો છે દેશના પહેલા 'પેરા સ્ટેન્ડ અપ કોમેડિયન' સિદ્ધાર્થ ત્રિવેદીના...

આંખ ખૂલી ત્યારે હું અપંગ હતો
ડોક્ટરે કહ્યું, મારો પગ કાપવો પડશે. મારો ડોક્ટરને પહેલો સવાલ એ હતો કે 'હવે તો પોલીસમાં ભરતી નહીં થવાય ને?', ડોક્ટર કંઈ બોલી ના શક્યા. આંખમાંથી વહેતાં આંસુ અને પગમાંથી વહેતા લોહીની વચ્ચે એનેસ્થેસિયા આપી મને ઍમ્પ્યુટેટ(શરીરનું અવયવ કાપી નાખવું) કરવામાં આવ્યો. ઓપરેશન બાદ આંખ ખૂલી ત્યારે હું અપંગ હતો... વિકલાંગ... લંગડો... હોસ્પિટલમાં મને મળવા મિત્રોનાં ટોળેટોળાં ઊમટી આવતાં. પરિવાર અને મિત્રોના સહારે થોડા દિવસો નીકળી ગયા અને ધીમે ધીમે સમાજના સવાલોનો સામનો કરવાનો કદી ન અટકે એવો, અવિરત સફર ચાલ થઈ. ક્યાં થયું? કેવી રીતે થયું? નોકરી કોણ આપશે? છોકરી કોણ આપશે? નાની ઉંમરમાં જિંદગી બગડી ગઈ નઈ? આવા તો હજારો સવાલોનો મારો થયો.

મેં નક્કી કર્યું કે મારું કામ બોલશે
મેં નક્કી કર્યું કે હું કોઈને જવાબ નહીં આપું. 130 કરોડના દેશમાં તમે જવાબ આપવા રહો તો જવાબ જ આપતા રહી જાઓ. મેં નક્કી કર્યું કે મારું કામ બોલશે, પણ કયું કામ? પોલીસમાં જવાય એવું તો રહ્યું નહોતું. કોલેજકાળમાં મંચ પર નાટકો અને સ્પર્ધાત્મક પરીક્ષા પાછળ જ ધ્યાન આપ્યું હોવાથી B.Com.માં માત્ર 47% હતા. એટલામાં નોકરી કોણ આપે? ક્યાંક મળે તોપણ દયાભાવ અને સહાનુભૂતિના આધારે જ મળે, જે વાતથી મને નફરત હતી.

પ્રયાસો કરવાનું, વલખા મારવામાં બદલાઈ ગયું
મેં નક્કી કર્યું કે હું ભગવાને આપેલી આવડતનો ઉપયોગ કરીને આગળ વધીશ. આમ પણ ગુમાવવા માટે કંઈ હતું નહીં. બહુ ધક્કા ખાધા, એટલી હદે કે પ્રયાસો કરવાનું હવે વલખા મારવામાં બદલાઈ ગયું હતું. ઘરેથી કોઈ પ્રેશર ક્યારેય નહોતું, પણ મને ખબર હતી કે મારી સાથેના મારા મિત્રો લાખોના પગારવાળી નોકરીઓ કરી રહ્યા હતા અથવા તો બિઝનેસ કરવા લાગ્યા હતા. વિદેશ સેટલ થતાં અને નહીં તો પછી લગ્ન કરી રહ્યા હતા. મેં મનોબળને સાંધા મારીને જેમ તેમ રફુ કરી રાખેલું હતું. સમય અને સંજોગોનો હજી એક વધારાનો ફટકો પડત તો કદાચ તૂટીને ટુકડા થવાની અવસ્થા આવી જાત, પણ એવામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં હું સિલેક્ટ થયો. RJની નોકરી હતી. પ્રાઇમ ટાઇમ શો કરવાની સોનેરી તક, જે ડૂબતો તણખલાને પકડે એમ મેં ઝડપી લીધી.

હું સહાનુભૂતિથી કંટાળ્યો હતો
મેં મારી દિવ્યાંગતાને છતી ના કરી. કારણ બસ એક જ હતું કે સહાનુભૂતિથી હું કંટાળ્યો હતો. અપંગ મને અકસ્માતે નહીં, પણ સમાજના સવાલો અને સમાજની એ નજરોએ બનાવ્યો હતો. મેં નક્કી કર્યું કે બસ ! No more sympathy. હું ખાલી મારા કામને જ બોલવા દઇશ. ખૂબ કામ કર્યું, મહેનત કરી, લોકોને હસાવ્યા અને મનોરંજન પૂરું પાડ્યું. લોકોએ અઢળક પ્રેમ આપ્યો, પ્રસિદ્ધિ આપી. જોતજોતાંમાં 5 વર્ષ નીકળી ગયાં.

સ્ટેન્ડ અપ કોમિડિયન બનવા મહેનત કરી
ગુજરાતમાં હવે લોકો મારા કામથી મને ઓળખતા હતા અને બસ આ જ જોઈતું હતું મારે. સ્ટેજ પરથી લોકોને હસાવીને મળતા એડ્રેલીન રસને એક સ્ટેપ આગળ લઈ જવાનું નક્કી કર્યું, મનમાં રહેલી 'સ્ટેન્ડ અપ કોમેડિયન' બનવાની ઇચ્છા પાછળ મહેનત કરવાનું ચાલુ કર્યું. ચાર લોકો મારી વાત સાંભળે એવી પરિસ્થિતિ જેવી સર્જાઈ કે તરત જ એને તકમાં પરિવર્તિત કરી. મારા દિવ્યાંગ ભાઈ બહેનોનો અવાજ બનવાનું મેં નક્કી કર્યું. એ સમય આવી ગયો હતો કે, જ્યાં હું ડંકાની ચોટ પર કહી શકતો કે, કશું અશક્ય નથી. જો હું કરી શકુ છું તો કોઈ પણ કરી શકે છે.

સ્ટેજ પર મારી દિવ્યાંગતા જાહેર કરી
પણ આ બધા માટે મારે મારી દિવ્યાંગતા છતી કરવી જરૂરી હતી. સ્ટેન્ડ અપ કોમેડીનું પ્રિમિયર રાખ્યું. ફિલ્મી સિતારાઓ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ , ફેમિલી અને ફ્રેન્ડ્સની સામે એક સરસ શો પિરસ્યો. મારા કામ માટે મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. બસ આ જ એ ઘડી હતી. સ્ટેજ પર મારી દિવ્યાંગતા ઉઘાડી મૂકી. ઓડિટોરિયમમાં સોંપો પડી ગયો. હસતા ગાલ ઉપર ખુશીના આંસુ આવવા લાગ્યા અને ગર્વ એ ઓડિટોરિયમના ખુણે ખુણામાં વ્યાપી ગયો, ત્યાં હાજર તમામ લોકોએ મારી હિંમતને બીરદાવી અને મને તથા બીજા કોઈ પણ દિવ્યાંગને ક્યારેય સહાનુભૂતિની નજરે ના જોવાનુ નક્કી કર્યુ.

હું દેશનો પહેલો પેરા સ્ટેન્ડ અપ કોમેડિયન છું
આજે હું ભારતનો પહેલો 'પેરા સ્ટેન્ડ અપ કોમેડિયન' છું. મારા શોની ગુજરાત ટુર અનાઉન્સ થઈ ગઈ છે, જેના તુરંત જ પછી હું મારો લાઇવ શો ભારતભરમાં પરફોર્મ કરીશ અને જો ઇશ્વર શક્તિ આપશે તો વિદેશમાં શો કરવાની માંગ પણ પુરી કરી શકીશ. મારા જીવનના બે ધ્યેય છે. લોકોને હસાવવુ અને મારા દિવ્યાંગ ભાઈઓ બહેનો પ્રત્યે દુનિયાનો આ બિચારા દ્રષ્ટિથી જોવાનો અભિગમ બદલવો. જે હું કરીને રહીશ.

અન્ય સમાચારો પણ છે...