• Gujarati News
  • Dvb original
  • Ahmedabadi Startup 'Menstrupedia' Hits 'Shark Tank' Too, 'Even In Big Cities, Girls Don't Know About Their Bodies': Founder Aditi Gupta

ભાસ્કર ઇન્ટરવ્યૂકોમિક બુકથી સેક્સનું એજ્યુકેશન:અમદાવાદી સ્ટાર્ટઅપ 'મેન્સ્ટ્રુપીડિયા’એ ‘શાર્ક ટેન્ક’માં પણ તહેલકો મચાવી દીધો, શહેરોમાં પણ છોકરીઓને શરીરની માહિતી નથી: અદિતિ ગુપ્તા

3 મહિનો પહેલાલેખક: રવિરાજસિંહ જાડેજા
  • કૉપી લિંક

‘12 વર્ષની ઉંમરે જ્યારે પહેલીવાર મને પિરિયડ્સ આવ્યા ત્યારે કંઈ સમજ જ નહોતી પડતી કે શું કરવું? હું તો એક વકીલની દીકરી હતી, ખૂબ જ સુખ-સુવિધાથી સમૃદ્ધ ઘરમાં રહેતી હતી છતાં મને સેનિટરી પેડની સુવિધા ન મળી, કપડું વાપરવું પડ્યું. એટલુ જ નહીં, એને પુરુષોથી સંતાડવું પડ્યું. મારે એ ચાર દિવસ દરમિયાન અથાણાં-રસોડાથી પણ દૂર રહેવાનું.’ એક તો શરીરમાંથી વહેતું લોહી ને પારાવાર પીડા. ઉપરથી આવી આભડછેટ. અસહ્ય પરિસ્થિતિ હતી એ.

આટલું વાંચીને તમને લાગશે કે આ તો ઘર-ઘરની કહાની છે, પરંતુ મૂળ ઝારખંડની અદિતિ ગુપ્તા નામની યુવતી આ કહાનીમાં એક અદભુત ટ્વિસ્ટ લાવી.

અદિતિએ મનમાં ગાંઠ વાળી કે પોતે પોતાની ટીનેજમાં જે સામાજિક આભડછેટની માનસિક પીડા ભોગવી એ બીજી એકેય છોકરીને ભોગવવા નહીં દે. આ નેમ સાથે તેણે ‘મેન્સ્ટ્રુપીડિયા’ નામના અનોખા સ્ટાર્ટઅપની સ્થાપના કરી. આ સાથે જ એક છોકરીમાંથી સ્ત્રી બનવા દરમિયાન શરીરમાં થઈ રહેલા ફેરફારોને હસતાં-રમતાં સમજાવવાની અને યુવતીઓને સશક્ત બનાવવાના અભિયાનની શરૂઆત થઈ. અત્યારે અમદાવાદમાં રહેતી અદિતિ ગુપ્તાનું નામ કે ચહેરો જાણીતો લાગ્યો હોય તો એનું કારણ છે ‘સોની ટીવી’ પર આવતો સુપરહિટ શૉ ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’. અદિતિ પોતાના મેન્સ્ટ્રુપીડિયા સ્ટાર્ટઅપને ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’ની પહેલી સીઝનમાં લઈ ગયેલી અને એમાં ‘એમક્યોર ફાર્મા.’ની સ્થાપક નમિતા થાપર પાસેથી 50 લાખ રૂપિયાનું માતબર ઇન્વેસ્ટમેન્ટ પણ લઈ આવી હતી. આ ઉપરાંત અદિતિને મળેલા અવોર્ડ્સ અને સન્માનોની યાદી તો ઘણી લાંબી છે.

‘મેન્સ્ટ્રુપીડિયા’ તરુણાવસ્થાના ફેરફારો સમજાવતી એક કોમિક બુક છે, જેના ક્રિએટર છે અદિતિ ગુપ્તા. વર્ષ 2012માં પતિ તુહિન પોલ સાથે મળીને તેણે આ કામની શરૂઆત કરી હતી. ઝારખંડના એક નાનકડા શહેર ગઢવામાં સાધારણ અને મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી અદિતિ એક લોકપ્રિય TED સ્પીકર અને એક સોશિયલ આંત્રપ્રિનર પણ છે. ઝારખંડમાં બી.ટેક. કરીને અમદાવાદની NIDમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.

2012માં મેન્સ્ટ્રુપીડિયાની શરૂઆત પછી ‘ટાઇમ’, ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’, ‘રોઇટર્સ’, ‘CNBC’, ‘BBC’ સહિત અનેક ન્યૂઝ મીડિયા તેમને અને તેના કામને કવર કરી ચૂક્યા છે. વર્ષ 2014માં તે ‘Forbes India 30 Under 30’માં પણ સ્થાન મેળવી ચૂકી છે. આ ઉપરાંત વર્ષ 2018માં તેને ‘બિઝનેસ ટુડે મોસ્ટ પાવરફુલ વુમન ઇન ઇમ્પેક્ટ’ની ઉપાધિ પણ મળી ચૂકી છે.

‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે’ નિમિત્તે અદિતિ ગુપ્તા સાથે નિરાંતે વાતો કરવા માટે ‘દિવ્ય ભાસ્કર’ પહોંચ્યું તેના નિવાસસ્થાને અને એકદમ સાત્ત્વિક લીંબુ પાણીના ઘૂંટડાઓ સાથે તેની ખાટી-મીઠી સફર વાગોળી. હવે શરૂ થાય છે અમારા સવાલો અને અદિતિ ગુપ્તાના જવાબોનો સિલસિલો...

‘દિવ્ય ભાસ્કર’ (DB)નો પહેલો પ્રશ્નઃ ‘વિકિપીડિયા’, ‘એન્સાઇક્લોપીડિયા’ તો સાંભળ્યું હતું, આ ‘મેન્સ્ટ્રુપીડિયા’ વળી શું છે?
અદિતિ ગુપ્તા (AG):
મેન્સ્ટ્રુપીડિયા એક કોમિક છે. જેમ ચાચા ચૌધરી, માર્વેલ વગેરેની ચિત્રકથાઓનાં કોમિક્સ આવે છે એવું. ફરક એટલો છે કે આ ‘મેન્સ્ટ્રુપીડિયા’ કોમિક્સમાં સ્ત્રીનાં શરીરમાં તરુણાવસ્થામાં જે ફેરફારો આવે છે એને એકદમ હળવાશથી, જરાય અશ્લીલ કે બોરિંગ બનાવ્યા વિના રસપ્રદ રીતે પેશ કરાય છે. એક્ચ્યુઅલી, ટીનેજર્સ પોતાના શરીરમાં આવતા ફેરફારોને સમજવા માટે આજે પણ પોતાનાં માતાપિતા સાથે ખૂલીને વાત કરી શકતા નથી. ત્યાર પછી તેઓ ગૂગલ સર્ચ મારે છે અને ક્યારે તેઓ પોર્ન સાઇટ્સ પર પહોંચી જાય છે એ ખબર પણ નથી રહેતી. ત્યારે મેન્સ્ટ્રુપીડિયા માતાપિતા અને બાળકો વચ્ચે એક એવું માધ્યમ બની શકે છે. માતાપિતાના આ સંકોચને દૂર કરી તેમનાં બાળકોને તેમના શરીરમાં થતા ફેરફારો વિશે સમજાવવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. આજથી એક દાયકા પહેલાં 2012માં મારા પતિ તુહિન પોલ સાથે મળીને અમે ‘મેન્સ્ટ્રુપીડિયા’ શરૂ કર્યું હતું.

DB: પ્રજનન તો દરેક સ્કૂલમાં ભણાવવામાં આવે છે, તો આ કોમિક બુકની જરૂરિયાત કેમ ઊભી થઈ?
AG:
મેન્સ્ટ્રુપીડિયા શરૂ કરતાં પહેલાં અમે મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં સર્વે કર્યો અને આ સર્વેનાં તારણો એકદમ ચોંકાવનારાં હતાં. ગામડાંની વાત તો દૂર રહી, શહેરી વિસ્તારોની છોકરીઓ અને સ્ત્રીઓને પણ પિરિયડ્સ વિશે ખૂબ જ ઓછી અથવા ખોટી માહિતી હતી. મોટા ભાગની છોકરીઓને પહેલીવાર પિરિયડ્સ આવ્યા ત્યાં સુધી તેમને આ વાતની ખબર જ નહોતી! ઘણી છોકરીઓને તો લાગેલું કે તેમને બ્લડ કેન્સર થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ તેનું મૃત્યુ થશે! આ છોકરીઓને સરેરાશ છઠ્ઠા કે સાતમા ધોરણમાં પિરિયડ્સ આવ્યા હતા, પરંતુ અભ્યાસક્રમમાં 8મા અને 9મા ધોરણમાં આ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઘણાં જાગ્રત માતા-પિતા અને શિક્ષકો છોકરીઓને પિરિયડ્સ આવે એ પહેલાં એ વિશે શિક્ષિત કરવા માગતાં હતાં, પણ કોઈ યોગ્ય શૈક્ષણિક સામગ્રી જ નહોતી. ત્યારે અમને વિચાર આવ્યો કે એવું કોઈ માધ્યમ હોવું જોઇએ, જે છોકરીઓને યોગ્ય ઉંમરે પિરિયડ્સ વિશે માહિતગાર કરી શકે.

ઘણું વિચાર્યા પછી અમને આ કોમિક બુક બનાવવાનો વિચાર આવ્યો, જેમાં એક છોકરી તરુણાવસ્થા દરમિયાન કયા-કયા તબક્કાઓમાંથી પસાર થાય છે? અને એ તબક્કાઓ દરમિયાન તેમણે શું-શું કરવું? પિરિયડ્સની પૂરેપૂરી માહિતી વિસ્તૃત રીતે ઉદાહરણ દ્વારા કોમિક બુકમાં કાર્ટૂન કેરેક્ટરના માધ્યમથી સમજાવી છે. આ કોમિક બુક એટલે ‘મેન્સ્ટ્રુપીડિયા’.

DB: આ કોમિક બુક બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? પ્રેરણા ક્યાંથી મળી?
AG:
ફ્રેન્કલી કહું તો મારી પોતાની જ લાઇફ પરથી. હું 12 વર્ષની હતી ત્યારે મને પહેલીવાર પિરિયડ્સ આવેલા, પરંતુ મોટા ભાગની સ્ત્રીઓની જેમ મને એ વિશે કશી જ ખબર નહોતી. સેનિટરી પેડની ખરીદીને શરમજનક ગણવામાં આવતી હતી. અનેકવાર મારે કપડું વાપરવું પડતું, એને ફરીવાર વાપરવા માટે ધોઇને કોઈ અંધારી ગુપ્ત જગ્યાએ સૂકવવું પડતું, જેથી પુરુષોને કે અન્ય કોઇને એ વિશે ખબર ન પડે. આ દિવસો દરમિયાન સ્ત્રીઓને ‘અશુદ્ધ’ ગણવામાં આવે, એટલે અમને કોઇનેય અડકવાની, પૂજા કરવાની, રસોડામાં જવાની, ઇવન સોફા પર બેસવાની પણ છૂટ નહોતી. આવા તો કેટલાય પ્રતિબંધો અમારા પર ઠોકી બેસાડવામાં આવતા, જેને કશું સમજ્યા વિના અમારે સ્વીકારી લેવા પડેલા. પિરિયડ્સ પતે પછી અમારી બેડશીટ પણ બગડી હોય કે નહીં, અમારે જાતે જ અચૂક ધોવી પડતી. છેક સાત દિવસ પછી હું ઘસીને સ્નાન કરું, વાળ ધોઉં, પછી જ હું ‘શુદ્ધ’ બનતી.

છેક 15 વર્ષની ઉંમર સુધી મને આવું શા માટે થાય છે, મારા શરીરમાં એવા તે કયા ફેરફારો થાય છે એ વિશે કશી જ માહિતી નહોતી. પછી જ્યારે હું બીજા શહેરમાં બોર્ડિંગ સ્કૂલમાં દાખલ થઈ, ત્યારે પહેલીવાર સેનિટરી પેડ્સ વાપરવાનું શરૂ કર્યું. એમાંય કેમિસ્ટની દુકાને જઇને ધીમા અવાજે સેનિટરી પેડ્સ માગવા અને એ કાળા પ્લાસ્ટિકમાં વીંટાળીને આપે એ બધું શરમજનક અને એ કરતાંય વધુ અપમાનજનક હતું. કાપડનાં ચીંથરાં તો ઓગળી ગયાં હતાં, પરંતુ પ્રતિબંધો હજી પણ અકબંધ હતા.

આ પ્રતિબંધો સાથે જ વર્ષ 2009માં હું ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન’ (NID)માં જોડાઈ અને અમદાવાદ આવી. અહીં મારી મુલાકાત તુહિન પોલ સાથે થઈ અને આ મુલાકાત જ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની, કોમિક બનાવવા માટેની પ્રેરણાનો સ્રોત બની. આ સિવાય વિનીતા સિંહ કે જે અમારા મેન્ટોર સંજય હાંડા સરની જ વિદ્યાર્થિની છે. તેણે પણ અમને કોમિક માટે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું.

DB: તુહિન પોલ તમારી સાથે કઈ રીતે જોડાયા?
AG:
2009માં NID સાથે જોડાયા પછી પણ હું પિરિયડ્સના જુનવાણી પ્રતિબંધોને ફોલો કરતી હતી, પણ તુહિને મને એમાંથી બહાર કાઢી. તુહિન પહેલો મારો એવો પુરુષ મિત્ર હતો, જેની સાથે હું પિરિયડ્સ વિશે ખૂલીને વાત કરી શકતી હતી. તુહિન પોતે પણ પિરિયડ્સ વિશે ખૂબ જ ઓછું જાણતો હતો, પરંતુ મને પિરિયડ્સની પીડામાંથી બહાર કાઢવા માટે અને પિરિયડ્સ વિશે વધુ જાણવા માટે રાત-દિવસ ઈન્ટરનેટ પર તેણે સર્ચ કર્યું. તેને તરત જ સમજાઈ ગયું કે પિરિયડ્સ વિશે કેટલી ખોટી માહિતી ચારેકોર ફેલાયેલી હતી અને એ વિશે જાગૃતિ ફેલાવવામાં શું શું કરવાની જરૂર છે.

મેં અને તુહિને NIDમાં આ મુદ્દે એક વર્ષ લાંબો એક પ્રોજેક્ટ આદર્યો. એ પ્રોજેક્ટ કરતાં કરતાં અમારા બંને વચ્ચે ક્યારેય પ્રેમ થઈ ગયો એ ખબર જ ન રહી. આ પ્રોજેક્ટ જ્યારે શરૂ કર્યો ત્યારે હું ઘરે હતી અને તેના જ કામ માટે તુહિન પણ ઘરે આવતો-જતો રહેતો. મમ્મી-પપ્પાને પણ મળતો. હું તુહિન સાથે જ લગ્ન કરવા માગતી હતી, પણ મમ્મી-પપ્પાને કઈ રીતે કહેવું? પરંતુ આ પ્રોજેક્ટે જ મારી લવલાઇફ ક્લિયર કરી આપી. આજે હું અને તુહિન અમારાં બાળકો સાથે ખૂબ જ ખુશ છીએ. થોડા સમય પહેલાં જ મેં મારાં બીજા બેબીને જન્મ આપ્યો, તો તુહિન મારા માટે બીજી ઑફિસ બનાવી રહ્યા છે, જેમાં હું મારાં બાળકો સાથે ઑફિસમાં કામ કરી શકું.

DB: ગ્રેટ! પણ તમે જ્યારે મેન્સ્ટ્રુપીડિયા શરૂ કર્યું ત્યારે તમારાં મમ્મી-પપ્પાનો ઓપિનિયન શો હતો?
AG:
મારું ફેમિલી રાંચીમાં રહે છે. મારા પપ્પા અને બંને ભાઈઓ વકીલ છે અને મારા એક ભાભી જજ તરીકે ફરજ બજાવે છે. મારા પિતા સરકારી વકીલ છે અને બંને ભાઈઓ કોર્પોરેટ વકીલ છે, જ્યારે ભાભી બિહારનાં મધ્યપુરામાં જજ છે. જ્યારે હું NIDમાં હતી અને આ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી ત્યારે મારાં મમ્મીએ આ પ્રોજેક્ટના તમામ પ્રોટોટાઈપ જોયા હતા અને એને સમજ્યા પણ હતા, એટલે એમ કહી શકું કે આ સમયે મમ્મીનો સપોર્ટ સારો હતો. મારા પિતા અને ભાઈઓએ પણ મને હંમેશાં મારા કામમાં આગળ વધવા ડગલે ને પગલે પ્રોત્સાહન આપ્યું.

DB: અત્યારે દેશભરમાં ‘મેન્સ્ટ્રુઅલ લીવ’ની ચર્ચા ચાલી રહી છે. એ વિશે તમે શું માનો છો? તમે તમારી કંપનીમાં મહિલા કર્મચારીઓને પિરિયડ્સ દરમિયાન રજા આપો છો?
AG:
તમને વિશ્વાસ નહીં થાય, બિહારમાં વર્ષ 1992થી મેન્સ્ટ્રુઅલ લીવ મળે છે! મારાં ભાભીને દર મહિને 2 દિવસની મેન્સ્ટ્રુઅલ લીવ મળે છે. મારી કંપનીમાં અમે મેન્સ્ટ્રુઅલ લીવ ઓપ્શનલ રાખી છે. મારા મત મુજબ દરેક કંપનીમાં ‘મેન્સ્ટ્રુઅલ લીવ’ની જોગવાઈ હોવી જોઈએ, પણ એ ઓપ્શનલ હોવી જોઈએ, એટલે કે જો તમને જરૂર લાગે તો તમે લઈ શકો. આનાથી તમારી કંપનીના ગ્રોથમાં સારોએવો ફરક પડે છે. જ્યારે કંપની તેની મહિલા કર્મચારીઓને ‘મેન્સ્ટ્રુઅલ લીવ’ આપે છે ત્યારે તે દર્શાવે છે કે તે તેના કર્મચારીઓની ચિંતા કરે છે અને કર્મચારીઓ પણ કંપનીને લાંબા સમય સુધી છોડવાનું વિચારતા નથી.

જોકે ‘મેન્સ્ટ્રુઅલ લીવ’ની પહેલાં તો ક્લીન ટોઈલેટ અને સેનિટાઈઝેશનની સુવિધા પૂરી પાડવી જોઈએ, કારણ કે હજુ પણ ઘણી જગ્યાઓએ આ બેઝિક સુવિધાઓની પણ અછત છે.

DB: ગુજરાતમાં પણ હજુ પિરિયડ્સ એક અસ્પૃશ્ય વિષય જ છે, કહો કે અપરાધની દૃષ્ટિએ જોવામાં આવે છે. તમારી કોમિક બુકથી લોકોની માનસિકતામાં કોઈ ફરક દેખાઈ રહ્યો છે ખરો?
AG:
મેં મારા મેન્સ્ટ્રુપિડિયા પ્રોજેક્ટ દરમિયાન મને એક એવી સમૃદ્ધ બિઝનેસ કોમ્યુનિટી વિશે જાણવા મળ્યું હતું, જેમાં પિરિયડ્સને લઈને નીતિ-નિયમો ખૂબ જ કડક હતા, જેમ કે પિરિયડ્સના દિવસોમાં તમે રસોડામાં પ્રવેશ ન કરી શકો, 3 દિવસ સુધી જમવાનું ન બનાવી શકો વગેરે. ગુજરાત પણ હજુ પિરિયડ્સના જુનવાણી પ્રતિબંધોથી ઘેરાયેલું છે.

છેલ્લાં 5-7 વર્ષમાં કોમિકે લોકોની વિચારધારામાં ઘણા ફેરફાર લાવ્યા છે. અમદાવાદની જ એક સ્કૂલમાં ધોરણ-7 અને 8માં આ બુક્સ વાંચી ચૂકેલી બાળકીઓ હવે તેની શાળાની અન્ય બાળકીઓને પણ એના વિશે જણાવે છે અને પિરિયડ્સ વિશે શિક્ષિત કરે છે. આ ઉપરાંત આ ઉંમરે જ તેને પિરિયડ્સ અને તેના શરીરમાં થતા ફેરફારોની પૂરેપૂરી માહિતી મળતાં તે જ્યારે પણ લગ્ન કરીને પોતાનું ફેમિલી પ્લાનિંગ કરશે તો તેમણે એ સમસ્યાઓમાંથી પસાર નહીં થવું પડે, જેમાંથી તેનાં માતા-પિતા થયાં હતાં. એટલે આના ઉપરથી એવું પણ તારણ નીકળી શકે કે હાલ એક એવી જનરેશનનો સમાજમાં જન્મ થઈ રહ્યો છે, જે પિરિયડ્સને અપરાધ નહીં માને.

જોકે એનો અર્થ એવો જરા પણ નથી કે અમારું કામ અહીં પૂરું થઈ ગયું. હજુ પણ આમાં ઘણું કામ કરવાની જરૂર છે. એક સમય એવો હતો, જ્યારે માતા-પિતા બાળકો સામે પિરિયડ્સનું નામ લેવાનું પણ ટાળતાં હતાં અને હવે તે આ બુક વાંચીને અથવા તો બુક સાથે રાખીને તેનાં બાળકોને તેના શરીરમાં થતા ફેરફારોથી માહિતગાર કરે છે.

DB: કોમિક બનાવતી વખતે તમે કઈ ઉંમરનાં બાળકોનાં જૂથનું લક્ષ્ય રાખ્યું હતું? કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો?
AG:
અમે 9-15 વર્ષનાં બાળકોને ધ્યાનમાં રાખેલાં. જોકે 15 વર્ષથી ઉપરના લોકો માટે પણ આ કોમિક બુક ખૂબ જ ઉપયોગી છે. મને એક કિસ્સો યાદ આવે છે કે અમે બુક પ્રિન્ટ કરાવવા માટે મુંબઈ ઈન્વેસ્ટર્સ પાસે પહોંચ્યા તો તેમના પ્રશ્નો કંઇક એવા હતા કે તમારી આ પિરિયડ્સ પરની કોમિક બુક કોણ ખરીદશે? એક વ્યક્તિએ એમ પણ કહ્યું કે પિરિયડ્સ વિશે જાણવા માટે મેન્સ્ટ્રુપીડિયા શા માટે વાંચીએ? વિકિપીડિયા ન વાંચી લઈએ? આ કોમિક બુક માર્કેટમાં ચાલશે કે કેમ એ જ ઇન્વેસ્ટર્સને ખબર નહોતી પડતી, એટલે એ લોકો એમાં ઇન્વેસ્ટ પણ નહોતા કરતા.

એ સમયે મેં અને તુહિન બંનેએ પોતપોતાની જોબ છોડીને ફુલટાઇમ ‘મેન્સ્ટ્રુપીડિયા’ના કામમાં લાગી ગયેલાં. મેન્સ્ટ્રુપીડિયાની બુક પબ્લિશ કરાવવા માટે ચાર લાખ રૂપિયા પણ અમારી પાસે નહોતા. એ વખતે લોકો પાસેથી પૈસા ઉઘરાવીને પછી એ પ્રોડક્ટ બહાર પાડવાનો ક્રાઉડ ફંડિંગનો કન્સેપ્ટ પણ સાવ નવો હતો.. એ જ અરસામાં એક અંગ્રેજી અખબારે અમારી સ્ટોરી છાપી અને મારી એક સિનિયરે બેંગલુરુથી વીસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું. ઘણા અજાણ્યા લોકોએ પણ ફંડિંગ આપેલું.

DB: અત્યારે તમારી કોમિક બુક કઈ-કઈ ભાષાઓમાં ઉપલબ્ધ છે? વિદેશમાં પણ તમારી કોમિક બુક ચાલે છે?
AG:
અમારી ‘મેન્સ્ટ્રુપીડિયા’ કોમિક બુક અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, આસામી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિળ, તેલુગુ જેવી ભારતીય ભાષાઓ ઉપરાંત સ્પેનિશ, નેપાળી અને હંગેરિયન જેવી વિદેશી ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. યુરોપિયન દેશોમાં સેક્સ એજ્યુકેશન વિશે લોકો સારીએવી સમજણ ધરાવે છે, એટલે ત્યાં અમારી કોમિક બુક્સ ઘણી સારી ચાલે છે. હંગેરીમાં તો એક ગાયનેકોલોજિસ્ટ જ અમારી બુક્સ મગાવે છે.

DB: મેન્સ્ટ્રુએશન, સેક્સ એજ્યુકેશન જેવા વિષયો તમે સરળતાથી શી રીતે સમજાવી શક્યાં?
AG:
આ વાત હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. માની લો કે આપણે કોઈ ફોરેનર લેખકની તરુણાવસ્થા પરની બુક વાંચી રહ્યા છીએ અને એમાં સ્તનનો વિકાસ કેવી રીતે થાય છે? એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તમે એમાં સ્પષ્ટપણે જોઈ શકશો કે આ સ્તનના વિકાસને બે લાઈન અને બે ડોટની મદદથી દર્શાવવામાં આવ્યા હશે, પણ શું એ ખરેખર જે માહિતી તમે સમજવા માગો છો એની સમજણ પૂરી પાડે છે?

નહીં. અમે મેન્સ્ટ્રુપીડિયામાં સ્તનનો વિકાસ દર્શાવવા માટે એક મોડેલ ડિઝાઈન કર્યું. શરૂઆતમાં તો અમે આ મોડેલમાં ફેસ પણ રાખ્યો હતો, પણ એને કારણે કોઈ પ્રોબ્લેમ ન આવે એટલે ફક્ત છાતીનો ભાગ જ રાખ્યો. આ મોડેલમાં છાતીના ભાગની આગળ એક કપડું ઢાંકી દેવામાં આવ્યું અને શરીરમાં સ્તનના ભાગનો ખરેખર કેવી રીતે વિકાસ થાય છે એ દર્શાવવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ મોડેલ ડિઝાઈન કરતી વખતે અમારા મગજમાં એક જ વિચાર હતો કે જ્યારે પણ કોઈ આ મોડેલ જુએ અને તેના વિશે સમજે ને કોઈ બાજુમાં આવી જાય તોપણ તેને તેના કારણે સંકોચનો અનુભવ ન થવો જોઈએ.

આ સિવાય કોમિકમાં એક કિસ્સો આવે છે કે ‘તમે અમને ટેમ્પોનનો ઉપયોગ કરવાનું કહો છો, પરંતુ અમે કેવી રીતે પેશાબ કરીશું? જ્યારે પણ મારે પેશાબ કરવાનો થાય ત્યારે મારે ટેમ્પોન બહાર કાઢવું પડશે?’ મૂત્રમાર્ગ યોનિમાર્ગ કરતા અલગ હોય છે, પરંતુ એ ઘણી સ્ત્રીઓને ખુદને ખબર હોતી નથી. અમે ઇચ્છતા હતા કે તરુણાવસ્થા સમયે મહિલાઓ પોતાના શારીરિક તંત્રને સમજે, જેના માટે અમે કોમિકમાં એક વિગતવાર ઈમેજ દોરી, જેમાં મૂત્રમાર્ગ, યોનિમાર્ગ અને ગુદામાર્ગ વિશે જણાવવામાં આવ્યું છે.

અમે ટેક્નિકલ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે એનાથી કોઈપણ પ્રકારની સેક્સ્યૂઅલ ઈમ્પ્રેશન ના પડે. અમારી કોમિક બીજી અનેક વાતો કરે છે, પરંતુ અમારું ધ્યાન ફક્ત પિરિયડ્સ પર છે.

DB: મેન્સ્ટ્રુપીડિયામાં તમારો રોલ શું છે અને તુહિનનો રોલ શું છે? અત્યારે કેટલા લોકોની ટીમ છે?
AG:
મેન્સ્ટ્રુપીડિયા પોતે એક વેબસાઈટ પણ છે અને અમે કોમિકનું પ્રિન્ટિંગ પણ કરીએ છીએ, એટલે માર્કેટિંગથી માંડીને ક્લાયન્ટ સાથે વાત કરવી કે પછી સ્પોન્સર્સ લાવવા એ તમામ કામ તુહિન સંભાળે છે, જ્યારે કંપનીમાં કોઈ નવા કર્મચારીની ભરતીનું કામ અને કર્મચારીઓને તાલીમ આપવાનું કામ હું સંભાળું છું. અત્યારે અમારી ટીમમાં કુલ 15 લોકો છે.

તુહિન, અદિતિ અને મેન્સ્ટ્રુપીડિયાના ત્રીજા કો-ફાઉન્ડર રજત મિતલ.
તુહિન, અદિતિ અને મેન્સ્ટ્રુપીડિયાના ત્રીજા કો-ફાઉન્ડર રજત મિતલ.

તુહિન અને મારા સિવાય મેન્સ્ટ્રુપીડિયામાં એક ત્રીજા ફાઉન્ડર પણ હતા રજત મિત્તલ. રજત એ તુહિનના કોલેજના મિત્ર હતા. અત્યારે તેઓ કંપનીમાંથી નીકળી ચૂક્યા છે અને કેલિફોર્નિયામાં સેટલ છે. મેન્સ્ટ્રુપીડિયા બનાવતા સમયે અમે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક રૂમવાળા ઘરમાં રહેતાં હતાં અને એ સમયે અમારું પ્લાનિંગ એવું હતું કે પોતાના પર ઓછામાં ઓછો ખર્ચ કરીએ અને બિઝનેસમાં શક્ય તેટલા પૈસાનું રોકાણ કરીએ. જોકે અમારી પાસે સેફ્ટી લાઈન હતી રજત કે તેની પાસે એક સ્ટેબલ જોબ હતી અને જો અમારે પૈસાની જરૂર પડી તો તે બેકઅપમાં છે. સૌથી પહેલા બુક વેચવાની હતી એટલે ઑપરેશનની ટીમ બની. ત્યાર બાદ બુકને ટ્રાન્સલેટ કરવાની વાત આવી એટલે પ્રોડક્શનની ટીમ બની, પછી અમે કન્ટેન્ટ ક્રિએટર્સ, ઈલસ્ટ્રેટર્સ, UX ડિઝાઇનર્સની ભરતી કરી.

DB: તમારું વાર્ષિક ટર્નઓવર કેટલું રહે છે?
AG:
ગયા વર્ષે ટર્નઓવર 1.7 કરોડની આસપાસ હતું અને અમે ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં આ આંકડો 5-10 કરોડ સુધી પહોંચે.

DB: બ્લોગ બનાવવા પાછળનો હેતુ શો હતો?
AG:
એક સમય એવો પણ હતો, જ્યારે લોકો પિરિયડ્સ વિશે વાત કરવાનું ટાળતા હતા, જોકે ઓનલાઈન આ મુદ્દા પર વાત કરવી એકદમ સરળ હતી. મેન્સ્ટ્રુપીડિયાનો હેતુ એ હતો કે અમે પીરિયડ્સને પોઝિટિવ રીતે દેખાડીશું. આ સમયે ઘણા યુઝર્સની સ્ટોરી આવતી હતી, તેને અમે મઠારીને વ્યવસ્થિત આર્ટિકલ બનાવીને બ્લોગ પર પોસ્ટ કરતા હતા.

આ વિશે એક કિસ્સો મને યાદ આવે છે, એક આર્ટિકલ હતો ‘સેક્સ ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન’. આ આર્ટિકલ પર એક લિંક્ડઈન યુઝરનો મેસેજ આવ્યો કે હું મારી ઓફિસમાં આ આર્ટિકલ વાંચી રહ્યો હતો અને મને એ સમયે એ વાંચવામાં જરાપણ સંકોચ કે શરમનો અનુભવ થઈ રહ્યો નહોતો.

DB: ગયા વર્ષે તમે ‘શાર્ક ટેન્ક’માં ભાગ લીધો હતો, એમાં તમને કેવો અનુભવ થયો? એનાથી તમારા બિઝનેસમાં કોઈ ફરક પડ્યો?
AG:
શાર્ક ટેન્ક એક પ્રો-આંત્રપ્રિનર શો છે. ભારતમાં હાલ ‘મેક ઈન ઈન્ડિયા’ અને આંત્રપ્રિનરશિપની એક વેવ આવી છે તથા શાર્ક ટેન્ક શોને તમે આ વેવનો ભાગ કહી શકો. એક સામાન્ય વ્યવસાયને લેયર ટુ લેયર તપાસીને એમાંથી કંઈ નવું બહાર કાઢતો આ શો છે. અહીં આવનાર દરેક બિઝનેસમેન કે બિઝનેસ વુમન એવું ઈચ્છે છે કે તે શાર્ક ટેન્કમાંથી ડીલ લઈને જાય. ઘણા બધા લોકોનાં મનમાં એવું હોય છે કે આ શો સ્ક્રિપ્ટેડ હોય છે, પણ એ સ્ક્રિપ્ટેડ હોતા નથી. એ ફક્ત અમને સ્ટેજ પર જતાં પહેલાં તેના માટે તૈયાર કરે છે. અમને કલાકો સુધી સમજાવે છે કે શું કરવું? શું ન કરવું? અમારા આઈડિયાને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવો? અને તે એના માટે ખૂબ મહેનત કરે છે.

મને પર્સનલી એવું લાગે છે કે ટીવી અને મીડિયા ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો ખૂબ જ મહેનતુ હોય છે. મેં જોયું કે રાતના 2-2 વાગ્યા સુધી તે લોકોના રિહર્સલ કરાવતા અને તેમને તૈયાર કરતા. તે લોકોને પગાર તો 9-5ના જ કામનો મળતો હશે, તેમ છતાં તેઓ રાતના 2-2 વાગ્યા સુધી પૂરા ઉત્સાહ સાથે કામ કરતા. ટીવીમાં જે 10-15 મિનિટની ક્લિપ આવે એ માટે સેટ પર 1-1 કલાક સુધી ચર્ચાઓ થતી હોય છે અને શાર્ક ટેન્કના જજ પણ એકબીજા માટે ખૂબ જ મદદરૂપ હતા, તે તેની સામેના આંત્રપ્રિનર પાસેથી પૂરતી માહિતી મેળવવાનો પ્રયાસ કરતા. આ શોનો અનુભવ અમારા માટે એકદમ પોઝિટિવ હતો.

આ શોમાં નમિતા થાપર અને અશનીર ગ્રોવર (‘ફોન પે’ના કો-ફાઉન્ડર) બંનેએ અમને બિઝનેસ ડીલ ઓફર કરી હતી. અશનીર ઈચ્છતા હતા કે અમે અમારી કોમિક સાથે સેનિટરી પેડ્સ પણ વેચીએ, પરંતુ એ મારા લક્ષ્યથી એકદમ અલગ હતું. અંતે નમિતા સાથે અમારી 50 લાખની ડીલ થઈ. નમિતા એક મેજિકલ આંત્રપ્રિનર છે અને મને એવું લાગે છે કે તેમને બિઝનેસવુમન પ્રત્યે વધુ લાગણી છે. મને તેમની આ વાત ગમે પણ છે, કારણ કે હાલ દેશમાં કામ કરતી મહિલાઓની સંખ્યા એટલી ઓછી છે, જેથી આ પ્રકારના સપોર્ટની ખરેખર જરૂર છે. તે હંમેશાં અમને બિઝનેસમાં પુશ કરતી રહે છે.

જ્યારે એક ઈન્વેસ્ટર તમારી ટીમમાં આવે છે તો તેની ટીમ પણ તેની સાથે તમારી ટીમમાં જોડાય છે. નમિતાની ટીમ અમને રોકાણ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? એની પૂરતી માહિતી પૂરી પાડે છે. અમે અમારો પૂરેપૂરો સ્ટેટિસ્ટિકલ ડેટા દર મહિને તેમની સાથે શૅર કરીએ છીએ કે આ મહિને કેટલી આવક થઈ? માર્કેટિંગમાં કેટલો ખર્ચ કર્યો? નવી પ્રોડક્ટમાં કેટલો ખર્ચ કરીએ છીએ? નવી પ્રોડક્ટ હાલ ક્યા સ્ટેજ પર છે? અને અમારે તમારી શું મદદ જોઈએ છે? વગેરે.

DB: તમારા સ્ટાર્ટઅપ માટે અમદાવાદની પસંદગી પાછળનું કોઈ ખાસ કારણ?
AG:
અમદાવાદમાં બિઝનેસ સ્ટાર્ટઅપ એટલા માટે કર્યું કે મેં અને તુહિને અહીં સારોએવો સમય પસાર કર્યો હતો. અમે અહીં જ NID ગાંધીનગરમાં જ સાથે અભ્યાસ કરતાં હતાં. બીજું એ કે હું અને તુહિન બંને બિઝનેસ બેકગ્રાઉન્ડથી નહોતાં આવતાં. તુહિન પશ્ચિમ બંગાળથી હતા અને હું ઝારખંડથી હતી. મારી એજ્યુકેશન લોન પણ ચાલી રહી હતી અને અમે લગ્ન પણ કરવા માગતાં હતાં એટલે અમે મુંબઈમાં ઇ-લર્નિંગ ઈન્ડસ્ટ્રીમાં જોબ શરૂ કરી હતી. અહીં અમારું એ કામ હતું કે ડ્રાય કન્ટેન્ટને અટ્રેક્ટિવ કેવી રીતે બનાવવું? જોકે અમે આ સમયે વિચારતાં હતાં કે કંઇક અલગ કરવું છે, પણ એ ખ્યાલ નહોતો કે શું કરવું? જ્યારે આ કોમિકનું પ્રોટોટાઈપ તૈયાર કર્યું હતું તો અમારા NIDના પ્રોફેસરોએ અમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો.

જ્યારે મારી એજ્યુકેશન લોન પૂરી થઈ ગઈ અને અમારાં લગ્ન થયાં એ પછી અમે બંનેએ જોબ છોડી દીધી અને અમદાવાદ આવીને બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું. અમદાવાદમાં હું એકદમ સ્વતંત્ર મહેસૂસ કરું છું. જો દિલ્હી કે અન્ય કોઈ મેગાસિટીમાં હું એટલી કમ્ફર્ટેબલ નહોતી કે જેટલી અહીં છું. મારું માનવું છે કે જ્યાં તમે ખૂલીને રહી શકો ત્યાં જ તમે બિઝનેસ માટે ખૂલીને વિચારી શકો. આ ઉપરાંત NIDના પ્રોફેસરોનો સપોર્ટ અહીં બિઝનેસ સ્ટાર્ટઅપની પસંદગી માટેનું કારણ બન્યું.

આ ઉપરાંત અમદાવાદમાં ઓફિસવર્ક પ્રોસેસ એકદમ સરળ છે. નોટરીથી લૉયર સુધીનાં તમામ કામ ખૂબ જ સરળતાથી પતી ગયાં. બીજાં મેગાસિટી કરતાં અહીં ખર્ચા ખૂબ જ ઓછા છે. જો મેન્સ્ટ્રુપીડિયા અત્યારે મુંબઈમાં હોત તો ત્યાંના ખર્ચાને કારણે તે ક્યારેય ઉપર ન આવી શકત.

DB: હવે આગળ શું?
AG:
અમે હાલ ‘Flo Buddy’ નામની એક એપ પર કામ કરી રહ્યાં છીએ. આ એપ પર અમે પિરિયડ્સને લગતા નાના વીડિયોઝ બનાવીને અપલોડ કર્યા છે અને અમે આવનારા સમયમાં બીજા નવા ટોપિક્સ પણ આમાં લાવવાના છીએ. આ સિવાય એપ પર સબ્સ્ક્રિપ્શન મોડલ લાવવાનું વિચારી રહ્યા છીએ. એપના માધ્યમથી અમે વધુ ને વધુ લોકો સુધી પહોંચવા માગીએ છીએ.